You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ લોકો શા માટે કહી રહ્યા છે કે અમે પણ શહેરી નક્સલવાદી છીએ?
પોલીસ દ્વારા દેશના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને પાંચ સામાજિક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા લોકોમાં સુધા ભારદ્વાજ, વરનૉન ગોન્ઝાલ્વિઝ, પી. વરવરા રાવ, ગૌતમ નવલખા અને અરુણ ફરેરાનાં નામ સામેલ છે.
આ લોકો પર ભીમા કોરેગાંવમાં ગત વર્ષે થયેલી હિંસાને ભડકાવવા ઉશ્કેરણીનજક ભાષણ આપવાનો આરોપ છે.
આ ધરપકડના તાર રોના વિલ્સન નામનાં સામાજિક કાર્યકર્તાના ઘરેથી મળેલા એક કથિત પત્ર સુધી લંબાતા હોવાનું માનવામાં આવે છે.
જૂન મહિનામાં પોલીસને મળેલા એક કથિત પત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનું કથિત ષડયંત્ર ઉજાગર થયું હોવાનો પોલીસે દાવો કર્યો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
હાલમાં ધરપકડ કરાયેલા આ શહેરી સામાજિક કાર્યકરો નક્સલવાદ કે માઓવાદ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોવાનો પોલીસ અને સરકારનો દાવો છે.
જેને પગલે સોશિયલ મીડિયા પર #MeTooUrbanNaxal ટ્રૅન્ડ થવા લાગ્યો છે અને લોકો સરકારના આ પગલાનો વિરોધ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ વંચિતો, કચડાયેલા લોકોની વાત કરવાને કે સરકારને સવાલ પૂછવાને નક્સવાદ ગણાવાય તો પોતે પણ 'અર્બન નક્સલ કે શહેરી નક્સલવાદી' હોવાની વાત કરી રહ્યા છે.
'#MeTooUrbanNaxal સાથે હું પણ શહેરી નક્સલવાદી'
સામાજિક કાર્યકરોની ધરપકડ બાદ ફિલ્મ નિર્દેશક અને લેખક વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરી કથિત શહેરી નક્સલની યાદી બનાવવાની વાત કરી હતી.
'અલ્ટ ન્યૂઝ'ના સહસંસ્થાપક અને જનસંઘર્ષ મંચના સભ્ય પ્રતિક સિન્હાએ #MeTooUrbanNaxal સાથે જવાબ વાળતા પોતાને અર્બન નક્સલ કે શહેરી નક્સલી ગણાવ્યા હતા.
અન્ય એક ટ્વીટમાં સિન્હાએ લખ્યું, ''પછાત અને વંચિતો માટે લડનારા વર્ગને શહેરી નક્સલવાદી ગણાવનારા ફાંસીવાદી સપનાને ચાલો આપણે તોડી નાખીએ.'
અર્ચના ભારદ્વાજે ટ્વીટ કર્યું, ''જો પ્રશ્નો પૂછવા કે માનવતા અને વાણી સ્વાતંત્ર્ય માટે ઊભા થવું મને અર્બન નક્સલી બનાવતું હોય તો મને ગર્વ છે કે હું અર્બન નક્સલી છું.''
અમૃતા મધુકલ્યાએ લખ્યું, ''હું વિચારું છું. હું ચર્ચા કરું છું. હું વાંચું છું. હું પ્રશ્નો કરું છું. હું વિરોધ કરું છું. હું ટીકા કરું છું. હું સહાનુભૂતિ ધરાવું છું. હું તપાસ કરું છું. હું અસ્તિત્વ ધરાવું છું.''
ક્રૃષ્ણા છત્રપતિએ લખ્યું, ''હું આશા સેવું છું કે મારો દેશ શિક્ષિત હોય, સશક્ત હોય, સર્જનાત્મક પ્રેરણાદાયક હોય, સમૃદ્ધ હોય, સંયુક્ત હોય, આધ્યાત્મિક હોય, વિષાદ, આપઘાત, ગરીબી, નિરક્ષરતાથી મુક્ત હોય. #MeTooUrbanNaxal ચળવળ માટે શાંતિ ઇચ્છતા એવા બૌદ્ધિકોની જરૂર છે કે જે કલમ અને અવાજની શક્તિ પિછાણતા હોય.''
#MeTooUrbanNaxal સાથે ટ્વીટ કરતા અશોકકુમાર પાંડે કંઈક આવી રીતે પોતાને વિદ્રોહી ગણાવ્યા.
સયૈદ મકબુલે આ હૅશટૅગ સાથે વિરોધ કરનારાઓને શહેરી નક્સલી ગણાવાય તો પોતે પણ શહેરી નક્સલી હોવાની વાત કરી.
નક્સલવાદ કે માઓવાદ શું છે?
માઓવાદ પ્રેરિત ઉગ્રવાદ ગણાતા નક્સલવાદની શરૂઆત 1967માં પશ્ચિમ બંગાળના અંતરીયાળ વિસ્તાર એવા નક્સલબાડી ગામમાં થઈ હતી.
નક્સલવાદીઓનો ઉદ્દેશ ભારતમાં સશસ્ત્ર માઓવાદી ક્રાંતિ કરવાનો છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(માઓવાદી)(સીપીઆઈ(એમ))ના નેજા હેઠળ વિવિધ નક્સલવાદી સંગઠનો સુરક્ષાદળો સાથે સંઘર્ષ કરી રહ્યાં છે.
અનલૉફુલ ઍક્ટિવિટીઝ ઍક્ટ 1967 અંર્ગત સીપીઆઈ(એમ) ભારતમાં પ્રતિબંધીત છે.
ગૃહ મંત્રાલય એવું પણ જણાવે છે કે છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને બિહારમાં મોટા પ્રમાણમાં માઓવાદીઓ કે નક્સલવાદીઓ સક્રિય છે.
જ્યારે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો ડાબેરી ઉગ્રગવાદથી પ્રભાવિત છે.
નક્સલવાદની લડાઈ અને ઉદ્દેશ
સરકારનું એવું પણ માનવું છે કે નક્સલવાદ કેરળ, કર્ણાટક, તામિલનાડુ જેવા દક્ષિણનાં રાજ્યો ઉપરાંત આસામ અને અરૂણાચલ પ્રદેશ જેવા ઉત્તર-પૂર્વ રાજ્યોમાં પગપેસારો કરવા પ્રયાસ કરી રહ્યો છે.
સરકારી આંકડા એવું પણ કહે છે વર્ષ 2010થી વર્ષ 2017 સુધીમાં માઓવાદી ઉગ્રવાદ કે નક્સલવાદી ઉગ્રવાદને કારણે 2457 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 930 સુરક્ષાદળોના જવાનોએ જીવ ગુમાવ્યો છે.
જોકે, આ ડાબેરી વિદ્રોહીઓનો દાવો છે કે તેઓ સરકાર દ્વારા નજરઅંદાજ કરાયેલા આદિવાસી અને ગરીબ લોકોના હકોની લડાઈ લડી રહ્યા છે.
તેઓ ભારતની 'સૅમી કૉલોનિયલ, સૅમી-ફ્યુડલ' વ્યવસ્થાને ઉથલાવી 'સામ્યવાદી સમાજ'ની રચના કરવા માગે છે.
'શહેરી માઓવાદી' કે 'શહેરી નક્સલવાદી' કોણ?
હાલના સમયમાં પોલીસ અને સરકાર અધિકારીઓ 'અર્બન માઓઇસ્ટ કે શહેરી માઓવાદી' જેવા શબ્દ વારંવાર સાંભળવા મળે છે.
નક્સલવાદીઓ પોતાની વિચારધારા શહેરી વિસ્તારોમાં ફેલાવવા માટે કાર્ય કરી રહ્યા હોવાનું પોલીસ કે સરકારનું માનવું છે.
શહેરી વિસ્તારમાં રહેતા આવા લોકોને સરકાર કે પોલીસ 'અર્બન નક્સલી કે અર્બન માઓવાદી' તરીકે ઓળખે છે.
દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર સાઈબાબાની ધરપકડ થયા બાદ આ શબ્દોએ ભારે ચર્ચા જગાવી હતી.
સરકાર દલિત અને આદિવાસીઓના અધિકાર માટે લડી રહેલા કેટલાક વકીલ અને પ્રાધ્યાપકો પર સરકાર નજર રાખી રહી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
સરકારનું માનવું છે કે કેટલાક લોકો માઓવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને માઓવાદી વિચારધારાના પ્રસાર માટે કામ કરી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો