BBC SPECIAL: ભારતમાં પોર્ન ઇન્ડસ્ટ્રી અંગે શું કહે છે સની લિયોની

    • લેેખક, દિવ્યા આર્યા
    • પદ, બીબીસી સંવાદદાતા, મુંબઈ

'એક પ્રોસ્ટિટ્યૂટ અને પોર્ન સ્ટાર વચ્ચે શું તફાવત હોય છે?' આ સવાલ સની લિયોનીનાં જીવન પર આધારિત વેબ સિરીઝ 'કરનજીત કૌર'માં એક પત્રકાર દ્વારા પૂછવામાં આવે છે.

આ સવાલના જવાબમાં સની કહે છે, "માત્ર એક જ સામ્યતા છે - ગટ્સ". મતલબ કે સાહસ અથવા તો હિમ્મત.

આ જ હિમ્મત સનીના ચહેરા પર દેખાઈ, જ્યારે તેણે મુંબઈની એક હોટલમાં ઇન્ટર્વ્યૂ આપતી સમયે મને કહ્યું.

સનીએ જણાવ્યું કે 'કરનજીત કૌર'માં પત્રકારો સાથેનાં ઇન્ટર્વ્યૂનું એ દૃશ્ય શૂટ કરવું ખૂબ જ મુશ્કેલ હતું.

સની કહે છે, "મને એ બાબાત ખૂબ જ અસહજ લાગી કારણ કે તેમાં ખૂબ જ ખરાબ પ્રશ્નો હતા, પરંતુ અમે તેને સામેલ કર્યા કારણ કે આ સવાલ લોકોના મનમાં ઉદ્ભવે છે અને હું તના જવાબ આપવા માગતી હતી."

ભારતમાં સની લિયોની છેલ્લા પાંચ વર્ષમાં ગૂગલ પર સૌથી વધુ વખત સર્ચ કરાયેલું નામ છે.

લોકો તેમને જોવા માગે છે, તેમના અંગે જાણવા માગે છે, પરંતુ લોકોએ તેમના વિશે પહેલેથી જ એક અભિપ્રાય ઘડી લીધો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સની માને છે કે તેમના અંગે એક પ્રકારનો જે અભિપ્રાય ઘડાયો છે તેમની જવાબદાર તે પોતે જ છે.

"હું મારા વિચારો અને મારી જિંદગીને લઈને એકદમ પારદર્શી છું, પરંતુ લોકો મને મારા જૂના કામ સાથે જોડીને જ જુએ છે. તેમાં લોકોનો પણ વાંક નથી. હું સમય સાથે બદલી છું અને મને આશા છે કે લોકો પણ મારા વ્યક્તિત્વમાં આવેલા બદલાવને સમજી જશે."

સની બોલિવૂડ ફિલ્મોમાં 'આઇટમ નંબર'થી લઈને મુખ્ય પાત્ર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. હાલમાં જ તેઓ પોતાનું પર્ફ્યૂમ 'ધ લસ્ટ' લૉન્ચ કર્યું છે.

કરનજીત કૌરનો વિરોધ

મેં સવાલ કર્યો કે આ નામ તેમને તેમની એ ખાસ ઓળખ તરફ લઈ જાય છે?

સનીએ ઇન્કાર કરતા કહ્યું કે આટલી નાની ઉંમરમાં પોતના નામનું પર્ફ્યૂમ હોવું એ સ્વપ્ન સમાન છે, જ્યારે તે સપનું સાકાર થતું જણાયું તો મને આ નામ પસંદ આવ્યું.

સનીએ કહ્યું કે અન્ય પર્ફ્યૂમ બ્રાન્ડ પણ 'સિડક્શન' અથવા તો 'ફાયર ઍન્ડ આઇસ' જેવા નામો રાખે છે.

સની લિયોનીનું સાચું નામ 'કરનજીત કૌર' છે.

સનીનાં જીવન પર બનેલી વેબ સિરીઝને આ નામ આપવામાં આવ્યું છે. પરંતુ ટાઇટલમાં રહેલા 'કૌર'નો વિરોધ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ કર્યો હતો.

તેમનું કહેવું છે કે 'કૌર' નામ શીખ ધર્મમાં ખૂબ મહત્ત્વનો છે, જ્યારે સનીનું નામ પોર્ન સાથે જોડાયેલું છે.

આ અંગે મેં સનીને પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમના પાસપોર્ટમાં આ નામ લખેલું છે. તેમના માતાપિતાએ આ નામ આપ્યું હતું, જેઓ આ દુનિયામાં નથી.

તેઓ કહે છે, "મારું સાચું નામ કરનજીત કૌર છે અને માત્ર મારા કામનું નામ સની લિયોની છે. પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પોતાના કામને લઈને સની લિયોનીએ કદી પણ શરમ અનુભવી નથી."

ભારતમાં ખાનગી રીતે પોર્ન જોવામાં કોઈ પ્રતિબંધ નથી, પરંતુ પોર્ન વીડિયો, તસવીરો અથવા તો તેની વહેંચણી કરવી ગેરકાયદે છે.

દુનિયાની સૌથી મોટી પોર્ન વેબસાઇટ 'પોર્નહબ' મુજબ અમેરિકા, બ્રિટન અને કૅનેડા બાદ ભારતમાં સૌથી વધુ પોર્ન જોવામાં આવે છે.

તો શું ભારતમાં કાયદાકીય રીતે પોર્ન ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ?

આ સવાલનો જવાબ આપતા સની કહે છે, "આ મારો નિર્ણય નહીં, પરંતુ ભારત સરકાર અને અહીંના લોકોનો હોવો જોઈએ."

શું આવી ઇન્ડસ્ટ્રી હોવાને કારણે યૌન સંબધો અંગે સહજતા અને ખુલ્લાંપણું આવશે? તમારા અમેરિકાના અનુભવને ધ્યાનમાં રાખીને શું લાગે છે?

આ સવાલનો જવાબ આપતા સની કહે છે કે તેમનો વ્યક્તિગત વિચાર કોઈ ઉપર ના થોપવો જોઈએ.

સમાજની વિચારધારા દરેક પરિવારના વિચારથી બને છે અને દરેક યુવતીની વિચારધારા તેમના માતાપિતાના ઉછેરથી.

સનીના માતાપિતાને તેમનો પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો નિર્ણય પસંદ ન હતો. સની માને છે કે તેમને એક સ્વતંત્ર વિચારની છોકરી તરીકે ઉછેરવામાં આવી હતી, જેને કારણે તે પોતાનાં માતાપિતાની ઇજ્જત પણ કરે છે.

ત્રણ બાળકોનાં માતા

આજે સની પોતે એક માતા છે. તેમણે એક દીકરીને દત્તક લીધી છે અને સરોગેસીથી બે દીકરાઓ છે. શું તેઓ તેમને જિંદગના નિર્ણયો લેવાની આઝાદી આપશે?

સની કહે છે, "હું ઇચ્છું છું કે તેઓ સફળ થાય એટલે સુધી કે મંગળ સુધી જાય, પરંતુ તેમના નિર્ણયો અને રસ્તાઓ તેમના પોતના હોય."

શું તમે તમારા ભૂતકાળના કામ અંગે તમારા બાળકનો સમજાવી શકશો?

આ સવાલ સનીને પસંદ તો ના પડ્યો, પરંતુ તેમણે કહ્યું હાલની પરિસ્થિતિ સાથે આ સવાલનો કોઈ સંબંધ નથી.

તેમના મનમાં લાંબા સમયથી મા બનવાની ઇચ્છા હતી અને હાલ તેઓ એ તબક્કો જીવી રહ્યાં છે.

સનીએ એવું પણ કહ્યું કે જ્યારે સમય આવશે, ત્યારે તેઓ બાળકો સમક્ષ પોતાનો પક્ષ યોગ્ય રીતે રાખશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો