You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સરકારને પૂછીને પાકિસ્તાન જઈશ: સુનીલ ગાવસ્કર
ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે જણાવ્યું છે કે એમને ઇમરાન ખાનના પાકિસ્તાનના વડા પ્રધાન પદ માટે થનારા શપથ ગ્રહણ સમારંભમાં જવાનુ આમંત્રણ મળ્યું છે. ભારતીય સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ગાવસ્કરે કહ્યું છે કે તે પાકિસ્તાન જતા પહેલા સરકારને પૂછશે.
પીટીઆઈએ જણાવ્યું છે કે એક ખાનગી સમાચાર ચેનલ સાથે વાતચીતમાં ગાવસ્કરે કહ્યું હતું કે એમનાં મિત્ર ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)નાં એક સેનેટર તરફથી એમને આ નિમંત્રણ મળ્યું છે.
પાકિસ્તાનનાં સ્થાનિક મીડિયામાં પાકિસ્તાન તહરીક-એ -ઇન્સાફ પાર્ટીનાં પ્રવક્તાને ટાંકીને એમ જણાવવામાં આવ્યું છે કે સોમવારે પીટીઆઈ વડા પ્રધાન પદ માટે ઇમરાન ખાનનાં નામની સત્તાવાર ઘોષણા કરી શકે છે.
સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે કેબિનેટમાં માત્ર 15-20 લોકોને રાખવામાં આવશે અને તે 11 ઑગસ્ટે શપથ લેશે.
રવિવારે સુનીલ ગાવસ્કરે જણાવ્યું, ''મને ઇમરાન ખાનની પાર્ટી તરફથી ફોન આવ્યો હતો. પણ હજી સુધી એમના શપથ ગ્રહણ સમારંભની તારીખ નક્કી કરવામાં આવી નથી. જ્યારે તારીખ નક્કી થઈ જશે ત્યારે સત્તાવાર આમંત્રણ મળશે.''
શું તમે આ વાંચ્યું?
ગાવસ્કરે કહ્યું હતું કે એમણે હજી સુધી આ કાર્યક્રમમાં જવા અંગેનો નિર્ણય કર્યો નથી. એમણે જણાવ્યું છે કે તેઓ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચને કારણે થોડા વ્યસ્ત છે એટલે તેઓ પાકિસ્તાન જઈ શકે તેમ નથી.
જોકે છેલ્લે ગાવસ્કરે એમ પણ કહ્યું હતું , ''હું જતા પહેલા ભારત સરકારની મંજૂરી અને સલાહ લઈશ અને સરકાર આ અંગે પરવાનગી આપશે તો જ હું જઈશ.''
સિધ્ધૂનો દાવો અને પાટીઆઈનું નિવેદન
આ અગાઉ ભારતીય ક્રિક્રેટર નવજોત સિદ્ધુએ પણ ઇમરાન ખાનના શપથસમારંભમાં જવાની વાત કહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે દાવો કર્યો હતો કે એમને આ પ્રસંગમાં હાજરી આપવા માટે 'અંગત નિમંત્રણ' મળ્યું છે.
બીબીસી સાથે કરેલી વાતચીતમાં સિદ્ધુએ ઇમરાન ખાનની મન મૂકીને પ્રસંશા કરી હતી.
કપિલ દેવ પણ અગાઉ કહી ચૂક્યા છે કે જો તેમને પાકિસ્તાન જવાનું સત્તાવાર આમંત્રણ મળશે તો તેઓ પાકિસ્તાન જરૂર જશે.
જો કે પાકિસ્તાન તહરીક-એ -ઇન્સાફ પાર્ટીનાં અગ્રણી નેતા ફૈઝલ જાવેદે 2 ઓગસ્ટે પ્રેસ રિલીઝ બહાર પાડીને, એમણે ઇમરાન ખાનનાં શપથ ગ્રહણ સમારંભમાં કોઈ પણ વિદેશી ફિલ્મ સ્ટાર કે ખેલાડીને આમંત્રણ આપ્યું હોવાની વાતને રદિયો આપ્યો હતો.
પ્રેસ રિલીઝમાં ફૈઝલ જાવેદે એમ પણ જણાવ્યું હતું કે શપથ સમારંભ એકદમ સાદી રીતે આયોજીત કરવામાં આવશે , કારણ કે એમની પાર્ટી ટૅક્સનાં પૈસાનો દુરુપયોગ કરવા ઇચ્છતી નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો