You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાન, એમપી, છત્તીસગઢમાં ભાજપા જીતશે કે કોંગ્રેસ?
- લેેખક, માનસી દાશ અને અભિજીત શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
ચૂંટણી પંચે શનિવારે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે તારીખો જાહેર કરી દીધી છે. છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. અન્ય ચાર રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 11 ડિસેમ્બરે તમામ રાજ્યોમાં એકસાથે મતગણતરી થશે.
આ પાંચ રાજ્યો પૈકી ત્રણ રાજ્યો એવા છે જ્યાં ભાજપ અત્યારે સત્તામાં છે.
મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં છેલ્લાં પંદર વર્ષથી તો રાજસ્થાનમાં છેલ્લાં પાંચ વર્ષથી ભાજપનું શાસન છે.
એવું કહેવું મુશ્કેલ નથી કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તથા ભાજપ બન્ને પક્ષો માટે રસ્તો સરળ રહ્યો નથી. આ સ્થિતિ વચ્ચે આ રાજ્યોમાં કયા મુદ્દા ચૂંટણીમાં મહત્ત્વના રહેશે?
વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્મા કહે છે, "હું માનું છું કે ભ્રષ્ટાચારથી પણ મોટો મુદ્દો મોંઘવારીનો છે.''
''લોકો માટે ઘર ચલાવવાનો અને પેટ્રોલ-ડીઝલ ખરીદવાનો મુદ્દો મહત્ત્વનો હોય છે.''
''અન્ય મુદ્દાઓ જે ભાજપ સામે ઊભા છે, એ છે કૃષિ સંકટ સંલગ્ન મુદ્દા. ખેડૂતો પોતાના વિસ્તારોમાંથી નીકળીને રાજધાની તરફ આવી રહ્યા છે, તેઓ પોતાના પાક માટે યોગ્ય કિંમત ઇચ્છે છે."
તેઓ કહે છે, "તમામ પાર્ટીઓ બે પાટા વચ્ચે ફસાતી દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં જે સત્તામાં હોય એનું નુકસાન વધારે થતું હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
રાજકીય વિશેષક ઍન્ટિ-ઇન્કમ્બન્સી(સત્તાવિરોધી વલણ)ની વાત કરે છે. તો અન્ય લોકો માને છે કે આ ચૂંટણીમાં મુદ્દા ગૌણ છે કારણકે રાજકીય સમીકરણ અને ગઠબંધનની વાત થઈ રહી છે.
ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. તો મુદ્દાઓની સાથેસાથે આ રાજ્યોમાં કેવા સમીકરણ દેખાઈ રહ્યા છે અને રાજકીય પક્ષો સામે કેવા પડકારો છે?
ચાલો આ અંગે જ વાત કરીએ કારણકે આગામી દિવસોમાં આ જ છાપાની હેડલાઇન બનશે.
સૌથી પહેલા રાજસ્થાનની વાત
રાજસ્થાનમાં આ સૂત્ર જોર પકડી રહ્યું છે "મોદી તુજસે બૈર નહીં, વસુંધરા તેરી ખૈર નહીં".
રાજસ્થાનમાં વસુંધરા રાજેના નેતૃત્વમાં પર સવાલ ઊઠી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી સંદર્ભે વાત કરીએ તો વસુંધરા સામે કયા પડકાર છે?
વરિષ્ઠ પત્રકાર ઉર્મિલેશ કહે છે, "રાજસ્થાનની વાત કરીએ તો ભાજપ જાતે જ માને છે કે વસુંધરા રાજે વિરુદ્ધ અસંતોષ છે. આ ત્રણ રાજ્યોમાં ભાજપ માટે પહેલાંની જેમ જીતવું શક્ય નહીં બને."
વસુંધરાની અસફળતાઓ અંગે કોંગ્રેસ કેટલું તૈયાર છે?
આ અંગે ઉર્મિલેશ કહે છે, "રાજસ્થાનમાં અશોક ગહલોત અનુભવી છે તો સચિન પાયલટ યુવાન ચહેરો છે."
"બન્નેમાંથી એકને પણ મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે રજૂ કર્યા નથી જેને કોંગ્રેસની સારી રણનીતિ ગણી શકાય. ગહલોતની તો તમામ જાતિઓમાં સ્વીકાર્યતા રહી છે. વસુંધરા પ્રત્યેની નારાજગીથી કોંગ્રેસને ફાયદો થઈ શકે છે."
મધ્ય પ્રદેશમાં કયા મુદ્દા છે?
એસસી-એસટી કાયદામાં સુધારા પછી મધ્ય પ્રદેશમાં આંદોલન થયાં, સવર્ણોમાં નારાજગી છે.
પણ મધ્ય પ્રદેશમાં તેમની સંખ્યા માત્ર 7 ટકા છે. એ સિવાય સરકારી નોકરીમાં અનામતથી પણ સવર્ણો નારાજ છે.
અનામત વિરોધી મતદારો થોડા મત કાપી શકે છે. બીજી તરફ પેટ્રોલ-ડીઝલની કિંમતો અને મોંઘવારી સાથે ખેડૂત આંદોલન પણ શિવરાજસિંહની ચિંતા વધારી શકે છે.
ઉર્મિલેશ કહે છે, "વ્યાપમમાં મૃત્યુ, ખેડૂતો-યુવાનોમાં નારાજગી, લઘુમતી, દલિત અને આદિવાસી સમુદાયમાં ભાજપ સરકાર સામે આક્રોશ છે."
પણ ઉર્મિલેશ કહે છે કે સવર્ણો નારાજગી છતાં ભાજપા તરફ જાય એવ શક્યતા છે.
સત્તા વિરોધી લહેર?
15 વર્ષથી સત્તામાં બેઠેલા શિવરાજસિંહ સામે ઍન્ટિ-ઇન્કમ્બન્સી કેટલું મોટું પરિબળ બનશે? શિવરાજસિંહ સામે અન્ય કયા પડકારો છે?
ઉર્મિલેશ કહે છે, "મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ રાજ્યોમાં ભાજપા ઘણાં વર્ષોથી રાજ કરી રહી છે. એમાં ભાજપા માટે સૌથી મોટી સમસ્યા ઍન્ટિ-ઇન્કમ્બન્સીની છે."
વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્મા કહે છે, "મધ્ય પ્રદેશમાં સરકાર સાથે અસંતોષ એટલે કે ઍન્ટિ-ઇન્કમ્બન્સી ચોક્કસ દેખાય છે.''
''ખેડૂતો અને સવર્ણોની નારજગીનો પણ મોટો મુદ્દો છે. સવર્ણ લોકો ભાજપનો પાયો છે. તેમની નારાજગી ભાજપા માટે સમસ્યા સર્જી શકે છે."
બીજી તરફ તેઓ કહે છે, "મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને બસપાનું ચૂંટણી સમીકરણ રચાવાનું હતું જે અત્યારે શક્ય લાગતું નથી.''
''બસપાનો આધાર મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં છે અને તે પોતાની તાકાત પણ દેખાડવા માગે છે. 2019ની લોકસભા ચૂંટણી માટે પોતાની દાવેદારી વધારવાની ચિંતા બસપાને વધારે છે."
પણ વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાશેષન કહે છે કે કોંગ્રેસ સામે અહીં વધારે પડકારો છે. તેઓ કહે છે કે પક્ષમાં નેતા વધારે છે અને કાર્યકરો ઓછા છે.
નર્મદા આરતીથી ફાયદો થશે?
મત મેળવવા માટે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ દ્વારા નર્મદા આરતી કરાઈ રહી છે.
પણ એમાં ભક્તિભાવ દેખાતો નથી. આરતી દરમિયાન કોંગ્રેસના નેતા જેમાં રાહુલ, જ્યોતિરાદિત્ય અંદરોઅંદર વાતચીત કરતા દેખાયા છે, જેની મીડિયામાં નિંદા થઈ રહી છે.
શું કોંગ્રેસ અહીં જીતશે કે પછી આ રાજ્યોમાં ભાજપની સરકાર આવશે?
રાધિકા રામાશેષન કહે છે, "કોંગ્રેસ સાબિત કરવા માગે છે કે તે હિંદુ પાર્ટી છે.''
''ગુજરાતમાં તેની હકારાત્મક અસર થઈ હતી. દિગ્વિજયસિંહે પણ મધ્ય પ્રદેશમાં નર્મદા પરિક્રમા કરી હતી. એ દરમિયાને તેઓ જ્યાં પણ ગયા ત્યાં કોંગ્રેસ પાર્ટીને ફરી ઊભી કરવાનો પ્રયાસ થયો હતો."
રમનસિંહને થોડી રાહત
છત્તીસગઢના ખેડૂતો રમન સરકારથી નારાજ છે. તેમની નારાજગી પાક પર બોનસ ન મળવાના કારણે છે.
એમ છતાં અન્ય રાજ્યોની તુલનામાં ભાજપા છત્તીસગઢમાં વધારે મજબૂત છે.
રાધિકા રામાશેષન કહે છે કે સરકારે ટેકાના ભાવમાં સતત વધારો કર્યો છે પણ ખેડૂતો સંતુષ્ટ નથી.
તેઓ કહે છે, "મધ્ય પ્રદેશમાં તો ખેતી ક્ષેત્રે 12 ટકા જેટલી વૃદ્ધિ થઈ છે પણ એનો અર્થ એવો નથી કે રાતોરાત ખેડૂતો અમર થઈ ગયા છે."
રાધિકા કહે છે કે અમિત શાહ જે રીતે સંગઠનને ચલાવી રહ્યા છે એ ભાજપા માટે લાભની સ્થિતિ છે.
છત્તીસગઢમાં રમનસિંહ સામે કયા કયા પડકારો છે?
અહીં ઍન્ટિ-ઇન્કમ્બન્સીના પરિબળની કેટલી અસર થશે? સાથેસાથે માયાવતી અને જોગીનું ગઠબંધન ભાજપા માટે કેટલો મોટો પડકાર બનશે?
ઍન્ટિ-ઇન્કમ્બન્સીના મુદ્દે રાધિકા રામાશેષન કહે છે કે છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમા પંદર વર્ષોમાં ભાજપા છે, રાજસ્થાનમાં પાંચ વર્ષથી છે અને ત્યાં હંમેશાં સત્તા બદલાતી રહે છે.
ભાજપા માટે સૌથી મોટો પડકાર છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પોતાની સરકારને બચાવવાનો છે. આ બન્ને રાજ્યોમાં ખેડૂતો સરકારથી નારાજ છે.
ઉર્મિલેશ કહે છે, "છત્તીસગઢને અનાજનો વાડકો કહેવાય છે પણ આજે ત્યાંના ખેડૂતો વાડકો લઈને ફરી રહ્યા છે. ત્યાં ખેડૂતોનાં મૃત્યુ થઈ રહ્યાં છે."
છત્તીસગઢમાં ખેડૂતોના મુદ્દા વધ્યા છે પણ અહીં આ વખતે ત્રીજો મોરચો તૈયાર થઈ રહ્યો છે.
રાધિકા કહે છે, "રાહુલ ગાંધીએ અજિત જોગીને પાછા લાવવાના પ્રયત્ન પણ નથી કર્યા. એનું પરિણામ એવું આવ્યું કે માયાવતીએ જોગી સાથે સમાધાન કરી લીધું.''
''આ ત્રીજો મોરચો બની ગયો છે. ત્યાં માયાવતીનો આધાર છે અને જોગીની દલિતોમાં સારી પકડ છે."
તેઓ કહે છે કે છત્તીસગઢમાં જોગી અને બસપાનું ગઠબંધન કોંગ્રેસ માટે માથાનો દુખાવો છે તો બીજી તરફ ભાજપા માટે કોંગ્રેસમાં તૂટ પડી એ રાહતની વાત છે.
સરવાળે આગામી ચૂંટણીમાં આ ત્રણ રાજ્યોમાં સત્તાપક્ષ માટે પોતાને ટકાવી રાખવાનો પડકાર છે. તો બીજી તરફ વિપક્ષ સામે સત્તાથી નારાજ વર્ગને મતમાં પરિવર્તિત કરવાનો પડકાર પણ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો