You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સર્વાઇકલ કૅન્સર વૅક્સિન : મેડ ઇન ઇન્ડિયા સર્વાઇકલ કૅન્સર વૅક્સિન 200થી 400 રૂપિયામાં મળશે - પ્રેસ રિવ્યૂ
ભારતે આપબળે સર્વાઇકલ કૅન્સરની રોકથામ માટે વિકસાવાયેલ પ્રથમ ક્વૉડ્રિવૅલન્ટ હ્યુમન પેપિલોમા વાઇરસ (HPV) વૅક્સિન વિકસાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.
એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે આ વૅક્સિન અમુક મહિનામાં લૉન્ચ કરાશે જે લોકો માટે 200થી 400 રૂપિયાની પરવડે તેવી કિંમતે ઉપલબ્ધ હશે.
વિજ્ઞાન અને ટેકનૉલૉજી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંઘે આજે એક કાર્યક્રમમાં આ અંગેની જાહેરાત કરી હતી.
તેમણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "કોરોનાના કારણે પ્રતિરોધક વૅક્સિનો અંગે જાગૃતિ વધારી છે. તેથી સર્વાઇકલ કૅન્સર જેવા રોગો માટે રસી બનાવવાનું શક્ય બન્યું છે."
આ મામલે સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે, "આ વૅક્સિન પરવડે તેવી કિંમતવાળી હશે, જોકે ફાઇનલ પ્રાઇઝ હજુ નક્કી કરાઈ નથી."
અદાણી જૂથે મીડિયા કંપની NDTVમાં વિશ્વપ્રધાન કૉમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (વીસીપીએલ) મારફત 30 ટકા હિસ્સેદારી ખરીદવાનો પ્રયાસ કર્યો છે, જેમાં નવો વળાંક આવ્યો છે.
એનડીટીવીનું કહેવું છે કે તેના સ્થાપકો કરવિભાગની મંજૂરી વગર પોતાની હિસ્સેદારી અદાણી જૂથને વેંચી ન શકે.
ન્યૂઝ એજન્સી રૉઇટર્સના અહેવાલ મુજબ એનડીટીવીએ બુધવારે શેરબજારને આપેલી માહિતીમાં કહ્યું છે કે કરવિભાગે વર્ષ 2017માં NDTVના સ્થાપક પ્રણૉય તથા રાધિકા રૉયની કરજવાબદારીની ફેરઆકરણી દરમિયાન હિસ્સેદારી વેંચવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અદાણી જૂથે દેશના બે મુખ્ય સ્ટૉક ઍક્સચેન્જ એનએસઈ તથા બીએસઈને ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તે ખુલ્લા બજારમાંથી 26 ટકા હિસ્સેદારી ખરીદવા માટે ઓપન ઑફર મૂકશે. જે સફળ થયે અદાણી જૂથ પાસે NDTVમાં 55 ટકા ભાગીદારી થઈ જશે.
વિવાદની પૃષ્ઠભૂમિ
પ્રણવ તથા રાધિકાએ વર્ષ 2008- '09માં આરઆરપીઆર (રાધિકા રૉય પ્રણૉય રૉય) હૉલ્ડિંગ્સ લિમિટેડ મારફત વીસીપીએલ પાસેથી ચાર અબજ ડૉલરની લોન લીધી હતી. જેના માટે તેમણે પોતાની 29.18 ટકા હિસ્સેદારી સોંપી હતી. જો તેઓ દેવું ચૂકવી ન શકે તો આ વાઉચર્સનો 99.5 ટકા હિસ્સો ઇક્વિટીમાં બદલી શકાય તેવો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો.
આ લૉન 10 વર્ષ માટે આપવામાં આવી હતી, જેની મુદ્દત વર્ષ 2019માં સમાપ્ત થઈ ગઈ હતી, પરંતુ સ્થાપકો દેવું ચૂકવી શક્યા ન હતા. હાલમાં પ્રણૉય રૉય પાસે 15.94 ટકા જ્યારે રાધિકા રૉય પાસે 16.32 ટકા હિસ્સેદારી છે.
આ પહેલાં પણ રૉય દંપતીએ ટેકનિકલ કારણ આગળ કરીને વીસીપીએલ દ્વારા અદાણી જૂથને હિસ્સેદારી વેંચવા ઉપર સવાલ ઉઠાવ્યા હતા. દંપતીએ કહ્યું હતું કે સિક્યૉરિટી ઍક્સચેન્જ બોર્ડે તેમની હિસ્સેદારી વેંચવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.
આથી, વીસીપીએલના 29.18 ટકા શેરના આધારે અદાણી જૂથ NDTV ખરીદવા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ રૉય દંપતી તેને ટ્રાન્સફર કરી શકે નહીં. બીજી બાજુ, વીસીપીએલનું કહેવું છે કે સેબીના નિયંત્રણો તેમના ઉપર લાગુ નથી થતાં. કારણ કે સેબીના એ આદેશમાં આરઆરપીઆર પક્ષકાર ન હતું.
ગુજરાત : મૂસેવાલાની હત્યા બાદ આરોપીઓએ દરિયાકિનારે તસવીરો ખેંચાવી હતી
સિદ્ધુ મૂસેવાલા તરીકે વિખ્યાત પંજાબી ગાયક શુભસિંહ સિદ્ધુની હત્યાના કેસમાં પંજાબ પોલીસ દ્વારા ચાર્જશિટ દાખલ કરવામાં આવી છે.
બીજી બાજુ, 'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ દ્વારા દાવો કરાયો છે કે હત્યા બાદ આરોપીઓ ગુજરાત આવ્યા હતા અને અહીં તેમણે હત્યાની ઉજવણી કરી હતી.
દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની પોલીસ તેમને શોધવા માટે ઠેર-ઠેર દરોડા પાડી રહી હતી, ત્યારે આ આરોપીઓ ગુજરાતના કચ્છના મુંદ્રામાં હતા, જ્યાં તેમણે દરિયાકિનારે તસવીરો ખેંચાવી હતી.
અહેવાલની સાથે દરિયાકિનારાની તસવીર પણ મૂકવામાં આવી છે.
અંકિત સિરસા, દીપક મુંડી, પ્રિયવર્ત ફૌજી, સચીન, કપિલ પંડિત કશીશ ઉર્ફ કુલદીપ આ તસવીરમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સચીન અને કપિલ પર હત્યાના આરોપીઓને પંજાબમાંથી નાસી છૂટવામાં મદદ કરવાનો આરોપ છે.
પંજાબની આમ આદમી પાર્ટી સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં એ બાદ મૂસેવાલા સહિત અનેક વીઆઈપીની સિક્યૉરિટી હઠાવી દેવાઈ હતી અથવા ઘટાડી દેવાઈ હતી.
મૂસેવાલાની સુરક્ષા ઘટાડી દેવામાં આવી હોવાની માહિતી મળતાં કૅનેડાસ્થિત ગૅંગસ્ટાર ગોલ્ડી બરાડે હત્યાનો પ્લાન વહેલાસર અમલમાં મૂકવા માટે કહ્યું હતું.
'50 કરોડની ઓફર થઈ હતી'
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના નેતા સુખરામ રાઠવાનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેમને એમ કહેતાં સાંભળી શકાય છે કે, 'તેઓ મને (પક્ષાંતર કરું તો) રૂપિયા 50 કરોડ, કૅબિનેટમાં સ્થાન અને મારો આખો ચૂંટણીખર્ચ ભોગવવા તૈયાર છે.'
ન્યૂઝ એજન્સી પીટીઆઈના (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા) અહેવાલને ટાંકતાં 'ઇન્ડિયા ટીવી' લખે છે, આ વાત મંદિરમાંથી એકઠા થયેલા લોકોને સંબોધિત કરતા કહી હતી. જેમાં તેઓ ભાજપનું નામ નથી લઈ રહ્યાં, પરંતુ સંદર્ભ તેમનો જ છે.
ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે વીડિયો ઉપર ટિપ્પણી કરતાં કહ્યું, "છેલ્લાં પાંચ વર્ષથી કૉંગ્રેસે જનતાનાં કોઈ કામ નથી કર્યાં. આથી કાર્યકરો પાર્ટી છોડવા માગે તે સ્વાભાવિક છે. આત્મમંથન કરવાને બદલે તેઓ બીજા ઉપર આરોપ મૂકે છે. જનતા સત્ય જાણે છે."
છોટા ઉદેપુરમાં પત્રકારો સાથે વાત કરતાં રાઠવાએ દાવો કર્યો હતો કે આ તેમનો પાંચ વર્ષથી પણ વધારે જૂનો વીડિયો છે.
'ગુજરાતમાંથી ચૂંટણી લડી દેખાડો'
તાજેતરમાં તેલંગણાના મુખ્ય મંત્રી કે ચંદ્રશેખર રાવે બિહારમાં મુખ્ય મંત્રી નીતીશ કુમાર સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાતને 2024ની ચૂંટણી પહેલાં રાષ્ટ્રીયસ્તરે 'વિપક્ષનું મહાગઠબંધન' રચવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
એનડીટીવીના અહેવાલ મુજબ, કુમાર તથા તેજસ્વી યાદવ (આરજેડી) સાથે મુલાકાત બાદ કે ચંદ્રશેખર રાવે કહ્યું હતું, "વિપક્ષી દળોએ એક થઈને 'ભાજપમુક્ત ભારત'નો નારો આપવો જોઈએ."
આના વિશે પ્રતિક્રિયા આપતાં બિહારના પૂર્વ નાયબમુખ્ય મંત્રી સુશીલકુમાર મોદીએ કહ્યું હતું, "જો કેસીઆર કે નીતીશજીમાં કૌવત હોય તો તેમણે ગુજરાત કે હિમાચલ પ્રદેશમાંથી ચૂંટણી લડવી જોઈએ. શું સ્થિતિ પ્રવર્તે છે, તેની તેમને ખબર પડી જશે."
મોદીએ ઉમેર્યું હતું, "નીતીશજીએ જેની સાથે ગઠબંધન કરવું હોય કરી લે, પરંતુ 2024 પછી તેઓ વડા પ્રધાન તો શું, મુખ્ય મંત્રી પણ નહીં રહે."
ભાજપ માત્ર પ્રચાર ઉપર જ ટકી રહ્યો છે, તેવી નીતીશ કુમારની ટિપ્પણી અંગે મોદીએ કહ્યું હતું કે "જો માત્ર પ્રચાર ઉપર જ આધારિત હોત તો 18 રાજ્યોમાં અમારી સરકાર ન હોત."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો