ગુજરાતી સમાજના તાણાવાણામાં પરપ્રાંતીયોનું સ્થાન ક્યાં?

    • લેેખક, જય મિશ્રા
    • પદ, બીબીસી ગુજરાતી

હિંમતનગર દુષ્કર્મકાંડને પગલે ગુજરાતભરમાંથી પરપ્રાંતીયો પલાયન કરી રહ્યાં છે. આ અંગે રાજકીય પક્ષો વચ્ચે આરોપ પ્રતિ-આરોપ થઈ રહ્યાં છે. ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા અંગે બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે વાતચીત કરીને ચિંતા વ્યક્ત કરી છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા અંગે નિવદેન આપ્યું છે કે રાજ્યમાં નિર્દોષો પર હુમલો કરનારા કોઈ પણ વ્યક્તિને નહીં છોડાય.

28મી સપ્ટેમ્બરના દિવસે હિંમતનગરના એક ગામ ખાતે 14 માસની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, જેના આરોપ સબબ એક બિહારી યુવકની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત પોલીસ દ્વારા પરપ્રાંતીય પર હુમલા કરવાના જુદા જુદા ગુનામાં 361 લોકોની ધરપકડ કરાઈ છે.

ત્યારે બીબીસી ગુજરાતીએ આ ઘટના પાછળનો રાજકીય, સામાજિક, આર્થિક પરીપ્રેક્ષ્ય જાણવાનો પ્રયાસ કર્યો.

રાજકીય પરીપ્રેક્ષ્ય

આ મુદ્દે રાજકીય વિશ્લેષક હરિ દેસાઇ કહે છે "હું સ્પષ્ટપણે એવું માનું છું કે આ સમગ્ર મુદ્દો રાજકીય સ્ટન્ટ છે."

"આ મુદ્દે રાજ્ય સરકારની જવાબદારી બને છે કે તે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને કાબુમાં રાખે. જો સરકારને એવું લાગતું હોય કે કોંગ્રેસ આ મુદ્દો ભડકાવી રહી છે, તો જે તે જવાબદાર વ્યક્તિ સામે પગલાં કેમ લેવાઈ રહ્યાં નથી?"

"ગુજરાતે કોઈ દિવસ કોઈ પણ પ્રાંતના વ્યક્તિઓને પારકાં ગણ્યા જ નથી."

"ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે મૂળ મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટે તે માટે યોજનાબદ્ધ રીતે પરપ્રાંતીયો પરના હુમલા થઈ રહ્યાં છે અને આ મુદ્દાને ભડકાવવામાં આવી રહ્યો છે."

તમે આ વાંચ્યું કે નહીં?

ઉત્તર ભારતીય સંસ્થાઓ શું કહે છે?

રાજ્યમાં વિવિધ શહેરોમાં વસતા ઉત્તર ભારતીયો જુદી જુદી સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થા સાથે જોડાયેલા છે. હિંદી વિકાસ મંચ આ પ્રકારની જ એક સંસ્થા છે.

આ સંસ્થાના સ્થાપક સભ્ય જીતેન્દ્ર રાય દાયકાઓથી ગુજરાતમાં વસે છે. જીતેન્દ્ર રાયનું કહેવું છે કે આ મુદ્દે રાજનીતિ થઈ રહી છે, જેનો ભોગ ઉત્તર ભારતીયો બની રહ્યાં છે.

રાયે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "દેશના હિંદી ભાષી રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે. આ હુમલાઓ દ્વારા કદાચ એવો મૅસેજ આપવાનો પણ પ્રયાસ થશે કે ગુજરાતમાં હિંદીભાષીઓ સુરક્ષિત નથી."

"ગુજરાતમાં પરપ્રાંતીયો સાથે આ પ્રકારનો વ્યવહાર અગાઉ ક્યારેય થયો નથી."

"મને નથી લાગતું કે આ મુદ્દે કોઈ પણ વ્યક્તિ વધારે લાંબુ રાજકારણ કરી શકશે."

"દરેક સમાજમાં અસામાજિક તત્વો હોય છે. એક વ્યક્તિના લીધે આખા સમાજને દંડ આપવો તે ન્યાય નથી."

"અમે વર્ષોથી ગુજરાતમાં રહીએ છીએ પણ આ પ્રકારનો માહોલ અગાઉ ક્યારેય જોયો નથી. લોકોમાં અફવાના કારણે ભય ફેલાયો છે."

"પરપ્રાંતીયો પર હુમલાઓ થયા છે તે વાતને નકારી શકાય નહીં, પરંતુ તેના કરતા વધારે ખરાબ સ્થિતિ હુમલા થઈ રહ્યાં છે તેવી અફવાના કારણે ફેલાયેલી છે."

ઉત્તર ગુજરાત સિવાય વડોદરાના જરોદમાં એક કંપનીમાં કામ કરતા પરપ્રાંતીયો પર હુમલાઓ થયા છે. રવિવારે જરોદમાં એક કંપનીમાં કામ કરતા 10 ઉત્તર ભારતીય કામદારો આ હુમલામાં ઘવાયા છે.

બિહાર સાંસ્કૃતિ મંડળ વડોદરામાં વસતા ઉત્તર ભારતીય સમાજની સંસ્થા છે.

આ સંસ્થાના પૂર્વ અધ્યક્ષ ડી. એન. ઠાકુર પણ આ ઘટના પાછળ રાજનીતિ થઈ રહી હોવાનું માને છે.

ઠાકુર કહે છે "કેટલાક લોકો ઉત્તર ભારતીયો પર નિશાન સાધીને પોતાનું વ્યક્તિગત રાજનીતિક લક્ષ્ય સાધી રહ્યાં છે."

"હું 1983થી વડોદરા શહેરમાં રહું છું. અમારી સંસ્થા સાથે 20,000 લોકો જોડાયેલા છે."

"ગુજરાતે અમને ખૂબ જ સહકાર આપ્યો છે. અમારા છઠ પૂજાના કાર્યક્રમમાં ઓછામાં ઓછા એક લાખ લોકો જોડાય છે અને તેમાં સૌથી મોટો સહયોગ ગુજરાતીઓનો મળે છે."

"નવી બનતી ઇમારતથી લઈને પૂલ સુધીના નિર્માણ કાર્યોમાં અમારા વ્યક્તિઓનું યોગદાન રહ્યું છે. અમે ગુજરાતને અને ગુજરાતે અમને ખૂબ પ્રેમ આપ્યો છે."

"એક બનાવના કારણે તમામ પરપ્રાંતીયોને નિશાન બનાવવા યોગ્ય નથી."

ગુજરાતના સમાજમાં પરપ્રાંતીયોનું સ્થાન

રાજ્યની સ્થાપના થઈ ત્યારથી લઈ અત્યાર સુધી રાજ્યના સામાજિક આર્થિક વિકાસમાં પરપ્રાંતીયોનું મહત્ત્વનું યોગદાન હોવાનું સમાજશાસ્ત્રીઓનું માનવું છે.

સમાજશાસ્ત્રી ડૉ. ગૌરાંગ જાની કહે છે "રાજ્યની આર્થિક અને સામાજિક પ્રગતિમાં પરપ્રાંતીયોનું મહત્ત્વનું યોગદાન છે."

"અમદાવાદ શહેરમાં એક સમયે 80થી વઘુ કપડાંની મિલ કાર્યરત હતી. આ મિલમાં પરપ્રાંતીય કામદારો કામ કરતા હતા."

"અમદાવાદમાં મિલો બંધ થઈ ત્યાર બાદ સુરતમાં પાવરલૂમનાં કારખાના શરૂ થયાં. આ કારખાનામાં પણ પરપ્રાંતીય કામદારોનું મહત્ત્વનું યોગદાન છે."

"પરપ્રાંતીયો દૂધમાં સાકર ભળે તેવી રીતે જ રહેતા આવ્યા છે, ત્યારે આ પ્રકારના હુમલાઓથી રાજ્યનો સામાજિક ઇતિહાસ કલંકિત થાય તેવી શક્યતાઓ છે."

જાની ઉમેરે છે, "રાજયમાં એક તરફ જ્યારે દેશી રજવાડાંઓનું એકીકરણ કરનારા સરદારની વૈશ્વિક પ્રતિમાને ખુલ્લી મૂકવાની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે બીજી તરફ દેશના જ અન્ય રાજ્યોના લોકો પર ગુજરાતમાં હુમલા થાય, ત્યારે શું સંદેશો વહેતો થશે તે બાબત પણ વિચારવા જેવી છે."

"ગુજરાતમાં રહેતા પરપ્રાંતીયો આમ તો આ દેશના જ નાગરિકો છે અને તેમને માઇગ્રન્ટ એક્ટ હેઠળ સંરક્ષણ અને અધિકાર મળે છે કે તેઓ દેશના કોઈ પણ ખૂણે રહી શકે. ત્યારે સરકારની ફરજ બને છે કે આ મુદ્દાને રાજનીતિથી બચાવીને તમામ લોકોને વિશ્વાસ અપાવે કે તેઓ ગુજરાતમાં સુરક્ષિત છે."

ઘટના શું છે?

એક પરપ્રાંતીય દ્વારા કથિત રીતે 14 માસની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટનાબાદ હિંમતનગર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકો પર હુમલાઓ થઈ રહ્યાં છે.

સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈના ઢુંઢર ગામમાં ફેક્ટરીમાં કામ કરતા 19 વર્ષીય રવીન્દ્ર ગોંડેએ 14 મહિનાની છોકરીને ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.

રવિન્દ્ર ફેક્ટરીમાં કામ કરતો હતો અને રોજ ચા-નાસ્તો કરવા પીડિત પરિવારના ગલ્લે આવતો હતો.

આ ઘટના બાદ રાજ્યના વિવિધ 8 જિલ્લામાં પરપ્રાંતીયો પર હુમલાઓ થયા છે.

પોલીસ દ્વારા આ બનાવમાં 57 કેસ નોંધીને 361 જેટલા લોકોની ઘરપકડ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા મેસેજના કારણે પરપ્રાંતીયો ગુજરાતમાંથી પલાયન કરી રહ્યાં છે.

રાજ્ય સરકારે હિંમતનગર રેપકેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની જાહેરાત કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો