You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી : વીસાવદરમાં 'આપ'ના ગોપાલ ઇટાલિયા વિજેતા, જીત બાદ તેમણે શું કહ્યું?
ગુજરાત વિધાનસભાની વીસાવદર અને કડી બેઠકની પેટાચૂંટણી પછી આજે મતગણતરી થઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો વીસાવદરમાં વિજય થયો છે. મતગણતરીના 21 રાઉન્ડ પછી ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17554 મતથી પરાજય આપ્યો છે. ઇટાલિયાને 75,942 મત મળ્યા હતા જ્યારે કિરીટ પટેલને 58388 મત મળ્યા હતા. કૉંગ્રેસના નીતિન રાણપરિયા 5501 મત સાથે ત્રીજા ક્રમે રહ્યા છે.
જીત બાદ ગોપાલ ઇટાલિયાએ વીસાવદરની જનતાનો આભાર માન્યો હતો. તેમણે પત્રકારોને જણાવ્યું કે વીસાવદરથી ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થશે.
તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું, "પૈસાની તાકત, દારૂની તાકત, ગુંડાની તાકત, આમ સૌથી મોટી તાકતોને પણ હરાવી શકાય છે."
આ ઉપરાંત ગુજરાતમાં યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટેની અપીલ કરતા તેમણે કહ્યું, "ગુજરાતમાં સારું કામ કરનારાઓ, કર્મશીલો, સરકારી નોકરી કરનારા લોકો, ગુજરાતના યુવાનોને મારી નમ્ર વિનંતી છે કે તમે જાગો. પરિવર્તનમાં ભાગ લો, આગળ આવો અને અમારી સાથે જોડાઓ."
બીજી તરફ, મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા પણ જીતી ગયા છે. બીજા નંબર પર કૉંગ્રેસ રહી છે.
ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને 98,836 મત મળ્યા હતા જ્યારે કે કૉંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને માત્ર 3,077 મત મળ્યા હતા.
વીસાવદરમાં ભાજપ અને આપ વચ્ચે શરૂઆતમાં રસાકસી રહી હતી, પરંતુ આઠમા રાઉન્ડ પછી ગોપાલ ઇટાલિયા આગળ નીકળવા લાગ્યા અને તેમની લીડ સતત વધતી જતી હતી.
શરૂઆતમાં રસાકસી, પછી ગોપાલ ઇટાલિયાએ લીડ લીધી
જૂનાગઢથી બીબીસી ગુજરાતના સહયોગી હનીફ ખોખરના જણાવ્યા પ્રમાણે પાંચ રાઉન્ડના અંતે વીસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 980 મતથી પાછળ ચાલતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલા રાઉન્ડને અંતે ગોપાલ ઇટાલિયા 391 મતથી આગળ હતા પરંતુ હવે બીજા રાઉન્ડ બાદ તેઓ પાછળ થઈ ગયા હતા. આઠમા રાઉન્ડ બાદ તેઓ ફરીથી આગળ થયા હતા અને તેમની આ લીડ છેલ્લા રાઉન્ડ સુધી ચાલી હતી.
કડી, વીસાવદરમાં પેટાચૂંટણી કેમ થઈ?
નોંધનીય છે કે આ બંને બેઠકો પર રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપ તેમજ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો.
ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના તત્કાલીન ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ વીસાવદર બેઠક ખાલી પડી હતી. તેમજ ભાજપના વર્તમાન ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થતાં કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી.
આમ આદમી પાર્ટીએ વીસાવદર વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીની તારીખો જાહેર થયા પહેલાં જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવી દેતાં આ બેઠકનો ચૂંટણીજંગ રસપ્રદ બન્યો હતો.
આ ઉપરાંત ભાજપે પણ આપમાંથી રાજીનામું આપીને પક્ષમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાને આ વખત વીસાવદરમાં ઉમેદવાર તરીકે ન ઉતારી અને કિરીટ પટેલને મેદાને લાવતાં વધુ એક રસપ્રદ વળાંક જોવા મળ્યો હતો.
બંને પેટાચૂંટણીમાં થયેલા મતદાનની વાત કરીએ તો વીસાવદર બેઠક પર 56.89 ટકા અને અનુસૂચિત જાતિની અનામત બેઠક એવી કડી વિધાનસભા બેઠક પર 57.9 ટકા મતદાન નોંધાયું હતું.
વીસાવદર બેઠકના ચૂંટણીજંગે ખેંચ્યું ધ્યાન
વીસાવદર પેટાચૂંટણીમાં 16 ઉમેદવારો મેદાને હતા. જોકે તેમાંથી 12 તો એવા હતા જેઓ વીસાવદર વિધાનસભામાં મતદાતા તરીકે નોંધાયેલા નહોતા.
આપે પહેલેથી ગોપાલ ઈટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ત્યાર પછી ભાજપે કિરીટ પટેલ અને કૉંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો.
વીસાવદરની બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા સહકારી બૅન્કના પ્રમુખ છે અને થોડા સમય પહેલાં સુધી જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ પણ હતા.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા મૂળે ભાવનગરના વતની છે અને સુરતમાં રહે છે. કૉંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા ભેંસાણના વતની છે, જે વીસાવદર વિધાનસભા બેઠકના વિસ્તારમાં આવે છે.
2017માં પણ કિરીટ પટેલ અહીં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ કૉંગ્રેસના હર્ષદ રિબડિયા સામે તેમનો પરાજય થયો હતો.
2022ની વિધાનસભાની ચૂંટણીને બે મહિનાની વાર હતી ત્યારે રિબડિયા કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા. ભાજપે ચૂંટણીમાં ટિકિટ આપી, પણ આપના ભૂપત ભાયાણી સામે રિબડિયા 7063 મતોથી હારી ગયા હતા.
ભાયાણી પણ ડિસેમ્બર, 2023માં આપના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી, પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા જેના કારણે આ પેટાચૂંટણી યોજાઈ હતી.
ભાજપના દિગ્ગજ નેતા તથા પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ રાજકોટમાં રહેતા, પરંતુ વર્ષ 1995 અને વર્ષ 1998માં તેઓ વીસાવદરની બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા. કેશુભાઈ ત્યાર પછીની બે ચૂંટણી ન લડ્યા.
તેથી વીસાવદરની સીટ પરથી ભાજપના કનુભાઈ ભાલાળાનો 2002 અને 2007માં વિજય થયો હતો અને તેઓ રાજ્યના કૃષિમંત્રી પણ બન્યા હતા.
વર્ષ 2012માં કેશુભાઈએ ભાજપથી છેડો ફાડીને ગુજરાત પરિવર્તન પાર્ટીની (જીપીપી) સ્થાપના કરી. કેશુભાઈ તેમના રાજકીય જીવનની છેલ્લી ચૂંટણી લડવા માટે વીસાવદર આવ્યા હતા.
કૉંગ્રેસના ઉમેદવારનો મૅન્ડેટ છીનવાઈ જતા ભાજપ અને જીપીપી વચ્ચે ટક્કર થઈ. જીપીપીને માત્ર બે બેઠક મળી, જેમાંથી એક વીસાવદરની હતી.
વર્ષ 2014માં જ યોજાયેલી અહીંની પેટાચૂંટણીમાં ભાજપે કેશુભાઈના દીકરા ભરત પટેલને ઉમેદવાર બનાવ્યા જયારે કૉંગ્રેસે હર્ષદ રિબડિયાને ટિકિટ આપી હતી. તે ચૂંટણીમાં રિબડિયાએ ભરત પટેલને હરાવતા કૉંગ્રેસનો વીસાવદરમાં લગભગ ત્રીસ વર્ષ પછી વિજય થયો હતો.
કડી વિધાનસભાનો ત્રિપાંખિયો જંગ
વર્ષ 2022માં કડીની વિધાનસભા બેઠકની ચૂંટણી દરમિયાન ભાજપે તેના ધારાસભ્ય કરસન સોલંકીને રિપીટ કર્યા હતા. તેઓ 2022માં ફરી ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં તેમનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી.
વર્ષ 2017માં રાજ્યભરમાં ભાજપ માટે કપરાં ચઢાણ હતાં ત્યારે કરસન સોલંકી આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીતી આવ્યા હતા. પુન:સીમાંકન બાદ આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર થઈ તે પહેલાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આ બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી હતી જેઓ મહેસાણાના જોટાણાના રહેવાસી છે. 66 વર્ષીય ચાવડા અર્થશાસ્ત્ર સાથે બીએની ડિગ્રી ધરાવે છે.
રાજેન્દ્ર ચાવડા 1980થી ભાજપના સક્રિય સભ્ય છે અને વર્ષ 1985માં પહેલી વખત જોટાણા વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો.
આમ આદમી પાર્ટીએ પાર્ટીએ કડીમાં જગદીશ ચાવડાને ટિકિટ આપી હતી. તેઓ આપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય દલિત મંચ સાથે પણ સંકળાયેલા છે.
39 વર્ષીય જગદીશ ચાવડાએ ગ્રૅજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને રેસ્ટોરાં ચલાવે છે. તેઓ ત્રણ વર્ષથી આપ સાથે જોડાયેલા છે.
કૉંગ્રેસે કડીમાં રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા હતા. રમેશ ચાવડા 2012ની વિધાનસભા ચૂંટણી સમયે ભાજપના ઉમેદવાર અને ગુજરાતી ફિલ્મોના અભિનેતા હિતુ કનોડિયાને હરાવીને વિધાનસભા સુધી પહોંચ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન