You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગૅંગ્સ ઑફ પંજાબ : 'ખૂનનો બદલો ખૂન' અને 'ગોળીનો બદલો ગોળી'થી લેવાની લોહિયાળ કહાણી
- લેેખક, અરવિંદ છાબડા
- પદ, બીબીસી સંવાદદાતા
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાએ ફરી એક વાર પંજાબના ગૅંગસ્ટરો તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
પંજાબ પોલીસનું કહેવું છે કે પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે સિદ્ધુ મૂસેવાલાની હત્યાનું કારણ પણ બે ગૅંગસ્ટરો લૉરેન્સ બિશ્નોઈ અને લકી પટિયાલ વચ્ચે ચાલી રહેલી ગૅંગવૉર જ છે.
પંજાબ પોલીસે એવો દાવો કર્યો છે કે આ હત્યા 2021માં થયેલી યૂથ અકાલીદળના નેતા વિકી મિડ્ડુખેરાની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવી છે.
તાજેતરનાં વર્ષોમાં, રાજકીય નેતાઓએ એવો દાવો કર્યો છે કે તેઓ ગૅંગ્સની સક્રિયતાને કાબૂ કરવામાં ઘણા બધા અંશે સફળ રહ્યા છે. નેતાઓનો દાવો છે કે મોટા ભાગના ગૅંગસ્ટર કાં તો માર્યા ગયા છે કાં તો પકડાઈ ગયા છે અથવા રાજ્ય છોડીને જતા રહ્યા છે.
પરંતુ તાજેતરના ઘટનાક્રમ દર્શાવે છે કે ગૅંગસ્ટર ઘણા સક્રિય છે.
29 મેએ શસ્ત્રધારી ગુંડાઓએ પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામમાં પંજાબી પૉપ ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરી નાખી.
સિદ્ધુ મૂસેવાલા પોતાની ગાયકીના લીધે જેટલા ચર્ચામાં હતા, પોતાનાં ગીતોના બોલ અને ભાષણોના કારણે એટલા જ વિવાદિત પણ હતા.
પંજાબ સરકારે સિદ્ધુ મૂસેવાલાની હત્યાની તપાસ કરવા માટે વિશેષ તપાસ પંચ (એસઆઇટી)ની રચના કરી છે અને આ કેસમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજાબ પોલીસે ધોળે દિવસે થયેલી આ હત્યાને ગૅંગવૉર સાથે જ સાંકળી છે.
કબડ્ડીના ખેલાડી નાંગલ અંબિયા અને ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાએ પંજાબના માહોલને ગમગીન કરી નાખ્યો છે.
બીબીસી સાથે વાત કરતાં ગૅંગસ્ટરો સામે કામ કરી રહેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે વાસ્તવમાં તાજેતરના મહિનાઓમાં ગૅંગસ્ટરોની પ્રવૃત્તિ વધી છે.
બીબીસીએ આવા ઘણા પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી જેઓ પંજાબમાં ગૅંગસ્ટરો સામે કામ કરી રહ્યા છે.
સત્તાવાર સૂત્રો અનુસાર, હાલના સમયે પંજાબમાં લગભગ 40 મોટી ગૅંગ છે. એમાંથી સાત-આઠ ગૅંગ સક્રિય છે, જ્યારે ત્રણ-ચાર ગૅંગ એવી છે જે હિંસાની મોટા ભાગની ઘટનાઓને અંજામ આપે છે.
સંક્ષિપ્તમાં : પંજાબની ગૅંગ્સ જેનું સંચાલન વિદેશમાંથી થઈ રહ્યું છે?
- ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાથી પંજાબની ગૅંગ્સ ચર્ચામાં આવી છે.
- લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે સંકળાયેલા ગોલ્ડી બરારે મૂસેવાલાની હત્યાની જવાબદારી પણ લીધી હતી.
- પોલીસ અનુસાર લૉરેન્સ 2015થી ભલે જેલમાં પુરાયેલા હોય, તેઓ ફોન અને સોશિયલ મીડિયા દ્વારા પોતાના સાથીઓના સંપર્કમાં રહે છે અને જેલમાંથી જ કામ પૂરું કરે છે.
- બમબીહા ગૅંગનું સૂત્રસંચાલન ગૌરવ (જેને લકી તરીકે પણ ઓળખવામાં આવે છે.) પટિયાલાના હાથમાં છે. આ ગૅંગનું સંચાલન આર્મેનિયાથી થતું હતું.
- પંજાબ પોલીસ અનુસાર લખબીરસિંહ લાંડા પંજાબનો ગૅંગસ્ટર છે, જે હાલ કૅનેડામાં રહે છે.
- ગૅંગસ્ટર અર્શ દલ્લા પંજાબના મોગા જિલ્લાનો રહેવાસી છે અને પોલીસનું માનવું છે કે હાલ તે કૅનેડામાં હોઈ શકે છે.
લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર
પોલીસસૂત્રો અનુસાર આ સૌથી સક્રિય ગૅંગોમાંની એક છે.
અધિકારીએ જણાવ્યા અનુસાર, "ગોલ્ડી બરાર કૅનેડામાં રહે છે અને ત્યાંથી જ ગૅંગ ઑપરેટ કરે છે, જ્યારે લૉરેન્સ બિશ્નોઈ જેલમાં છે."
"તેઓ દિલ્હી-એનસીઆરના યુવકોનો શૂટરોની જેમ ઉપયોગ કરે છે. ગોળી શૂટર મારે છે જ્યારે આખી યોજના આ લોકો જ ઘડે છે."
અધિકારીએ જણાવ્યા અનુસાર, "પોલીસને લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર પર મૂસેવાલાની હત્યા કરવા માટેની શંકા છે. બિશ્નોઈ ગૅંગ પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં સક્રિય છે."
લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે સંકળાયેલા ગોલ્ડી બરારે મૂસેવાલાની હત્યાની જવાબદારી પણ લીધી હતી. આની પહેલાં બે કેસમાં ઇન્ટરપૉલ ગોલ્ડી બરાર સામે રેડ કૉર્નર નોટિસ પણ જારી કરી ચૂકી છે.
લૉરેન્સ અને ગોલ્ડી બંને ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય હતા. અબોહર જિલ્લાનો રહેવાસી લૉરેન્સ ચંડીગઢની ડીએવી કૉલેજમાં ભણતો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર, લૉરેન્સ 2015થી ભલે જેલમાં પુરાયેલો હોય, તે ફોન અને સોશિયલ મીડિયા દ્વારા પોતાના સાથીઓના સંપર્કમાં રહે છે અને જેલમાંથી જ કામ પૂરું કરે છે.
જોકે, લૉરેન્સે પોલીસના દાવાને નકારતાં કહ્યું છે કે આ હત્યાકાંડમાં એનો કોઈ હાથ નથી અને પોલીસનો દાવો ધરપકડ કરાયેલા લોકોના બયાન પર આધારિત છે.
બમબીહા ગૅંગ
બમબીહા ગૅંગનું સૂત્રસંચાલન ગૌરવ (જેને લકી તરીકે પણ ઓળખવામાં આવે છે.) પટિયાલના હાથમાં છે. બમબીહા ગૅંગનું નામ માર્યા ગયેલા ગૅંગસ્ટર દેવિન્દર બમબીહાના નામ પરથી પડ્યું છે. 2016માં પોલીસે એક ઍન્કાઉન્ટરમાં દેવિન્દર બમબીહાને મારી નાખ્યો હતો.
પોલીસ અધિકારીઓ અનુસાર, લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ અને બમબીહા ગૅંગ વચ્ચે દુશ્મની છે.
પોલીસસૂત્રો અનુસાર, આ ગૅંગનું સંચાલન લકી પટિયાલ કરે છે અને પોલીસની છેલ્લી માહિતી અનુસાર તે આર્મેનિયામાં હતો.
લકી પટિયાલના સહયોગી સુખપ્રીતસિંહ બુઢ્ઢાને નવેમ્બર 2019માં આર્મેનિયાથી લાવવામાં આવેલો અને પંજાબ પોલીસે એની ધરપકડ કરી હતી.
પોલીસનો આરોપ છે કે સુખપ્રીત અને એના સહયોગી પંજાબ સંગીતઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને ધમકાવતા હતા. થોડા મહિના પહેલાં પંજાબ પોલીસે રિટાયર્ડ પાસપૉર્ટ અધિકારી બીઢી ચંદની ચંડીગઢમાંથી ધરપકડ કરી હતી.
પોલીસસૂત્રો અનુસાર બીઢી ચંદે ગૌરવ પટિયાલ પાસેથી 50 હજાર રૂપિયા લઈને એનાં નામ-સરનામાવાળો નકલી ભારતીય પાસપૉર્ટ બનાવી આપ્યો હતો.
"ધરપકડ કરાઈ તે વખતે બુઢ્ઢા આર્મેનિયાથી ગેરકાયદે અમેરિકા જવાના પ્રયાસ કરી રહ્યો હતો."
"બુઢ્ઢા ગાયક પર્મેશ વર્મા પરના હુમલા પછી એપ્રિલ 2018માં પંજાબમાંથી ભાગી ગયો હતો. ઇન્ટરપૉલની રેડ કૉર્નર નોટિસના આધારે એની ધરપકડ કરવામાં આવી હતી."
બુઢ્ઢા ફરીદકોટ જેલમાં હતો. પેરોલ પર છૂટ્યા પછી તે હાજર ના થયો.
પોલીસનો દાવો છે કે જાન્યુઆરી 2017માં બુઢ્ઢા અને એના સાથીઓએ હરિયાણાના ચૌટાલા ગામમાં બે લોકોની હત્યા કરી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર, "14 એપ્રિલ, 2018એ બુઢ્ઢાએ ગાયક પર્મેશ વર્માને કથિતરૂપે ગોળી મારી હતી. વર્માએ એને 20 લાખનો હપતો આપવાનો ઇનકાર કરી દીધો હતો."
લખબીરસિંહ
પંજાબ પોલીસ અનુસાર લખબીરસિંહ લાંડા પંજાબનો ગૅંગસ્ટર છે, જે હાલ કૅનેડામાં રહે છે.
અધિકારીઓએ જણાવ્યા અનુસાર, તે ગૅંગસ્ટર અને ચરમપંથી છે.
પોલીસનું એવું પણ કહેવું છે કે 9 મેએ પંજાબ પોલીસના મોહાલીમાં આવેલા ગુપ્તચર મુખ્યાલય પર થયેલા હુમલાનો પ્લાન પણ લખબીરસિંહે જ બનાવેલો.
આ હુમલામાં કોઈ ઘાયલ તો નહોતા થયા પરંતુ પંજાબ પોલીસના ગુપ્તચર વિભાગના મુખ્યાલય પર થયેલા આ હુમલાએ માત્ર પંજાબમાંની જ નહીં બલકે દિલ્હીમાંની સુરક્ષા એજન્સીઓને પણ ખળભળાવી મૂકી હતી.
આ હુમલામાં રૉકેટ ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ પ્રકારના હથિયારનો ઉપયોગ આ વિસ્તારમાં પહેલાં ક્યારેય કરવામાં નહોતો આવ્યો. એનો એક અર્થ એવો પણ કરવામાં આવ્યો કે આ ગૅંગ પાસે આવાં બીજાં હથિયારો પણ હોઈ શકે છે.
અર્શ દલ્લા
અર્શ દલ્લા પંજાબના મોગા જિલ્લાનો રહેવાસી છે અને પોલીસનું માનવું છે કે હાલ તે કૅનેડામાં હોઈ શકે છે.
પોલીસનો દાવો છે કે અર્શ દલ્લાના નજીકના સાથીઓની ધરપકડ કરી લેવાઈ છે અને એમની પાસેથી વિસ્ફોટકો (આઇઇડી) જપ્ત કરી લેવાયા છે. એ ઉપરાંત હૅન્ડ ગ્રેનેડ, ઑટોમેટિક શસ્ત્ર અને મોટી માત્રામાં બૉમ્બ પણ જપ્ત કરવામાં આવ્યાં, જેનાથી સમજાય છે કે ઘણાં મૉડ્યુલ એમની સાથે સંકળાયેલાં છે.
આ ગૅંગસ્ટરો સિવાય જગ્ગુ ભગવાનપુરિયા, માર્યા ગયેલા ગૅંગસ્ટર વિકી ગોંડારના સાથી અને સૂકા દુન્નેકે જેવા બીજા કેટલાક ગૅંગસ્ટર પણ હાલના સમયે પંજાબમાં સક્રિય છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, એવું લાગે છે કે હાલના સમયે એક મોટું ષડ્યંત્ર રચાઈ રહ્યું છે, જેમાં ગૅંગસ્ટર, ડ્રગ સ્મગ્લર અને ચરમપંથી સામેલ છે.
કઈ રીતે અપરાધ કરે છે ગૅંગસ્ટર?
સત્તાવાર સૂત્રોનો દાવો છે કે આ ગૅંગોના મોટા ભાગના ગુના બીજી એક ગૅંગ સાથે સંબંધિત હોય છે. આ ગૅંગ અમીર લોકો, ફિલ્મ ઉદ્યોગ અને સંગીત ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પાસેથી હપતા વસૂલે છે.
પંજાબનો સંગીત ઉદ્યોગ આખા દેશમાં ચર્ચાય છે. એ જોતાં સંગીત ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને ઓળખવા આસાન છે.
ગૅંગ એવા લોકોને ધમકાવે છે અને ઘણા કેસમાં અપહરણ કે હત્યા પણ કરી નાખે છે, જેમ કે, પર્વેશ વર્માને ગોળી મારવામાં આવી. તાજેતરમાં જ પંજાબી ગાયક મનપ્રીત ઔલખે કહ્યું હતું કે એમને ધમકીઓ મળી રહી છે.
આ ગૅંગ પૈસાદાર વેપારીઓ, શરાબના વેપારીઓ, સટ્ટો ખેલનારા અને ખ્યાત અમીર લોકો પાસેથી રકમ વસૂલે છે. પોલીસ સૂત્રો અનુસાર, એ સિવાય આ ગૅંગ હત્યાઓ, હથિયારો અને ડ્રગ્સની દાણચોરી પણ કરે છે.
પોલીસસૂત્રોનું એમ પણ કહેવું છે કે ઘણા નેતાઓ પણ પોતાનાં હિત સાધવા માટે આવી ગૅંગોનો ઉપયોગ કરતા રહ્યા છે. અહીં આ ગૅંગસ્ટર ફિલ્મ અને સંગીત ઉદ્યોગમાં પૈસા પણ રોકે છે.
પંજાબ પોલીસ મહાનિર્દેશકના કાર્યાલયમાં ઉપલબ્ધ રેકૉર્ડ અનુસાર, આ વર્ષના મધ્ય એપ્રિલ સુધીમાં 158 હત્યા થઈ છે. અર્થાત્ પંજાબમાં દર મહિને લગભગ 50 હત્યા થઈ રહી છે.
2021માં રાજ્યમાં 724 લોકોની હત્યા થઈ હતી, જ્યારે 2020માં 757 લોકોની હત્યા થઈ હતી. 2021માં દર મહિને લગભગ 60 અને 2020માં 65 હત્યાઓ થતી હતી.
ડીજીપી કાર્યાલય અનુસાર, ચાલુ વર્ષના મધ્ય એપ્રિલ સુધીમાં પંજાબ પોલીસે ગૅંગસ્ટરોનાં 16 મૉડ્યુલ પકડ્યાં અને 98 લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલ્યા.
સત્તાવાર આંકડા મુજબ, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ગૅંગ સંબંધિત ગુનામાં 8 લોકોની હત્યા થઈ ચૂકી છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકારે એડીજીપી રૅન્કના અધિકારીના નેતૃત્વમાં ગૅંગ હિંસા અટકાવવા માટે સ્પેશિયલ ટાસ્ક ફૉર્સની રચના કરી છે.
બીજી તરફ, હથિયારોની બાબતે નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરોનો ડેટા દર્શાવે છે કે પંજાબમાં સ્થિતિ ગંભીર છે.
ઇન્ડિયન પિનલ કોડની કલમ 324 બંદૂકથી થતી હિંસા સાથે સંકળાયેલા ગુના સંબંધિત છે.
ઈ.સ. 2020ના એનસીઆરબીના આંકડા અનુસાર, પંજાબમાં 2301 લોકો બંદૂક હિંસાના પીડિત હતા અને ક્રાઇમ રેટ 7.4 હતો.
આની સરખામણીએ પાડોશી રાજ્ય હરિયાણામાં કુલ 1871 પીડિત હતા અને ક્રાઇમ રેટ 5.9 હતો.
ઇન્ડિયન પિનલ કોડની કલમ 326 ગંભીર રીતે ઘાયલ કરવા માટે ખતરનાક હથિયારના ઉપયોગ સંબંધિત છે.
ઈ.સ. 2020માં આ શ્રેણીમાં પંજાબમાં કુલ 598 પીડિત હતા, જ્યારે પાડોશી હરિયાણામાં આ સંખ્યા માત્ર 112 હતી. અને, પાડોશી રાજ્ય હિમાચલ પ્રદેશમાં આવો માત્ર એક જ કેસ હતો.
જોકે, પંજાબમાં ઈ.સ. 2020માં કુલ 757 હત્યાઓ થઈ જે હરિયાણાની સરખામણીએ ઓછી છે. એ વર્ષે હરિયાણામાં 1143 હત્યા થઈ હતી.
બીજી તરફ, એનસીઆરબી અનુસાર. ઈ.સ. 2020માં પંજાબમાં ગૅંગ વૉરમાં એક પણ વ્યક્તિની હત્યા નહોતી થઈ.
લાઇસન્સ લઈને હથિયાર રાખવાના કેસમાં પણ પંજાબ દેશનાં અગ્રણી રાજ્યોમાં સામેલ છે.
ગૅંગસ્ટરો સંબિધિત કેટલીક મુખ્ય ઘટનાઓ
નવેમ્બર 27, 2016 - નાભા જેલ તોડવાની ઘટનાએ પંજાબમાં ગૅંગસ્ટર હિંસાને ઉજાગર કરી હતી. ગૅગસ્ટરોએ જેલ પર હુમલો કરીને 6 કેદીઓને છોડાવ્યા હતા. એમાં 2 ખાલિસ્તાની ઉગ્રવાદી અને 4 ગૅંગસ્ટર સામેલ હતા. હરિન્દરસિંહ મિન્ટુ, સોનુ મુકડી, વિકી કોંડાર, નીતા દેવલ, અમદીપ ધોતિયા અને કશ્મીરસિંહને ભગાડી ગયા હતા.
જાન્યુઆરી 26, 2018 - પોલીસે ગૅંગસ્ટર હરિન્દરસિંહ ઉર્ફે વિકી ગોંડાર અને એના સહયોગી પ્રેમા લાહોરિયાનું ઍન્કાઉન્ટર કર્યાનો દાવો કર્યો. આ લોકો નાભા જેલમાંથી ફરાર થયા હતા. પોલીસે ગંગાનગરના એક ગામમાં ઍન્કાઉન્ટર કર્યું હતું.
એપ્રિલ 14, 2018 - સિંગર પર્વેશ વર્માને ગોળી મારી દેવાઈ પરંતુ એમનો જીવ બચી ગયો.
ઑક્ટોબર 11, 2020 - ચંડીગઢમાં એક મૉલની બહાર પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થીનેતા ગુરલાલની હત્યા કરી દેવાઈ. ગુરલાલને લૉરેન્સ બિશ્નોઈનો નિકટવર્તી માનવામાં આવતો હતો.
ઑગસ્ટ 27, 2021 - અકાલીદળના નેતા વિકી મિડ્ડુખેડાની મોહાલીમાં હત્યા કરી દેવાઈ.
માર્ચ 14, 2022 - આંતરરાષ્ટ્રીય સ્તરના કબડ્ડી ખેલાડી નાંગલ અંબિયાની જાલંધરના મલ્લિયાં ગામમાં કબડ્ડીની સ્પર્ધા દરમિયાન હત્યા કરી દેવાઈ.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો