You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
G-7 શિખર મંત્રણા : ટ્રમ્પે કહ્યું, 'મોદી કહે છે કે કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણમાં છે'
G-7 શિખર મંત્રણા દરમિયાન ભારતીય સમય પ્રમાણે સોમવારે બપોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મુલાકાત કરી હતી.
સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ ફરી એક વખત કહ્યું હતું કે કાશ્મીરનો મુદ્દો દ્વિ-પક્ષીય છે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની દરમિયાનગીરીને કોઈ અવકાશ નથી.
ટ્રમ્પે પણ કહ્યું કે 'ભારત અને પાકિસ્તાન આપમેળે કાશ્મીર સહિતના મુદ્દા ઉકેલી શકે તેમ છે.'
મોદીને મધ્યસ્થીનો સવાલ
એક પત્રકારે વડા પ્રધાન મોદીને પૂછ્યું કે 'ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની તૈયારી દાખવી છે, તેને આપ કઈ રીતે જુઓ છો?'
તેના જવાબમાં મોદીએ કહ્યું, "ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દા દ્વિ-પક્ષીય છે. આ માટે અમે દુનિયાના કોઈ દેશને કષ્ટ આપતા નથી."
"મને વિશ્વાસ છે કે 1947 પહેલાં પણ ભારત અને પાકિસ્તાન એક હતાં. અમે હળીમળીને તમામ સમસ્યાઓને ઉકેલી શકીએ તેમ છીએ."
દરમિયાન ટ્રમ્પે ઉમેર્યું હતું કે 'મને મોદીએ જણાવ્યું છે કે કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણમાં છે.'
કદાચ એવું પ્રથમ વખત બન્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની હાજરીમાં કોઈ ભારતીય વડા પ્રધાને કહ્યું હોય કે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીતમાં અમેરિકા સહિત અન્ય કોઈ દેશની મધ્યસ્થી માટે કોઈ અવકાશ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇમરાન વિશે મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ઇમરાન ખાન જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા, ત્યારે તેમને અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો.
મોદી કહે છે કે એ સમયે મેં ઇમરાન ખાનને કહ્યું હતું, "ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક બાબતો દ્વિપક્ષીય છે. આપણે ગરીબી, નિરક્ષરતા તથા બીમારીની સામે લડવાનું છે."
"આથી, આપણે બંને સાથે મળીને તેનો મુકાબલો કરીએ તે ઇચ્છનીય છે."
મોદીના જવાબ બાદ ટ્રમ્પે કહ્યું હતું કે 'મને ખાતરી છે કે ભારત અને પાકિસ્તાન મળીને તમામ મુદ્દા ઉકેલી લેશે.'
ટ્રમ્પ દ્વારા મધ્યસ્થીનો આગ્રહ નહીં રાખવાને પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પહેલાં રવિવારે પણ ટ્રમ્પ અને મોદીની વચ્ચે મુલાકાત થઈ હતી, ત્યારે મોદીએ તેમને કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાની માહિતી આપી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો