કૂમા જેલ: સમલૈંગિક પુરુષો માટેની દુનિયાની એકમાત્ર જેલ જ્યાં 'તેમને સાચા રસ્તે લાવવાનો પ્રયત્ન થતો'

    • લેેખક, ગૈરી નન
    • પદ, સિડની

ઑસ્ટ્રેલિયાના સૌથી ઠંડાં અને પવનવાળાં શહેરો પૈકીના એકમાં બનેલી કૂમા જેલમાં ઘણાં ગંભીર રહસ્યો દફન થયેલાં છે.

કૂમા જેલને 1957માં 'સમલૈંગિક અપરાધો' કરનારા પુરુષોને કેદ કરવાના હેતુ સાથે ફરીથી ખોલવામાં આવી હતી. આ જેલ ફરી ખોલવાનું એકમાત્ર લક્ષ્ય સમાજમાંથી સમલૈંગિકતાને દૂર કરવાનું હતું. આ માટે આ જેલનો હેતુ મનુષ્યો પર પરીક્ષણ કરવાનો હતો.

એક નવા પોડકાસ્ટ મુજબ, કૂમાની જેલ વિશ્વની એકમાત્ર જાણીતી સમલૈંગિકોની જેલ હોવાનું માનવામાં આવે છે.

આ જેલમાં સમલૈંગિક કેદીઓને અલગ રાખવાનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘણા જેલ કર્મચારીઓ પણ આ વિશે જાણતા નથી.

66 વર્ષની ઉંમરે લેસ સ્ટ્રેઝલેકીએ 1979માં આ જેલમાં કસ્ટોડિયલ સર્વિસ ઑફિસર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં તેમણે કૂમામાં 'કરેક્ટિવ સર્વિસિઝ મ્યુઝિયમ'ની પણ સ્થાપના કરી હતી. તેમનું માનવું છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેદીઓને ત્યાં રાખવામાં આવતા હતા.

તેઓ બીબીસીને કહે છે, "કૂમા એક સુરક્ષા સંસ્થા હતી. અમે ગે કેદીઓને લાલ 'એન/એ' સ્ટૅમ્પ લગાવતા હતા. આનો અર્થ એ થયો કે તેમને સામાન્ય જેલમાં રાખી શકાય એમ નહોતા."

તેઓ કહે છે, "તેમને સિડનીની લૉંગ બે જેવી મોટી જેલોમાં હિંસાનું જોખમ હતું."

આ જેલમાં કર્મચારી રહેલા ક્લિફ ન્યુ દાવો કરે છે કે કેદીઓ સાથે કડકાઈ બતાવવા માટે અહીં રાખવામાં આવ્યા હતા. તેમણે પોડકાસ્ટ શ્રેણી 'ધ ગ્રેટેસ્ટ મેનેસ'ને કહ્યું કે 1957માં જેલ ફરી ખૂલ્યા પછી, અહીં મનોવૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકો હંમેશાં આવતા રહેતા હતા.

તેમની સમજણ પ્રમાણે, આવું કેદીઓને બદલવાના હેતુથી કરવામાં આવ્યું હતું. તેઓ કહે છે, "તેઓ તેમને 'સાચા' રસ્તે લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ માનતા હતા કે તેઓ તેમને સુધારી શકશે."

તેમનું કહેવું છે કે આ જ કારણે કેદીઓને સિંગલ સેલમાં રાખવામાં આવતા હતા. 94 વર્ષીય મિસ્ટર ન્યૂ કહે છે, "તમે બંનેને સાથે રાખી શકતા નથી. અમારી સૌથી મોટી સમસ્યા તેમના પર નજર રાખવાની હતી."

ન્યૂ સાઉથ વેલ્સમાં સમલૈંગિકતા ગુનો હતો

ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર, ન્યૂ સાઉથ વેલ્સના ન્યાય પ્રધાન રેગ ડાઉનિંગે આ જેલની સ્થાપનાનો શ્રેય લીધો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે 1957માં સિડની મૉર્નિંગ હેરાલ્ડમાંથી તેમના પ્રિય પ્રોજેક્ટને લઈને 'ગર્વ' વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, "યુરોપ કે અમેરિકામાં મને ક્યાંય એવી જેલ મળી નથી કે જ્યાં સમલૈંગિકોને અન્ય કેદીઓથી અલગ રાખવામાં આવતા હોય."

1958માં એક અખબારી નિવેદનમાં રેગ ડાઉનિંગે કૂમા જેલને "વિશ્વની એકમાત્ર સમલૈંગિક કેદીઓને પુરવા માટે બનાવવામાં આવેલી જાણીતી જેલ ગણાવી હતી."

ન્યૂ સાઉથ વેલ્સમાં 1984 સુધી સમલૈંગિકતા ગુનો ગણાતો હતો. આવી સ્થિતિમાં, કૂમાની આ જેલમાં સમલૈંગિક હોય તેમને અથવા સમલૈંગિકતા સંબંધિત ગુનાઓમાં કેદીઓને પુરવામાં આવતા હતા.

1955માં, રાજ્યના નવા અને કડક કાયદાઓએ સમલૈંગિકતા પર આકરા પ્રહાર કર્યા હતા. રાજ્યના પોલીસ વડા કૉલિન ડેલાનીએ આ અંગે કડક વલણ અપનાવ્યું હતું. તત્કાલીન એટર્ની જનરલના જણાવ્યા અનુસાર, તેઓ માનતા હતા કે "તે એક સુધારણા કાયદો હતો જેની આ અનિષ્ટને ડામવા માટે તાત્કાલિક જરૂર હતી."

ઇતિહાસકાર ગેરી વોદરસ્પૂને બીબીસીને કહ્યું: "નવી જોગવાઈ હેઠળ, કોઈ પુરુષની બીજા પુરુષ સાથે વાત કરવા બદલ પણ ધરપકડ થઈ શકતી હતી. આ કાયદાકીય ફેરફારો સમલૈંગિક સંબંધો રાખવા ઇચ્છતા પુરુષોની સ્વતંત્રતા પર મોટી તરાપ હતી."

સમલૈંગિક સંબંધો રાખવાના ગુના માટે 14 વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવી હતી. આમ કરવાનો પ્રયાસ કરવા બદલ પાંચ વર્ષની જેલની જોગવાઈ હતી. તે કાયદામાં ઉમેરવામાં આવ્યું હતું કે "આવી વ્યક્તિની સંમતિ સાથે અથવા વગર સંમતિએ" સમલૈંગિક સંબંધ બાંધવો એ ગુનો છે.

'સેક્સની લાલચ આપીને ધરપકડ'

વોદરસ્પૂન અને પોડકાસ્ટ, બંને પુરાવાને ટાંકીને કહે છે કે પોલીસે પુરુષોને સમલૈંગિક કૃત્યોમાં પકડવા માટે 'એજન્ટ ઉત્તેજક' તરીકે કામ કર્યું હતું.

વોદરસ્પૂનનો દાવો છે કે, "તે સામાન્ય રીતે સમલૈંગિક પુરુષોને જાહેર શૌચાલયોમાં સેક્સ કરવા માટેની લાલચ આપીને ફસાવતા હતા."

1958માં, ન્યૂ સાઉથ વેલ્સ સરકારે 'સમલૈંગિકતાના કારણો અને ઉપાયો'ની તપાસ માટે એક સમિતિની જાહેરાત કરી હતી. તે સમિતિમાં 'મેડિસિન, મનોચિકિત્સા, દંડશાસ્ત્ર અને સામાજિક અને નૈતિક કલ્યાણ ક્ષેત્રના નિષ્ણાતો' પણ સામેલ હતા.

તેમાં બે પાદરીઓ, દંડ પ્રણાલીના બે વરિષ્ઠ અધિકારીઓ અને સિડની યુનિવર્સિટીના બે શિક્ષણવિદો પણ સામેલ હતા.

તે સમિતિએ કૂમા જેલને "દોષિત સમલૈંગિક અપરાધીઓ માટેની વિશેષ સંસ્થા" બનાવવાની ભલામણ કરી જેથી "તપાસ સરળતાથી થઈ શકે."

'સમસ્યાનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને સંભવિત ઉકેલ' મળ્યા પછી, ડાઉનિંગને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે, "સરકાર માને છે કે આ સમસ્યાને સખત ફટકાર મારવી જોઈએ."

આ જેલ પર સંશોધન કરવામાં વર્ષો વિતાવનારા પોડકાસ્ટ નિર્માતા અને પત્રકાર પૅટ્રિક અબ્બૂડ કહે છે, "આપણે જાણીએ છીએ કે મનોચિકિત્સકોએ એવા પ્રશ્નો પૂછ્યા કે, શું તમારી માતાના નિયંત્રણને તમે બીજી મહિલાને પસંદ કરતા અટકાવ્યા? આ પછી એ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે માતાનું વધુ પડતું નિયંત્રણ હોમોસેક્સ્યુઆલિટી એટલે કે સમલૈંગિકતાનું મુખ્ય કારણ છે."

તેઓ કહે છે, "આપણે જાણીએ છીએ કે તેઓ સમલૈંગિકતાને નાબૂદ કરવાના તેમના મિશનમાં નિષ્ફળ ગયા, કારણ કે આપણને પોડકાસ્ટ પરથી જાણ થાય છે કે તે જેલમાં પણ સમલૈંગિક પુરુષોએ સંબંધ બનાવ્યા હતા. કેટલાકે તો તેમના જેલના બૉયફ્રેન્ડને મળવા માટે ફરી અપરાધ કર્યા હતા."

અને તે રિપોર્ટ ક્યારેય શોધી શકાયો ન હતો. અબ્બૂદ કહે છે કે, "તેનો અર્થ એ છે કે મામલો જાણીજોઈને છુપાવવામાં આવ્યો હતો." વોદરસ્પૂન પણ એવું જ માને છે.

જોકે, કૂમા જેલમાં સમલૈંગિક કેદીઓને મોકલવાની પ્રક્રિયા ક્યારે બંધ થઈ ગઈ તે હજુ સુધી એ જાણી શકાયું નથી.

વોદરસ્પૂન કહે છે, "ઘણા બધા રેકૉર્ડ કાઢી નાખવામાં આવ્યા હતા અથવા તો તેનો નાશ કરવામાં આવ્યો હતો."

ન્યૂ સાઉથ વેલ્સની કરેક્ટિવ સર્વિસિઝ અને ત્યાંની કૉમ્યુનિટી અને ન્યાય વિભાગે "ઐતિહાસિક પ્રકૃતિ"ને ટાંકીને આરોપો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

અબ્બૂદ માને છે કે 80ના દાયકાની શરૂઆતમાં સમલૈંગિક કેદીઓને ત્યાં મોકલવામાં આવ્યા હશે, કારણ કે આ વિષયના મંત્રીએ 1982માં નિવેદન આપ્યું હતું કે તે સમયે તે નીતિ અમલમાં હતી.

અબ્બૂદ કહે છે કે "સેક્સ અપરાધીઓને પણ કૂમામાં મોકલવામાં આવતા હતા અને સમલૈંગિક કેદીઓ આ કારણે વધુ કુખ્યાત થયા."

વોદરસ્પૂન કહે છે કે, 'ધાર્મિક ભેદભાવ પરના બિલ' પર ત્યાંની સંસદમાં તાજેતરમાં થયેલી ચર્ચામાં જાતીય રુચિના આધારે ભેદભાવને મંજૂરી આપવાની વાત કરવામાં આવી છે.

તેઓ કહે છે કે આવું ન થાય તે માટે આપણે ખૂબ કાળજી રાખવી પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો