You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેદારનાથ 2013 પૂર દુર્ઘટનામાં 'મૃત' જાહેર થયેલી વ્યક્તિ આટલાં વર્ષો પછી પરિવારને 'જીવતી' કેવી રીતે મળી આવી?
- લેેખક, તુષાર કુલકર્ણી
- પદ, બીબીસી મરાઠી
- લેેખક, પ્રાચી કુલકર્ણી
- પદ, બીબીસી મરાઠી માટે
આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે સત્ય કલ્પના કરતાં પણ વધુ હેરાન કરનારું હોય છે. પરંતુ જ્યાં સુધી તમે તેનો અનુભવ નથી કરતાં, ત્યાં સુધી તે એક કહેવત જેવું જ લાગે છે.
શિવમ અને તેમના પરિવાર સાથે જે બન્યું એ તેના કરતાં પણ ઘણો અનોખો આ કિસ્સો છે.
આ પરિવારે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે જેનું 'શ્રાદ્ધ' તેમણે પોતાના હાથે કર્યું હતું, એ વ્યક્તિ કેટલાંક વર્ષો પછી પાછી ફરશે.
પુણેના ક્ષેત્રીય માનસિક ચિકિત્સાલયના કર્મચારીઓ અને પોલીસકર્મીઓના સહયોગથી કંઈક આવું જ થયું છે.
વર્ષ 2013માં કેદારનાથમાં આવેલા પૂરમાં એક વ્યક્તિના પાણીમાં વહી જવા અંગેના સમાચાર આવ્યા હતા અને તે વ્યક્તિને 'મૃત' જાહેર કરી દેવામાં આવી હતી. તેમના પરિવારે તેમના 'પ્રતીકાત્મક અંતિમસંસ્કાર' કર્યા અને 'શ્રાદ્ધ' પણ કર્યું હતું. પરંતુ હવે મૃત જાહેર કરાયેલી આ વ્યક્તિ મહારાષ્ટ્રમાંથી 'જીવિત' મળી આવી છે.
આવું કેવી રીતે બન્યું તેની પાછળ પણ એક રસપ્રદ કહાણી છે. જાણીએ આ અહેવાલમાં...
'મૃત' વ્યક્તિના 'જીવિત' મળી આવવાનો મામલો શું છે?
વર્ષ 2021માં છત્રપતિ સંભાજીનગર જિલ્લાના વૈજપુર તાલુકામાં એક મંદિરમાં ચોરી કરી રહેલા કેટલાક લોકો પકડાઈ ગયા હતા. ચોરોએ ગામલોકોને કહ્યું કે મંદિરમાં ચોરી અહીં રહેતી વ્યક્તિએ જ કરી છે.
આ મંદિરમાં એક આધેડ ઉંમરની વ્યક્તિ રહેતી હતી. તેમને ચોરીના આરોપમાં પકડવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે તેમને કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે જજને ખ્યાલ આવ્યો હતો કે તેઓ માનસિકરૂપે અસ્વસ્થ વ્યક્તિ છે અને પોલિયોથી પીડિત છે. તેઓ બંને પગમાં નબળાઈને કારણે ચાલવામાં પણ અસમર્થ હતા.
કોર્ટે આદેશ આપ્યો હતો કે તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવે કારણ કે તેઓ કેટલાક શબ્દો બોલી રહ્યા હતા.
કોર્ટમાં તેમને કંઈ પણ પૂછવામાં આવતું તો તેઓ તેમનો જવાબ 'ઓમ નમ: શિવાય' કહીને આપતા હતા. તેમને પુણેના યરવડા માનસિક ચિકિત્સાલયમાં કેદીઓના વૉર્ડમાં ભરતી કરવામાં આવ્યા હતા.
ત્યાંના કર્મચારીઓ તેમને શિવમ કહીને બોલાવવા લાગ્યા હતા. જોકે, એ તેમનું અસલી નામ નહોતું.
આ હૉસ્પિટલના સમાજ સેવા વિભાગનાં અધિક્ષક રોહિણી ભોસલેએ બીબીસીને જણાવ્યું હતું કે તેમની ઉંમર લગભગ 50-52 વર્ષની છે.
શિવમ કોઈની સાથે વધુ વાત કરતા નહોતા અને કર્મચારીઓ જે પણ કહેતા તેનું સાંભળીને તેનું પાલન કરતા હતા. વર્ષ 2023માં રોહિણી ભોસલેએ શિવમની ફાઇલ જોઈ અને શિવમ સાથે વાત કરવાની કોશિશ કરી.
શિવમ મરાઠી જાણતા નહોતા અને થોડું થોડું હિંદી બોલવાની કોશિશ કરતા હતા. આથી, તેમણે તેમની સાથે હિંદીમાં વાત કરવાની કોશિશ કરી.
ત્યારે તેમને અહેસાસ થયો કે શિવમ પહાડી હિંદીમાં વાત કરવાની કોશિશ કરી રહ્યા છે.
શિવમના પરિવારની ભાળ કેવી રીતે મળી?
શિવમ તેના પરિવાર કે જૂની યાદો વિશે વધુ બોલી શકતા નથી એ સમજીને રોહિણીએ શિવમને તેની શાળા વિશે પૂછ્યું.
જ્યારે શાળાનો વિષય આવ્યો, ત્યારે તેમણે રૂરકીની એક શાળાનો ઉલ્લેખ કર્યો. (શિવમની ઓળખ બચાવવા માટે શાળાનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.)
રોહિણીએ બીબીસીને કહ્યું, "જ્યારે મેં શાળાનું નામ સાંભળ્યું, ત્યારે મને શરૂઆતમાં ખબર પણ નહોતી કે તે કયા શહેરમાં છે. પરંતુ પછી વાતચીતમાં હરિદ્વારનો ઉલ્લેખ થયો અને મેં ગુગલ પર શોધવાનું શરૂ કર્યું કે શું હરિદ્વાર અને તેની આસપાસ આ નામની કોઈ શાળા છે."
રોહિણી કહે છે, "મને શિવમે આપેલા નામવાળી એક શાળા મળી. મેં શિવમને શાળાનો ફોટો બતાવ્યો અને તેણે તરત જ તેને ઓળખી લીધો. તેની આંખો ચમકી ગઈ."
ત્યારબાદ રોહિણીએ રૂરકી અને હરિદ્વાર પોલીસનો સંપર્ક કર્યો. જ્યારે ઉત્તરાખંડ પોલીસે તપાસ કરી, ત્યારે તેમને સમાન વિગતો ધરાવતા એક માણસનો રેકૉર્ડ મળ્યો.
પરંતુ પોલીસ રેકૉર્ડમાં નોંધાયેલું હતું કે તેઓ (શિવમ) 2013 માં કેદારનાથમાં આવેલા પૂરમાં વહી ગયા હતા.
રોહિણી જણાવે છે કે, "પોલીસે પહેલા શિવમના પરિવારનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે શું કોઈ ગુમ છે. ત્યારબાદ પરિવારે તેમને કહ્યું કે તેમનો ભાઈ કેદારનાથ પૂરમાં વહી ગયો છે. જ્યારે તેનો મૃતદેહ મળ્યો નહીં, ત્યારે તેમણે 'પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર' કર્યા. જ્યારે પોલીસે તેને શિવમનો ફોટો બતાવ્યો, ત્યારે ભાઈએ શિવમને ઓળખી લીધો."
શિવમ વૈજાપુર કેવી રીતે પહોંચ્યા?
શિવમ ઘણાં વર્ષોથી ગુમ હતા. એવું કહેવાય છે કે તે 2013ના પૂરમાં વહી ગયા હતા પરંતુ હકીકત એવી છે કે તેઓ એ ઘટના પહેલાંથી જ ગુમ હતા.
રોહિણી સમજાવે છે કે તેઓ લગભગ 20 વર્ષથી ઘરથી દૂર હતા. શિવમને યાદ નથી કે તેઓ ઉત્તરાખંડથી વૈજાપુર કેવી રીતે પહોંચ્યા. આથી, તેઓ તેનું કારણ સમજાવી શક્યા નહીં.
2015માં શિવમે વૈજાપુરના એક મંદિરમાં રહેવાનું શરૂ કર્યું. તેઓ ત્યાં ખાતા-પીતા, ઊંઘતા, અને સફાઈ પણ કરતા હતા.
પરંતુ રોહિણીનું કહેવું છે કે કોઈને ખ્યાલ નથી કે તેઓ ત્યાં કેવી રીતે પહોંચ્યા.
શિવમનો ઉત્તરાખંડમાં તેના પરિવારના સભ્યો સાથે વીડિયો કૉલ કરાવવામાં આવ્યો હતો. શિવમના ભાઈએ વીડિયો કૉલ પર વાત કરી અને તેણે તેને ઓળખી લીધો. એટલું જ નહીં, શિવમે પોતાના ભાઈને પણ ઓળખી લીધો અને બધાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.
મનોચિકિત્સા હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. શ્રીનિવાસ કોલોડે કહ્યું, "ત્યારબાદ, શિવમ હૉસ્પિટલમાં ખૂબ ખુશ થઈ ગયા. જેમ કે એવું કહેવાય છે કે 'બ્લડ ઇઝ થિકર ધેન ઍની લિક્વિડ'. આજે અમે એ વસ્તુ અમારી આંખોથી જોઈ લીધી. આટલાં વર્ષો પછી પણ શિવમે તેના ભાઈને ઓળખી લીધો."
શિવમનો પરિવાર તેને મળવા પુણે આવ્યો હતો, પરંતુ તેને લઈ જવામાં સમસ્યા આવી.
શિવમ સામેના ચોરીના આરોપોનું શું થયું?
શિવમના સંબંધીઓ મળી ગયા છે પરંતુ તેને ચોરીના કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા નથી. આથી, તેની ધરપકડ કરવામાં આવી છે અને કેદીઓ માટેના મનોચિકિત્સક વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રોહિણી ભોંસલે કહે છે, "જ્યારે મને આ વિશે ખબર પડી, ત્યારે મેં કેસની સ્થિતિ તપાસી. પરંતુ કેસ ચાલી રહ્યો ન હતો. જ્યારે પોલીસ અને ન્યાયાધીશને જાણ કરવામાં આવી, ત્યારે 2023 માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી. તે પછી જ કેસની સુનાવણી થઈ."
શિવમ ચાલી શકતા ન હોવાથી તેમને વીડિયો કૉલ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવતા હતા. ચોરીના કેસમાં શંકાસ્પદોએ કોર્ટને જણાવ્યું કે, "શિવમ ચોરીમાં સામેલ નથી. પરંતુ જ્યારે ગામલોકોએ અમને પકડ્યા, ત્યારે અમે ખોટું બોલ્યા. તે જ જગ્યાએ કામ કરતા એક માણસનું નામ આપ્યું હતું. એ ડરથી કે તેઓ અમને મારી નાખશે."
રોહિણી કહે છે,"તેમની જુબાની પછી સપ્ટેમ્બર, 2025માં કેસનો નિર્ણય લેવામાં આવ્યો અને શિવમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. નવેમ્બરમાં આદેશની નકલ આવી, અને એ પછી અમે શિવમને તેમના પરિવારને સોંપી દીધા છે."
શિવમની પરિવાર સાથે મુલાકાત
રોહિણી કહે છે કે શિવમ અને તેના પરિવારનો મેળાપ કરાવવો એ અમારા માટે એક અવિસ્મરણીય ક્ષણ હતી.
રોહિણીએ કહ્યું, "છેલ્લાં ચાર વર્ષથી, હૉસ્પિટલ સ્ટાફનાં નિલેશ દિઘે અને કવિતા ગાડે વૉર્ડમાં શિવમની ખૂબ સારી સંભાળ રાખી રહ્યાં છે. શિવમને વિદાય આપવી એ અમારા માટે ભાવનાત્મક ક્ષણ હતી કારણ કે તે બધા માટે પરિવારના સભ્ય જેવા બની ગયા હતા. પરંતુ અમે બધા ચોક્કસપણે ખુશ હતા કે તેઓ તેના પરિવાર પાસે જઈ રહ્યા હતા."
સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. શ્રીનિવાસ કોલોડેએ કહ્યું, "છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં, અમારો તેમની સાથે ભાવનાત્મક સંબંધ બની ગયો હતો. તેઓ ખૂબ જ શાંત અને સૌમ્ય વ્યક્તિ છે અને તેમનું કામ ખૂબ સારી રીતે કરે છે. રાત્રિભોજન પછી પ્લેટ ધોવાનું હોય કે પથારી પાથરવાની હોય, તેઓ તેમનું કામ ખૂબ જ સારી રીતે કરે છે."
ડૉ. કોલોડેએ જણાવ્યું હતું કે, "આ પહેલી વાર છે જ્યારે કેદી વૉર્ડમાં રહેલા દર્દીનું આ રીતે તેના પરિવાર સાથે ફરીથી મિલન કરાવવામાં આવ્યું છે.
રોહિણી ભોંસલેએ કહ્યું કે શિવમના ભાઈ સરકારી નોકરીમાં છે અને તેમણે આ ઘટના અંગે મીડિયા સમક્ષ કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે.
રોહિણીએ કહ્યું કે પરિવાર હાલમાં ખુશ છે, પરંતુ તેમણે વિનંતી પણ કરી છે કે તેમની ગોપનીયતાનો આદર કરવામાં આવે. તેથી બીબીસીએ તેમના પરિવાર પાસેથી કોઈ પ્રતિક્રિયા માગી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન