અવકાશમાં મહાશક્તિઓને પડકારતો આ નાનકડો પ્રદેશ

    • લેેખક, જસ્ટિન કૅલ્ડરન
    • પદ, બીબીસી ફ્યૂચર

આઓ તુમ્હે ચાંદ પે લે જાયેં......એક નઈ દુનિયા બસાયેં...

લાગે છે કે હાલમાં ઘણા લોકો આ હિંદી ગીતથી પ્રભાવિત થયા છે.

દુનિયાભરના દેશોમાં અંતરીક્ષની હરીફાઈ ઝડપી બની છે અને અત્યારે ઘણી ટેકનિકલ કંપનીઓએ મંગળ ગ્રહ પર માણસોને વસાવવાની યોજનાઓ પણ તૈયાર કરી લીધી છે.

જોકે, એવું લાગે છે કે તેઓ પૃથ્વી કરતાં ખૂબ દૂર માણસોને વસાવવા માટે જગ્યાની શોધમાં છે.

પૃથ્વીથી અલગ અંતરીક્ષમાં એવી ઘણી જગ્યા છે જે માણસો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ સ્થળોને ઓળખી કાઢવા તમામ નાની મોટી કંપનીઓ મચી પડી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

નાસાના વૈજ્ઞાનિક જણાવે છે કે ચાંદ પર માણસોની વસાહત ઊભી કરવાથી એક મોટો ફાયદો થશે.

આગળ જતા આપણે આ જ રીતે મંગળ ગ્રહ પર પણ માનવને વસાવી શકીશું.

ચંદ્ર પર જો માણસ વસાહતો ઊભી કરાશે તો એમને નોકરી આપનાર નાસા જેવી મોટી સંસ્થાઓ નહીં હોય.

એમને તો અવકાશમાં વેપાર કરવાનો પ્રયાસ કરનારી નાની કંપનીઓ નોકરી પર રાખશે.

તમને આવી ઘણી કંપનીઓ યુરોપના એક નાનકડા દેશ લક્ઝમબર્ગમાં મળશે.

નાસાનું માનવું છે કે ચંદ્ર પર આવનારા ચાર વર્ષોમાં માણસોની વસાહતો ઊભી થઈ શકે છે. આ તકને કોઈ પણ કંપની છોડવા નહીં ઇચ્છે.

આવી જ એક કંપની છે આઈસ્પેસ. તેના સીઈઓ તાકેશી હાકામાડાની ઇચ્છા માત્ર ચંદ્ર પર માણસોને વસાવવા પૂરતી સીમિત નથી.

તેઓ તો ચંદ્રની ખીણોમાંથી દુર્લભ ખનિજ શોધી કાઢવાના મિશનમાં રોકાયેલા છે.

એમ તો આઈસ્પેસનું વડું મથક ટોક્યોમાં છે પણ તેમણે લક્ઝમબર્ગમાં પણ પોતાનું મથક બનાવી રાખ્યું છે.

કંપનીનો ઉદ્દેશ છે કે તેઓ 2020 સુધીમાં ચંદ્રની આસપાસ પરિભ્રમણ કરનારા મિશન મોકલે અને બાદમાં 2021માં ચંદ્રની સપાટી પર અવકાશ યાન ઉતારવાનો પ્રયાસ કરે.

તાકેશી હાકામાડા જણાવે છે, "અમારા પહેલાં બે મિશન અમારી ટેકનિકલ ક્ષમતાનું પ્રદર્શન કરશે."

"ત્યારબાદ અમે ચંદ્ર પર સામાન લઈ જઈ અમારી ક્ષમતા દુનિયાને દેખાડીશું."

"જો અમને ચંદ્ર પર પાણીનો સ્રોત મળી ગયો તો એનાથી ચંદ્ર પર એક નવા ઉદ્યોગનો પાયો નખાશે."

"જો ચંદ્ર પર પાણી મળી ગયું તો માણસ જાત માટે એક મોટી ઉપલબ્ધિ હશે."

"આને કારણે માણસ ધરતીથી દૂર કોઈ અન્ય સ્થળે લાંબા સમય સુધી રહી શકશે."

લક્ઝમબર્ગમાં કેમ જઈ રહી છે કંપનીઓ?

આમ તો બ્રહ્માંડમાં કારકિર્દી અને વેપારની તલાશ કરી રહેલાં તાકામાડા એકમાત્ર વ્યક્તિ નથી.

લક્ઝમબર્ગમાં હાલમાં 10 આવી કંપનીઓ રજિસ્ટર્ડ છે, જે અવકાશ ખનન ક્ષેત્રમાં વેપાર કરવાનો પ્રયાસ કરી રહી છે.

પાંચ લાખ કરતાં થોડી જ વધુ વસતિ ધરાવતા લક્ઝમબર્ગમાં આટલી સ્પેસ કંપનીઓ હોવાનું કારણ શું છે?

વાસ્તવમાં લક્ઝમબર્ગમાં ફેબ્રુઆરી 2016માં સ્પેસ રિસોર્સ લૉ એટલે કે ખગોળીય સ્રોત કાયદો બનાવવામાં આવ્યો હતો.

આ હેઠળ લક્ઝમબર્ગની સરકારે 20 કરોડ યૂરોનું એક ફંડ બનાવીને સ્પેસ રિસર્ચ માટે કામ કરતી કંપનીઓને મદદ આપવાનો નિર્ણય કર્યો છે.

વળી અવકાશ સાથે જોડાયેલા કાયદાઓમાં પણ ઘણી છૂટછાટ આપવામાં આવી છે.

આ હેઠળ અવકાશમાં વેપાર કરનારી કંપનીઓને લક્ઝમબર્ગ ટૅક્સમાં પણ ઘણી રાહત આપે છે.

આ જ કારણ છે કે આ નાનકડા દેશમાં 10 કરતાં વધારે સ્પેસ માઇનિંગ કંપનીઓ કામ કરી રહી છે.

આ કંપનીઓનું લક્ષ્ય માત્ર ચંદ્ર પર જ ખનન નથી. આ કંપનીઓ ચંદ્ર અને ધરતી વચ્ચે પરિભ્રમણ કરતાં ઉલ્કાપિંડો પર દુર્લભ ખનીજની પણ તલાશ કરી રહી છે.

ચંદ્ર અને ધરતી વચ્ચે ઓછામાં ઓછા 16 હજાર ઉલ્કાપિંડો છે, જેના પર દુર્લભ ખનીજ હોવાનું અનુમાન છે.

આ સ્રોતોના ખનનની સંભાવના ઘણા વૈજ્ઞાનિકોએ દર્શાવી છે. આમાં જાણીતા વૈજ્ઞાનિક નીલ ડેગ્રાસ ટાઇસનનો પણ સમાવેશ થાય છે.

અમેરિકન કંપનીઓ લક્ઝમબર્ગમાં

લક્ઝમબર્ગે 2016માં જે કાયદો બનાવ્યો એને કારણે અમેરિકા પછી તે બીજો એવો દેશ બની ગયો જે અવકાશમાં સ્રોતોના ખનનને કાયદાકીય ગણે છે.

લક્ઝમબર્ગના નાણામંત્રાલયના અધિકારી પૉલ ઝેનર્સ જણાવે છે કે 2016 માં જે કાયદો બન્યો છે એને કારણે લગભગ 200 કંપનીઓએ એમની સરકારનો સંપર્ક સાધ્યો છે અને તે લક્ઝમબર્ગને પોતાનું મુખ્ય મથક બનાવવા માગે છે.

લક્ઝમબર્ગ સિવાય માત્ર અમેરિકા જ એવો દેશ છે જે અવકાશમાં સ્રોતોના ખનનને કાયદેસર ગણે છે.

જોકે, અમેરિકાના કાયદામાં એ શરત છે કે આ કામ માટે રજિસ્ટ્રેશન કરાવનાર કંપનીઓમાં 50 ટકા મૂડી અમેરિકન નાગરિકની હોવી જોઈએ પણ લક્ઝમબર્ગે આવી કોઈ શરત મૂકી નથી.

માટે જ તાકામાડાની આઈસ્પેસ જેવી કંપનીઓ ટોક્યો સિવાય લક્ઝમબર્ગમાં પણ પોતાની કચેરી ઊભી કરી રહી છે. જેને કારણે એમને કરમાં ઘણી બચત થશે.

જોકે, લક્ઝમબર્ગ પર કર ચોરોનો અડ્ડો હોવાના આરોપો પણ લાગતા જ રહ્યા છે.

વ્યક્તિ દીઠ આવકની દ્રષ્ટિએ લક્ઝમબર્ગ દુનિયાનો સૌથી અમીર દેશ છે. અહીંનો ઓછો કર પણ આનું કારણ હોઈ શકે.

2016માં લક્ઝમબર્ગે અવકાશ સાથે જોડાયેલો જે કાયદો બનાવ્યો એને કારણે ઘણી અમેરિકન કંપનીઓ આ તરફ વળી હતી.

જેમ કે ડીપ સ્પેસ ઇન્ડસ્ટ્રીઝ અને પ્લૅનેટરી રિસોર્સિઝે અહીંયા પોતાના મથકો સ્થાપિત કર્યાં છે.

અવકાશ ક્ષેત્રે કામ કરનારી ખાનગી કંપનીઓમાં પ્લૅનેટરી રિસોર્સિઝ સૌથી જૂની કંપની છે.

આમાં ગૂગલના સહ સંસ્થાપક લેરી પેજ અને વર્જિન ગ્રૂપના સર રિચર્ડ બ્રેનસને મૂડી રોકી છે.

જોકે, આ કંપનીએ લક્ઝમબર્ગમાં કેટલું રોકાણ કર્યું છે એ વાત જાહેર કરાઈ નથી.

આજની તારીખમાં સ્પેસ ઉદ્યોગનો લક્ઝમબર્ગની અર્થવ્યવસ્થામાં 1.8 ટકા જેટલો ફાળો છે.

આ કોઈ પણ દેશની અર્થવ્યવસ્થામાં સ્પેસ ઉદ્યોગનું સૌથી મોટું યોગદાન છે.

જોકે, લક્ઝમબર્ગની જ કાયદાકીય કંપની એલન ઍન્ડ ઑવરી જણાવે છે કે અવકાશના સ્રોતો પર કોઈ પણ દેશને હક જતાવવાની છૂટ ના આપી શકાય કારણ કે આ આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ છે.

અવકાશ પર કોનો દાવો

જ્યારે 2015માં અમેરિકાએ અવકાશ ખનનનો આવો કાયદો બનાવ્યો હતો તો રશિયાએ એનો સખત વિરોધ કર્યો હતો.

બાહ્ય અવકાશમાં કોઈ પણ હિલચાલને નિયંત્રિત કરવા માટે 1967માં આઉટર સ્પેસ ટ્રીટ્રી થઈ હતી.

શીત યુદ્ધ દરમિયાન થયેલી આ સંધિ મુજબ અવકાશનાં સ્રોતોને કોઈ પણ દેશ એકતરફી દોહન ના કરી શકે, ના તો અવકાશના વિસ્તારો દેશોમાં પરસ્પર વહેંચાયેલા છે.

આ કરાર પર 105 દેશોએ હસ્તાક્ષર કરેલા છે પણ હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેસ ફોર્સ બનાવવાની જાહેરાત કરીને આ કરાર સામે પડકાર ફેંક્યો છે.

આઉટર સ્પેસ ટ્રીટ્રી એટલે કે OSTની સૌથી મોટી ખામી એ છે કે અવકાશનાં સ્રોતો પર માલિક તરીકેના હક વિશે તેમાં કોઈ ઉલ્લેખ નથી.

એટલે લક્ઝમબર્ગ અને અમેરિકા જેવા દેશો હવે સ્પેસ રિસોર્સ પર હક જતાવવા માંડ્યા છે.

હાલમાં સંયુક્ત આરબ અમીરાતે પણ આવો જ કાયદો બનાવવા માટે લક્ઝમબર્ગ સાથે કરાર કર્યો છે.

જેનર્સ જણાવે છે કે એમના દેશનો કાયદો અવકાશના સ્રોતોની શોધ અને ખનનને કાયદાકીય સ્વરૂપ આપવા માંગે છે પણ એનો એ અર્થ નથી કે તે આ સ્રોતો ગેરકાયદે કરેલા દાવાને પ્રોત્સાહન આપે છે.

જો કોઈ કંપનીને અવકાશમાંથી દુર્લભ ખનીજ શોધવામાં અને પૃથ્વી સુધી લાવવામાં સફળતા મળી ગઈ તો આનાથી સ્પેસ રેસ વધારે રસપ્રદ બની જશે અને દૂર દૂર અવકાશમાં મિશન માટેના નવા રસ્તા પણ ખૂલશે.

અમેરિકાની ડીપ સ્પેસ ઇન્ડસ્ટ્રીઝે લક્ઝમબર્ગમાં પોતાનું યુરોપિયન વડું મથક બનાવ્યું છે.

કંપનીના સીઈઓ બિલ મિલર જણાવે છે કે અમેરિકા અને લક્ઝમબર્ગે અંતરિક્ષ અંગેનો કાયદો બનાવી એક શાનદાર પગલું ભર્યું છે.

પણ અંતરિક્ષની આ રેસ ખરેખર ત્યારે વધુ રસપ્રદ બનશે જ્યારે કંપનીઓને એવું કંઈક મળી આવશે કે જે તેઓ વેચી શકે.

જે વેપારની દ્રષ્ટિએ ફાયદાનો સોદો સાબિત થાય.

ત્યાં સુધી તો અંતરિક્ષ કંપનીઓના આવા દાવા પર વિશ્વાસ કરવો થોડું અઘરું કામ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો