ગુજરાત: દલિતોને જાનમાં વરઘોડો ના કાઢવા દીધો, પોલીસે કરાવવું પડ્યું લગ્ન

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં દલિતો પર થઈ રહેલા અત્યાચારનો વધુ એક કિસ્સો ગાંધીનગરના માણસા તાલુકામાં સામે આવ્યો છે.

માણસા તાલુકાના પારસા ગામે જાન લઈને આવેલા દલિત વરરાજાને વરઘોડા સમયે હેરાન કરતાં ઘોડા પરથી નીચે ઊતાર્યો હતો.

પારસા ગામના દરબાર જ્ઞાતિના કેટલાક લોકોએ વરરાજાને વરઘોડો કાઢવા ન દેતાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

ગામના સરપંચ રાજેશ પટેલે બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે વરઘોડા મામલે દરબારો અને દલિતો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ પોલીસ બોલાવવી પડી હતી.

ગામમાં આ ઘર્ષણ એટલી હદે વધી ગયું કે લગ્નની સમગ્ર વિધિ જ પોલીસની હાજરીમાં પાર પાડવામાં આવી હતી.

હાલ આ મામલે 10 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ આગળની કાર્યવાહી કરશે.

શું હતો સમગ્ર મામલો?

મહેસાણા જિલ્લાના બોરિયાવી ગામના પ્રશાંત સોલંકી પારસા ગામે જાન લઈને આવ્યા હતા.

પારસા ગામના પાદરમાંથી તેઓ વરઘોડો કાઢવાની તૈયારી કરી રહ્યા હતા.

આ સમયે જ આ જ ગામના કેટલાક દરબારો અહીં આવી પહોંચ્યા અને વરઘોડો અટકાવવાની માગ કરવા લાગ્યા.

વરરાજા પ્રશાંત સોલંકીએ આ મામલે બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "હું જ્યારે ઘોડા પર બેસવા જતો હતો ત્યારે અહીંના કેટલાક લોકોએ આવીને મને રોક્યો અને ઘોડા પર કેમ ચડે છે એમ કહીને ધમકાવ્યો."

તમે આ વાંચ્યું કે નહીં?

કન્યાના ભાઈ રીતેશ પરમારે બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "અમે જાનના વધામણાં કરીને આવી રહ્યાં હતાં, જાનમાં વરઘોડાની તૈયારીઓ ચાલી રહી હતી."

"તે સમયે અમારા ગામના દરબારોએ આવીને મારા બનેવી પ્રશાંતને ધમકાવ્યા અને વરઘોડો ના કાઢવા કહ્યું. જે બાદ પરિસ્થિતિ વણસી હતી."

"દરબારોએ ઘોડીવાળાને પણ ધમકાવ્યો, જેથી તે ઘોડી લઈને ગામમાંથી જતો રહ્યો. જે બાદ અમે પોલીસને આ મામલાની જાણ કરી હતી."

"પોલીસ અને સરપંચે આવીને મામલાને સંભાળ્યો હતો અને ત્યારબાદ લગ્ન વિધિ આગળ વધી હતી. સરપંચે અન્ય ઘોડીની વ્યવસ્થા કરી આપતાં વરઘોડો કાઢી શકાયો હતો."

પોલીસની સુરક્ષા હેઠળ કરવું પડ્યું લગ્ન

ગામની વચ્ચે જ દરબારો અને દલિતો વચ્ચે ઘર્ષણ થતાં ગામમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું.

અંતે પોલીસે આવીને તમામ પરિસ્થિતિ સંભાળી હતી. જોકે, લગ્ન મુહૂર્ત કરતાં 2થી 3 કલાક મોડાં શરૂ થયું હતું.

વરરાજા પ્રશાંતના કહેવા મુજબ ત્યારબાદ પોલીસ લગ્ન દરમિયાન હાજર રહી અને પોલીસની સુરક્ષા હેઠળ તેમને લગ્ન કરવાની ફરજ પડી હતી.

ઘટનાસ્થળે જઈને પરિસ્થિતિ સંભાળનારા ગાંધીનગરના ડીવાયએસપી આર. જી. ભાવસારે આ મામલે બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું, "દલિત ઘોડી પર બેસીને વરઘોડો કાઢે તે સામે એક જ્ઞાતિના લોકોને વાંધો હતો."

"જોકે, અમે પોલીસની સુરક્ષા વચ્ચે વરઘોડો કઢાવ્યો હતો અને લગ્ન વિધિ પણ પૂર્ણ કરાવી હતી."

તેમણે કહ્યું કે લગ્નમાં પોલીસે જમણવાર શાંતિપૂર્વક સંપન્ન કરાવ્યો હતો.

અંતે સમાધાનના કરાયા પ્રયાસ

વરઘોડા મામલે થયેલી બબાલ બાદ પરિસ્થિતિ વધારે વણસે નહીં તે માટે બંને જ્ઞાતિ વચ્ચે સમાધાનના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

પારસા ગામના સરપંચે બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું કે આ મામલો હાલ થાળે પાડી દીધો છે.

તેમણે કહ્યું, "આ ઘટના સમયે દરબારોના વડીલોને બોલાવીને તેમને વરઘોડો કાઢવા દેવા માટે સમજાવ્યા હતા. જે બાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ વરરાજા ઘોડે ચડ્યા હતા."

"બાદમાં બંને જ્ઞાતિના આગેવાનોને બેસાડીને સમાધાનના પ્રયાસ કરવામાં આવ્યા હતા."

"અમે ભવિષ્યમાં આવો બનાવ ના બને તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આ મામલે પોલીસ ફરિયાદ કરીને વૈમનસ્ય ઊભું ના થાય તે માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે."

ગુજરાતમાં દલિતો મામલે શું કરી રહી છે સરકાર?

ગુજરાતમાં સતત દલિત અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.

ઊનાની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા બાદ પણ રાજ્યમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ અટકતી નથી.

આ મામલે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વર પરમારે બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરી હતી.

તેમનું કહેવું છે કે ગુજરાતમાં વધતા દલિતો પરના અત્યાચારો માટે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે.

તેમણે કહ્યું, "અમે ગુજરાતના તમામ ગામોના સરપંચોને બોલાવી દરેક ગામમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ બને તે માટે કાર્ય કરીશું."

તેમણે સ્વીકાર્યું કે ગુજરાતમાં જ્ઞાતિઓ વચ્ચે વધી રહેલું અંતર ચિંતાજનક છે.

પરમારે કહ્યું, "આજે પારસા ગામના સરપંચે બે કોમ વચ્ચે થતો ઝઘડો અટકાવ્યો, તે રીતે જ અન્ય ગામોમાં પણ સરપંચો અને આગેવાનોને સાથે બેસાડી આવું સમાધાનકારી વલણ ઊભું કરવાના પ્રયાસ કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં આવા બનાવો ના બને."

ગુજરાતમાં દલિતોની સ્થિતિ

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે, વર્ષ 2016માં શિડ્યુલ કાસ્ટ્સ પર અત્યાચારના 1322 કિસ્સા નોંધાયા હતા. વર્ષ 2015માં આ આંકડો 1010નો હતો.

દલિતો પર અત્યાચારના મામલે (પ્રતિ લાખ દીઠ) ગુજરાતનો સમાવેશ દેશના 'સૌથી ખરાબ પાંચ રાજ્યો'માં થાય છે.

આરટીઆઈ એક્ટિવિસ્ટ કૌશિક પરમારે કરેલી ગુજરાતમાં થયેલા દલિત અત્યાચારના આંકડાઓ સામે આવ્યા છે.

આરટીઆઈ મુજબ ગુજરાતમાં વર્ષ 2017માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ(પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટી) ઍક્ટના કાયદા હેઠળ 1,515 કેસો નોંધાયા છે.

વર્ષ 2017 દરમિયાન દલિતો પર થયેલી અત્યાચારોની ઘટનામાં 25 હત્યા, 71 હુમલાના બનાવો અને 103 બળાત્કારના બનાવો સામેલ છે.

છેલ્લાં 17 વર્ષ દરમિયાન ગુજરાતમાં નોંધાયેલા દલિત અત્યાચારના કિસ્સા.

વરિષ્ઠ પત્રકાર અને લેખક પ્રકાશ ન. શાહ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, ''દલિત વિરુદ્ધ અત્યાચાર ગુજરાતમાં પહેલાંથી જ થતા રહ્યા છે પણ ભાજપની સરકારમાં આ વલણ વકર્યું છે. ''

''હાલમાં બનતી દલિત અત્યાચારની ઘટના એ રીતે અલગ પડે છે કે તેમા હવે ઉચ્ચવર્ણીય માનસિક્તાનું ગૌરવ ઉમેરાયું છે. ભાજપની સરકાર અને હિંદુત્વની વિચારધારાને કારણે પણ દલિતવિરોધી માનસિક્તામાં ઉછાળો આવ્યો છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો