You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો કોણ છે અને અમેરિકાની સૈન્યકાર્યવાહી પાછળ તેલભંડારોની કેવી ભૂમિકા છે?
છેલ્લા કેટલાક મહિનાથી અમેરિકા દ્વારા સૈન્ય દૃષ્ટિએ વેનેઝુએલા સામે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું હતું, એવામાં શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો તથા તેમનાં પત્નીને અમેરિકાના વિશેષદળોએ પકડી લીધાં છે.
માદુરો તથા તેમનાં પત્ની ક્યાં છે તેના વિશે અમેરિકાએ કોઈ સ્પષ્ટતા નથી, કરી છતાં એવું માનવામાં આવે છે કે તેમને અમેરિકા લઈ જવાયાં છે.
વેનેઝુએલાની સરકારે રાષ્ટ્રપતિ અને તેમનાં પત્ની વિશે ભાળ નહીં મળી રહી હોવાની વાત સ્વીકારી છે તથા તેમની હયાતીના પુરાવા માંગ્યા છે.
બીજી બાજુ, વેનેઝુએલાના નેતૃત્વે નાગરિકોને શાંતિ જાળવવા, નેતૃત્વ તથા સેના ઉપર વિશ્વાસ રાખવા આહ્વાન કર્યું છે.
માદુરોની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ, ગૃહ મંત્રી તથા સંરક્ષણ મંત્રીને સર્વોચ્ચ પદ માટે દાવેદાર માનવામાં આવે છે, પરંતુ સરકાર ટકશે કે વિપક્ષ સત્તા ઉપર આવશે, તેના વિશે અટકળો પ્રવર્તી રહી છે.
આવામાં લશ્કરી તથા અર્ધલશ્કરી દળોની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે. વેનેઝુએલાએ પોતાની સીમાઓની સુરક્ષા કરવાની વાત કહી છે.
રશિયા, ઈરાન, ક્યુબા તથા કોલંબિયાએ આ કાર્યવાહીને વખોડી કાઢી છે. યુકેનું કહેવું છે કે અમેરિકાની આ કાર્યવાહીમાં તેની કોઈ ભૂમિકા નથી. જ્યારે જર્મની અને ઇટાલીનું કહેવું છે કે તેઓ સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. સ્પેને તણાવને ઘટાડવાની હિમાયત કરી છે.
બીજી બાજુ, અમેરિકાના ઍટર્ની જનરલે જાહેરાત કરી છે કે માદુરો વિરુદ્ધ નાર્કૉટૅરરિઝમ અને ડ્રગ્સ ઘૂસાડવા સહિતના આરોપો હેઠળ ન્યૂ યૉર્કની અદાલતમાં ખટલો ચલાવવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શા માટે અમેરિકા દ્વારા માદુરો તથા વેનેઝુએલા સામે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે તથા હવે શું થશે?
કોણ છે નિકોલસ માદુરો?
નિકોલસ માદુરોએ તેમની કારકિર્દીની શરૂઆત બસ ડ્રાઇવર અને યુનિયન લીડર તરીકે કરી હતી.
તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝની નજીક હતા. તેમણે ચાવેઝની ડાબેરી પક્ષ યુનાઇટેડ સોશિયલિસ્ટ પાર્ટી ઑફ વેનેઝુએલામાં એક પછી એક સત્તાની સીડીઓ ચઢી હતી અને સત્તાના શિખર સુધી પહોંચ્યા હતા.
26 વર્ષનના સત્તાકાળ દરમિયાન ચાવેઝ અને માદુરોએ સંસદ, ન્યાયતંત્ર, ઇલેક્શન કાઉન્સિલ, તેના તથા અર્ધલશ્કરી દળો ઉપર ઊંડી પકડ જમાવી છે.
અમેરિકાના કહેવા પ્રમાણે, વર્ષ 2024માં માદુરો ગેરરીતિ આચરીને સત્તા ઉપર આવ્યા હતા.
વિપક્ષનાં નેતા મારિયા માચિડો ચૂંટણી લડી શકે તેમ ન હોવાથી પાર્ટીના અન્ય નેતાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.
ઑક્ટોબર-2024માં મારિયાને શાંતિ માટેનો નોબેલ પારિતોષિક જાહેર કર્યો હતો. અમેરિકા દ્વારા માદુરો વિશે માહિતી આપનાર ઉપર 50 મિલિયન ડૉલરનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
અમેરિકાનું સૈન્ય વેનેઝુએલામાં પ્રવેશ કરશે કે કેમ તેના વિશે અટકળો પ્રવર્તે છે.
વેનેઝુએલા ઉપર ટ્રમ્પના આરોપ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ મૂક્યા હતા કે માદુરો વેનેઝુએલાના ખૂંખાર ગુનેગારો તથા પાગલોને અમેરિકામાં ઘૂસવા માટે ફરજ પડી રહ્યા છે.
વર્ષ 2013માં વેનેઝુએલામાં આર્થિક અસ્થિરતા ઊભી થઈ એ પછી લગભગ 80 લાખ નાગરિકો દેશ છોડી ગયા છે, જેમાંથી સેંકડો અમેરિકામાં પ્રવેશ્યા છે.
ટ્રમ્પે આરોપ મૂક્યો હતો કે વેનેઝુએલના માર્ગે અમેરિકામાં નશાકારક પદાર્થો ધકેલવામાં આવી રહ્યા છે અને માદુરો તથા તેમની સરકારના અધિકારીઓ આ કામગીરીમાં સંડોવાયેલા છે.
2 સપ્ટેમ્બરથી અમેરિકાએ કથિત રીતે ડ્રગ્સની હેરફેર કરી રહેલી 30 જેટલી બોટો ઉપર હવાઈહુમલા કર્યા હતા, જેમાં 110થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. નિષ્ણાતોના કહેવા પ્રમાણે, .અમેરિકાની કાર્યવાહી 'કાયદેસર મિલિટરી ટાર્ગેટ' સામે ન હતી.
જાણકારોના કહેવા પ્રમાણે, ડ્રગ્સના ધંધામાં વેનેઝુએલા નાનું ખેલાડી છે. ડ્રગ્સ અન્યત્ર ઉત્પાદિત થાય છે અને સ્મગલિંગ મારફત અમેરિકા સુધી પહોંચે છે. વેનેઝુએલા ટ્રાન્ઝિટ રૂટ માત્ર છે.
માદુરોએ અમેરિકા સાથે મળીને ડ્રગ્સ મુદ્દે કાર્યવાહી કરવાની તૈયારી દાખવી હતી.
વેનેઝુએલાના તેલના ભંડાર
'ઘોસ્ટ શિપ' મારફત વેનેઝુએલાના ક્રૂડઑઇલની હેરફેર ઉપર અમેરિકાએ નાકાબંધી હાથ ધરી હતી. અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં કેટલાંક જહાજોને કબજે કર્યાં હતાં. વેનેઝુએલાએ આ કાર્યવાહીને 'આંતરરાષ્ટ્રીય ચાંચીયાગીરી' કહી હતી.
અમેરિકાનું કહેવું છે કે ક્રૂડઑઇલના વેપારમાંથી જે નાણાં આવે છે, તેનો ઉપયોગ ડ્રગ્સના ધંધા માટે થઈ રહ્યો છે. વેનેઝુએલાની સરકારની અડધોઅડધ આવક આ ક્ષેત્રમાંથી થાય છે.
તેની પાસે વિશ્વના સૌથી મોટા તેલભંડાર (303 અબજ ડૉલર) છે. છતાં વિશ્વના તેલબજારમાં તેનો હિસ્સો (વર્ષ 2023 મુજબ) 0.8 ટકા જેટલો હતો.
વેનેઝુએલા દ્વારા દૈનિક નવ લાખ બેરલ ઑઇલની નિકાસ કરવામાં આવતી હતી અને ચીન તેનું સૌથી મોટું ખરીદદાર હતું. 10 વર્ષ અગાઉ ઉત્પાદનનો આંકડો લગભગ ત્રણ ગણો હતો.
માદુરોએ આ આરોપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે "ડ્રગ્સ સામે યુદ્ધ"નાં બહાને તેમને સત્તા ઉપરથી હઠાવીને વેનેઝુએલાના તેલના ભંડારો ઉપર કબજો જમાવવા ઇચ્છે છે. જોકે, અમેરિકાએ આ આરોપોને નકાર્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન