You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શહેરમાં રહેતી માતાઓ બીજું બાળક કેમ ઇચ્છતી નથી?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
"કૌસ્તુબ ખૂબ જક્કી થઈ ગયો છે, પોતાની વસ્તુઓ કોઈની સાથે વહેંચતો નથી. બસ પોતાની દરેક જીદ પૂરી કરે છે અને આખો દિવસ મારી સોડમાં જ રહેતો હોય છે.''
35 વર્ષની અમૃતા દિવસમાં એક વખત આ ફરિયાદ એની મમ્મીને જરૂર કરે છે.
દરેક માતાનો જવાબ એકસરખો જ હોય છે કે બીજું બાળક કરી લે એટલે સમસ્યાનું આપોઆપ જ નિરાકરણ આવી જશે.
અમૃતા દિલ્હીને અડીને વસેલા નોઇડામાં રહે છે અને શાળામાં શિક્ષક છે. કૌસ્તુબ 10 વર્ષનો છે. પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
અમૃતાના દરેક દિવસની શરૂઆત સવારના 5 વાગ્યાથી થાય છે.
પહેલા દીકરાને ઉઠાડવો અને પછી એને તૈયાર કરવો, બાદમાં નાસ્તો અને ટિફિન પણ બનાવવાં.
સવારે કચરા-પોતાં અને ડસ્ટિંગ વિશે વિચારતી પણ નથી.
અમૃતા બીજું બાળક કેમ ઇચ્છતી નથી?
વિચારે પણ કેવી રીતે? દીકરાની સાથે સાથે પોતાને પણ તૈયાર થવાનું હોય છે કારણ કે તે સરકારી શાળામાં શિક્ષક છે. આઠ વાગ્યે એમને પણ શાળામાં પહોંચવાનું હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લા 7-8 વર્ષોથી અમૃતાનું જીવન આ જ રીતે ચાલી રહ્યું છે.
દીકરાની તબિયત ખરાબ હોય કે પછી એની શાળામાં કોઈ કાર્યક્રમ હોય, મોટાભાગે રજા અમૃતાને જ લેવી પડતી હોય છે.
એટલા માટે જ અમૃતા બીજુ બાળક કરવા માંગતી નથી અને પોતાની તકલીફ માતાને પણ સમજાવી શકતી નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
ઉદ્યોગ મંડળ એસોચેમે હાલમાં જ દેશનાં 10 મેટ્રો શહેરમાં કામ કરતી મહિલાઓ સાથે એક સર્વેક્ષણ કર્યું હતું.
સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 35 ટકા મહિલાઓ એક બાળક બાદ બીજા અંગે વિચારતી નથી. એમનું સુત્ર છે - અમે બે અમારું એક.
અમૃતા પણ આ જ પંથે આગળ વધી રહી છે. સવાલ એ ઊભો થાય છે કે અમૃતા બીજુ બાળક કેમ ઇચ્છતી નથી.
બાળક ઉછેરવાનો ખર્ચ
તે હસીને જવાબ આપે છે, ''એક સમસ્યાના નિરાકરણ માટે બીજી સમસ્યા ઊભી કરી લઉં એવી સલાહ તો ના આપો? ''
પોતાના આ વાક્યને તે પછી વિસ્તારમાં સમજાવે છે.
''જ્યારે કૌસ્તુબ નાનો હતો ત્યારે એને ઉછેરવા માટે મેં બે-બે મેડ રાખી હતી, પછી પ્લે સ્કૂલમાં ભણાવવા માટે એટલી ફી ચૂકવી હતી કે એટલામાં તો મેં મારી પીએચડી સુધીનું ભણતર પૂરું કરી લીધું હતું. ત્યારબાદ શાળામાં એડમિશન માટે ફી."
"દર વર્ષે એપ્રિલનો મહિનો આવતા પહેલા માર્ચમાં તો જે હાલત હોય છે તે તો પૂછો જ નહીં."
"શાળાની ફી, ટ્યૂશન ફી ,ફુટબૉલ કોચિંગ, સ્કૂલની ટ્રિપ અને બીજી ડિમાંડ, બે વર્ષ પછીની કોચિંગની ચિંતા અત્યારથી જ થવા માંડી છે. શું આટલા પૈસામાં બીજા બાળકનો કોઈ અવકાશ બચે છે ખરો.''
અમૃતાની આ જ વાત મુંબઈમાં રહેનારી પૂર્ણિમા જ્હા બીજી રીતે જણાવે છે.
''હું નોકરી એટલા માટે કરું છું કે પુરુષની કમાણી પર મેટ્રો શહેરમાં ઘર ચલાવવાનું કાઠું કામ છે."
"એક દીકરો છે તો એને સાસુ ઉછેરે છે. બીજાને કોણ ઉછેરશે? બીજા બાળકનો અર્થ છે કે તમારે એક મેડ એની દેખભાળ માટે રાખવી પડશે."
"ઘણી વખત તો બે મેડ રાખવા છતાં પણ કામ નથી ચાલતું. જો મેડ ના રાખો તો બાળકને ક્રેચમાં મૂકો."
"આ બધું વિચારીએ તો હું બે બાળકોને તો ઉછેરી જ રહી છું તો પછી ત્રીજાનો અવકાશ જ ક્યાં છે?"
એક બાળક પાછળ મુંબઈમાં કેટલો ખર્ચો થાય છે?
આ માટે તે તરત જ ફોનનાં કેલ્ક્યુલેટર પર ખર્ચાની ગણતરી કરવા માંડે છે.
મહિનામાં ડે કેરના 10 થી 15 હજાર અને શાળાનો પણ આટલો જ ખર્ચો લાગે છે.
સ્કૂલ વૅન, હૉબી ક્લાસ, સ્કૂલ ટ્રિપ,બર્થ ડે સેલિબ્રેશન( મિત્રોનું) આ બધાનો ખર્ચો કુલ મળી 30 હજાર રૂપિયા થાય છે.
મુંબઈમાં મકાનો પણ ખૂબ મોંઘા થઈ ગયાં છે. અમે દરરોજ ઑફિસ આવવા-જવામાં 4 કલાક ખર્ચીએ છીએ.
તો બે બાળકો કેવી રીતે કરીએ. ના તો પૈસા છે ના તો સમય. મારા માટે બન્ને એકસરખું જ મહત્ત્વનું છે.
એસોચેમ સોશિયલ ડેવલપમૅન્ટ ફાઉન્ડેશનનો અહેવાલ અમદાવાદ, બેંગ્લુરુ,ચેન્નઈ, દિલ્હી-એનસીઆર, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, કોલકત્તા, લખનૌ અને મુંબઈ જેવા 10 મેટ્રો શહેરો પર આધારિત છે.
આ શહેરોમાં કામ કરતી 1500 મહિલાઓ સાથે વાતચીત કરી આ અહેવાલ તૈયાર કર્યો છે.
અહેવાલમાં અન્ય કેટલા કારણો પણ જણાવવામાં આવ્યા છે.
કામ કરતી મહિલાઓ પર ઘર અને ઑફિસ બન્નેમાં સારો દેખાવ કરવાનું દબાણ હોય છે એટલે જ તેઓ એક જ બાળક ઇચ્છે છે.
કેટલીક મહિલાઓએ એમ પણ જણાવ્યું કે એક બાળક હોવાના ઘણા ફાયદા છે.
કામકાજ ઉપરાંત માતા માત્ર એક જ બાળક પર ધ્યાન આપી શકે છે. બે બાળક હોવાથી ધ્યાન વહેંચાઈ જાય છે.
તો એક જ બાળક કેમ ના રાખીએ
બાળકોના અધિકારો માટે કામ કરતી સંસ્થા એનસાપીઆરની અધ્યક્ષ સ્તુતિ કક્કડ આ ટ્રેન્ડને દેશ માટે જોખમી ગણાવે છે.
એમના કહેવા મુજબ, ''અમે બે અમારા બેનું સુત્ર એટલા માટે આપવામાં આવ્યું હતું કે ઑન્લી ચાઇલ્ડ લૉન્લી હોય છે."
"દેશની જનસંખ્યામાં યુવાનોની સંખ્યાનો સીધો જ પ્રભાવ પડતો હોય છે."
"ચીનનું જ ઉદાહરણ લઈએ તો તે પણ પોતાને ત્યાં આ જ કારણે ઘણો ફેરફાર કરી રહ્યું છે."
બાળકો પેદા કરવાના આ નિર્ણયને સ્તુતિ બાળકો પર થતા ખર્ચ સાથે જોડવાનું પસંદ નથી કરતાં.
તેમનું કહેવું છે કે મોંધી શાળાઓમાં ભણાવવાની શી જરૂર છે? કામ કરતી મહિલાઓ બાળકોને સરકારી શાળામાં ભણાવે.
તસમીન ખજાનચી પોતે એક માતા છે અને એક પેરેંટિંગ એક્સપર્ટ છે.
એમની છ વર્ષની દીકરી છે. તેઓ જણાવે છે બે બાળકો હોવાં જરૂરી છે. માતા-પિતા માટે નહીં પણ બાળકો માટે.
બાળકોને આઠ-દસ વર્ષ સુધી બીજા ભાઈ-બહેનની જરૂરિયાત હોતી નથી પણ મોટા થયા બાદ એમની ઉણપ ચોક્કસ વર્તાતી હોય છે.
ત્યારે એમને શેયર અને કેયર માટે એક સાથી ભાઈ-બહેનની જરૂર પડે છે. બાળકો પોતાના નાના ભાઈ-બહેન પાસેથી ઘણું શીખતાં હોય છે.
મોટે ભાગે મહિલાઓ ન્યૂક્લિયર ફેમિલીના ઓઠા હેઠળ પોતાના નિર્ણયને સાચો ઠરાવે છે. પણ આ ખોટું છે.
બાળક મોટું થઈ જ જાય છે. પોતાની સગવડ માટે બાળકનું બાળપણ છીનવી લેવું ના જોઈએ.
આ રિસર્ચના આધારે કહેતી નથી પણ લોકોને મળ્યા બાદ એમના અનુભવ જાણ્યા બાદ કહી રહી છું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો