કાશ્મીરી પત્રકારો વિરુદ્ધ શા માટે થઈ રહી છે કાર્યવાહી?

    • લેેખક, રિયાઝ મસરુર
    • પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગર

ભારત પ્રશાસિત કાશ્મીરમાં સરકારે અનલોફૂલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (યુએપીએ) નામના આકરા કાયદા હેઠળ એક મહિલા ફોટો જર્નલિસ્ટ સહિત ત્રણ પત્રકારો સામે કાર્યવાહી હાથ ધરી છે. સરકારના આ પગલાની સમગ્ર વિશ્વના પત્રકાર સંગઠને ઝાટકણી કાઢી છે.

26 વર્ષનાં મસરત ઝહરા સામે ફેસબુક પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ લખવાનો આરોપ છે. એ બાબતે સોશિયલ મીડિયામાં જોરદાર આક્રોશ જોવા મળ્યો હતો.

ઝહરા છેલ્લાં ચાર વર્ષથી ધ વૉશિંગ્ટન પોસ્ટ તથા ગેટી ઇમેજિસ માટે કાશ્મીર કવર કરી રહ્યાં હતાં.

રાષ્ટ્રીય અખબાર ધ હિન્દુના સંવાદદાતા આશિક પીરઝાદાને ફૅક ન્યૂઝ લખવાના આરોપસર પોલીસ થાણે બોલાવવામાં આવ્યા હોવાનું પોલીસની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

આશિક પીરઝાદાએ લોકડાઉન વચ્ચે શ્રીનગરથી લગભગ 100 કિલોમીટર દૂર તેમના ગામ સુધીનો લાંબો પ્રવાસ કરવો પડ્યો હતો.

આશિકે માર્યા ગયેલા એક ઉગ્રવાદીના પરિવારજનોને એવું કહેતા ટાંક્યા હતા કે વહીવટી તંત્રે તેમને બારામુલામાંના એમના ઘરેથી લગભગ 160 કિલોમીટર દૂર દફનાવાયેલી ઉગ્રવાદીની લાશને કબરમાંથી બહાર કાઢવાની મંજૂરી આપી છે.

આશિક પીરઝાદાએ બીબીસીને કહ્યું હતું, "તપાસકર્તાઓએ સરકારી આદેશની નકલ નહીં હોવાને કારણે વાંધો લીધો ત્યારે મેં તેમને ડેપ્યુટી કમિશનરને કરેલા ફોનકોલ્સ તથા ટેક્સ્ટ રેકર્ડ દેખાડ્યા હતા. તેઓ એવું કહેતા રહ્યા હતા કે તેઓ મને ફોન કરશે, પણ તેમણે ફોન કર્યો ન હતો. આખરે સમાધાન થયું હતું અને હું અડધી રાત પછી ઘરે પાછો ફરી શક્યો હતો."

મસરત વિરુદ્ધ એફઆઈઆર તથા આશિકને સમન્સ મોકલવાના પગલાનો સોશિયલ મીડિયા પર વિરોધ થઈ રહ્યો હતો અને એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા તેને અધિકારોનો દુરુપયોગ ગણાવી રહી હતી ત્યારે જ એક જાણીતા પત્રકાર, લેખક તેમજ ટીવી ડિબેટમાં જોવા મળતા ગૌહર ગિલાની સામે પણ યુએપીએ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ઉશ્કેરણીજનક અને કાયદો તથા વ્યવસ્થા માટે જોખમી હોય તેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર લખવા બદલ ગિલાની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર વિરોધ

પત્રકારોને પૂછપરછ માટે બોલાવનાર કાશ્મીર સાઇબર પોલીસ વિભાગના વડા તાહિર અશરફને સોશિયલ મીડિયા પર ટ્રૉલ કરવામાં આવ્યા હતા અને તેમને 'તકવાદી' ગણાવવામાં આવ્યા હતા.

તેમના જૂનાં ટ્વીટ્સ બહાર લાવવામાં આવ્યાં હતાં, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતનાં 2002નાં હુલ્લડના પીડિતોની સરખામણી ગલુડિયાં સાથે કરવા બદલ નિષ્ઠુર ગણાવવામાં આવ્યા હતા. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે એ ઘટના પછી સત્તાવાળાઓએ તેમની પાસેથી જવાબ માગ્યો હતો.

મસરત ઝહરાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેમના પરના આરોપ પાછા ખેંચવામાં આવશે એવી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ખાતરી પછી તેમણે એ અરજી પાછી ખેંચી લીધી હતી.

બીજી તરફ આશિક પીરઝાદાએ કહ્યું હતું, "પહેલાં મને તાહિર અશરફની અનંતનાગસ્થિત ઑફિસે બોલાવવામાં આવ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી, તેમ છતાં એ યુપીએએ હેઠળ કાર્યવાહી કરતાં આસાન હતું. હું નસીબદાર છું કે વાત વકરી નહીં."

આ ત્રણેય પત્રકારોના જે વાંધાજનક લેખો ગણાવાયા છે તેની પોલીસના નિવેદનમાં કોઈ વિગત નથી, પણ ઝહરાએ જણાવ્યું હતું કે તેમને 2018ના મોહર્રમની તસવીર ફરી પ્રકાશિત કરવા બાબતે સવાલ કરવામાં આવ્યા હતા. એ ફોટોગ્રાફમાં માતમ મનાવી રહેલા કેટલાક લોકોના હાથમાં બુરહાન વાનીની તસવીર હતી. લોકપ્રિય ઉગ્રવાદી બુરહાન વાનીની 2016માં હત્યા કરવામાં આવી હતી.

આ પત્રકારો સામે નોંધવામાં આવેલા કેસ પાછા ખેંચવાની માગણી કાશ્મીરી પત્રકારોએ સોશિયલ મીડિયા પર કરી છે.

રિપોર્ટર્સ સાન્સ ફ્રન્તિએ અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જેવી આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓએ આરોપો પાછા ખેંચવાની અને અખબારી સ્વાતંત્ર્ય પુનઃસ્થાપિત કરવાની માગણી ભારત સરકાર સમક્ષ કરી છે.

નિયંત્રણો વચ્ચે પત્રકારત્વ

કાશ્મીર ગત વર્ષના ઑગસ્ટ મહિનાથી અનિશ્ચિતતાના દૌરમાંથી પસાર થઈ રહ્યું છે. ઑગસ્ટમાં ભારત સરકારે કાશ્મીરના ખાસ દરજ્જા પર પૂર્ણવિરામ મૂક્યું હતું અને અનેક પ્રકારનાં નિયંત્રણો લાદ્યાં હતાં.

અલબત્ત, ફોન સેવા અને ટુ-જી ઇન્ટરનેટ સર્વિસ પૂર્વવત્ થઈ ગઈ છે, પણ પોતે સંપૂર્ણ સ્વાતંત્ર્ય ન અનુભવતા હોવાની પત્રકારોની ફરિયાદ છે.

શ્રીનગરસ્થિત પત્રકાર રિયાઝ મલિક કહે છે કે "સત્તાવાર રીતે કોઈ નિયંત્રણ નથી, પણ કંઈક લખવાની સજા મળે એમ હોય તો તે એક પ્રકારનું નિયંત્રણ જ છે."

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે ત્રણેય પત્રકારો સામે તેમના રિપોર્ટિંગ સબબ કાર્યવાહી કરવામાં આવી નથી.

અધિકારીએ કહ્યું હતું, "કોઈ સોશિયલ મીડિયા પર લોકોને ઉશ્કેરતું હોય તો કાયદાએ કાર્યવાહી કરવી જ પડે. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય શાંતિ તથા સલામતી અનુસાર આપવામાં આવે છે. અમે તો માત્ર કાયદાનું પાલન કરી રહ્યા છીએ."

અનેક પત્રકારોને પૂછપરછ, કેટલાકની ધરપકડ

કાશ્મીરમાં છેલ્લા આઠ મહિનામાં અનેક પત્રકારોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

કામરાન યુસૂફ નામના ફ્રીલાન્સ પત્રકારને કલમ 370 હઠાવાયા પહેલાં અનેક મહિનાઓ સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા અને ગયા વર્ષે ઑગસ્ટમાં તંગદિલી સર્જાઈ ત્યારે ફરી પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા.

બાંદીપોરાના શેખ સલીમ અને તારીક મીરને પણ અનેક મહિનાઓ સુધી કેદમાં રાખવામાં આવ્યા હતા.

આસિફ સુલતાન નામના પત્રકારને ઉગ્રવાદીઓને આશરો આપવાના આરોપસર બે વર્ષથી વધુ સમય સુધી કેદમાં રાખવામાં આવ્યા હતા.

આઉટલૂક સામયિકના સંવાદદાતા નસીર ગનાઈને ગયા વર્ષે પોલીસ થાણે બોલાવવામાં આવ્યા હતા.

નસીર કહે છે કે "કાશ્મીરી પત્રકાર માત્ર પત્રકાર નથી, એ કાશ્મીરી પણ છે અને તેણે તેના સમાચાર આપવાના છે. તેથી તેમના પરનું જોખમ વધી જાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો