ઈરાનમાં શા માટે મહિલાઓ ડાન્સ કરતા વીડિયો પોસ્ટ કરી રહી છે?

ઈરાનમાં અનેક મહિલાઓ સોશિયલ મીડિયા પર પોતાનો ડાન્સ કરતો વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે.

આ મહિલાઓ પોતાના ડાન્સ વીડિયો મારફતે તરુણીની ધરપકડનો વિરોધ કરવા માંગે છે.

મીદા હોઝાબ્રી નામની આ તરુણીએ પોતાના ઈરાની અને પશ્ચિમી સંગીત પર ડાન્સ કરતા અનેક વીડિયો પોસ્ટ કર્યા હતા.

સોશિયલ મીડિયા પર હોઝાબ્રીને હજારો લોકો ફોલો પણ કરી રહ્યા છે.

શુક્રવારે સરકારી ટીવી ચેનલે હોઝાબ્રીનું કબૂલાતનામું પ્રસારિત કર્યું છે.

હોઝાબ્રીના સમર્થનમાં લોકો #dancing_isn't_a_crime જેવા હૅશટેગ સાથે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો શેર કરી રહ્યા છે.

ઈરાનમાં મહિલાઓનાં કપડાં અને પુરુષો સાથે ડાન્સ કરવાને લઈને આકરા નિયમો છે. જોકે, પરિવારના સભ્યોને લઈને થોડી છૂટ છે.

હોઝાબ્રીના ડાન્સ વીડિયોમાં તેઓ હિજાબ અને માથા પર પહેરવાના સ્ટાર્ફ વગર જોવા મળે છે.

હોઝાબ્રી જેવા અન્ય તમામ ડાન્સ કલાકારોની પણ હાલ ધરપકડ કરવામાં આવી છે.

બ્લૉગર હુસૈન રોનાધીએ આ મામલે ટિપ્પણી કરી છે, ''તમે દુનિયામાં ક્યાંય પણ જણાવશો કે 17-18 વર્ષની છોકરી પોતાના ડાન્સ, આનંદ કે સુંદરતા દેખાડવાના આરોપસર ધરપકડ કરવામાં આવી રહી છે, જ્યારે અન્ય બાળકોના બળાત્કારીઓ અને અન્ય આરોપી બહાર ફરી રહ્યાં છે. આ વિશ્વાસ કરવા લાયક નથી.''

એક ટ્વિટર યૂઝર આ મુદ્દા પર લખે છે, ''હું ડાન્સ કરી રહી છુ જેથી અધિકારી જોઈ શકે કે તેઓ હોઝાબ્રી જેવી યુવા મહિલાઓની ધરપકડ કરી અમારી ખુશી અને આશા છીનવી શકતા નથી.''

ઇરાનમાં ડાન્સ કરનારાઓની ધરપકડ કરવાનો આ પહેલો કિસ્સો નથી.

આ પહેલાં મશાદમાં એક મોલમાં મહિલાઓ અને પુરુષો સાથે ડાન્સ કરવાનો વીડિયો સામે આવ્યા બાદ એક અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી.

વર્ષ 2014માં છ ઇરાની નાગરિકોએ અંગ્રેજી ગીતમાં ડાન્સ કરતો વીડિયો શેર કર્યો હતો, તો તેમને આ કારણે એક વર્ષની કેદ અને 91 કોડાની સજા સંભળાવવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો