બુલેટ ટ્રેન માટે એક ઇંટ પણ ન મૂકવા દેવાની રાજની ધમકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ અને અમદાવાદ વચ્ચેના તેમના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રારંભ તાજેતરમાં જપાનના વડાપ્રધાન શિન્જો આબે સાથે મળીને કરાવ્યો હતો,

રાજ ઠાકરેએ આ પ્રોજેક્ટની એક ઈંટ સુદ્ધાં મહારાષ્ટ્રમાં નહીં મૂકવા દેવાની ધમકી આપી છે.

આ ધમકી તેમણે એલફિન્સ્ટન દૂર્ઘટનાના વિરોધમાં આપી છે.

મુંબઇના એલફિન્સ્ટન સ્ટેશન તાજેતરમાં થયેલી જીવલેણ દૂર્ઘટનાને પગલે રાજ ઠાકરે ફરી સમાચારમાં ચમક્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ પરિસ્થિતીમાં રાજ ઠાકરેની રાજકીય કારકિર્દી પર નજર નાખવી રસપ્રદ થઈ પડશે.

રાજ ઠાકરેની કારકિર્દી

1. રાજ ઠાકરે સદગત સંગીતકાર શ્રીકાન્ત ઠાકરેના પુત્ર છે, પણ પિતાથી વિપરીત રીતે તેમણે તેમના કાકા અને શિવસેનાના સુપ્રિમો બાલ ઠાકરેને અનુસરવાનું પસંદ કર્યું છે.

બાલ ઠાકરેએ તેમને ભારતીય વિદ્યાર્થી સેનાની જવાબદારી સોંપી હતી. શિવસેનાની વિદ્યાર્થી પાંખના વિસ્તારમાં રાજ ઠાકરે મહત્વની ભૂમિકા ભજવી હતી.

2. રાજ ઠાકરેનું વ્યક્તિત્વ લગભગ બાલ ઠાકરે જેવું છે. રાજ ઠાકરેની ભાષણની શૈલી,આક્રમકતા અને કરિશ્મા લગભગ બાળ ઠાકરે જેવાં છે.

તેથી તેમને બાળ ઠાકરેના રાજકીય વારસદાર ગણવામાં આવતા હતા.

3. મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપી સત્તા પર હતા ત્યારે રમેશ કિણી મર્ડર કેસ રાજ તેમજ શિવસેના માટે મોટી મુશ્કેલી બનીને આવ્યો હતો.

રાજ સામે કોઇ પૂરાવા મળ્યા ન હતા, પણ શિવસેનાએ શરમમાં મુકાવું પડ્યું હતું.

શિવસેનામાંથી રાજીનામું

4. 30, સપ્ટેમ્બર, 2003ના દિવસે રાજ ઠાકરેની રાજકીય કારકિર્દી કાયમ માટે બદલાઇ ગઇ હતી.

મહાબળેશ્વરમાં યોજાયેલા શિવસેનાના અધિવેશનમાં પક્ષના વડા બાળ ઠાકરેએ તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ જાહેર કર્યા હતા.

પછી એ સ્પષ્ટ થઇ ગયું હતું કે ઉદ્ધવ જ બાળ ઠાકરેના વારસાના ઉત્તરાધિકારી બનશે. રાજ અને તેમના ટેકેદારો પાસે કોઇ વિકલ્પ રહ્યો ન હતો.

વિધિની વક્રતા એ હતી કે એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ તરીકે ઉદ્ધવને નિમવાની દરખાસ્તને રાજે ટેકો આપ્યો હતો, પણ બાદમાં રાજે સ્પષ્ટતા કરી હતી કે તેમની પાસે ટેકો આપવા સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો.

5. 2005ની 27 નવેમ્બરે રાજ ઠાકરેએ શિવસેનાને અલવિદા કરી હતી.

છગન ભુજબળ, ગણેશ નાઈક અને નારાયણ રાણે જેવા મોખરાના અનેક નેતા તેમના પહેલાં શિવસેના છોડી ચૂક્યા હતા, પણ કોઇ 'ઠાકરે'એ શિવસેના છોડી હોય તેવું પહેલીવાર બન્યું હતું.

સ્વતંત્ર રાજકીય નેતા તરીકેની રાજની કારકિર્દીનો એ સાથે પ્રારંભ થયો હતો.

6. રાજ ઠાકરેએ તેમના પક્ષ 2006ની 9 માર્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ની સ્થાપના કરી હતી.

મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં રેલી યોજવામાં આવી હતી.

તેમાં હજ્જારો લોકોએ ભાગ લીધો હતો. મહારાષ્ટ્ર એક નવા નેતાના ઉદયનું સાક્ષી બન્યું હતું.

ચુસ્ત મરાઠીવાદ મનસેનો મુળભૂત આધાર બની રહેશે એ વાત રાજ ઠાકરેએ તેમના ભાષણમાં ભારપૂર્વક જણાવી હતી.

પરપ્રંતિયોનો વિરોધ અને ચૂંટણીમાં સફળતા

7. વર્ષ 2008ની 3 ફેબ્રુઆરીએ - મનસેએ ઉત્તર ભારતીયોનો વિરોધ શરૂ કર્યો.

મનસેના કાર્યકરોએ ઉત્તર પ્રદેશ તથા બિહારના હિન્દીભાષી મજૂરોને માર માર્યો હતો અને તેમની દુકાનો તથા સ્ટોલ્સ પર હુમલા કર્યા હતા.

એ જ વર્ષે રેલવેની ભરતી પરીક્ષા આપવા મુંબઈ આવેલા બિહારના ઉમેદવારોને મનસેના કાર્યકરોએ માર માર્યો હતો.

8. 2009નું વર્ષ મનસે માટે પહેલી મોટી સફળતા લાવ્યું હતું અને તેના 13 ઉમેદવારો વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.

લોકસભાની ચૂંટણીમાં ઉભા રહેલા મનસેના ઉમેદવારોને પણ નોંધપાત્ર પ્રમાણમાં મત મળ્યા હતા.

એ પરિણામને કારણે શિવસેના તથા બીજેપીને આંચકો લાગ્યો હતો.

શિવસેનાએ મનસેને કોંગ્રેસની 'બી' ટીમ ગણાવી હતી અને 'મરાઠી વોટ બેન્ક'માં ભાગલા પાડવા માટે તેની ટીકા કરી હતી.

9. 4, ઓગસ્ટ 2011- ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ ઠાકરેને ગુજરાતમાં નોતર્યા હતા.

નરેન્દ્ર મોદી રાજ ઠાકરેના પહેલા રાજકીય દોસ્ત હતા અને તેમણે આ સાથે શિવસેનાને ઈશારો પણ કર્યો હતો.

મનસેની ટીકા

10. 2012 - મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો જીતીને મનસેએ ફરીવાર સારો દેખાવ કર્યો હતો.

નાશિક મહાનગરપાલિકામાં મનસેએ સત્તા કબજે કરી હતી અને પૂણે મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાનું પદ મેળવ્યું હતું.

11. 'દિવ્ય મરાઠી'ના સ્ટેટ એડિટર પ્રશાંત દિક્ષિતના જણાવ્યા અનુસાર, રઝા એકેડમીએ મુંબઈના આઝાદ મેદાનમાં યોજેલું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું એ પછી એ જ સ્થળે કૂચ યોજીને રાજ ઠાકરે નરમ હિન્દુત્વને અનુસર્યા હતા.

મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લીમો પરના અત્યાચારને વખોડી કાઢવા માટે રઝા એકેડમીએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.

12. 2014થી મનસેની પડતી શરૂ થઇ હતી. ટોલના મુદ્દે ચોક્કસ વલણ ન લેવા બદલ રાજ ઠાકરે અને તેમના પક્ષની વ્યાપક ટીકા કરવામાં આવી હતી.

લોકસભા અને વિધાનસભા બન્નેની ચૂંટણીમાં મનસેએ મોટી પીછેહટનો સામનો કરવો પડ્યો હતો. વિધાનસભામાં મનસે માત્ર એક બેઠક જીતી શકી હતી.

શિવસેના સામે મિત્રતાનો હાથ લંબાવ્યો

13. 2017ની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજે શિવસેના ભણી દોસ્તીનો હાથ લંબાવ્યો હતો, પણ ઉદ્ધવ ઠાકરેએ એ દરખાસ્તને નકારી કાઢી હતી.

બન્ને ભાઈઓ ફરી એક થવાની ધારણાઓ એ સાથે ખોટી પૂરવાર થઇ હતી.

14. 'લોકસત્તા'ના પોલિટિકલ એડિટર સંતોષ પ્રધાને કહ્યું હતું કે ''2017ની મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામે મનસે અને રાજના રાજકારણના અસ્તિત્વ સામે સવાલ ઊભા કર્યા હતા.

મનસે નાશિક મહાનગરપાલિકાની ચૂંટણી હારી ગઇ હતી અને પૂણેમાં અન્ય એક પક્ષ બનીને રહી ગઇ હતી.

અનેક સીનિયર તથા જૂના નેતાઓ અને કાર્યકરો મનસે છોડી ગયા હતા.

કોઇ નક્કર એજન્ડા કે ભાવિ વ્યૂહરચના ન હોવાને કારણે રાજ ઠાકરે એકલા પડી ગયા છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો