મુસ્લિમો માટે રમઝાન શા માટે પવિત્ર અને વિશેષ છે?

    • લેેખક, રાબિયા લિંબાડા
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

રમઝાનની શરૂઆત સાથે જ (શારીરિક રીતે સક્ષમ) મુસ્લિમો રોજા રાખે છે. પણ રમઝાન માત્ર રોજા રાખવા માટેનો મહિનો નથી.

તેનું મહત્ત્વ તેનાથી ઘણું વધારે છે, જેમાં સ્વને વધારે સારા બનાવવાના છે અને અલ્લાહને વધારે જાણવાના છે.

બીબીસીના રાબિયા લિંબાડા લખે છે કે મુશ્કેલીઓ વધવાની છે તેની જાણ છતાં તેઓ રમઝાન મહિનાની આતુરતાથી રાહ જોતાં હોય છે.

"તો તમે સતત 30 દિવસ રોજા રાખો છો?"

"વચ્ચે ક્યારેક તોડી નાંખતા હશો?"

"પાણી પણ નહીં?"

રમઝાન મહિના દરમિયાન આ ત્રણ પ્રશ્નો મારા મિત્રો મને અવશ્ય પૂછે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તો તમને જણાવી દઉં કે... ના, સતત નહીં, પણ દિવસ દરમિયાન (સૂર્યોદયથી સૂર્યાસ્ત) રોજા રાખવાના હોય છે.

આમ તો ક્યારેય તોડતી નથી, પણ હા ક્યારેય એવું થઈ જાય. અને ના, પાણી પણ દિવસ દરમિયાન નહી પીવાનું!

મારો જન્મ અને ઉછેર પૂર્વ લંડનમાં થયો છે. મારા માતાપિતા યમન અને બર્માથી અહીં વસાહતી તરીકે આવેલાં.

દુનિયાભરમાં કોઈ પણ મુસ્લિમ કુટુંબમાં હોય તેવી હલચલ મારા ઘરમાં પણ રમઝાન મહિનો આવવાનો હોય તેના થોડા દિવસ પહેલાંથી શરૂ થઈ જાય છે.

હું તમને જણાવું કે શા માટે.

સ્વંયશુદ્ધિ

આખો દિવસ ભોજન અને પાણી વિના ચલાવવાનું અને મોડી રાત સુધી નમાઝ અને કુરાનનું પઠન થાય તેની અમે આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ.

આ વિચિત્ર લાગશે, પણ 30 દિવસ સુધી અમે અમારી જીવનશૈલીમાં મહત્ત્વનું પરિવર્તન લાવીએ છીએ.

તેના કારણે ઇસ્લામી કેલેન્ડરના સૌથી પવિત્ર મહિના રમઝાનને અમે આવકારીએ છીએ.

રમઝાન દરમિયાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભોજન ના લેવું તે સૌથી અગત્યની બાબત છે, પરંતુ તે સિવાય આ મહિનો શુદ્ધિ માટેનો પણ છે.

ઘણીવાર તેને આધ્યાત્મિક શિબિર જેવો પણ ગણાવાતો હોય છે.

અલ્લાહની નજીક જવાનો સમય

કુરાનમાં કહેવાયું છે કે રમઝાન એ અલ્લાહની નજીક જવાનો સમય છે.

તેથી જ અમે લાંબી પ્રાર્થના અને ચિંતન કરીએ છીએ.

થોડા સમય માટે જીવનના આનંદપ્રમોદને જતા કરીને તેનું મહત્ત્વ શું છે તે આપણે સમજીએ છીએ.

તેના કારણે આપણામાં વધારે કરુણા જાગે છે અને દુનિયામાં જેમની પાસે ખોરાક અને પાણી પૂરતા નથી તેમના માટે દયાભાવ પણ જાગે છે.

રમઝાનની તૈયારીઓ

મહિના અગાઉથી જ રમઝાનની તૈયારીઓ શરૂ થઈ જાય છે. સૌથી વધારે તૈયારી આધ્યાત્મિક હોય છે.

અમે નમાઝનો સમય વધારતા જઈએ અને કુરાનનું વાંચન તથા ચિંતન વધારે ને વધારે કરવા લાગીએ છીએ.

હું રાત્રે થોડું વધારે મોડા સુધી જાગી શકાય તેની ટેવ પાડવા લાગું છું, જેથી રમઝાન વખતે જ થતી રાતની વિશેષ નમાજ માટે હું તૈયાર થઈ જાવ.

ઘણા લોકો અગાઉથી જ ટેવ પાડવા માટે ફાસ્ટ કરે છે અથવા ખોરાક ઓછો કરી નાખે છે.

મારી એક મિત્ર બેએક મહિના પહેલાંથી જ રોજિંદી પીવાતી કોફીનું પ્રમાણ ઓછું કરી નાખે છે, જેથી રોજા રાખી શકાય.

તેમનું કહેવું છે કે રમઝાનના પ્રારંભમાં કેફેન વિના ચલાવી લેવાનું આવે ત્યારે ભૂખ્યા રહેવા કરતાંય તે વધારે મુશ્કેલ લાગે છે.

આ નાનાં નાનાં પરિવર્તનો છે, પણ તેની પાછળનો ઉદ્દેશ પવિત્ર મહિના દરમિયાન શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેવાનો છે.

આ ઉપરાંત પ્રેક્ટિકલ તૈયારીઓ પણ હોય છે.

અમે આગોતરા જ ખૂબ નાસ્તા વગેરે તૈયાર કરીને રાખીએ છીએ. રમઝાન શરૂ થાય ત્યાં સુધીમાં તો અમારું ફ્રીઝ ખીચોખીચ ભરાઈ ગયું હોય.

દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વના અનેક ચટાકેદાર નાસ્તા તૈયાર કરીને રાખી દઈએ છીએ.

જોકે, તેનો અર્થ એ નથી કે જયાફત ઉડાવવી. અગાઉથી નાસ્તા તૈયાર કરી લેવાના કારણે રમઝાન વખતે વધારે રાંધવાની ઝંઝટ રહેતી નથી.

તેના બદલે તે સમય પ્રાર્થનામાં આપી શકાય.

વહેલી શરૂઆત

યૂકેમાં અમે પરોઢિયે કરવાના ભોજન માટે વહેલાં રાત્રે અઢી વાગ્યાની આસપાસ ઊઠી જઈએ છીએ.

અઢી વાગ્યે ઉઠવાની વાત એટલી સહેલી નથી તે હું કબૂલ કરું છું.

મહિનો આગળ વધવા લાગે તેમ આટલું વહેલું ઉઠવું વધારે ને વધારે આકરું લાગવા લાગે છે.

તેથી પછી તમે વિચારો કે હું સવારના નાસ્તા વિના જ ચલાવી લઈશ.

પણ અમારે લગભગ 18 કલાક ભોજન વિના કાઢવાના હોય છે, તેથી સવારે થોડો નાસ્તો અને બે-ચાર ગ્લાસ પાણી બહુ ઉપયોગી થતાં હોય છે.

મારું કુટુંબ આજે પણ આ રીતે મધરાતે પરંપરાગત રીતે ખૂબ મજાનું ભોજન તૈયાર કરીને બેસે છે. બટરથી ભરપૂર બ્રેડથી માંડીને કઢી અને દાળ સુધી બધું જ.

રમઝાન મહિના દરમિયાન બહુ બધી આરોગ્યની સલાહો પણ સોશિયલ મીડિયામાં અને ચેટ એપ્સમાં ફરવા લાગે છે કે સારી રીતે ભોજન લેવું જરૂરી છે.

રમઝાન દરમિયાન સમગ્ર કોમમાં ભાઇચારો વધી જાય છે. કેટલાક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ પરિવારો વસ્યા છે.

તેમાં કોઈ ઘરમાં પરોઢિયા પહેલાં લાઇટ ના દેખાય અને તેઓ જાગ્યા નથી તેવું લાગે ત્યારે મિત્રો તરત તપાસ કરતા હોય છે.

ફોન કરીને પડોશીને જગાડી દેવાતા હોય છે, જેથી સૂરજ ઊગે તે પહેલાં તેઓ થોડું ભોજન લઈ શકે.

અઠવાડિયું થઈ જાય અને દિવસો વીતવા લાગે તે સાથે રોજા આકરા લાગતા નથી. તમારું શરીર ટેવાવા લાગે છે.

તમને હવે ઊંઘ પણ ઓછી આવે છે. બીજા અસંખ્ય લોકો આવું કરી રહ્યા છે તે જાણીને તમે પણ ઉત્સાહમાં આવી જાવ છો.

બિનમુસ્લિમ મિત્રો અને સહકર્મચારીઓ પણ તમારી સાથે રોજા રાખે ત્યારે ખૂબ આનંદ થાય છે.

તમે આખો દિવસ ભૂખ્યા નહીં રહી શકો તેમ કહેવામાં આવે, પણ તેઓ રોજા રાખી શકતા હોય છે અને રાખે પણ છે.

આ રીતના અનુભવોને એકબીજા સાથે માણીએ ત્યારે શ્રદ્ધાની પાછળ રહેલું રહસ્ય સમજાતું હોય છે.

જોકે, મારી બહેન સાથે એક વર્ષે રોજા રાખનારી તેમની સાથી કર્મચારી મિત્ર સમગ્ર અનુભવથી બહુ રાજી થઈ નહોતી.

હકીકતમાં એવું થયું હતું કે રોજા પૂરા થયા પછી તે ફ્રીઝમાં રાખેલું પોતાનું ઇફતાર ભોજન લેવા ગઈ ત્યારે ચોંકી ગઈ.

કોઈ ફ્રીઝમાંથી તેમનું ઇફતાર સફાચટ કરી ગયું હતું!

આધ્યાત્મિક શુદ્ધિ

18 કલાક ભોજન અને પાણી વિના ચલાવવું અઘરું છે. તેથી મને ઘણા લોકો પૂછતા હોય છે કે તમે આટલાં કલાક કેવી રીતે પસાર કરો છો. મારો પ્રામાણિક જવાબ હોય છે પ્રાર્થના કરીને.

કુરાન સૌ પ્રથમવાર રમઝાન મહિનામાં જ કહેવાયું હતું. તેના વાંચનથી અમને બહુ રાહતનો અનુભવ થાય છે.

મુસ્લિમ તરીકે અમારે દિવસમાં પાંચ નમાજ પઢવાની હોય છે. તથા કુરાનનું વાંચન નિયમિત કરવાનું હોય છે.

રમઝાન સિવાયના મહિનાઓમાં નિયમિત નમાઝ અને કુરાન પઢવામાં અમને અડચણો આવતી હોય છે. પરંતુ આ પવિત્ર માસમાં તે બધું જ બદલાઈ જાય છે.

કેટલાક લોકો રમઝાન મહિના દરમિયાન સોશિયલ મીડિયાને બાજુ પર મૂકી દે છે, કેટલાક લોકો ટીવી જોવાનું બંધ કરી દે છે અને હળવા-મળવાનું પણ ઓછું કરી નાખે છે.

આ રીતે વિચલિત કરનારી બાબતોને છોડી દઈને અમે આધ્યાત્મિક શુદ્ધિ માટેની તક ઝડપી લઈએ છીએ.

રમઝાન દરમિયાન એક ડઝનથી વધુ વખત કુરાન પઢવામાં આવ્યું હોય તો તેમાં નવાઈ ના લાગે. કુરાન 900 પાનાનું છે, તે જોતા આ કંઈ જેવી તેવી વાત ના કહેવાય.

ઇસ્લામમાં અમે માનીએ છીએ કે રોજા માત્ર અલ્લાહ માટે રાખીએ છીએ. એક પ્રામાણિક અને નિસ્વાર્થ સમર્પણની ભાવના સાથે રોજા રાખીએ છીએ.

ઘણીવાર મને એ જોઈને નવાઈ લાગે છે કે સામાન્ય રીતે નિયમિત નમાઝ વગેરે ના કરનારા કેટલાક મુસ્લિમો પણ રમઝાનમાં રોજા રાખે છે અને નિયમિત મસ્જિદમાં નમાઝ પઢવા આવે છે.

દાન

રોજા ઉપરાંત રમઝાન મહિનો દાન આપવાનો પણ મહિનો છે. તેથી તે દરમિયાન કલ્યાણનાં કાર્યોનું બહુ મહત્ત્વ છે.

ઇસ્લામના પાંચ પાયાના સિદ્ધાંતોમાં એક સિદ્ધાંત છે જકાત તરીકે ઓળખાતો કર આપવો.

દર વર્ષે અમે અમારી સંપત્તિના અઢી ટકાનું દાન જરૂરિયાતવાળા લોકોને આપીએ છીએ.

ચેરિટિ કમિશનરના જણાવ્યા અનુસાર 2016માં રમઝાન મહિના દરમિયાન યુકેના મુસ્લિમોએ લગભગ 10 કરોડ પાઉન્ડનું દાન આપ્યું હતું.

ઘણી સેવા સંસ્થાઓ આ મહિના દરમિયાન સારો એવો ફાળો મેળવી શકે છે.

રમઝાન દરમિયાન અમે અમારા મિત્રો અને સ્નેહીઓને પણ સહાયરૂપ થવા કોશિશ કરીએ છીએ.

અમે અમારા વિસ્તારમાં સ્વંયસેવક તરીકે કામ કરીને સમાજમાં સારું પ્રદાન આપવાની કોશિશ કરીએ છીએ.

મારા એક મિત્ર નમાઝ માટેની સાદડી તથા ઇસ્લામી સાહિત્ય એકઠું કરીને તે જેલમાં રહેલી મુસ્લિમ મહિલા કેદીઓને પહોંચાડે છે.

ગમે તેવું નાનું કાર્ય હોય, પણ તેની પાછળનો ઉદ્દેશ કોઈનું કલ્યાણ કરવાનો હોય છે.

સૂર્યાસ્ત

રોજા છોડવાનો સમય નજીક આવે ત્યારે ભારે ભાગદોડ મચી જતી હોય છે.

મને યાદ છે કે હું નાની હતી ત્યારે મારી મમ્મીને ઊતાવળે સમોસા તૈયાર કરતા જોતી હતી.

અમારા ભાઇબહેનો માટે તેઓ ગરમાગરમ રસોઇ તૈયાર કરવા ઉતાવળા થતા. અમે આખી પ્લેટ ભરીને સૂર્યાસ્ત પહેલાં પડોશીને ત્યાં પહોંચી જતા.

આજે પણ મારા માટે તે સૌથી મનગમતો સમય છે.

હવે મારો વારો આવ્યો છે કે મારે ફટાફટ ભોજન તૈયાર કરી લેવું. હું તેના પર ફોઇલ લગાવીને મારા સંતાનોને આપું જેથી ઇફતારની થોડી મિનિટો પહેલાં જ તેઓ ભોજન પડોશીને પહોંચાડી શકે.

રમઝાન દરમિયાન કુટુંબીજનો અને સગાઓ એકબીજા સાથે વધુ સમય વિતાવે છે. જોકે, બધા એટલા નસીબદાર નથી હોતા.

મારી એક મિત્ર મને કહે છે કે મોટા ભાગે તેમના પિતા સ્થાનિક મસ્જિદમાં જઈને રોજા ખોલતા હતા,

જ્યારે તે હંમેશા ઘરે રહીને પોતાની રીતે રોજા ખોલતી હતી. આ સ્થિતિ એકલવાયી લાગી શકે છે.

આવી સ્થિતિમાં કોઈ મિત્ર કે સગાનું આમંત્રણ મળે ત્યારે બહુ ખુશી થતી હોય છે.

પ્રથમ ભોજન

અમે ઇફતારની ખૂબ આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ.

છેલ્લા કેટલાક સમયથી રમજાન મહિનો ઉનાળામાં આવવા લાગ્યો છે. તેના કારણે યુકેમાં દિવસો બહુ લાંબા થઈ જતા હોય છે.

તેના કારણે ઇફતારની લાંબી રાહ જોવી પડે છે.. એક વર્ષે આવા જ લાંબા અને થકાવનારા દિવસ પછી મારી બહેનને તેના મિત્રને ઘરે ઇફતાર માટે આમંત્રણ મળ્યું હતું.

થાળીમાં વિવિધ વાનગીઓ પીરસી દેવાઈ હતી અને મારી બહેન સૂર્યાસ્ત માટે આતુરતાથી રાહ જોઈને બેઠી હતી.

ઇફતારનો સમય થતાં જ તે સમોસાની પ્લેટ પર તૂટી પડી. તેણે પૂછ્યું પણ નહી કે તેમાં શું હતું.

બાદમાં તેણે મને કહ્યું કે તે ટ્યુનાથી ભરેલા સમોસા હતા. આખી રાત તેણે ઊલટીઓ રોકતા માંડ માંડ કાઢી હતી!

ઇફતારનો સમય પણ આધ્યાત્મક અનુભવનો સમય છે. મારા ઘરમાં એવી પરંપરા હતી કે અમે રોજા દ્રાક્ષ, ફળ અને આઇસ-કોલ્ડ મિલ્કશેકથી છોડતા હતા.

મારા લંડનના ઘરની અગાશીએ હું સૂર્યાસ્ત થવાની રાહ જોઈને ઊભી હોઉં ત્યારે ઘણીવાર વિચારે ચડી જાઉં કે જેમને દિવસના અંતે ભોજન નહીં મળતું હોય તેમનું શું થતું હશે?

અમે બીજા કોઈ પણ મહિના કરતાં રમજાનને વધુ પસંદ કરીએ છીએ, કેમ કે તે અમારામાં ફરીથી ધર્મ પ્રત્યે શ્રદ્ધાભાવના જગાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો