નૂર સજાત : મલેશિયાનાં એ મુસ્લિમ ટ્રાન્સજેન્ડર મૉડલ, જેમને દેશ છોડીને ભાગવું પડ્યું

    • લેેખક, જોનાથન હૅડ
    • પદ, બીબીસી સંવાદદાતા

સપ્ટેમ્બરમાં સમાચાર આવ્યા કે થાઇલૅન્ડના પ્રવાસન અધિકારીઓએ બૅંગકૉકમાં એક અસામાન્ય ધરપકડ કરી છે.

ધરપકડ કરાયેલાં મહિલા 36 વર્ષીય નૂર સજાત કમરુઝ્ઝમા હતાં, જેઓ મલેશિયાનાં એક ચર્ચિત મૉડલ અને કૉસ્મેટિક ઉદ્યમી છે.

મલેશિયાના પ્રશાસને ઇસ્લામનું અપમાન કરવાના આરોપમાં તરત જ તેમના પ્રત્યર્પણની માગ કરી.

નૂર સજાત વિરુદ્ધ જાન્યુઆરીમાં એ આરોપ લગાવાયા હતા અને આરોપ પુરવાર થતા તેમને ત્રણ વર્ષની સજા થઈ શકતી હતી.

નૂરનો અપરાધ એટલો હતો કે તેમણે 2018માં એક ખાનગી ધાર્મિક કાર્યક્રમમાં બાજુ કુરૂંગ (મલેશિયામાં મહિલાઓનો કૂર્તી જેવો પારંપરિક પોશાક જેમાં લાંબી બાંય હોય છે) પહેર્યું હતું.

નૂર સજાત એક ટ્રાન્સજેન્ડર મહિલા છે. આથી તેમને એક શરણાર્થીનો દરજ્જો અપાયો છે અને થાઈલૅન્ડે તેમને ઑસ્ટ્રેલિયામાં શરણ માગવા માટે અનુમતિ આપી છે.

'મારી પાસે ભાગવા સિવાય કોઈ વિકલ્પ નહોતો'

વળી મલેશિયાના અધિકારીઓએ તેમને પુરુષ માને છે અને ઇસ્લામી કાનૂન હેઠળ તેઓ મહિલાની જેમ કપડાં નથી પહેરી શકતાં.

સિડનીથી બીબીસી સાથે વાત કરતા નૂર કહે છે કે તેમની પાસે ભાગવા સિવાય કોઈ અન્ય રસ્તો નહોતો. નૂર વિરુદ્ધ સેલેનગોર પ્રાંતની ધાર્મિક પોલીસે કેસ દાખલ કર્યો હતો અને આરોપ નક્કી કર્યા હતા. નૂરનું કહેવું હતું કે પોલીસ અધિકારીઓ તેમની પર હુમલો પણ કર્યો.

તેઓ કહે છે, "મારે ભાગવું પડ્યું, કેમ કે મારી સાથે ખરાબ વ્યવહાર થઈ રહ્યો છે. મને મારવામાં આવી અને હાથકડી પહેરાવી. આ બધું મારાં માતાપિતાની સામે થયું. મને ઘણી શરમ આવી અને દુખ પણ થયું. હું તેમની સાથે સહયોગ કરી રહી હતી, છતાં મારી સાથે આવું થયું."

તેઓ કહે છે, "આવું એટલા માટે થયું કે કદાચ તેઓ મને એક ટ્રાન્સ મહિલા તરીકે જોઈ રહ્યા હતા. તેમને પરવાહ નહોતી કે મને હિરાસતમાં રાખીને મારવામાં આવી. ટ્રાન્સ મહિલાઓની પણ ભાવનાઓ હોય છે. અમે પણ અન્ય લોકોની જેમ જીવન જીવવા માગીએ છીએ. અમને પણ એક સામાન્ય જીવનનો હક છે."

નૂર સજાત એક સફળ ઉદ્યમી છે, જેમણે પોતાની કારકિર્દી ખુદ ઘડી છે. સાત વર્ષ પહેલાં તેમણે પોતાની જાતને સોશિયલ મીડિયા પર પ્રમોટ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં તેમણે પોતાની બ્યૂટી પ્રોડક્ટ વિકસાવી. તેમની બ્રાન્ડનું નામ ચાલવા લાગ્યું હતું.

કોણ છે નૂર સજાત?

સોશિયલ મીડિયા પર તેમના દસ લાખ ફૉલોઅર્સ છે અને તેઓ મલેશિયામાં સેલિબ્રિટીનો દરજ્જો ધરાવે છે. જ્યારે તેઓ વધુ ચર્ચિત થયાં તો તેમની લૈંગિક ઓળખ પર સવાલ થવા લાગ્યા હતા.

પરંતુ હકીકતમાં એ કોઈ રહસ્ય નહોતું. વર્ષ 2013માં તેમણે થાઇલૅન્ડમાં એક ટ્રાન્સજેન્ડર પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો હતો અને ડાન્સ માટે ઍવૉર્ડ પણ જીત્યો હતો.

મલેશિયામાં લોકોને વાંધો એ વાતનો થયો કે અંગત જીવનમાં તેઓ ઇસ્લામ ધર્મનું પાલન કરે છે અને કેટલીક વાર હિજાબ પહેરેલી તસવીરો પણ તેમણે પોસ્ટ કરી છે.

સવાલ ઉઠાવનારાઓને તેમણે જવાબ આપ્યો કે તેમનો જન્મ પુરુષ અને મહિલા બંનેનાં અંગો સાથે થયો હતો. આ સ્થિતિને ઇન્ટરસેક્સ કહે છે અને ઇસ્લામ ધર્મ જન્મથી આવેલી લૈંગિક ઓળખ બદલવાવાળા કરતા ઇન્ટરસેક્સ લોકો પ્રત્યે વધુ સહિષ્ણુ છે.

2017માં નૂર સજાતે ઘોષણા કરી હતી કે હવે તેઓ સંપૂર્ણ રીતે મહિલા છે અને તેને સાબિત કરવા તેમણે કોઈક ડૉક્ટરનો રિપોર્ટ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

ત્યારબાદ પ્રશાસને તપાસ શરૂ કરી. મલેશિયામાં ઇસ્લામ વિકાસ વિભાગના જાકિમે કહ્યું કે તેમને આ વાતના પુરાવા જોઈએ છે કે તેઓ ઇન્ટરસેક્સથી પેદા થયાં હતાં. વિભાગે નૂર સજાતને પોતાના જેન્ડરની ઓળખમાં મદદ કરવા માટે રજૂઆત કરી હતી.

પરંતુ ગત વર્ષે જ્યારે નૂર સજાત પરિવાર સાથે મક્કા ધર્મયાત્રા પર ગયાં અને તેમની મહિલાના પોશાક પહેરેલી તસવીર સામે આવી તો વિવાદ થયો હતો.

તેમણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માગવી પડી, પરંતુ વાત ત્યાં જ ખતમ ન થઈ અને તેમની સામે સત્તાવાર તપાસ શરૂ થઈ ગઈ.

નૂર સજાત કહે છે, "જ્યારે હું પવિત્ર સ્થળ પર હતી ત્યારે હું મારી જાતને સવાલ પૂછી રહી હતી કે કદાચ હું આવી પેદા થઈ એનું કોઈ કારણ હશે. એક મુસલમાન અને એક ટ્રાન્સજેન્ડર મહિલા તરીકે મને પણ મારા ધર્મને માનવાનો અધિકાર છે. તેમની પાસે મને સજા આપવાનું કોઈ કારણ નથી. એવું નથી કે તેઓ ઇશ્વરનું કામ કરી રહ્યા છે."

બીબીસીએ નૂર સજાતના મામલે મલેશિયાના ધાર્મિક મામલાના વિભાગનો પક્ષ જાણવાની કોશિશ કરી, પરંતુ કોઈ પ્રતિક્રિયા ન મળી.

સપ્ટેમ્બરમાં ધાર્મિક મામલના મંત્રી ઇદરીશ અહમદે કહ્યું હતું, "જો તેઓ અમારી પાસે આવે છે અને ભૂલ સ્વીકારી લે છે અને પોતાની મૂળ પ્રકૃતિ અને ઓળખમાં પરત ફરે તો અમનો કોઈ વાંધો નથી. અમે તેમને સજા નથી આપવા માગતા પણ તેમને શિક્ષિત કરવા માગીએ છીએ."

અમે મલેશિયાના પ્રાંત પેરલિસના વરિષ્ઠ ઇસ્લામી સલાહકાર અને મુફ્તી મોહમ્મદ અસરી જૈનુલ આબીદીને પૂછ્યું કે શું મલેશિયા મુસલમાન ટ્રાન્સજેન્ડર લોકોને સ્વીકાર કરી શકે છે કે કેમ. તેના વિશે તેમણે કહ્યું કે તેમના માટે સજાત એક અલગ મામલો છે.

તેઓ કહે છે, "સજાતે ઘણાં એવાં કામ કર્યાં છે જેનાથી ધાર્મિક મામલાના અધિકારીઓએ પ્રતિક્રિયા આપવી પડી છે. ઇસ્લામમાં સામાન્યપણે લોકોના અંગત જીવનમાં દખલ નથી કરાતી. તે તમારી અને અલ્લાહ વચ્ચેની બાબત હોય છે. પરંતુ અમે ક્યારેય આ ગુનાને સ્વીકાર કરીશું નહીં. જો તમને માત્ર એવું અનુભવાય કે તમે એક મહિલા છો અને એ આધારે તમે મહિલાના શૌચાલયમાં જાવા માગો, તો તમે આવું ન કરી શકો."

મલેશિયામાં બેવડી કાનૂન વ્યવસ્થા છે અને અહીંના તેર પ્રાંત તથા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પારિવારિક તથા નૈતિક મામલામાં ઇસ્લામનો શરિયા કાનૂન પ્રભાવી છે. તેનાથી એલજીબીજીક્યુ સમુદાયને પણ ઘણી તકલીફો થાય છે.

ટ્રાન્સજેન્ડર કાર્યકર્તા નિશા અયૂબ કહે છે કે શરિયા કાનૂનના કારણે તમામ પ્રાંતોમાં ટ્રાન્સજેન્ડર સમુદાયનો નિશાન બનાવવામાં આવે છે. અયૂબને પણ મહિલાઓનાં કપડાં પહેરવાના કારણે એક વાર જેલમાં જવું પડ્યું હતું.

અયૂબ કહે છે, "શરિયા કાનૂનના કારણે નેતા અને ધાર્મિક અધિકારીઓ અમારા સમુદાય વિશે ઘણું નકારાત્મક બોલે છે. આથી અમારા માટે અસુરક્ષિત અને તંગ માહોલ પેદા થાય છે."

પણ હંમેશાં આવું નહોતું.

મલેશિયા અને ઇસ્લામિક કાયદા

નૂર સજાતના મામલે તેમનું સમર્થન કરનારા તથા મહિલા અધિકારો માટે કામ કરતા સંગઠન સિસ્ટર્સ ઇન ઇસ્લામનાં સહસ્થાપક રોઝાના ઇસા કહે છે, "એક સમયે મલેશિયા ટ્રાન્સજેન્ડર સમુદાયને લઈને સહિષ્ણુ હતો અને અમને સ્વીકાર કરતો હતો."

"તે લોકો અમારા પરિવારો વચ્ચે જાહેરમાં રહેતા હતા, અમારા સમુદાયમાં અને સાર્વજનિક જીવનમાં ભાગ લેતા હતા. પરંતુ છેલ્લા ત્રણ દાયકામાં અમે ઇસ્લામીકરણની નીતિ પર ચાલી રહ્યા છે. હવે તમે જોઈ શકો છો કે નવા કાયદા લાવવામાં આવી રહ્યા છે અને ઇસ્લામની મોટા ભાગની વ્યાખ્યાઓ કરવામાં આવી રહી છે. તે વિવિધતાની સ્વીકાર્યતા મામલે સંકીર્ણ છે."

ઇસ્લામ ન માત્ર મલેશિયાનો સત્તાવાર ધર્મ છે, પરંતુ તેમાં મલય લોકોની પણ મહત્ત્વની ઓળખ માનવામાં આવે છે. મલય લોકો મલેશિયાના સૌથી મોટા વંશીય સમૂહ પણ છે.

રાજકીય પાર્ટીઓ જાણે છે કે ચૂંટણી જીતવા માટે તેમણે મલય ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરવું પડશે. અહીં સામાન્ય પણે લોકો પારંપરિક વિચારધારાના હોય છે. મતદાતાઓને આકર્ષવા માટે કડક ઇસ્લામી મૂલ્યોની સુરક્ષાનો વાયદો કરવામાં આવે છે.

મલેશિયામાં રાજનીતિ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે, કોવિડ-19 પછી અર્થવ્યવસ્થા નબળી છે. આથી ઘણા લોકોને લાગે છે કે નૂર સજાત પર કડક કાર્યવાહી ખરેખર ધાર્મિક ચિંતાઓની જગ્યાએ એક નબળી સરકારની મુસલમાનોને રીઝવવાની કોશિશ છે.

પરંતુ નિશા અયૂબ કહે છે કે તેમ છતાં ટ્રાન્સજેન્ડર લોકોની અધિકારોની રક્ષા કરવી પણ સરકારની જવાબદારી છે, ભલે ઇસ્લામ પાસે આ વિશે અલગઅલગ દૃષ્ટિકોણ કેમ ન હોય.

તેઓ કહે છે કે ઈરાન અને પાકિસ્તાન જેવા ઇસ્લામિક દેશોમાં સરકારોએ આવું કરવા માટે કાયદા બદલ્યા છે.

તેઓ કહે છે, "જો આપણા નેતા લઘુમતીઓને સમાજનો ભાગ સમજે છે તો સ્થિતિ બદલાઈ જશે. દરેક વાત કાયદાથી શરૂ થાય છે જેમાં સુધારની જરૂર છે. જ્યાં સુધી અમારા સમુદાય પર સીધી રીતે નિશાન લગાવતા કાયદા છે, ત્યાં સુધી સ્થિતિ બદલાશે નહીં."

નૂર સજાત પોતાના જીવનમાં તેમણે દત્તક લીધેલા પુત્ર અને પુત્રીની ગેરહાજરીનું દુખ અનુભવે છે.

મલેશિયામાં તેમનો પરિવાર આ બાળકોનું ધ્યાન રાખી રહ્યો છે. પરંતુ તેઓ ઑસ્ટ્રેલિયામાં બીજા ટ્રાન્સજેન્ડર લોકો સાથે પોતાના અનુભવ શૅર કરવા માટે ઉત્સાહિત છે.

વળી રોઝાના ઇસા કહે છે કે મલેશિયાના લોકો સોશિયલ મીડિયાને લઈને પોતાના વિચાર ખૂલીને જાહેર કરવા લાગ્યા છે.

"આપણે સજાત આરોપ લગાવતા રહ્યા. તે સોશિયલ મીડિયા પોસ્ટથી કોઈને નુકસાન નહોતા કરી રહ્યાં. અથવા મક્કા પહોંચીને તેમણે કોઈનું નુકસાન નહોતું કર્યું. અમારે બીજા પર નજર રાખવાની જગ્યાએ પોતાના પર નજર રાખવાની જરૂર છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો