અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો, રાષ્ટ્રપતિ માદુરોને પકડ્યા અને હવે ચાલશે ડ્રગ સંબંધિત કેસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે "અમેરિકાએ વેનેઝુએલા ઉપર મોટા પાયે હુમલો કર્યો" જેમાં "વેનેઝુએલાના નેતા માદુરો તથા તેમના પત્ની"ને પકડી લેવામાં આવ્યાં છે.

યુએસ ઍટર્ની જનરલે જાહેરાત કરી છે કે માદુરો અને તેમનાં પત્ની સામે ન્યૂયોર્કના દક્ષિણ જિલ્લામાં કાનૂની કેસ દાખલ કરવામાં આવશે.

દરમિયાન, વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ, ડેલ્સી રોડ્રિગ્ઝે દેશના રાષ્ટ્રપતિ જીવંત હોવાના પુરાવા માંગ્યા છે. તેમણે જણાવ્યું છે કે માદુરો અને તેમનાં પત્નીની કોઈ ભાણ નથી.

આ દરમિયાન વેનેઝુએલાના સંરક્ષણમંત્રીએ દેશભરમાં તાત્કાલિક લશ્કરી દળો તૈનાત કરવાની જાહેરાત કરી છે.

આ પહેલાં અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ ઉપર હવાઈહુમલા કર્યા છે. જેના પગલે પાટનગરમાં અંધાધૂંધીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વેનેઝુએલા "અમેરિકા દ્વારા સૈન્યઆક્રમણ"ને વખોડી અને નકારી કાઢ્યું છે.

પેન્ટાગોનના સૂત્રોએ સીબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે અમેરિકન સૈન્યની વિશેષ પાંખ ડેલ્ટા ફોર્સ દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ કરવામાં આવી છે.

વેનેઝુએલાનાં ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રૉડ્રિગ્ઝનું કહેવું છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ મદુરો તથા તેમનાં પત્ની સિલિયા ફ્લૉરેસ ક્યાં છે, તેનાં વિશે સરકારને કોઈ જાણ નથી.

બીજી બાજુ, વેનેઝુએલાના સંરક્ષણ મંત્રી વ્લાદિમિર પેડ્રિનોનું કહેવું છે કે સરકાર દ્વારા ક્યાં કેટલું નુકસાન થયું, કેટલાં લોકો મૃત્યુ પામ્યા તથા કેટલા ઘાયલ થયા, તેના વિશેનો સરવે હાથ ધરવામાં આવ્યો છે.

તેમણે વેનેઝુએલાની ધરતી ઉપર 'કોઈ પણ વિદેશી સેનાનો' સામનો કરવાની વાત કરી હતી.

કોલંબિયાએ સરહદ પર દળો ખડક્યાં

વેનેઝુએલા અને કોલંબિયા પાડોશી દેશ છે અને તેમની વચ્ચે લગભગ બે હજાર કિલોમીટરની સરહદ છે.

વેનેઝુએલામાં ઊભી થયેલી અસ્થિરતા અને કારાકાસમાં હુમલાને કારણે વેનેઝુએલાવાસી શરણ લેવા કોલંબિયા તરફ આગળ વધી શકે છે, એવી આશંકાને પગલે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ સરહદ ઉપર દળોને તહેનાત કર્યાં છે. પેટ્રોએ શાંતિ અને સંવાદની હિમાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ કોલંબિયા કે વેનેઝુએલામાં રાજકીય અસ્થિરતા ઊભી થઈ છે,ત્યારે એકબીજાના દેશોમાં આવેલાં શરણાર્થીઓનું ભારણ વધ્યું છે. એટલે પેટ્રો દ્વારા સુરક્ષાબળોને તહેનાત કરવામાં આવ્યા છે.

માદુરોના પતન પછી વેનેઝુએલામાં શું થશે, તે સ્પષ્ટ નથી. કેટલાક લોકો વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીની હિમાયત કરે છે. તેમનું માનવું છે કે વિપક્ષનાં નેતા માચિડો અથવા વર્ષ 2024ની ચૂંટણી સમયે વિપક્ષના ઉમેદવાર એડમંડો ગોન્ઝાલેઝ માટે સત્તા તરફનો માર્ગ મોકળો થઈ જશે.

જોકે, સેના અને અર્ધલશ્કરી દળો માદુરો પ્રત્યે વફાદાર હોવાથી આ સત્તાપરિવર્તન એટલું સરળ નહીં હોય. જો, અમેરિકા સીધી દખલ દેશે તો અસ્થિરતા વકરશે.

રિપબ્લિકન પાર્ટીના સેનેટર માઇક લીએ અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માર્કો રૂબિયોને ટાંકતાં કહ્યું હતું કે 'અમેરિકા વેનેઝુએલામાં વધુ કોઈ કાર્યવાહી કરવા નથી ઇચ્છતું.'

અમેરિકાના સંરક્ષણ મંત્રીનું કહેવું છે કે તેમણે અમારી ઉપર હુમલો કર્યો છે, પરંતુ તેઓ અમને પરાજિત નહીં કરી શકે. માદુરોના આદેશ મુજબ, સુરક્ષાબળો દેશભરમાં તહેનાત છે.

રાજધાનીમાં કેવો માહોલ?

કારાકાસમાં એક પછી એક ધડાકા સંભળાયા હતા અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. શહેરની ઉપર વિમાન ઊડતાં જોવાં મળ્યાં હતાં.

વેનેઝુએલાનું કહેવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ માદુરોને હઠાવીને વેનેઝુએલાના ક્રૂડઑઇલ ઉપર કબજો જમાવવા ઇચ્છે છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, પગ નીચેની જમીન ધ્રૂજવા માંડી અને હૃદયના ધબકારા વધી જાય એટલા પ્રચંડ ધડાકા થયા હતા, જે મોટાભાગે સૈન્ય ઠેકાણાં ઉપર કેન્દ્રિત હતા.

શહેર પાસેની લા કારલોટા ઍરફિલ્ડ તથા ફ્યૂરટે ટિયુનામાં ધડાકા થયા હતા. વિસ્ફોટોને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.

કારાકાસમાં અંધાધૂંધીના અનેક વીડિયો સોશિયલ મીડિયા ઉપર શૅર થઈ રહ્યા છે.

આ પહેલાં અમેરિકાએ દરિયામાં કેટલીક બોટોને ટાર્ગેટ કરી હતી, જે કથિત રીતે ડ્રગ્સની હેરફેર કરી રહી હતી, ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ પ્રવર્તમાન હતો.

એ પછી વેનેઝુએલાથી જઈ રહેલાં ક્રૂડઑઇલના ટેન્કર ઉપર કબજો કર્યો હતો. અમેરિકાનું કહેવું છે કે ઑઇલના વેપારમાંથી જે નાણા આવે છે, તેનો ઉપયોગ ડ્રગ્સના ધંધા માટે થઈ રહ્યો છે. એટલે પણ બંને દેશ વચ્ચે તણાવ વકરી જવા પામ્યો હતો.

અમેરિકાનું કહેવું છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો ગેરકાયદેસર રીતે સત્તા ઉપર આવ્યા છે અને તેઓ વ્યક્તિગત રીતે ડ્રગ્સની હેરફેરમાં સંડોવાયેલાં છે. અમેરિકાએ માદુરો વિશે માહિતી આપનારને પાંચ કરોડ ડૉલરનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

આ પહેલાં માદુરોએ વેનેઝુએલાના સરકારી ટેલિવિઝન સાથેના ઇન્ટરવ્યૂમાં અમેરિકા સાથે ડ્રગ્સ મુદ્દે વાતચીત અને વાટાઘાટોની તૈયારી દાખવી હતી.

અમેરિકાનું કહેવું હતું કે જ્યાંથી ડ્રગ્સ ભરેલી બોટોને અમેરિકામાં મોકલવામાં આવતી હતી, એવા વેનેઝુએલાના 'ડૉક એરિયા'ને ઉડાવી દેવામાં આવ્યો છે. જોકે, પોતાના ઇન્ટરવ્યૂમાં માદુરોએ આ વાતને નકારી હતી.

બીજી સપ્ટેમ્બરથી અમેરિકાએ કથિત રીતે ડ્રગ્સની હેરફેર કરી રહેલી 30 જેટલી બોટો ઉપર હવાઈહુમલા કર્યા હતા, જેમાં 110થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

ટ્રમ્પનો આરોપ છે કે માદુરો વેનેઝુએલાની જેલો અને મનોરોગીઓ માટેના આશ્રયસ્થાનોને ખાલી કરીને તેમને અમેરિકામાં ઘૂસવા દબાણ કરી રહ્યા છે.

ભારત અને વેનેઝુએલા વચ્ચેના સંબંધ

પહેલી ઑક્ટોબર 1959ના રોજ ભારત અને વેનેઝુએલા વચ્ચે રાજદ્વારી સંબંધ પ્રસ્થાપિત થયા હતા.

વર્ષ 1968માં તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ વેનેઝુએલાની મુલાકાત લીધી હતી. વર્ષ 2005માં વેનેઝુએલાના તત્કાલીન રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ તથા તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ સાથે મુલાકાત કરી હતી.

વર્ષ 2013- '19 દરમિયાન વેનેઝુએલામાં સંકટ પ્રવર્તમાન હતું અને તેની ઉપર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા, જેના કારણે ભારત-વેનેઝુએલાના વેપારને અસર પહોંચી હતી.

ભારતના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે, નાણાકીય વર્ષ 2023- '24માં (એપ્રિલ તથા જૂન માસ) દરમિયાન બંને દેશો વચ્ચે રૂ. 866 કરોડનો (96 મિલિયન ડૉલર) દ્વીપક્ષીય વેપાર થયો હતો.

જેમાં ભારતે લગભગ રૂ. 406 કરોડની નિકાસ કરી હતી અને રૂ. 460 કરોડની આયાત કરી હતી.

ભારત દ્વારા મુખ્યત્વે કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ટેક્સ્ટાઇલ, ઇલેક્ટ્રિકલ ઉત્પાદનો, મશીનરી તથા ઇજનેરી ઉત્પાદનની નિકાસ કરવામાં આવે છે.

જોકે, વેનેઝુએલા ઉપર પ્રતિબંધ ન હોય, તો મુખ્યત્વે પેટ્રોલિયમ પેદાશોની આયાત કરવામાં આવે છે. અન્યથા ધાતુ અને કેમિકલની આયાત કરવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન