BBC Top News : 'પરપ્રાંતીય કામદારો પર હુમલા પાછળ કોંગ્રેસનો હાથ'

'ધ હિંદુ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પરપ્રાંતીય લોકો પર થયેલા હુમલા પાછળ કોંગ્રેસનો હાથ હોવાનું કહ્યું છે.

તેમના કહેવા પ્રમાણે હુમલા માટે ઉશ્કેરણી કરનારા 20 જેટલા કોંગ્રેસના નેતાઓ અને સામાજિક કાર્યકરોની ઓળખ કરાઈ છે.

તેમણે આરોપ લગાવ્યો છે કે વિપક્ષે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની સરકારને બદનામ કરવા માટે આ પ્રકારની હિંસાને પ્રોત્સાહન આપ્યું છે.

પરપ્રાંતીય લોકો પર હુમલાની રાજ્યભરમાં થયેલી 75 જેટલી ઘટનાઓ અંગે નોંધાયેલા 61 કેસમાં 533 લોકોની ધરપકડ કરાઈ છે.

જોકે, ગૃહમંત્રીએ હુમલા માટે ઉશ્કેરણી કરનાર 20 પૈકી કોઈ પણ સામાજિક કાર્યકર કે કોંગ્રેસના નેતાનું નામ જાહેર કર્યું નથી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું, અલ્પેશ ઠાકોરે તેમના પરના આરોપો નકારી કાઢ્યા હતા.

ઉત્તર પ્રદેશમાં ટ્રેન પાટા પરથી ઊતરી : ઓછામાં ઓછા 5નાં મૃત્યુ

'એનડીટીવી'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશના રાયબરેલીના હરચંદપુર સ્ટેશન પાસે 'ન્યૂ ફરક્કા એક્સપ્રેસ'ના એન્જિન સહિત પાંચ ડબ્બા પાટા પરથી ઊતરી પડતાં દુર્ઘટના ઘટી હતી.

બુધવારે સવારે ઘટેલી આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું અહેવાલમાં નોંધ્યું છે.

લખનૌ અને વારાણસીથી એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

મોદીએ 15 લાખ જમા કરાવવાનું કેમ કહ્યું હતું? : ગડકરીએ આપ્યો જવાબ

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ ખાતામાં 15 લાખ જમા કરાવવાના વડા પ્રધાન મોદીના વાયદા અંગે ટિપ્પણી કરી છે.

મરાઠી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, ''અમને વિશ્વાસ હતો કે અમે સત્તામાં નહીં આવીએ, એટલે અમને મોટા વાયદાઓ કરવાનું કહ્યું હતું. ''

''હવે અમે સત્તામાં છીએ તો લોકો અમને અમે કરેલા વાયદા યાદ કરાવે છે. અમે હસીએ છીએ અને આગળ વધી જઈએ છીએ.''

થોડા દિવસો પહેલાં આ ઇન્ટરવ્યૂ મરાઠી ચેનલ પર પ્રકાશિત થયો હતો અને ત્યારબાદ વિવાદ સર્જાયો હતો.

આ અંગે રાહુલ ગાંધીએ ટ્વીટ પણ કર્યું હતું.

વડા પ્રધાન ખોટા આર્થિક આંકડા આપી રહ્યા છે : યશવંત સિંહા

પૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહાએ મંગળવારે અમદાવાદ ખાતે વડા પ્રધાન મોદી પર આર્થનીતિના આંકડા સાથે ચેડા કરવાનો આરોપ મૂક્યો હતો.

તેમણે એક કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું હતું, "2013માં નરેન્દ્ર મોદી કહેતા હતા કે રૂપિયો આઈસીયુમાં છે, શૅરબજાર પડી રહ્યું છે ત્યારે આ નકામી સરકાર શું કરી રહી છે?"

યશવંત સિંહાએ દેશની વર્તમાન સ્થિતિ વિશે વાત કરતા કહ્યું હતું કે વડા પ્રધાન ખોટા આંકડા રજૂ કરી રહ્યા છે.

'દેશમાં જીડીપી વધારા પર હોય એવું એક પણ માપદંડ દેખાતું નથી, ત્યારે તેઓ જીડીપી વધી રહી હોવાના દાવા કરે છે.'

યશવંત સિંહાની સાથે અભિનેતા અને ભાજપના નારાજ નેતા શત્રુઘ્ન સિંહા પણ અમદાવાદમાં ઉપસ્થિત રહ્યા હતા.

જ્વાલા ગટ્ટા પણ #MeTooમાં જોડાયાં, માનસિક સતામણીનો આક્ષેપ કર્યો

#MeToo મૂવમૅન્ટ વિશ્વભરમાં જોર પકડી રહી છે, ત્યારે બૅડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટા પણ #MeToo મૂવમૅન્ટમાં જોડાયાં છે.

તેમણે પોતાની સાથે માનસિક સતામણી થઈ હોવાની વાત ટ્વિટર પર લખી હતી.

તેમણે લખ્યું છે કે ટૉપ પર્ફોર્મન્સ હોવા છતાં તેમને રાષ્ટ્રીય ટીમમાંથી કાઢી મૂક્યાં હતાં.

જોકે, સતામણી કરનાર વ્યક્તિની ઓળખ તેમણએ જાહેર કરી નથી.

તેમણે લખ્યું, "2006માં એ વ્યક્તિ ચીફ બની, ત્યારથી તેમણે મને નેશનલ ચૅમ્પિયન હોવા છતાં રાષ્ટ્રીય ટીમમાંથી કાઢી મૂકી હતી. તેમણે મને એકલી પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો