સોનાની ખાણ ગણાતું એ બંદર જ્યાંથી અનેક દેશોમાં કોકેનની તસ્કરી થાય છે

    • લેેખક, લિન્ડા પ્રેસ્લી અને માઇકલ ગૅલહર
    • પદ, બીબીસી ન્યૂઝ

સીસીટીવી સ્ક્રીન પર લગભગ એક ડઝન લોકોને રૉટરડૅમના બંદર પર સૈનિકો તરફ ભાગતા જોઈ શકાય છે.

એ બધાનું ધ્યાન બંદર પરના શિપિંગ કન્ટેનર પર છે જે કોલંબિયાથી નેધરલૅન્ડ્સના રૉટરડૅમ પહોંચ્યું છે. ડૉક્યુમેન્ટ્સ અનુસાર એ કન્ટેનરમાં ફળ લવાયાં છે પણ આ યુવાનોને એમાં કોઈ રસ નથી જે અત્યાર સુધીમાં કન્ટેનરમાંથી બહાર કાઢી લેવાયાં હશે.

12 મિટર લાંબા એક કન્ટેનરના રેફ્રિજરેટર યુનિટમાં 80 કિલોગ્રામ કોકેન સંતાડાય છે, જેની બજારકિંમત ચાર મિલિયન યુરો એટલે કે 34 કરોડ રૂપિયા છે અને કોકેન મેળવવું એ જ આ યુવાનોનું ખરું લક્ષ્ય છે.

એટલા માટે એમને કોકેન કલેક્ટર કહેવામાં આવે છે. કેમ કે એમનું કામ શિપિંગ કન્ટેનરોમાં આ બંદર પર લવાયેલા કોકેનની સાવધાનીપૂર્વક દાણચોરી કરવાનું છે, જેથી એમ્સ્ટર્ડેમ, બર્લિન અને લંડન સુધી કોકેન પહોંચાડી શકાય.

કોકેનની હેરાફેરી કરનારા લોકોને કન્ટેનરમાંથી બહાર કાઢવામાં આવેલા પ્રતિકિલો કોકેન માટે સામાન્ય રીતે બે હજાર યુરો એટલે કે લગભગ એક લાખ 70 હજાર રૂપિયા મળે છે.

બીબીસીને કોકેનની દાણચોરીમાં સામેલ આ જૂથની ખતરનાક પ્રવૃત્તિઓની એક ઝલક જોવાની તક મળી હતી.

ડચ ટીવી નેટવર્ક વીપીઆરઓના એક પત્રકાર ડૅની ગૉસિનને મહોરું પહેરેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, “રૉટરડૅમનું બંદર સોનાની ખાણ છે. હું ઘરની નજીક જ સારા પૈસા કમાઈ શકું છું. અહીં હંમેશાં કામ મળી રહે છે.”

એ એક શક્તિશાળી દાણચોર નેટવર્ક માટે કોકેન કલેક્ટર તરીકે કામ કરતા યુવકોમાંના એક છે. તેમણે જણાવ્યા અનુસાર, આ કામનું સ્વરૂપ સમયાંતરે બદલાતું રહે છે, ક્યારેક કોઈ એમને પૈસાની ઑફર કરે છે તો ક્યારેક કોઈ એમને દાણચોરીના કેફી પદાર્થોમાંથી ભાગ આપે છે.

નશીલી દવાઓનો આ વેપાર ઝડપથી ફેલાઈ રહ્યો છે. બંદર પર કન્ટેનર પ્રોસેસ કંપની ચલાવનાર આન્દ્રે ક્રેમરે જણાવ્યું કે, “બે વર્ષ પહેલાં આ લોકોને પહેલી વાર જોયા હતા. પહેલા વર્ષે એક કે બે વાર આવાં કન્ટેનરો આવતાં હતાં અને આવા એકબે જણા જ હતા, પણ છેલ્લા છ મહિનામાં અઠવાડિયામાં ત્રણથી ચાર વાર આવાં કન્ટેનરો આવે છે અને કલેક્ટરોની સંખ્યા પણ દસથી બાર થઈ ગઈ છે.”

દાણચોરોનું ‘હોટલ’ કન્ટેનર

નેધરલૅન્ડ્સ પહોંચનારા કોકેનનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ દાણચોરો દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ પણ અત્યાધુનિક થતી જાય છે.

ક્યારેક તો તેઓ કોકેનને બંદરની બહાર નથી લઈ જતા. એના બદલે એમનું કામ બંદર પર હાજર કોઈ કર્મચારીની મદદથી કોકેનને બીજા કન્ટેનરમાં લઈ જવાનું હોય છે. જેને પાછળથી ટ્રક દ્વારા બંદરમાંથી બહાર લઈ જવાય છે. કલેક્ટરની ટુકડી ક્યારેક બંદર પર ખાલી પડેલાં કન્ટેનરોમાં બેસી જાય છે અને ડ્રગ્સ આવવાની રાહ જુએ છે.

ક્રેમરે જણાવ્યું કે, “તાજેતરમાં જ અમને ત્રણ ‘હોટલ’ કન્ટેન્ટર મળ્યાં છે, જેમાં ઘણા દિવસો સુધી કલેક્ટર ખાવાપીવા અને પોતાની જરૂરિયાતોને પૂરી કરવા રહી શકે છે. એ કન્ટેનરોમાં અમને ગાદલાં, પાણીની ખાલી બોટલો અને ફૂડનાં રૅપર પણ મળ્યાં છે.”

પરંતુ, આવાં ‘હોટલ’ કન્ટેનરમાં રહેવું ઘણી વાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે. સપ્ટેમ્બરની શરૂઆતના દિવસોમાં આવા જ એક કન્ટેનરમાં નવ કોકેન કલેક્ટર મુશ્કેલીમાં મુકાઈ ગયેલા. કેમ કે, એ કન્ટેનરનો દરવાજો જામ થઈ ગયો હતો અને એને ખોલી ન શકાયો.

રૉટરડૅમ પોલીસવડા જેન જેન્સે જણાવ્યું કે, “જો કોઈ ફળ કે લાકડાંથી ભરેલા કન્ટેનરમાં છે તો એ વસ્તુઓ પણ ઑક્સિજનનો ઉપયોગ કરે છે; એનો મતલબ એ કે અંદર રહેલા લોકોને ઑક્સિજન ઓછો મળશે.”

જેનના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે, કોકેન કલેક્ટર કન્ટેનરને અંદરથી ખોલી નાખે છે, પણ આ કિસ્સામાં કંઈક એવું બન્યું કે તેઓ નીકળી ન શક્યા.

જ્યારે કોકેન દાણચોરોએ મદદ માગી

કન્ટેનરમાં ફસાયેલા કોકેન કલેક્ટરોએ જીવ બચાવવા માટે છેવટે ડચ રાહતદળને બોલાવ્યું.

રૉટરડૅમ પોલીસવડા જેન જેન્સે જણાવ્યું, “અમે જાણતા હતા કે નવ લોકો એક કન્ટેનરમાં ફસાયા છે પણ બંદર પર લગભગ એક લાખ જેટલાં કન્ટેનર હતાં અને કોકેન કલેક્ટરોને એ નહોતી ખબર કે તેઓ કયા કન્ટેનરમાં ફસાયા છે.”

જેન જેન્સે ઉમેર્યું કે, “આખા બંદર પર શોધખોળ કરી. અમે હૅલિકૉપ્ટર અને કસ્ટમ્સ અધિકારીઓની પણ મદદ લીધી. એ લોકો ભાગ્યશાળી હતા કે સમયસર મળી ગયા.”

પણ શોધખોળ કરવામાં લગભગ ચાર કલાક થયા. જ્યારે કોકેન કલેક્ટર મળ્યા ત્યારે એમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તેથી એમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

છેલ્લાં સાત વર્ષથી રૉટરડૅમના પોલીસવડા તરીકે કામ કરતા જેન જેન્સે સુરક્ષાને ધ્યાનમાં રાખીને એ ન જણાવ્યું કે કોકેન કલેક્ટરો અંગે તેમને ખબર કઈ રીતે પડી. એમણે રહસ્યાત્મક રીતે કહેલું કે, “બસ, સમજો ને કે અમે કેટલાંક સ્માર્ટ પગલાં ભર્યાં હતાં.”

‘દરેક વર્ષે બને છે નવો રેકર્ડ’

2014માં રૉટરડૅમના અધિકારીઓએ બંદર પરથી પાંચ હજાર કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું હતું, તો 2020માં એ લોકોએ 41 હજાર કિલો કોકેન જપ્ત કર્યું.

પોલીસવડા જેન જેન્સના જણાવ્યા અનુસાર, “આ વર્ષે 60 હજાર કિલો સુધીનું કોકેન જપ્ત થવાની આશા છે. અમે દરેક વર્ષે નવો રેકર્ડ નોંધાવીએ છીએ. એના માટે અમને ગર્વ નથી. એ સારું છે કે અમે કોકેન જપ્ત કર્યું છે પણ દરેક વર્ષે એનું પ્રમાણ વધતું જાય છે.”

બંદર પરથી જપ્ત કરાયેલું કોકેન એ તો દાણચોરીના કુલ કોકેનનો એક નાનકડો ભાગ છે.

‘અમે ફરવા આવીએ છીએ’

આ મામલામાં એક વાત ખૂબ અચરજભરી એ છે કે જો આવા કલેક્ટર પકડાય તો પણ એમને માદક પદાર્થોના દાણચોર સાબિત કરવા ખૂબ જ કઠિન છે.

સપ્ટેમ્બર મહિનામાં માત્ર એક જ અઠવાડિયાના સમયગાળામાં બંદર વિસ્તારમાંથી 110 જેટલા કલેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. પણ જ્યાં સુધી તેઓ રંગેહાથ ન પકડાય ત્યાં સુધી એમને 100 યુરોથી ઓછો દંડ કરી શકાય. કેટલાક કલેક્ટર તો પોતાની પાસે રોકડ રકમ પણ રાખે છે, જેથી તલાશી માટે રોકવામાં આવે તો તરત જ દંડ ભરી શકાય.

ડચ ટીવી સાથેની એક વાતચીતમાં એક કલેક્ટરે જણાવ્યું કે, “અમે અધિકારીઓને એમ કહીએ છીએ કે અમે અહીં ફરવા આવીએ છીએ. કન્ટેનરો જોવાં અમને ગમે છે. શું મારી પાસે કશું છે? શું મારી પાસે કોઈ કેફી પદાર્થ છે? કે કોઈ સાધન? મારી પાસે કશું નથી.”

42 કિલોમિટરમાં વિસ્તરેલું રૉટરડૅમ બંદર યુરોપમાં સૌથી મોટું બંદર છે. અહીં દરરોજ લગભગ 23 હજારથી પણ વધારે માલવાહક કન્ટેનરોમાં માલસામાન લાદવા–ઉતારવામાં આવે છે. કોકેનની દાણચોરી કરનારાં નેટવર્કો અને કોકેન કલેક્ટરોને ભ્રષ્ટાચારને કારણે ઘણી મદદ મળે છે.

‘ક્યારેક લાંચ તો ક્યારેક ધમકી’

કલેક્ટરના જણાવ્યાનુસાર, “જો તમે અહીં સવારે આવો તો હું તમને ગૅરંટી આપું છું કે તમને સુરક્ષા પાસ મળી જશે. કોઈ પણ કર્મચારી પાંચસો યુરો (અંદાજે 40 હજાર રૂપિયા)માં તમને એક દિવસ માટે પોતાનો પાસ આપી દેશે.”

“કસ્ટમ્સ અધિકારીઓની મદદ વિના કામ કરવું મુશ્કેલ છે. એમની પાસે જેનું નિરીક્ષણ કરવાનું હોય એવું એક કન્ટેનર હોઈ શકે છે, પણ તમારા માટે તેઓ એને નિરીક્ષણ-સૂચિમાંથી હઠાવી દઈ શકે છે.”

જ્યારે કોઈ કસ્ટમ્સ અધિકારી આવા દાણચોરોની મદદ કરવાનો ઇનકાર કરી દે તો તેઓ બીજો માર્ગ અપનાવે છે.

કલેક્ટરે જણાવ્યું કે, “જેવી કોઈ અધિકારી અમારી મદદ કરવાની ના પાડે તો અમે એમને એમનાં બાળકો અંગે ધમકી આપીએ છીએ અને તરત જ એ અમારી સાથે કામ કરવા તૈયાર થઈ જાય છે.”

આન્દ્રે ક્રેમરે એમ જણાવ્યું કે એમના કર્મચારીઓ દબાણ હેઠળ છે કેમ કે તેઓ ગુનેગારોનાં જૂથોની નજરમાં છે.

ક્રેમરે જણાવ્યું કે, “અધિકારીઓનો એમના ઘરે જઈને સંપર્ક કરવામાં આવે છે અને વાડની પાસે એક ખાસ કન્ટેનર મૂકવા માટે દબાણ કરવામાં આવે છે. મારા ઘણા કર્મચારીઓએ રાજીનામું આપી દીધું છે કેમ કે ડરના લીધે તેઓ અહીં કામ કરવા નથી માગતા.”

રૉટરડૅમમાં દાણચોરી સાથે સંકળાયેલા ગુના

રૉટરડૅમના મુખ્ય ફરિયાદીઓ માટે પણ આ વાર્તાઓ નવી નથી.

હ્યુગો હેલિનારે જણાવ્યું, “શહેરના કેટલાય ગુના બંદર પરની નશીલી દવાઓની દાણચોરી સાથે સંકળાયેલા છે. અમારા શહેરમાં લગભગ રોજ ગોળીબાર થાય છે. દસ વર્ષ પહેલાં રસ્તા પર આવું નહોતું, પણ હવે હિંસા વધી રહી છે.”

કોકેનની દાણચોરીની અસર આખા દેશમાં જોવા મળી રહી છે. ગયા જુલાઈમાં નેધરલૅન્ડ્સના સૌથી પ્રસિદ્ધ ક્રાઇમ રિપૉર્ટર પીટર આરડે વારિસની એમ્સ્ટર્ડેમમાં હત્યા કરી દેવાઈ છે.

યુવાનોને મદદ કરનારી સંસ્થા જૉજનાં સંસ્થાપક નાદિયા બારકિયોઆએ જણાવ્યું કે, “ગુનો કરનારાં નેટવર્કો ખૂબ જ સંગઠિત છે. એ નેટવર્કો પાસે એમના પોતાના સીઇઓ છે, એમની પાસે માનવસંસાધન છે, એમની પાસે કર્મચારીઓ છે.”

રૉટરડૅમના દક્ષિણ તટ પર સ્થિત ઉપનગરીય વિસ્તારોમાં જૉજ તરફથી યુવા કલ્યાણ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારમાં કોકેનની દાણચોરી સાથે સંકળાયેલા મોટા ભાગના યુવાનો રહે છે. એ વિસ્તારની એક ચતુર્થાંશથી પણ વધારે વસ્તીની ઉંમર 23 વર્ષથી ઓછી છે અને અડધાથી વધારે લોકો પ્રવાસી નથી.

1960 અને 1970ના દાયકામાં બહારથી આવેલા લોકો રૉટરડૅમ બંદર પર રોજગારીની તક શોધવાના ઇરાદે આ ક્ષેત્રમાં વસી ગયા હતા. પણ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ જ્યારે પશ્ચિમ તરફ સ્થાળાંતરિત થઈ ગઈ અને કામ મળવાનું બંધ થઈ ગયું તો જે પરિવારો સ્થળાંતર કરવાની સ્થિતિમાં હતા એ બધા પરિવારો અહીંથી જતા રહ્યા અને સામાન્ય આવક ધરાવતા પરિવારોની મોટી સંખ્યા અહીં ટકી રહી.

એ પરિવારોના યુવાનોને ગુનાખોરીથી દૂર રાખવા માટે જૉજ અહીં સ્કૂલો, ક્લબો અને સામાજિક કેન્દ્રો ચલાવે છે.

નાદિયા બારકિયોઆએ જણાવ્યું કે, “આ લોકોને જણાવવું પડશે કે ગેરકાયદે કમાયેલા રૂપિયા કરતાં સામાન્ય રીતે કમાવું એ વધુ સારું અને સુરક્ષિત છે. એમને એમ પણ જણાવવું પડશે કે શહેરોમાં એમના માટે ઘણી તક છે. બાળકોનો સારો ઉછેર કરવાથી એમને ગુનાખોરીથી દૂર રાખી શકાય છે.”

નાદિયાએ ઉમેર્યું કે, “હવે તો 14–15 વર્ષનાં બાળકો પણ ગુનો આચરે છે અને એ દુઃખદ છે. નાની ઉંમરથી જ લોકો ગુના કરવા માંડે છે.”

કોકેનનો ઉપયોગ કરનારાઓને હ્યૂગો હેલિનારે સંદેશો આપ્યો છે કે, “રૉટરડૅમમાં લોકો દરરોજ કોકેનની 40 હજાર લાઇન સૂંઘે છે. તમારા દ્વારા સૂંઘવામાં આવતી દરેક લાઇનમાં હિંસા, બળજબરીથી વસૂલી અને મોતનો ઇતિહાસ છે.”

હેલિનારને આશા છે કે આવનારા નવા વર્ષ 2022માં નવો કાયદો અમલમાં આવવાના લીધે કોકેન કલેક્ટરોને નિયંત્રિત કરવામાં મદદ મળશે. નવા કાયદાના પ્રસ્તાવો અનુસાર બંદર વિસ્તારમાંથી અનિચ્છનીય લોકો પકડાય તો દંડનીય રકમ ઉપરાંત એક વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

જોકે ઘણા લોકો એવા પણ છે જેઓ માને છે કે નવો કાયદો આવ્યા પછીય પરિસ્થિતિ નહીં બદલાય.

કન્ટેનર પ્રોસેસ કંપની ચલાવનારા આન્દ્રે ક્રેમરે જણાવ્યું કે, “ઇમાનદારીથી કહું તો મને નથી લાગતું કે રૉટરડૅમ બંદર પર કેફી પદાર્થોની દાણચોરી બંધ થઈ જશે. દંડ અને સજા વધારવાથી બંદર વિસ્તારમાં કદાચ હિંસા વધી જાય.”

“બની શકે કે જેલમાં જવાની બીકના કારણે કેટલાક યુવાનો ગુનાની આ દુનિયામાં દાખલ થતાં બે વાર વિચાર કરશે પણ એમાં થતી કમાણી એમના આકર્ષણનું કેન્દ્ર રહેશે. કોકેનની દાણચોરી કરનારા એ યુવાનોને ખબર છે કે યુરોપમાં બજાર માટે કોકેન ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એ બધાં કારણે અહીંનો કોકેનની દાણચોરીનો કારોબાર નજીકના ભવિષ્યમાં બંધ થાય એવું લાગતું નથી.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો