You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોપાલ ઇટાલિયા પર પગરખું ફેંકાયું ત્યારે તેમના મનમાં શું ચાલતું હતું?
આમ આદમી પાર્ટી (આપ)ના વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જામનગરમાં ગત શુક્રવારે પાંચમી ડિસેમ્બરે એક જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું અને તેના કારણે હોબાળો મચી ગયો હતો.
એ સમયે પગરખું ફેંકનાર વ્યક્તિને તરત જ પકડી લેવામાં આવી હતી અને મંચ પર હાજર લોકો પણ નીચે દોડી આવ્યા હતા.
ગોપાલ ઇટાલિયા પર પગરખું ફેંકનાર વ્યક્તિ કથિતપણે કૉંગ્રેસના કાર્યકર્તા હોવાનું સામે આવ્યું હતું.
બીબીસીએ ગોપાલ ઇટાલિયા સાથે આ મુદ્દે વાત કરી હતી. તેમણે આ મુદ્દે શું પ્રતિક્રિયા આપી?
ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?
રાજકોટમાં કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેવા આવેલા ગોપાલ ઇટાલિયા સાથે બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયાએ વાત કરી હતી.
ગોપાલ ઇટાલિયા પર પગરખું ફેંકાયું એ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, "મારા પર પગરખું ફેંકાયું પછી તરત જ મેં મારું ભાષણ ચાલુ કરી દીધું હતું. આપણને ખ્યાલ જ છે કે ભાજપ-કૉંગ્રેસનું કામ જ આ છે. હું જ્યારથી ધારાસભ્ય બન્યો ત્યારથી ભાજપ અને કૉંગ્રેસના લોકો રઘવાયાં થયાં છે. બંનેએ સાથે મળીને જ વીસાવદરની ચૂંટણીમાં પ્રજાનો અવાજ દબાવવાની કોશિશ કરી હતી."
તેમણે કહ્યું હતું કે, "વીસાવદરમાં જનતા પોતે ચૂંટણી લડતી હતી. ભાજપ-કૉંગ્રેસે ભરપૂર કોશિશ કરી કે ગોપાલ ઇટાલિયા હારી જાય. આ તેમને ગમ્યું નથી. વળી, પગરખું ફેંકનાર વ્યક્તિ કૉંગ્રેસની છે અને પોલીસે તેને પ્રોટેક્શન આપ્યું."
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, "બદલો મારી સાથે કેમ લેવો હોય? મેં કંઈ ખોટા કામ કર્યાં નથી. જેમને બદલો લેવો હોય, હિંમત હોય તો ગાંધીનગર જાય. પગરખું ઉછાળનાર વ્યક્તિ પાસે શું કારણ છે? હું જામનગરમાં આજ સુધી કેટલાય કાર્યક્રમો કરી ચૂક્યો છું તો પછી આજે જ કેમ બદલો લેવા આવ્યા?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોપાલ ઇટાલિયાએ 2017ની ઘટના વિશે શું કહ્યું?
2017માં કથિતપણે ગોપાલ ઇટાલિયાએ તત્કાલીન મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર પગરખું ફેંક્યું હતું. એ યોગ્ય હતું કે નહીં એ અંગે બીબીસીએ તેમને પૂછ્યું હતું.
આ સવાલના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, "આ ઘટના પછી હું ઘણો આગળ નીકળી ગયો છું. મેં મારી જાતમાં પરિવર્તન લાવ્યો, પરિસ્થિતિએ મને ઘડ્યો, સમાજે મારું ઘડતર કર્યું, પાર્ટીના માણસોએ મારું ઘડતર કર્યું. હું તેમાંથી આગળ વધી ગયો છું. મારા વિચારો મોકળા કર્યા, લોકોને વધુ ઉપયોગી કેવી રીતે થઈ શકાય એ નક્કી કર્યું."
તેમણે કહ્યું હતું કે, "મારા પર પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે. સમજદારી, સંયમ, ધીરજના ગુણ જોઈને પ્રજાએ મને જિતાડ્યો છે. પ્રજાએ સર્ટિફિકેટ આપ્યું છે."
પગરખું ફેંકનાર વ્યક્તિ કોણ હતી?
જામનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં જામનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનના વૉર્ડ નં. 12ના કૉંગ્રેસના નગરસેવકો ફેમિદાબહેન જુનેજા, અસલામ ખિલજી અને એડવોકેટ જેનબબહેન ખફી તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં જ્યારે ગોપાલ ઇટાલિયા ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ સ્ટેજ નજીક આવીને તેમના પર પગરખું ફેંક્યું હતું. જોકે, એ પગરખું ઇટાલિયાને વાગ્યું નહોતું.
ત્યારબાદ આ વ્યક્તિને આપના કાર્યકર્તાઓએ પકડી લીધી હતી અને પછી ઝપાઝપી થઈ ગઈ હતી.
એ પછી આ વ્યક્તિની ઓળખ છત્રપાલસિંહ જાડેજા તરીકે થઈ હતી જેઓ કથિતપણે કૉંગ્રેસના જામનગરના કાર્યકર્તા છે.
છત્રપાલસિંહની ફેસબુક પ્રોફાઇલ પ્રમાણે તેઓ વીમાનું કામ કરે છે અને જામનગરમાં એક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીનો હોદ્દો પણ સંભાળે છે. તેઓ જામનગર શહેર કૉંગ્રેસના સંગઠન મંત્રી છે.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર છત્રપાલસિંહ જાડેજાનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો. જેમાં તેને 'ભૂતપૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંક્યું હતું તેનો તેમણે બદલો વાળ્યો' હોવાનું કહેતા સાંભળી શકાય છે.
તેઓ વીડિયોમાં કહે છે કે "આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં તેમના પર જૂતું ફેંકીને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે. તેમણે ઘણા સમય અગાઉ પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું હતું. આજે મને મોકો મળવાથી, થોડો સમાજપ્રેમી હોવાથી આ કાર્ય કર્યું છે."
બીબીસી આ વીડિયોની સ્વતંત્ર રીતે ખરાઈ કરતું નથી. છત્રપાલસિંહનો સંપર્ક થઈ શક્યો નથી.
આ ઘટના પછી ઇટાલિયાએ તેમના સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેઓ આ વ્યક્તિ સામે કોઈ ફરિયાદ નહીં નોંધાવે અને તેમને માફ કરી રહ્યા છે. આ ઘટના પછી કેજરીવાલે પણ ગુજરાતની મુલાકાત લઈને આ મુદ્દો ઉઠાવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન