વીસાવદર : ભાજપની 'આખી સરકાર' સામે ગોપાલ ઇટાલિયા એકલે હાથે કેવી રીતે જીત્યા, સાત કારણો જાણો...

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગોપાલ ઇટાલિયાએ વીસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપને હરાવીને નવો ઇતિહાસ રચ્યો છે.

ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17 હજાર કરતાં વધુ મતોથી માત આપી છે. આ સાથે જ વીસાવદરમાં વર્ષો પછી જીત મેળવવાનું ભાજપનું સ્વપ્ન રોળાયું છે.

જાણકારોના મત પ્રમાણે આ જીત સાથે જ ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટીમાં ફરીથી નવો પ્રાણ ફૂંકાયો છે.

ગોપાલ ઇટાલિયા મૂળ વીસાવદરના નથી, પરંતુ તેમ છતાં તેમણે વીસાવદરમાં જીત મેળવી છે અને 'શક્તિશાળી' ભાજપ સંગઠનને હરાવ્યું છે. આથી તેમની જીતની વિશેષ ચર્ચા થઈ રહી છે.

ગોપાલ ઇટાલિયાએ વીસાવદરથી જીત કેવી રીતે મેળવી? વીસાવદરમાં કયાં પરિબળો ભાજપને ભારે પડ્યાં? કેવી રીતે આમ આદમી પાર્ટીએ ભાજપ સામે નવી રણનીતિ ઘડી અને તેમાં સફળતા મેળવી?

વહેલા ઉમેદવાર જાહેર કરી દેવાની રણનીતિ

વીસાવદરની પેટાચૂંટણીની જાહેરાત થાય એ પહેલાં જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાની ઉમેદવારી જાહેર કરી દીધી હતી.

23 માર્ચે જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. જ્યારે ચૂંટણીપંચે પેટાચૂંટણીની જાહેરાત 25મે ના રોજ કરી હતી. આમ, ગોપાલ ઇટાલિયાને ચૂંટણીપ્રચાર માટે બે મહિના કરતાં પણ વધુ સમય મળ્યો હતો.

ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો કે તેમણે મતદાન થાય એ પહેલાં વીસાવદરનાં દરેક ગામડાંની ઓછામાં ઓછી બે વખત મુલાકાત લઈ લીધી હતી. જેનો તેમને સ્પષ્ટપણે ફાયદો મળ્યો હોવાનું કહેવાય છે.

તેમણે ગામડે ગામડે મુલાકાત લેતી વખતે એક ડાયરી સાથે રાખી હતી જેમાં તેઓ દરેક ગામના લોકોને પડતી મુશ્કેલીની નોંધ કરતા હતા અને તેઓ કહી રહ્યા હતા કે આ 'વીસાવદરની વેદનાની ડાયરી' છે.

સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કહે છે કે, "ગોપાલ ઇટાલિયાએ વ્યક્તિગત રીતે ખૂબ મહેનત કરી છે. તેમણે તેમના મુઠ્ઠીભર પરંતુ સમર્પિત કાર્યકર્તાઓ સાથે આખા વીસાવદરને ખૂંદી કાઢ્યું હતું. તેમણે ગામડે ગામડે જઈને લોકોની વેદનાને ડાયરીમાં લખી, જેનાથી લોકોને લાગ્યું કે આ એક માણસ છે જે અમને પૂછે છે. ખેડૂતો અને ખાસ કરીને પાટીદાર યુવાનોના મનમાં તેઓ એવી ઇમેજ ઊભી કરવામાં સફળ રહ્યા હતા કે આ સાચો માણસ છે, અને આપણા માટે લડશે. "

ફૂલછાબ દૈનિકના ભૂતપૂર્વ તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા કહે છે કે, "ગોપાલ ઇટાલિયાએ આગોતરી શરૂઆત કરી હતી અને જમીન પર કામ કર્યું હતું. તેઓ વીસાવદરમાં ઘર ભાડે લઈને રહ્યા અને સખત મહેનત કરી હતી. જેનો તેમને ફાયદો મળ્યો છે."

વીસાવદરની જનતાનો મિજાજ

વીસાવદરની બેઠક એવી બેઠક છે જ્યાં ભાજપ છેલ્લે 2007માં ચૂંટણી જીત્યું હતું. ત્યારબાદ તેને ક્યારેય અહીં સફળતા મળી નથી.

અહીં કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, ગુજરાત પરિવર્તન પાર્ટી સહિત તમામ પક્ષોના ઉમેદવારો જીતી ચૂક્યા છે.

વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલા કહે છે, "વીસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને જીત મળી તેની પાછળ અનેક સ્થાનિક પરિબળો હોઈ શકે છે પરંતુ તેનું સૌથી મોટું કારણ જો હોય તો એ વીસાવદરનો મતવિસ્તાર છે. આ મતવિસ્તારમાં કોઈ પાર્ટી એવો દાવો કરી શકે તેમ નથી કે આ એમનો ગઢ છે. આ બેઠક પર પાટીદારોનું જબરદસ્ત પ્રભુત્ત્વ છે. અહીંથી ખરાબમાં ખરાબ સમયે, વિપરીત પરિબળોમાં પણ કેશુભાઈ પટેલ જીતીને આવ્યા છે. અહીંના મતદારો અલગ છે."

હરેશ ઝાલા કહે છે, "વીસાવદરનો મતવિસ્તાર જ એવો છે કે જેમાં ગોપાલ ઇટાલિયાની જીતથી જરાય આશ્ચર્ય ન થાય. અહીં આવું થવાની પૂરી શક્યતા હતી."

'પક્ષ પલટો' બન્યો પ્રચારનો મુદ્દો

વીસાવદરના મતદારોમાં સૌથી મોટો ડર એ હતો કે અહીં જીતેલા ઉમેદવાર ફરીથી પક્ષપલટો તો નહીં કરે ને. કારણ કે, વીસાવદરના મતદારોએ 2017માં કૉંગ્રેસના હર્ષદ રિબડિયા તથા 2022માં આપના ભૂપત ભાયાણીને જીતાડ્યા અને બંને ધારાસભ્યો બનીને પક્ષપલટો કરીને ભાજપમાં જતા રહ્યા હતા.

ગોપાલ ઇટાલિયાએ સતત પોતાના પ્રચારમાંં લગભગ દરેક ભાષણમાં મતદારોને કહ્યું હતું કે, "હું ક્યારેય પક્ષપલટો કરીશ નહીં, એટલે તો પક્ષે મને મેદાનમાં ઉતાર્યો છે."

અરવિંદ કેજરીવાલે પણ વીસાવદરમાં ચૂંટણીપ્રચારમાં આવીને કહ્યું હતું કે, "જો ગોપાલ ઇટાલિયા પક્ષપલટો કરશે, તો હું રાજકારણ છોડી દઈશ."

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કહે છે, "વીસાવદરની પ્રજા હંમેશાં બાકીના ગુજરાતથી વિરુદ્ધ મત વ્યક્ત કરતી આવી છે. અને આજની જીતમાં એવું સ્પષ્ટપણે દેખાય છે કે વીસાવદરની જનતાએ પક્ષપલટાને જાકારો આપ્યો છે. ગોપાલ ઇટાલિયા પ્રજામાં તેઓ બીજા ઉમેદવારોથી કેમ અલગ છે એ સમજાવવામાં સફળ રહ્યા હતા."

કૌશિક મહેતા કહે છે, "આ જીત દર્શાવે છે કે વીસાવદરના લોકોએ નક્કી કરી લીધું હતું કે ગોપાલ ઇટાલિયાને જીતાડવા છે. આ સંદેશ છે કે પૈસા, નેટવર્ક, સંગઠન, તાકાત બધું હોવા છતાં પણ ભાજપને હરાવી શકાય છે. વીસાવદરના લોકોએ મોટો સંદેશ આપ્યો છે અને આ હારથી ભાજપને આમાંથી મોટો બોધપાઠ મળશે."

ગોપાલ ઇટાલિયાનો આક્રમક પ્રચાર

ગોપાલ ઇટાલિયાએ સમગ્ર વીસાવદરમાં ગામડે-ગામડે જઈને ધારદાર અને આક્રમક ભાષણો કર્યાં હતાં.

તેમનાં ભાષણોમાં ભાજપ સરકાર અને ખાસ કરીને પ્રતિદ્વંદી ઉમેદવાર કિરીટ પટેલના કથિત કૌભાંડોનો મુદ્દો તેમણે ગજવ્યો હતો.

ગોપાલ ઇટાલિયા અસલ કાઠિયાવાડી લહેકામાં અસ્ખલિત ભાષણો આપતા હતા. જેની પણ વ્યાપક અસર પડી હોય તેવું ફલિત થાય છે.

ગોપાલ ઇટાલિયાએ સતત પોતાના પ્રચારમાંં એ મુદ્દો ગજવ્યો હતો કે, "મને હરાવવા માટે આખી ભાજપ સરકાર ઊતરી છે. જે વીસાવદરમાં તલાટી-મંત્રી પણ લોકોનું સાંભળતા નહોતા, ત્યાં વીસાવદરની ગલીએ ગલીએ કૅબિનેટ મંત્રીઓ આંટા મારે છે."

જગદીશ આચાર્ય કહે છે, "ગોપાલ ઇટાલિયા ખૂબ સારા વક્તા તો છે જ, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ લોકોને એ વાત સમજાવવામાં સફળ રહ્યા કે આ આપણો માણસ છે."

કૌશિક મહેતા કહે છે, "ગોપાલ ઇટાલિયાએ સમગ્ર ચૂંટણીપ્રચાર આક્રમકતાથી કર્યો હતો. ખૂબ લડાયક રીતે તેમણે ચૂંટણી લડી છે."

ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો

વીસાવદરની ચૂંટણીમાં ગીર-સોમનાથ, જૂનાગઢ, અને અમરેલી જિલ્લામાં પ્રસ્તાવિત ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ખૂબ ગાજ્યો હતો.

આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાએ એવી જાહેરાત કરી હતી કે, "જ્યાં સુધી આમ આદમી પાર્ટી છે ત્યાં સુધી તે ઇકો-ઝોન લાગુ નહીં થવા દે અને છેક સુધી લડાઈ લડશે."

આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિતના નેતાઓએ ઇકો-ઝોન મુદ્દે વ્યાપક લડાઈ લડી હતી અને આંદોલન કર્યું હતું જેમાં ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા.

આ આંદોલનથી તૈયાર થયેલી જમીનનો આમ આદમી પાર્ટીને ફાયદો મળ્યો હોઈ શકે તેવું જાણકાર માને છે.

વળી, ભાજપના ઉમેદવાર અને અન્ય નેતાઓએ તેમના પ્રચારમાં આ ઇકો-ઝોનના મુદ્દે કંઈપણ બોલવાનું ટાળ્યું હતું.

જગદીશ આચાર્ય કહે છે, "2022ની સ્થિતિ પછી ભાજપને એવું લાગી રહ્યું હતું અને કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી નબળાં પડી રહ્યાં છે. પરંતુ ઇકો-ઝોન મુદ્દે ખેડૂતોમાં નારાજગી હતી અને આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને જોરશોરથી પ્રચારમાં સ્થાન આપ્યું હતું જેનો પણ તેને મોટો ફાયદો થયો છે."

જીત પછી કરેલી પ્રેસ કૉન્ફરન્સમાં પણ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, "હું ઇકો-ઝોન વિવાદ મુદ્દે એક ડગલું પણ પાછળ નહીં જાઉં."

કેશુભાઈ પટેલ અને ખેડૂતો સાથે જોડાણ

આમ આદમી પાર્ટીએ પોતાના ચૂંટણીપ્રચારમાં વીસાવદરના પૂર્વ ધારાસભ્ય, ભાજપના નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને પણ સ્થાન આપ્યું હતું.

આમ આદમી પાર્ટીએ પોતાની વીસાવદરની ઑફિસમાં પણ તેમનું પૂતળું મૂક્યું હતું અને અરવિંદ કેજરીવાલ સહિતના તમામ નેતાઓ કેશુભાઈને તેમનાં ભાષણોમાં યાદ કરતા હતા.

ગોપાલ ઇટાલિયાએ સતત તેમનાં ભાષણોમાં "હું ખેડૂતનો દીકરો છું, ગામડાનો નાનો માણસ છું" એમ કહીને વીસાવદરના ખેડૂતો સાથે કનેક્શન જોડવાનો પ્રયાસ કર્યો હતો અને સતત તેમના પ્રચારમાં ખાતર, રોડ-રસ્તા, ઇકો-ઝોન સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

તેમના અનેક વીડિયોમાં તેઓ દૂધ દોહતા, ખેતરમાં ખેડૂતો સાથે કામ કરતા જોવા મળે છે. તેનાથી તેમની ખેડૂતો સાથેના જોડાણની પ્રતીકાત્મક છબિ ઊભી થઈ હતી.

જગદીશ આચાર્ય કહે છે, "કેશુભાઈની સાથે ભાજપે જે કર્યું તે હજુ વીસાવદરના લોકોને યાદ છે અને એમના પ્રત્યેની લાગણી હજુ પણ લોકોમાં જીવંત છે. આથી, આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને પણ સ્થાન આપ્યું અને તેનો પણ તેને ફાયદો મળ્યો એવું કહી શકાય."

કૌશિક મહેતા કહે છે, "સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયાની કેશુબાપા સાથેની AI જનરેટેડ ક્લિપ ખૂબ વાઇરલ થઈ હતી. કેશુબાપાનું નામ લેવાનો પણ આપને ફાયદો થયો છે."

ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે લોન કૌભાંડનો આરોપ

ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે અનેક ગંભીર આરોપો હતા જેનો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો હોય તેવું પ્રથમ દૃષ્ટિએ દેખાઈ રહ્યું છે.

કિરીટ પટેલ સામે ગોપાલ ઇટાલિયાએ સહકારી મંડળીમાં અનેક પ્રકારની ગેરરીતિના આક્ષેપો કર્યા હતા. જોકે, તેમણે તમામ આરોપોને ફગાવી દીધા હતા.

વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા કહે છે, "કિરીટ પટેલ વગદાર નામ છે અને તેઓ આવી સ્થિતિમાં પણ ભાજપની ટિકિટ મેળવવામાં સફળ રહ્યા હતા. પરંતુ તેમના પર ઘણા આક્ષેપો થયેલા છે."

તેઓ કહે છે, "ગોપાલ ઇટાલિયાએ કિરીટ પટેલ સામે સ્પષ્ટતાથી આક્ષેપો કર્યા હતા અને સતત પ્રહારો કર્યા હતા. તેમણે છેલ્લી ઘડી સુધી લડીને બે ગામમાં પુન:મતદાન પણ કરાવ્યું હતું અને સ્ટિંગ ઑપરેશન કરીને પણ એ સતત ચર્ચામાં રહ્યા હતા. તેમણે સતત મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું હતું."

ખુદ ભાજપના જ નેતા અને પૂર્વ કૅબિનેટ મંત્રી જવાહર ચાવડાએ પણ પત્ર લખીને વડા પ્રધાન મોદીને કિરીટ પટેલ અંગે ફરિયાદ કરી હતી.

જગદીશ આચાર્ય કહે છે, "કિરીટ પટેલ પણ પેરાશૂટ ઉમેદવાર જ હતા, પક્ષમાં ભારે અસંતોષ હતો. બીજી તરફ ભાજપે પૂર્વ ધારાસભ્યો હર્ષદ રિબડીયા અને ભૂપત ભાયાણીની પણ અવગણના કરી. એકંદરે ભાજપે ઉમેદવારની પસંદગીમાં જ ભૂલ કરી હતી."

જોકે, વીસાવદરની ચૂંટણીની આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિ પર શું અસર થશે એ અંગે વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલા અને કૌશિક મહેતાને અમે પૂછ્યું તો તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, "આવનારા સમયમાં તેની કોઈ અસર થશે નહીં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન