ભારતીય ટૉઇલેટ કે પશ્ચિમી કમોડ, કેવા શૌચાલયમાં મળત્યાગ કરવો સ્વાસ્થ્ય માટે સારો?

    • લેેખક, કે. શુભગુણમ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત અને એશિયાના મોટાભાગના દેશોમાં બાથરૂમ જવાની વાત આવે, ત્યારે લોકોના મનમાં પગ વાળીને બેસવાનો વિચાર આવે છે.

જોકે, કમોડ પર બેસવાની પશ્ચિમી શૈલીની જેમ બેસીને શૌચક્રિયા કરવાની સુવિધા ધરાવતાં શૌચાલયો હવે ફક્ત ભારતમાં જ નહીં, બલ્કે સમગ્ર એશિયા ખંડમાં મોટાપાયે વપરાઈ રહ્યાં છે.

આ સ્થિતિમાં, ભારતીય શૈલી અને પશ્ચિમી શૈલી, બંને પૈકી કયું શૌચાલય વાપરવું વધુ આરોગ્યપ્રદ છે, તે અંગે હાલ ચર્ચા ચાલી રહી છે.

ગત જુલાઈમાં યુએસ નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસમાં ઉપરોક્ત પ્રશ્નનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જવાબ આપવામાં આવ્યો છે.

નિષ્ણાતો જણાવે છે કે, ઉપર જણાવેલી બંને પદ્ધતિ શૌચક્રિયા માટે સાનુકૂળ છે તેમજ ભારતીય શૈલી અને પશ્ચિમી શૈલી, બંનેનાં સારાં-નરસાં પાસાં રહેલાં છે.

શૌચક્રિયાની પદ્ધતિ પાછળનું વિજ્ઞાન

મળત્યાગ આમ તો સરળ ક્રિયા લાગે છે, પણ અભ્યાસ સૂચવે છે કે, શરીરની અંદર "સ્નાયુઓ તથા શારીરિક ગતિવિધિની જટિલ વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે, જે મળત્યાગને સરળ કે મુશ્કેલ બનાવી શકે છે."

વરિષ્ઠ ગેસ્ટ્રોઍન્ટરોલૉજિસ્ટ ડૉક્ટર કાયાલ્વિઝી જયરામન જણાવે છે કે, ''ગુદા (મળદ્વાર)ની સ્થિતિ પણ એક કારણ હોઈ શકે છે.

તેઓ ઉમેરે છે, "અભ્યાસો દર્શાવે છે કે, જો ગુદા યોગ્ય સ્થિતિ પર હોય, તો મળ સરળતાથી બહાર નીકળી જાય છે. કેટલાક લોકોને કમોડ જેવા વેસ્ટર્ન-સ્ટાઇલના ટૉઇલેટ પર બેસતી વખતે મળત્યાગમાં થોડી મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે."

ગત જુલાઈમાં પ્રકાશિત થયેલા સંશોધન અનુસાર, મળત્યાગ દરમિયાન ગુદા સીધી હોવી જોઈએ.

કાયાલ્વીઝી જયરામને જણાવ્યું હતું કે, "ભારતીય શૈલીના શૌચાલયનો ઉપયોગ કરતી વખતે તે સ્થિતિ બનતી હોય છે (ગુદા સીધી મુદ્રામાં હોય છે)."

અર્થાત્, જ્યારે કોઈ વ્યક્તિ ઘૂંટણથી પગ વાળીને ઉભડક બેસે, ત્યારે તેની સાથળનું દબાણ પેટ પર આવે છે. પછી શરીર કુદરતી રીતે જ આગળની તરફ નમે છે.

પરિણામ સ્વરૂપે, સ્નાયુઓ હળવા થાય છે અને ગુદા સીધી થાય છે, એમ ડૉક્ટર કાયાલ્વિઝીએ સમજાવ્યું હતું.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, "તેનાથી ઊલ્ટું, પશ્ચિમી શૈલીના ટૉઇલેટમાં જ્યારે વ્યક્તિ સીધી બેસે, ત્યારે સ્નાયુઓ તંગ થાય છે અને મળદ્વાર વળી જાય છે. તેના કારણે મળત્યાગ કરવા માટે વધુ દબાણની જરૂર પડે છે."

જોકે, માત્ર તેના આધારે એવું ન કહી શકાય કે, પશ્ચિમી શૈલીનાં શૌચાલયો સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી, એમ ડૉક્ટર કાયાલ્વિઝીએ જણાવ્યું હતું.

તેમના મત અનુસાર, "બંને પ્રકારનાં શૌચાલયો ઘણાં વર્ષોથી ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે. જો વેસ્ટર્ન સ્ટાઇલના શૌચાલયમાં વધુ સમસ્યા હોત, તો તેનો વપરાશ આટલા લાંબા સમય સુધી ચાલુ ન રહ્યો હોત."

વધુમાં તેમણે કહ્યું હતું કે, "પશ્ચિમી શૈલીનાં શૌચાલયો વૃદ્ધો, શારીરિક વિકલાંગતા ધરાવતા લોકો તથા દિવ્યાંગ લોકો માટે વધુ ઉપયોગી છે."

શૌચક્રિયા માટેનો શ્રેષ્ઠ માર્ગ કયો છે?

ડૉક્ટર કાયાલ્વિઝી આગળ સમજાવે છે, "શૌચક્રિયાની વાત આવે, ત્યારે વિશ્વભરમાં સામાન્યતઃ ત્રણ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે: સાવ ઉભડક બેસવાની ભારતીય શૈલી, કમોડ પર બેસવાની પશ્ચિમી શૈલી અને ત્રીજી તેવી જ શૈલી, પણ તેમાં પગ નીચે સ્ટૂલ કે ટ્રાઇપૉડ રાખીને પગને થોડા ઊંચા રાખવામાં આવે છે."

તેમણે નોંધ્યું હતું કે, "તેનાથી કોઈ મોટો અવરોધ ઊભો થતો નથી. પશ્ચિમી શૈલીમાં પણ લોકો આવા ફેરફારો કરતા હોય છે, કારણ કે, ખુરશીમાં પગ ઊંચા હોય અને વળેલા હોય તે રીતે બેસવાથી શૌચક્રિયા સરળ બને છે."

તેનો અર્થ એ કે, ભારતીય શૈલીમાં ગુદા સીધી સ્થિતિમાં હોય છે. આથી મળત્યાગ કરવામાં કોઈ ખાસ મુશ્કેલી પડતી નથી. બીજી તરફ, ખુરશીના આકારના શૌચાલયનો ઉપયોગ કરતી વખતે થોડી સમસ્યા સર્જાતી હોવાથી ઘણા લોકો સ્ટૂલ પર તેમના પગ ઊંચા રાખતા હોય છે.

વધુમાં, અભ્યાસમાં ભાગ લેનારા લોકોએ જણાવ્યું હતું કે, "ઉભડક બેસવાની પદ્ધતિમાં મળત્યાગ કરવા માટે ખાસ મહેનત કરવી પડતી નથી. પશ્ચિમી શૈલીથી અલગ, તેમાં મળત્યાગ માટે વધુ દબાણ કરવાની આવશ્યકતા રહેતી નથી."

વધુમાં, અભ્યાસ એવી ચેતવણી ઉચ્ચારે છે કે, જ્યારે વધારાનું દબાણ આપવું પડે, ત્યારે અસુવિધાને કારણે હરસ, મળદ્વાર આગળ આવી જવું કે ગુદામાં ચીરા પડવા જેવી તકલીફો સર્જાઈ શકે છે.

એટલું જ નહીં, અભ્યાસ દર્શાવે છે કે, ભારતીય શૈલીની ઉભડક બેસવાની પદ્ધતિથી વ્યક્તિનો સમય પણ બચી જાય છે, કારણ કે ખાસ વિઘ્ન વિના જ શૌચક્રિયા પૂરી થઈ જાય છે.

જર્નલ ઑફ ઍડવાન્સ્ડ મેડિકલ ઍન્ડ ડેન્ટલ સાયન્સિઝ રિસર્ચમાં પ્રસિદ્ધ થયેલા એક લેખમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય શૈલીનાં શૌચાલયોનો ઉપયોગ કરવાથી કબજિયાત જેવી સમસ્યા સર્જાતી નથી તેમજ પાચનક્રિયા પણ યોગ્ય રહે છે.

તેની સાથે જ, અમુક અભ્યાસો પરથી માલૂમ પડે છે કે, "વૃદ્ધ તેમજ શારીરિક ખામી ધરાવનારા લોકો માટે ભારતીય શૈલીનાં શૌચાલયોનો ઉપયોગ કરવો મુશ્કેલ બની રહે છે. વળી, આપણે ઘણાં ઘરોમાં જોયું છે કે, તેમને વેસ્ટર્ન ટૉઇલેટ્સ કે સ્ટૂલ રાખવાની વ્યવસ્થાનો ઉપયોગ કરીને ભારતીય શૌચાલયો વાપરવાનું વધુ ફાવે છે."

ડૉક્ટર કાયાલ્વિઝીએ જણાવ્યું હતું કે, "આમ, શૌચાલય ગમે તે પ્રકારનું હોય, પણ પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વો મળી રહે, તે પ્રકારે આહારનું સેવન એ કોઈપણ પ્રકારની સમસ્યા વિના મળત્યાગ સુનિશ્ચિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે."

ભારતીય શૈલીના શૌચાલયનો ઉપયોગ કરવામાં સર્જાતી સમસ્યાઓને નિવારવા માટે આવા વૈકલ્પિક ઉપાયો અજમાવવામાં આવે છે.

ભારતીય બાથરૂમ ડિઝાઇનમાં પશ્ચિમી શૈલી

ભારતમાં 2014માં આદરવામાં આવેલા સ્વચ્છ ભારત મિશન હેઠળ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, તે ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત સમુદાય બનાવવાના પ્રયાસ દ્વારા સ્વચ્છતા સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરશે.

નૅશનલ મૅડિકલ જર્નલ ઑફ ઇન્ડિયામાં પ્રસિદ્ધ થયેલા એક લેખ મુજબ, "આ પ્રોજેક્ટમાં વૃદ્ધ તથા દિવ્યાંગ લોકો માટે સાનુકૂળ હોય, એવી ટૉઇલેટ ડિઝાઇન પર વિચારણા કરવામાં આવી હતી. અને આ માટે 'હૅન્ડબુક ઑન ઍક્સેસિબલ હોમ હાઇજીન' દ્વારા ભારતીય શૈલીથી અલગ, બે પ્રકારની ટૉઇલેટ ડિઝાઇન્સની ભલામણ કરી હતી."

જોકે, લેખકો જણાવે છે કે, "ક્ષેત્રીય સંશોધનથી એવી આશંકા જન્મી છે કે, સ્વચ્છ ભારત મિશનમાં પશ્ચિમી શૈલીની ખુરશી જેવી ટૉઇલેટ ડિઝાઇન્સ પ્રકારના વૈકલ્પિક ઉપાયોનો ઉપયોગ કરાયો નથી."

આ લેખ અનુસાર, ભારતીય શૈલીનાં શૌચાલયો તમામ લોકો માટે નથી અને સમાજમાં વેસ્ટર્ન-સ્ટાઇલ શૌચાલયોની જરૂર છે.

તે અંગે ડૉક્ટર કાયાલ્વિઝી કહે છે, "આપણે જોઈ શકીએ છીએ કે, ઘણા પરિવારો તેમનાં ભારતીય શૈલીનાં શૌચાલયોને નવેસરથી બનાવડાવે છે, તેને પશ્ચિમી શૈલીનાં બનાવડાવે છે. બજારમાં આ માટેનાં સાનુકૂળ ઉપકરણો પણ મળી રહે છે."

પશ્ચિમી શૈલીનાં શૌચાલયોમાં પગની નીચે સ્ટૂલ રાખવાની પણ પ્રથા છે, જેથી ગુદા યોગ્ય એંગલ પર રહે.

પશ્ચિમી શૈલીમાં ફૂટસ્ટૂલ લગાવવું ઉપયોગી બની રહે છે?

જુલાઈમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, ભારતીય શૈલીની ઉભડક સ્થિતિમાં મળત્યાગ કરતી વખતે પેટ સંપૂર્ણપણે સાફ થઈ ગયાની જે લાગણી થાય છે, તે વેસ્ટર્ન-સ્ટાઇલની સ્થિતિમાં દર વખતે નથી થતી.

અભ્યાસ પ્રમાણે, "સંપૂર્ણ મળત્યાગ થયો હોવાનો સંતોષ નથી થતો. આ સ્થિતિ કબજિયાત અને પાચન સંબંધિત અસુવિધા સાથે સંબંધિત છે. તેમાંયે પશ્ચિમી શૈલીનાં શૌચાલયો વાપરનારા લોકોને આવો અસંતોષ વધુ રહેતો હોય છે."

તેની સાથે જ ડોક્ટર કાયાલ્વિઝી કહે છે કે, "પગ નીચે સ્ટૂલ રાખવાથી આવી અસુવિધામાંથી અમુક અંશે છૂટકારો મળી શકે છે."

તેઓ કહે છે, "અભ્યાસો દર્શાવે છે કે, નાના સ્ટૂલ પર પગ ઊંચા કરીને રાખવાથી ગુદાની સ્થિતિમાં સુધારો થાય છે. તેના કારણે વેસ્ટર્ન-સ્ટાઇલ શૌચાલય સાથે સંકળાયેલી અસુવિધા દૂર થઈ શકે છે."

શૌચાલયો અને જીવનશૈલીમાં ફેરફારો

ભારતમાં ઉભડક બેસવાને બદલે કમોડના શૌચાલયનો વધેલો વપરાશ વૈશ્વિક સૌંદર્યલક્ષી (ઍસ્થેટિક) ડિઝાઇન્સ સાથે સંબંધિત છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોટાભાગના નવા ઍપાર્ટમેન્ટ્સ તથા ઑફિસોમાં ખુરશીના આકારનાં શૌચાલયો ગોઠવવામાં આવ્યાં છે.

યુવાનોમાં કબજિયાત જેવી સમસ્યાઓ વધી રહી હોવાની બાબતને ધ્યાનમાં રાખીને જ્યારે ડૉક્ટર કાયાલ્વિઝીને પૂછવામાં આવ્યું કે, કબજિયાત, પેટ ફૂલાવું અને હરસ જેવી સમસ્યાઓ વચ્ચે કોઈ સબંધ છે કે કેમ, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, "વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્યને કેવળ શૌચાલયના આકારના આધારે મૂલવી શકાય નહીં. આહાર, બેસવાની શૈલી અને તણાવ પણ આ પાછળ મહત્ત્વની ભૂમિકા ભજવે છે."

ભારતમાં હાલ બે પ્રકારની ટૉઇલેટ સિસ્ટમ વપરાય છે, એ નોંધતાં તેમણે ઉમેર્યું, "જો વ્યક્તિ રેષાયુક્ત ભોજન ખાવાની તથા આંતરડાની તંદુરસ્તી જાળવી રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવાની આદત જાળવી રાખે, તો શૌચાલય ભલે કોઈ પણ પ્રકારનું હોય, પણ કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવામાં કોઈ સમસ્યા નડશે નહીં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન