You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્લૉગ : સેનાની વીરતા એ મોદી સરકારની રાજકીય મિલ્કત નથી
- લેેખક, રાજેશ પ્રિયદર્શી
- પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિન્દી
સૈનિકોનાં મેડલો નેતાઓના કુરતાઓ પર શોભતાં નથી. દેશમાં કોઈ સંસ્થાની આબરુ હજુ સુધી બચેલી છે તો એ છે સૈન્ય.
એ કારણે જ સૈન્યની શાખ અને તેની સાથે જોડાયેલી લોકભાવનાનો રાજકીય લાભ લેવાના પ્રયાસ જોરશોરથી થઈ રહ્યા છે.
પોતાના 48માં માસિક સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મનની એક દિલચસ્પ વાત કહી હતી.
મોદીએ કહ્યું હતું, "જેઓ રાષ્ટ્રની શાંતિ તથા ઉન્નતિના માહોલને નષ્ટ કરવાનો પ્રયાસ કરશે એ લોકોને આપણા સૈનિકો જડબાતોડ જવાબ આપશે એ હવે નક્કી થઈ ગયું છે."
શું પાકિસ્તાન તરફથી આવતી દરેક ગોળી અને ગોળાનો જવાબ ભારતીય સૈન્ય અત્યાર સુધી આપતું ન હતું?
સૈન્યને કોઈ નવા આદેશ આપવામાં આવ્યા છે? બિલ્કુલ નહીં.
આ યુદ્ધ જેવો રાજકીય માહોલ તૈયાર કરવાનો પ્રયાસ છે, જેમાં સૈન્ય અને સરકારને સાથે-સાથે દેખાડી શકાય.
લોકો સુધી એવો સંદેશો પહોંચાડી શકાય કે મોદી સરકાર સૈન્ય સાથે છે અને સૈન્ય સરકારની સાથે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનાથી એ સાબિત કરવું આસાન થઈ જશે કે જે સરકારની વિરુદ્ધ છે, તે સૈન્યની પણ વિરુદ્ધ છે, મતલબ કે દેશદ્રોહી છે.
જે રીતે હિંદુ, રાષ્ટ્ર, સરકાર, દેશ, મોદી, બીજેપી, સંઘ, દેશભક્તિ વગેરેને એકબીજાનાં પર્યાયવાચક બનાવી દેવાયાં છે તેમ તેમાં હવે સૈન્યને પણ જોડવામાં આવી રહ્યું છે,
જેથી આ પૈકીના કોઈ પણ એકની ટીકાને સમગ્ર રાષ્ટ્ર તથા તેના દેશભક્ત સૈન્યની ટીકા ગણાવી શકાય.
"રાજકારણનું હિંદુકરણ અને હિંદુઓનું સૈન્યકરણ"
વડા પ્રધાને ખરેખર નવી વાત નક્કી કરી છે, કારણ કે સૈન્યનું કામ વિદેશી હુમલા સામે દેશનું રક્ષણ કરવાનું છે, પરંતુ હવે "રાષ્ટ્રની શાંતિ અને ઉન્નતિના માહોલને નષ્ટ કરનારા" લોકો સામે સૈન્ય કામ પાર પાડશે?
આ વાત વિશે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. આ કોઈ મામૂલી વાત નથી.
તેમના કથનનો આશય એ છે કે તેમની સરકારે રાષ્ટ્રમાં શાંતિ અને ઉન્નતિનો માહોલ બનાવ્યો છે.
તેને નષ્ટ કરનાર કોણ છે તેની વ્યાખ્યાના તમામ વિકલ્પ ખુલ્લા રાખવામાં આવ્યા છે અને તે સમય તથા જરૂરિયાત અનુસાર નક્કી કરી શકાય છે.
તમે આ વાંચ્યું કે નહીં?
"રાષ્ટ્રની શાંતિ તથા ઉન્નતિના માહોલને નષ્ટ કરનારાઓ" તરીકે વિરોધ પક્ષ, મીડિયા, લઘુમતીઓ અને માનવાધિકાર કાર્યકરોનો વારો પણ આવી શકે છે?
દુનિયાના બધા લોકશાહી દેશોમાં સૈન્ય તથા રાજકારણને અલગ રાખવાની પરંપરા રહી છે અને તેનાં નક્કર કારણો પણ છે.
અલબત, ભારતમાં સૈન્યને રાજકારણના કેન્દ્રમાં લાવવાની વ્યૂહરચનાના લક્ષણ ઘણા સમયથી જોવા મળી રહ્યાં છે.
શિક્ષણ સંસ્થાઓમાં ટેન્ક ગોઠવીને વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવનાનો સંચાર કરવાનો પ્રયાસ કે સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં 207 ફીટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવા જેવાં કામો સતત થઈ રહ્યાં છે.
આ બધું સાવરકરના એ વિખ્યાત ધ્યેય વાક્ય અનુસારનું છે, જેમાં સાવરકરે કહ્યું હતું કે "રાજકારણનું હિંદુકરણ અને હિંદુઓનું સૈન્યકરણ" કરવું જોઈએ.
'પરાક્રમ દિવસ'ના બહાને
પાકિસ્તાનની સીમાની અંદર હુમલો કરવાની ઘટનાની બીજી વરસીને 'પરાક્રમ દિવસ' જાહેર કરવામાં આવ્યો છે.
મજેદાર વાત એ છે કે ગયા વર્ષે આવું કરવાની જરૂર પડી ન હતી. આ વર્ષે જરૂર પડી તેનાં પણ કારણો છે.
ગયા વર્ષે નીરવ મોદી ભાગ્યા ન હતા, નોટબંધીના આંકડા બહાર આવ્યા ન હતા અને ચર્ચિત રફાલની ધમાલ પણ ન હતી.
આ સ્થિતિમાં પરાક્રમ દિવસની ઘૂમધામથી ઉજવણી એક સારો ઉપાય ગણાય.
એ વાત અલગ છે કે 126 વિમાનોને બદલે માત્ર 36 વિમાન ખરીદવાથી સૈન્ય કેવી રીતે મજબૂત થશે એ સવાલનો જવાબ મળતો નથી.
વાઇસ ચીફ ઍરમાર્શલ એસ. બી. દેવ નિયમ-કાયદા જાણે છે. તેમણે વારંવાર કહ્યું હતું, "મારે આ મુદ્દે બોલવું ન જોઈએ...આ મામલે વાત કરવાની સત્તા મને નથી...મારું બોલવું યોગ્ય નહીં ગણાય."
જોકે, તેમણે એટલું જરૂર કહ્યું હતું, "જેઓ વિવાદ સર્જી રહ્યા છે તેમની પાસે પૂરતી માહિતી નથી."
ખૈર, લોકો માહિતી તો માગી રહ્યા છે, પણ મળી ક્યાં રહી છે?
શું વાઇસ ચીફ એરમાર્શલે આ નિવેદન સરકારની સહમતી વિના આપ્યું હશે?
એક રાજકીય નિર્ણયને સાચો સાબિત કરવા સૈન્યને આગળ ધરવા સાથે જોડાયેલા નૈતિક સવાલ જેમને દેખાતા નથી, તેમને એ કેવી રીતે સમજાવી શકાય કે આમાં ખોટું શું છે?
સૈન્ય માટે રાજકીય વ્યૂહરચના
આ સરકારે સૈન્યને રાજકીય મંચ પર લાવવાની વ્યૂહરચના અપનાવી હોય તેવા અનેક દાખલા છે.
એક નિર્દોષ કાશ્મીરીને જીપ સાથે બાંધીને ગામમાં ફેરવનારા મેજર ગોગોઈને પત્રકાર પરિષદ યોજવાની પરવાનગી આપવી તે આવી જ એક અભૂતપૂર્વ ઘટના હતી.
એ જ મેજર ગોગોઈ શ્રીનગર હોટેલકાંડમાં દોષી સાબિત થયા છે અને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.
સૈન્યના વડા બિપિન રાવત મીડિયા સાથે સતત વાતો કરી રહ્યા છે, પત્રકાર પરિષદોને સંબોધી રહ્યા છે. એવું દેશના વડા પ્રધાને આજ સુધી કર્યું નથી.
જનરલ બિપિન રાવતે એવી અનેક વાતો કહી છે, જે દેશમાં અગાઉ સૈન્યના કોઈ વડાએ કહી નથી.
એ અપૂરતું હોય તેમ, એક પરિચર્ચામાં તેમણે ત્યાં સુધી કહી દીધું હતું કે આસામમાં બદરુદ્દીન અજમલનો પક્ષ "એઆઈયુડીએફ બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે."
એ પછી તેમણે જણાવ્યું હતું કે આસામના કેટલાક જિલ્લાઓમાં મુસ્લિમોની વસતિ બહુ ઝડપથી વધી રહી છે.
જનરલ રાવતના આ રાજકીય નિવેદન બાબતે જોરદાર હોબાળો થયો હતો.
સૈન્ય સાથે અન્યાય
સૈન્ય સાહસ દેખાડી રહ્યું છે તેનું કારણ મોદી સરકાર નથી, પાછલી કોઈ સરકાર પણ નથી. સૈન્ય કઠીન પરિસ્થિતિમાં તેની ફરજ બજાવતું રહ્યું છે.
તેનો શ્રેય લેવાનો પ્રયાસ સરકાર કરશે તો એ સૈન્ય સાથે અન્યાય ગણાશે.
સૈન્ય પ્રત્યે લોકોમાં આદરની જે ભાવના છે તેને સરકાર પ્રત્યેનો આદર ગણાવવાનો ચાલાક પ્રયાસ સૈન્ય તથા નાગરિકો બન્ને સાથેનું છળ છે.
સૈન્યની વીરતાનું શ્રેય લેતા લોકોએ મુશ્કેલ સવાલોના જવાબ પણ આપવા પડશે.
દેશના રક્ષણ માટે ફરજ બજાવતા અર્ધસૈનિક દળના જવાન તેજબહાદુર યાદવ યાદ છે તમને?
એ તેજબહાદુરે બળેલી રોટલી અને પાણી જેવી પાતળી દાળ સોશિયલ મીડિયા પર દેખાડી હતી.
એ ગુના બદલ તેમની નોકરી ચાલી ગઈ. સૈનિકોને હવે યોગ્ય રોટલી મળે છે કે નહીં, એ કોઈ ખાતરીપૂર્વક કહી શકતું નથી.
'વન રૅન્ક, વન પેન્શન'નું લાંબુ આંદોલન પણ આ દેશભક્ત સરકારના કાર્યકાળમાં થયું હતું અને એ દરમ્યાન સરકારનું વલણ એવું તો ન હતું કે સૈનિકો સરકારને પોતાની શુભચિંતક માને.
સૈન્યને તેનું કામ કરવાની તમામ સુવિધા આપવાનું કામ સરકારનું છે.
દેશભક્તિથી ઓતપ્રોત આ સરકારના કાર્યકાળમાં 2017માં સીએજીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય સૈન્ય પાસે માત્ર 10 દિવસ ચાલે તેટલો જ દારુગોળો છે.
સૈન્ય પર ગર્વ હોવાનો દાવો કરતી સરકાર આવી પરિસ્થિતિ સર્જાવા કઈ રીતે દઈ શકે?
દેશની જનતા તેના સૈન્યનું સન્માન કરે છે, તેના પર ગર્વ કરે છે અને એ માટે કોઈ નવા સરકારી આયોજનની જરૂર નથી.
જે લોકો આ સરકારથી ખુશ છે અને તેનાથી નારાજ છે તેઓ પણ સૈન્ય પ્રત્યે આદર ધરાવે છે, પરંતુ એ આદરની માત્રા, સમય અને પ્રકાર સરકારી આદેશથી નક્કી ન થઈ શકે.
સત્તાના ખેલમાં સૈન્યની ભૂમિકા
ભારતીય સૈન્ય શરૂઆતથી ધર્મનિરપેક્ષ, બિન-રાજકીય અને પ્રૉફેશનલ બની રહ્યું છે. સૈન્ય બંધારણ મુજબ નાગરિક શાસનને આધીન રહીને કામ કરતું રહ્યું છે.
આ જ વાત ભારતને પાકિસ્તાનથી અલગ સાબિત કરે છે. પાકિસ્તાનમાં સૈન્ય રાજકારણનું મોટું ખેલાડી છે.
નિવૃત્ત સૈનિક અધિકારી લેફ્ટનન્ટ જનરલ ભૂપિન્દરસિંઘે સૈન્યના રાજકીયકરણના જોખમ સામે એક વિસ્તૃત લેખમાં ચેતવણી આપી છે.
તેમનું કહેવું છે કે સૈન્યની પોતાની સંસ્કૃતિ છે. બેરેકમાં રહેતા સૈનિકો નાગરિક જીવનના ઘણા બધા દુર્ગુણોથી દૂર રહે છે અને પોતાની રેજિમૅન્ટની પરંપરા તથા શિસ્તનું પાલન કરે છે.
તેમને નાગરિક સમાજની બહુ નજીક લઈ જવાથી તેમની સૈન્ય સંસ્કૃતિ પર માઠી અસર થશે.
સૈન્ય અત્યાર સુધી સવાલ-જવાબ, મીડિયાના કકળાટ અને રાજકીય ખેંચતાણથી દૂર રહીને કામ કરતું રહ્યું છે.
તેને નાગરિક જીવનમાં આટલી જગ્યા આપવાના પ્રયાસનું સૌથી મોટું જોખમ એ છે કે અત્યારસુધી ઊંચા દરજ્જા પર રહેલું સૈન્ય પણ સમાજ તથા રાજકારણના કીચડમાં ખરડાઈ જશે.
સૈન્ય-રાજકીય ગઠબંધન જોખમી?
લેફ્ટનન્ટ જનરલ ભૂપિન્દરસિંઘે તેમના લેખમાં બહુ જ મહત્વની વાત લખી છે.
તેમણે લખ્યું છે કે કર્ણાટકની ચૂંટણીમાં સૈન્યના બે હીરો-જનરલ થિમૈયા તથા ફિલ્ડ માર્શલ કરિઅપ્પા વિશે ઘણી ખોટી વાતોનો પ્રચાર કરવામાં આવ્યો હતો અને તેમની ઓળખ કર્ણાટક પૂરતી સીમિત કરી દેવાઈ હતી.
તેમણે લખ્યું છે, "બન્ને કર્ણાટકના હતા, પણ સૈનિક તરીકે તેમની ઓળખ એકદમ અલગ હતી.''''સૈન્ય વર્તુળોમાં જનરલ થિમૈયાને કુમાઉંના અધિકારી અને ફિલ્ડ માર્શલ કરિઅપ્પાને રાજપૂત અધિકારી તરીકે યાદ કરવામાં આવે છે. આ વાત બિન-સૈનિક લોકો સમજી ન શકે."
સૈન્યના નિવૃત્ત અધિકારીઓ ઘણીવાર રાજ્યપાલ જેવી ભૂમિકાઓ ભજવતા રહ્યા છે.
બીજેપીની પાછલી સરકારમાં જનરલ બી. સી. ખંડૂરી, મોદી સરકારમાં જનરલ વી. કે. સિંહ અને કર્નલ રાજ્યવર્ધન રાઠૌર પ્રધાન બન્યા પછી સૈન્યના અનેક અધિકારીઓની વ્યક્તિગત રાજકીય મહત્વાકાંક્ષાને બળ મળશે.
સૈનિકોની વ્યક્તિગત મહત્વાકાંક્ષા સુધી તો કદાચ ઠીક છે, પણ સંસ્થા તરીકે ભારતીય સૈન્ય રાજકારણની આટલું નજીક આવશે અને તેનાં અરમાન પાકિસ્તાની સૈન્યની માફક જાગશે તો શું થશે?
તમે જ વિચારો, સૈનિક-રાજકીય ગઠબંધન દેશની લોકશાહી માટે જોખમ નથી તો બીજું શું છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો