દેશમાં સત્તા ટકાવી રાખવા બનાવટી શહેરી માઓવાદનો ખેલ કોણ ખેલી રહ્યું છે?

    • લેેખક, નંદિની સુંદર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

બર્લિનમાં ચાલી રહેલું નાઝીની 'લોક અદાલત' (1934-1945)નું પ્રદર્શન ભારતના દૃષ્ટિકોણ સાથે વિચિત્ર રીતે મેળ ખાતું આવે છે.

તેનું કારણ આપણી હાલની ન્યાયપ્રણાલીમાં કરવામાં આવેલો બદલાવ નથી પરંતુ ગુનાના પ્રકાર છે.

નાઝીની લોક અદાલતમાં દેશના દુશ્મનો સામે ખટલા ચલાવવામાં આવતા હતા.

પોતાના વિસ્તારમાં પોલીસકર્મીને સામ્યવાદ સંબંધિત સામગ્રી વહેંચનાર ખાણમાં કામ કરતો કામદાર, પ્રખ્યાત નાઝીઓ સામે જોક્સ બનાવનાર બૅન્કર અને હિટલર વિશે કટાક્ષયુક્ત કવિતા કરનાર સાઉન્ટ ટેક્નિશિયન ઉપરાંત હિટલરની ટીકા કરતા પોસ્ટકાર્ડ મોકલનાર રિયલ એસ્ટેટ એજન્ટ તમામને મૃત્યદંડની સજા ફટકારવામાં આવી હતી.

તેમની સામે રાજદ્રોહનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો.

મતલબ કે દેશના સત્તાધિશ સામેની વફાદારીમાં ઉલ્લંઘનને દુશ્મનની મદદ કરવા અને યુદ્ધની કોશિશને સમાંતર ગણવામાં આવે.

અહીં તેનું ઉદાહરણ જ્યાંથી પોસ્ટકાર્ડ મળી આવ્યા હતા તે પોસ્ટઑફિસ છે.

હિટલરશાહી

આ ઉપરાંત એક કેસ પણ હતો જેમાં 22 વર્ષીય સ્વિસ મિશનરી વ્યક્તિની ટિકિટ વગર પ્રવાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

પરંતુ પૂછપરછમાં આ વ્યક્તિએ પોતે હિટલરની હત્યા કરવાનું આયોજન કર્યું હોવાનું કબૂલ્યુ હતું.

તેણે આ માટે કારણ આપ્યું હતું કે હિટલર ખ્રિસ્તી ધર્મ અને માનવજાતનો દુશ્મન છે.

આપને આ પણ વાંચવું ગમશે

આ વ્યક્તિને પણ મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો અને આ માટે એવું કારણ આપવામાં આવ્યું હતું કે વ્યક્તિ જર્મનીના હિતરક્ષક નેતાને ખતમ કરવા માગતી હતી અને જર્મનીને હિટલરના નેતૃત્વની ખૂબ જરૂર છે.

તેમાં એવો પણ આધાર અપાયો હતો કે હિટલર માટે જર્મનીના 8 કરોડ લોકોનાં દિલ ધડકે છે અને તેઓ હિટલરનો ખૂબ જ આદર કરે છે.

મીડિયાની ભૂમિકા

અગાઉના પ્રદર્શનમાં નાઝી શાસન સમયે મીડિયા (પ્રેસ-પત્રકારત્વ)ની ભૂમિકા મામલે પ્રદર્શન મૂકાયું હતું.

વિપક્ષી પ્રેસને તદ્દન ખતમ કરી દેવાયું હતું અને અન્ય મોટાભાગના મીડિયાને સત્તાધિશ તરફથી શરતો અનુસાર કરવા મજબૂર કરી દેવાયા હતા.

યુદ્ધ પૂરુ થયા બાદ નાઝી સમર્થક પત્રકારોએ પોતાની જાતને પુનસ્થાપિત કરવા માટે ઓળખ બદલવાની કોશિશ કરી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા અને ઓળખાઈ ગયા.

હાલનું વિસ્તાર કરાયેલ અને ઊભું કરાયેલું શહેરી માઓવાદીઓનું નેટવર્ક ખરેખર પોલીસ અને કેટલીક ટેલિવિઝન ચેનલો વચ્ચેના સક્રિય સહકારનું પરિણામ છે. આ ફાસીવાદના સમાંતરનો પ્રયાસ જ છે.

વડાપ્રધાન મોદીની હત્યાનો વિશિષ્ટ પત્ર પહેલાં 'ટાઇમ્સ નાઉ'ના હાથમાં આવ્યો.

જ્યારે બીજી તરફ વકીલ સુધા ભારદ્વાજનો કોઈક કૉમરેડ પ્રકાશને લખેલો કથિત પત્ર 'ધ રિપબ્લિક' પર પ્રસારિત કરાયો.

જેમાં સ્પષ્ટપણે નામના ઉલ્લેખ કરાયા હોય તે પત્રની વિશ્વસનિયતા પર સવાલ થવા જોઈએ.

પત્રમાં ભાજપ અને પોલીસને જે બાબતો પસંદ નહીં હોય તેનો જ ઉલ્લેખ હોય છે.

તેમાં પૈસાના નેટવર્ક, કાશ્મીરના અલગાવવાદીઓની સંડોવણી, પથ્થરમારો કરનારા, માનવ અધિકાર માટે લડતા વકીલો તથા જેએનયુ અને ટીઆઈએસએસના વિદ્યાર્થીઓ, ગેરકાયદે કામ સામે લાગુ કરાતી કલમના દુરુપયોગ સામેનો વિરોધ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી અને અન્ય તમામ બાબતોનો ઉલ્લેખ હોય છે.

આથી આવા પત્રોની અવિશ્વસનિયતાનું મહત્ત્વ નથી.

વડાપ્રધાનની હત્યાના ષડયંત્રનો પત્ર શું સૂચવે છે?

કેમ કે આવા પત્રો ખરેખર લોકશાહીમાં વિશ્વાસ ધરાવતા લોકોને ડરાવવા અને ભાગલા પાડવાના હેતુસર ઊપજાવી કાઢવામાં આવતા હોય છે.

માનવ અધિકારોના હિમાયતીઓને બદનામ કરવાની કોશિશ હોય છે.

અત્યાર સુધી તેમાં એક્ટિવિસ્ટો, પત્રકારો અને સંશોધકો સહિતનાને તેમાં ફસાવવામાં આવ્યા. બાદમાં વકીલો તેમના બચાવમાં આવ્યા છે.

પરંતુ હવે નવી રીત અપનાવવામાં આવી રહી છે જેમાં આવા વકીલોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

સુરેન્દ્ર ગાડલિંગ આદિવાસી, દલિતો અને રાજકીય હિતો સંતોષવા માટે જેલમાં ધકેલી દેવાયેલા કેદીઓને બચાવવા માટે કામ કરે છે. તેમને નિશાન બનાવાયા.

વળી તૂતિકોરિનમાં સ્ટરલાઇટ પીડિતોને મદદ કરનારા એસ. વંચિનાથન અને છત્તીસગઢમાં સુકમા જિલ્લામાં વાહિયાત આરોપસર છ મહિનાની જેલ ભોગવનારા માનવ અધિકાર માટે લડતા હૈદરાબાદના વકીલને પણ નિશાન બનાવવામાં આવ્યા.

માનવ અધિકાર માટે લડનારા નિશાના પર

રિપબ્લિક ટીવી પર જે રીતે અપમાન કરાયું તે કૉમરેડ સુધા એક નામદાર ટ્રેડ યુનિયન્સ માટે પક્ષ લેનારા અને માનવ અધિકાર બાબતોના વકીલ છે.

વળી તેઓ પીયુસીએલના રાષ્ટ્રીય સચિવ અને દિલ્હીના નેશનલ લૉ યુનિવર્સીટીના વિઝિટીંગ પ્રોફેસર પણ છે.

બાર કાઉન્સિલના સિદ્ધાંત અનુસાર વકીલનો વ્યક્તિગત અભિપ્રાય ગમે તે હોય પરંતુ તેણે વ્યક્તિના બચાવ માટે કેસ લડવો જોઈએ.

સિદ્ધાંત અનુસાર વકીલને હંમેશાં યાદ રહેવું જોઈએ કે તેની વફાદારી હંમેશાં કાયદા તરફે હોવી જોઈએ આથી પૂરતા પુરાવા સિવાય કોઈ પણ વ્યક્તિને સજા ન થવી જોઈએ.

કાયદાની નવી પરિભાષા

આમ આ સિદ્ધાંતને ગંભીરતાથી લેનારા વકીલોને નિશાન બનાવીને પોલીસ એવું દર્શાવી રહી છે કે તેઓ આવા વકીલને પ્રોફેશનલ્સ નથી માનતા.

ખરેખર તેઓ આવું કરીને અન્ય વકીલોને ડરાવવા માગે છે જેથી તેઓ સંવેદનશીલ અને વિવાદીત કેસ હાથમાં જ ન લે.

આપણને એવો કાયદો શીખવાડવામાં આવી રહ્યો છે કે સરકારના સમર્થકોના બચાવ માટે જ કાયદો છે.

ભલે આ સમર્થકો બળાત્કાર, કે લિચિંગ અથવા રમખાણોના આરોપી હોય કાયદો તેમના બચાવ માટે જ છે.

પટીયાલા હાઉસ કોર્ટમાં જેએનયુના કન્હૈયા કુમાર પર કોર્ટ પરિસરમાં જ હુમલો કરનારા વકીલો સામે કોઈ પગલાં નહીં લેવાશે.

આથી વકીલોએ જાગૃત થઈને એકજૂટ થઈને તેમના પ્રોફેશનને બચાવવા માટે સંયુક્ત વલણ અપનાવવાની જરૂર છે. વધુ મોડું થઈ જાય એ પૂર્વે તેમણે આવું કરવું પડશે.

મહારાષ્ટ્રના પાંચ વકીલોની ધરપકડ

છઠ્ઠી જૂનના દિવસે મહારાષ્ટ્રના પાંચ વકીલોની ધરપકડ આ પ્રકારનો જ સંદેશો આપે છે.

આ દિવસે સુરેન્દ્ર ગાડલિંગ, ઇંગ્લિશના પ્રોફેસર શોમા સેન, લેખક સુધીર ધાવલે, વિદેશી બાબતોના એક્ટિવિસ્ટ મહેશ રાઉત અને કેદીઓના અધિકારો માટે લડતા એક્ટિવિસ્ટ રોના વિલ્સનની ધરપકડ કરાઈ હતી.

પોલીસે તેમના પર ઘણી ઝડપથી આરોપ લગાવી દીધા કે માઓવાદી વતી આ તમામે ભીમા કોરેગાંવ હિંસા ભડકાવી હતી.

વળી રાજીવ ગાંધીની જેમ મોદીની હત્યાનું કાવતરું હતું એવું કહીને તેઓ એવું સૂચવવા માગે છે કે પુરાવા, સંભાવના અને કાયદા-કાનૂનનું કોઈ મહત્ત્વ જ નથી.

આ કોરેગાંવની હિંસા કે તેના સાચા ગુનેગાર વિશે નથી અને એ વિશે પણ નથી કે ભીમા કોરેગાવ હિંસાના મિલિંદ એકબોતે અને સંભાજી ભીડેને સજા થશે કે નહીં થાય.

પરંતુ આ બાબત ખરેખર સંકેત આપે છે કે લોકોના રક્ષણ માટેની પોલીસ ખરેખર તેના માસ્ટર માટે કામ કરે છે. માસ્ટર સત્તામાં રહે તેના માટે તે કોઈ પણ હદ પાર કરી શકે છે.

નંદિની સુંદર દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો