You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કરુણાનિધિના સમાધિસ્થળ માટે મરીના બીચ પર જગ્યા નહીં - તામિલનાડુ સરકાર
તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દ્રવિડ મુન્નેત્ર કઝગમ (ડીએમકે)ના અધ્યક્ષ એમ. કરુણાનિધિનું ચેન્નાઈની ખાનગી હૉસ્પિટલ ખાતે સાંજે 6.10 કલાકે અવસાન થયું છે.
તામિલનાડુના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કરુણાનિધિ પોતાની આઠ દાયકાની રાજકીય કારકીર્દીમાં તેમણે 13 વખત લડેલી વિધાનસભાની તમામ ચૂંટણીઓ જીત્યા હતા.
ડીએમકે દ્વારા ચેન્નાઈના મરીના બીચ ખાતે કરુણાનિધિના સમાધિસ્થળ માટે જગ્યાની માગ કરવામાં આવી હતી, જેને રાજ્ય સરકારે નકારી કાઢી હતી.
આને પગલે ડીએમકે કાર્યકર્તાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને હૉસ્પિટલની બહાર હિંસા આચરી હતી, તેમને વિખેરી નાખવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયધીશે એચ. જી. રમેશ તથા જસ્ટિસ એસ. એસ. સુંદરની બેંચે મંગળવારની રાત્રે 10.30 કલાકે ડીએમકેની અરજી પર સુનાવણી હાથ ધરી હતી.
ડીએમકેએ દાદ માગી હતી કે મરીના બીચ ખાતે કરુણાનિધિની સમાધિ બનાવવા માટે મંજૂરી આપવામાં આવે.
છેલ્લાં બે વર્ષથી કરુણાનિધિ રાજકારણમાં નિષ્ક્રિય હતા. તેમના પુત્ર અને રાજકીય વારસ એમ. કે. સ્ટાલિને 2017માં ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
કરુણાનિધિ છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા અને તેમને ઘરમાં જ સારવાર જ આપવામાં આવતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
18મી જુલાઈના મધરાત્રે કરુણાનિધિનું બ્લડપ્રેશર ઓછું થતાં તેમને કાવેરી હૉસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા.
વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ દેશના વરિષ્ઠ નેતાઓમાંથી એક હતા.
અંતિમ વિશ્રામ ક્યાં?
કરુણાનિધિના અગ્નિસંસ્કાર કરવામાં નહીં આવે અને તેમને સમાધિ આપવામાં આવશે.
આ માટે ડીએમકે દ્વારા ચેન્નાઈના મરીના બીચ પર જગ્યા આપવામાં આવે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ માટે ઇન્કાર કરી દેવાયો છે.
રાજ્ય સરકારે આ માટે હાઈ કોર્ટમાં ચાલી રહેલાં કેસોનું કારણ આગળ ધરીને ત્યાં જગ્યા ફાળવવાનો ઇન્કાર કરી દીધો છે.
રાજ્ય સરકાર અન્ના દુરાઈ યુનિવર્સિટીની સામે કે ગાંધી મંડલમ્ પાસે બે એકર જગ્યા ફાળવવાની તૈયારી દાખવી છે. જે મરીના બીચથી આઠ કિલોમીટર દૂર છે.
ઉલ્લેખનીય છે કે અન્નાદુરાઈ, એમ. જી. રામચંદ્રન તથા જયલલિતાના સમાધિસ્થળ મરીના બીચ ખાતે આવેલાં છે.
તામિલનાડુ સરકાર દ્વારા બુધવારે જાહેર રજા જાહેર કરવામાં આવી છે, ઉપરાંત રાજ્યમાં સાત દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
હૉસ્પિટલની બહાર માહોલ
મંગળવારે બપોરે હૉસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદનમાં જણાવાયું હતું કે તેમની સ્થિતિ 'અત્યંત નાજુક' અને 'અસ્થિર' છે.
જેના પગલે મોટી સંખ્યામાં દ્રમુક કાર્યકર્તાઓ હૉસ્પિટલની બહાર એકઠાં થઈ ગયાં હતાં.
કલાઇંગરના નિધનના સમાચાર બહાર આવતાં જ સમર્થકો ભાંગી પડ્યા હતા અને રુદન કરવા લાગ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા મરીના બીચ ખાતે સમાધિસ્થળ માટે જગ્યા આપવામાં નથી આવી, એવી માહિતી મળતા તેઓ ઉશ્કેરાયા હતા અને હોબાળો કર્યો હતો.
ડીએમકે કાર્યકરોને વિખેરી નાખવા પોલીસને લાઢીચાર્જ કરવાની ફરજ પડી હતી.
તબીબી ઉપકરણોની મદદ છતાંય તેમનાં અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
તામિલનાડુના રાજકારણના 'કલાઇંગર'
94 વર્ષના કરુણાનિધિનો તામિલનાડુના નાગાપટ્ટીનમ જિલ્લાના તિરુક્કુવલાઈ ગામમાં ત્રીજી જૂન 1924ના રોજ જન્મ થયો હતો.
તેમના પિતાનું નામ મુથુવેલ અને માતાનું નામ અંજુકમ હતું.
ડીએમકેના સ્થાપક સી. એન. અન્નાદુરાઈના નિધન બાદ તેઓ પહેલી વખત 1969માં તામિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા.
તેમણે લગભગ 50 જેટલાં તામિલ ફિલ્મોમાં સ્ક્રિપ્ટ અને ડાયલૉગ રાઇટર તરીકે કામ કર્યું હતું.
કરુણાનિધિએ 27 જુલાઈ 1969ના રોજ ડીએમકેના અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો હતો.
પક્ષના અધ્યક્ષ તરીકે ગત જુલાઈમાં તેમણે 49 વર્ષ પૂર્ણ કરીને 50માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો.
કરુણાનિધિએ ત્રણ વખત લગ્ન કર્યાં હતાં. તેમનાં પ્રથમ પત્ની પદ્માવતી યુવાન વયે જ મૃત્યુ પામ્યાં હતાં. એમ. કે. મુથુ નામનો પુત્ર તેમની પ્રથમ પત્નીનું સંતાન છે.
બાદમાં કરુણાનિધિએ ધયાલુ અમ્માલ અને રાજાતી અમ્માલ સાથે લગ્ન કર્યાં હતાં.
એમ. કે. અલાગિરી, એમ. કે. સ્ટાલિન, એમ. કે. તામિલાસારુ અને પુત્રી સેલ્વી તેમનાં બીજા પત્ની દયાલુ અમ્માલનાં સંતાનો છે.
તેમનાં ત્રીજા પત્ની રાજાતી અમ્માલનું એકમાત્ર સંતાન એટલે રાજ્યસભાનાં સભ્ય કનિમોઝી.
કરુણાનિધિએ તામિલમાં ગદ્ય અને પદ્યમાં સાહિત્ય ખેડાણ કરતા અનેક બુકો લખી છે. તેમની આત્મકથા 'નેનજુક્કુ નીથી' પાંચ ભાગમાં પ્રકાશિત થઈ હતી.
તેમણે ડીએમકેનું મુખપત્ર મુરાસોલીનું અનેક વર્ષો સુધી સંપાદન કર્યું હતું.
તેમના નિધન સમયે કરુણાનિધિ તેમના વતનની વિધાનસભાની બેઠક થિરુવરૂરથી ધારાસભ્ય હતા.
2016માં તેઓ રાજ્યમાં સૌથી વધારે મતોથી વિજયી બનનારા ઉમેદવાર હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો