કંઈ જ બદલાયું નથી, બધું પહેલાં જેવું જ છે: નિર્ભયાનાં માતા

નિર્ભયાનાં માતા વર્ષ 2012ની 16 ડિસેમ્બરની રાતની સવાર થવાની આજે પણ રાહ જોઈ રહ્યાં છે.

કોર્ટનાં ધક્કા, નિર્ણયો, કેટલીક આશા અને ન્યાય અંગેની કાર્યવાહી, મીડિયાનાં સવાલો ,કોઈ જગ્યાએથી સહાનુભૂતિ તો કોઈ જગ્યાએથી દુ:ખી કરી દે તેવી વાતો.

નિર્ભયા, દેશની રાજધાનીમાં ચાલતી બસમાં ગેંગ રેપનો શિકાર બની હતી. આ ઘટનાએ આખા દેશને હલાવી દીધો હતો.

આટલી લાંબી રાહ અને કાયદાકીય લડત લડ્યા બાદ પણ કશું જ બદલાયું નથી.

વાંચો નિર્ભયાનાં માતા આશાદેવીએ કહેલી વાતો, એમનાં જ શબ્દોમાં...

“કંઈ જ નથી બદલાયું.”

“ના, કશું જ બદલાયું નથી. છોકરીઓ માટે તો બિલકુલ પણ નહીં. આજે પણ ક્યાંક ને ક્યાંક દર કલાકે આવી ઘટના બનતી જ હોય છે.

છોકરીઓ આજે પણ સુરક્ષિત નથી, દિલ્હી જેવાં શહેરોમાં પણ નહીં. આટલું મોટું વિરોધ પ્રદર્શન થયું, લોકો રસ્તાઓ પર ઊતર્યા છતાં પણ રોજ આવી ઘટનાઓ બની જ રહી છે.

આમાં સૌથી મોટી નિષ્ફળતા તો આપણી ન્યાય વ્યવસ્થાની છે. તે પોતાની એ જ જૂની પ્રથા પર ચાલી રહી છે.

શું તમે આ વાંચ્યું?

તમે ભલે હજાર કાયદા ઘડી નાંખો પણ ન્યાય મળવામાં એટલું જ મોડું થાય કે જેટલું પહેલાં થતું હતું તો પછી કશો જ લાભ નથી.

નિર્ભયાનાં મુદ્દે જ વાત કરો તો આ મુદ્દો 2014માં સુપ્રીમ કોર્ટ સામે આવ્યો હતો પણ આજે 2018 માં પણ હજુ સુપ્રીમ કોર્ટનાં જ આંટાફેરા કરી રહ્યો છે.

ન્યાય મળવામાં થતો વિલંબ કાયદાના ડરને ખતમ કરી દે છે

આટલો જઘન્ય અપરાધ થયો, અમારી દીકરી મૃત્યુ પામી. આખો દેશ જાણે છે કે અમારી દીકરી સાથે શું બન્યું. બધું દીવા જેવું સાફ છે.

છતાં પણ આટલાં વર્ષો લાગી ગયા અને આગળ પણ કેટલાં વર્ષ લાગશે તે ભગવાન જાણે.

ન્યાય મળવામાં થતો વિલંબ આ પ્રકારના ઘૃણાજનક અપરાધો કરનારનાં માનસમાંથી કાયદાના ડરને બિલકુલ હટાવી દે છે.

તેઓ વિચારે છે કે નિર્ભયા જેવા મુદ્દે જો હજી સુધી સજા ના મળી હોય તો પછી આપણું કોઈ શું બગાડી લેવાનું છે.

જ્યાં સુધી ગુનેગારોને એક ચોક્કસ સમયમર્યાદામાં સજા કરવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકારની ઘટનાને રોકી નહીં શકાય.

રોજ બાળકીઓ પર હેવાનિયત ગુજારવામાં આવી રહી છે. દરરોજ બાળકીઓ મરી રહી છે. અને ગુનેગારો તમામ કાયદા તોડી ગુના કરી રહ્યા છે.

આટલું જ નહીં પણ હવે તો નિર્ભયાનું નામ દઈ ધમકીઓ આપવામાં આવી રહી છે કે નિર્ભયા જેવી હાલત કરવામાં આવશે.

જો ગુનેગારોને સજા મળી ગઈ હોત તો ઉદાહરણ આપવામાં આવતું કે જો કોઈ છોકરી સાથે આવું કરવામાં આવશે તો નિર્ભયાનાં ગુનેગારો જેવી હાલત થશે. પણ દુ:ખની વાત છે કે અહીંયા તો ઊલટું થઈ રહ્યું છે.

એવું નથી કે માત્ર નિર્ભયાનાં ચાર દોષીઓ જેલમાં બંધ છે પણ હજારો મુકેશ, પવન (નિર્ભયાનાં મુદ્દે બે ગુનેગારો) જેલમાં બંધ છે અને હજારો બહાર આઝાદ ફરી રહ્યા છે.

આજે મારી પાસે ઘણા એવા લોકો આવે છે મારી જેમ જ પીડિત છે.

તેઓ મને જણાવી રહ્યા છે કે પોલીસ એમના કેસની નોંધણી પણ કરતી નથી પણ એમને અવગણે છે. આ બધી ખામીઓ પણ ગુનેગારોની હિંમત વધારે છે.

કેટલી બદલાઈ જિંદગી

જીવન જ્યાં સુધી છે ત્યાં સુધી તો જીવવાનું જ છે, પણ એ રાત પછી અમારી જિંદગી કેવા વળાંક પર અટકી ગઈ છે તે અંગે હું વિચારી પણ નથી શકતી.

છેલ્લા 6 વર્ષથી એવી એક પણ રાત પસાર નથી થઈ કે અમે એ ઘટના અંગે વિચાર્યું ના હોય.

જ્યારે કોઈ બાળકી સાથે આ પ્રકારની ઘટના બને છે, ત્યારે સૌથી પહેલા પીડા અમને થાય છે.

અમે વિચારી શકીએ છીએ કે એનો પરિવાર કેવી તકલીફમાંથી પસાર થઈ રહ્યો હશે કારણ કે અમે એમાંથી પસાર થઈ ચૂક્યાં છીએ.

આખો કેસ અમે અમારા પોતાનાં જોરે જ લડતાં રહ્યાં. પહેલાં તો અલગ-અલગ જગ્યાએથી સમર્થન મળ્યું પણ હવે આટલા વર્ષ બાદ અમે અમારી લડત જાતે જ લડી રહ્યા છીએ.

લોકોનો દૃષ્ટિકોણ બદલાયો

અમને કોર્ટ કચેરી વિશે કશી જ ખબર નહોતી,પણ આટલા વર્ષોથી રોજ ધક્કા ખાઈ રહ્યાં છીએ એટલે ઘણી બધી બાબતો અંગે ખબર પડવા માંડી છે.

હવે બીજા પીડિત પરિવારો પણ અમારી પાસે મદદ માટે આવે છે અમે એમને કાયદાની પ્રક્રિયા અંગે જણાવીએ છીએ.

દિલ્હી મહિલા આયોગ સાથે અમે જોડાયેલાં છીએ તો એમની મદદ પણ અમને મળી જાય છે.

નિર્ભયા કાંડ બાદ એટલું તો થયું છે કે લોકો બહાર નીકળી બોલે તો છે કે એમની દીકરી સાથે ખોટું થયું છે.

પહેલાં તો છોકરીઓને જ દોષી ગણવામાં આવતી હતી. એમને ઘરમાં લડીને બેસાડી દેવામાં આવતી હતી.

પણ હવે આવા મુદ્દા બહાર આવી નોંધાવવામાં આવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા સંભળાવતા એમ કહ્યું હતું કે આ ખૂબ જઘન્ય અપરાધ છે. એટલે બધાને આકરી સજા સંભળાવવામાં આવી રહી છે.

જો આટલા મોટા મુદ્દે પણ જો ગુનેગારોને સજા કરવામાં નહીં આવે તો પછી કેવા મુદ્દે સજા થશે?

(નિર્ભયાની માતા સાથે બીબીસી સંવાદદાતા નવીન નેગીની વાતચીત પર આધારિત)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો