દૃષ્ટિકોણ: ભારતના વિકાસમાં દક્ષિણ કોરિયા મહત્ત્વપૂર્ણ કેમ છે?

    • લેેખક, પ્રોફેસર સ્વર્ણ સિંહ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઉત્તર કોરિયા સાથે દ્વિપક્ષી વાતચીત અને અમેરિકા-ઉત્તર કોરિયા શિખર સંમેલનને શરૂ કર્યાની પોતાની સફળતાથી ખુશ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન તેમની દક્ષિણ નીતિમાં ભારતને સામેલ કરવા માટે પોતાના '3 પી' (લોકો, શાંતિ, સમૃદ્ધિ) લઈને ભારત આવી રહ્યા છે.

ભારત સ્થિત દક્ષિણ કોરિયાના રાજદૂતે એક ન્યૂઝ પેપરને આપેલા ઇન્ટર્વ્યૂમાં '3 પી' અંગે જણાવ્યું કે 'લોકો' મતલબ કે સાંસ્કૃતિક અને પર્યટન સંબંધો, 'સમૃદ્ધી' મતલબ આર્થિક ભાગીદારી અને 'શાંતિ' મતલબ તેમના ક્ષેત્રીય પડકારો જે ખાસ કરીને કોરિયાઈ દ્વીપકલ્પ પર સુરક્ષા સંબંધિત છે.

વર્ષ 1945માં જાપાનથી કોરિયાને આઝાદી મળ્યા બાદ ભારતને સંયુક્ત રાષ્ટ્ર આયોગના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. જેણે 15 ઑગસ્ટ 1948ના રોજ કોરિયાઈ ગણરાજ્યની સ્થાપના કરી.

જોકે, ભારત સાથેના તેમના સંબંધોમાં મજબૂતી વર્ષ 1997ના પૂર્વ એશિયાઈ આર્થિક સંકટ બાદ દક્ષિણ કોરિયામાં થયેલા અભૂતપૂર્વ વિકાસના કારણે છેલ્લા બે દાયકાઓ દરમિયાન આવી.

કોરિયન બ્રાન્ડ

કોરિયન બ્રાન્ડ્સ આજે ભારતનાં મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. કોરિયાન કંપનીઓ પહેલેથી જ મોદીના 'ડિજિટલ ઇન્ડિયા' અને 'મેક ઇન ઇન્ડિયા'માં યોગદાન આપી રહી છે.

આ પૃષ્ઠભૂમિમાં મોદી-મૂન શિખર સંમેલન સાથે જ 'વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી'નો બીજું સોપાન શરૂ થવાની આશા છે જેને મોદીની 'ઍક્ટ ઈસ્ટ' અને મૂનની 'નવી દક્ષિણ નીતિ'એ વધુ મજબૂત બનાવી છે.

બીજું કે તેમણે પોતાની વાતચીતને દ્વિપક્ષી સ્તરથી આગળ લઈ જવાનો પણ વાયદો કર્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારતના તેજ વિકાસમાં દક્ષિણ કોરિયાનું શું મહત્ત્વ છે તેને એક સરળ સમીકરણથી સમજી શકાય છે કે ભારતની વસતી દક્ષિણ કોરિયાથી 24 ગણી વધુ છે.

જ્યારે પ્રતિ વ્યક્તિ દીઠ જીડીપી દક્ષિણ કોરિયાના માત્ર 16માં ભાગ સમાન છે.

આ પ્રકારે બંનેના સંબંધો એકબીજાથી પૂરક બને છે કારણ કે દક્ષિણ કોરિયા પાસે આધુનિક ટૅક્નિક અને મોટી માત્રામાં કાચો માલ ઉપલબ્ધ છે પરંતુ તેમની પાસે પ્રત્યક્ષ મૂળભૂત માળખાની ઊણપ છે.

ગુજરાત જેવડો આ દેશ ગ્રીષ્મ અને શિયાળું બંને ઑલિમ્પિક રમતનો યજમાન રહી ચૂક્યો છે.

અહીંની કંપનીઓ ભારત સહિત દુનિયામાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સ, મોબાઇલ ફોન, અને ઑટોમોબાઇલ આપી રહી છે અને મૂળભૂત માળખાનું નિર્માણ કરી રહી છે.

મૂનની 'દક્ષિણ નીતિ'

ભારત સાથે મજબૂત ભાગીદારી બનાવવાની રાષ્ટ્રપતિ મૂનની પ્રતિબદ્ધતા પહેલેથી જ જોવા મળતી હતી.

ગયા વર્ષે એપ્રિલમાં સરકારના ગઠન વખતે ભારતમાં કોરિયાના પૂર્વ રાજદૂત રહેલા ચો હ્યૂનને વિદેશ અને બહુપક્ષી આર્થિક બાબતોના જુનિયર મંત્રી બનાવી દેવામાં આવ્યા.

ત્યારબાદ મે મહિનામાં રાષ્ટ્રપતિ મૂનના ખાસ પૂર્વ સાંસ્કૃતિક મંત્રી ચુંગ દોંગ-ચીને ભારત અને ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા.

ત્યારબાદ નવેમ્બરમાં રાષ્ટ્રપતિ મૂનની 'નવી દક્ષિણ નીતિ'ની જાહેરાત બાદ ભારત-દક્ષિણ કોરિયાના સંબંધોમાં એક નવા રૂપની શરૂઆત થઈ.

રાષ્ટ્રપતિ મૂનની આ નવી નીતિની પૃષ્ઠભૂમિમાં વડા પ્રધાન મોદી મે 2015માં દક્ષિણ કોરિયા ગયા હતા.

આ મુલાકાતને બંને દેશોએ 'વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી'માં બદલી દીધી અને દક્ષિણ કોરિયાએ ભારતમાં મૂળભૂત એકમોના વિકાસ માટે 10 અરબ ડૉલરની ક્રેડિટ લાઇનનો પાયો નાખ્યો.

દ.કોરિયાએ કર્યું મોદીનું સ્વાગત

દક્ષિણ કોરિયા એ દેશોમાંથી એક હતું જેણે વર્ષ 2007માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આવકાર આપ્યો હતો. એ સમયે પશ્ચિમના દેશોમાં મોદીને અસ્વીકાર્ય વ્યક્તિના રૂપે જોવામાં આવતા હતા.

ભારત- દક્ષિણ કોરિયાના સંબંધની વાત કરીએ તો દક્ષિણ કોરિયામાં હાલ પીએચડી કરી રહેલા લગભગ એક હજાર શોધકર્તાઓ સહિત 11 હજાર ભારતીયો રહે છે.

ભારત હંમેશા વાતચીત મારફતે કોરિયાઈ દ્વીપકલ્પના પરમાણુ નિ:શસ્ત્રીકરણની વકીલાત કરતું આવ્યું છે.

ઉત્તર કોરિયા સાથે ભારતના સારા સંબંધોનો ફાયદો ભારત-દક્ષિણ કોરિયાની વધતી મિત્રતા પણ થશે.

ચીન સાથે તુલના

વડા પ્રધાન મોદીની અતિ સક્રિય વિદેશ નીતિ અંતર્ગત ઉત્તર કોરિયાએ ભારતમાં રૂચિ દાખવી છે.

ભારત ત્યાં ક્ષેત્રિય વિકાસ અને અમેરિકા-ઉત્તર કોરિયાના સંબંધોથી ઊપજતા સારા પરિણામો પર મીટ માંડીને બેઠું છે.

ભારત ખાસ કરીને ઉત્તર કોરિયાના પાકિસ્તાન સાથેના સંબંધ અને બંને રાષ્ટ્રો વચ્ચેના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમો અને આ ક્ષેત્રમાં તેમના સુરક્ષા પ્રભાવોને લઈને ખૂબ ચિંતિત છે.

જોકે, ઉત્તર કોરિયા અને પાકિસ્તાન બંને રાષ્ટ્રોના સંબંધ ચીન સાથે સારા છે જે ભારત-દક્ષિણ કોરિયાના સંબંધો માટે મહત્ત્વપૂર્ણ બિંદુ છે.

દક્ષિણ કોરિયા સાથે ભારતનો દ્વિપક્ષી વેપાર ગયા વર્ષે 20 અરબ અમેરિકન ડૉલરનો આંકડો પાર કરી ચૂક્યો છે.

દક્ષિણ કોરિયા સાથે ચીનનો વેપાર 12 ગણો વધારે એટલે કે 240 અરબ ડૉલર છે.

આ રીતે દક્ષિણ કોરિયાનું ચીનમાં 57 અરબ ડૉલરના રોકાણની સામે ભારતમાં કુલ રોકાણ 6.8 અરબ ડૉલર છે.

પરંતુ રાષ્ટ્રપતિ મૂનની નવી નીતિ ભારત સાથેના સંબંધોને ચીનની બરાબર રાખવાના લક્ષ્ય પર કામ કરી રહી છે.

છેલ્લા 30 વર્ષોમાં તેમના વેપારમાં 17થી 20 અરબ ડૉલરની વૃદ્ધિ જોવા મળી છે અને બંને રાષ્ટ્રોએ આ આંકડો 40 અરબ ડૉલર પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે.

અંતમાં ભારત માટે દક્ષિણ કોરિયા પરિવર્તન લાવી શકતું એશિયાઈ લોકતાંત્રિક વ્યવસ્થાનો સફળ દેશ છે.

(લેખક નવી દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ વિશ્વ વિદ્યાલયના સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં પ્રોફેસર છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો