બોલીવૂડ સેલિબ્રિટી સ્વપ્નિલ શિંદેની સાયશા શિંદે બનવાની કહાણી

    • લેેખક, મધુ પાલ
    • પદ, બીબીસી હિંદી માટે

બોલીવૂડના જાણીતા ફેશન ડિઝાઇનર સ્વપ્નિલ શિંદે હવે સાયશા શિંદે બની ગયા છે.

તેમણે માત્ર પોતાનું નામ જ નથી બદલ્યું પરતું આખું વ્યક્તિત્વ પણ બદલી નાંખ્યું છે. પહેલાં તેઓ પુરુષ હતા, હવે મહિલા બની ગયાં છે. તેમને પોતાનું લિંગ પરિવર્તન એટલે કે સેક્સ ચેન્જ કરાવ્યું છે અને જાહેરાત કરી કે તેઓ ટ્રાન્સવુમન છે.

સાયશા શિંદે કહે છે કે તેમના માટે આ પગલું ભરવું જરાય સહેલું નહોતું, તેઓ બે જીવન જીવી રહ્યાં હતાં.

તેઓ કહે છે, "હું સમજી શકતી નહોતી કે હું કોણ છું, સ્ત્રી અથવા પુરુષ. હું બહું પરેશાન હતી. પરંતુ આ લૉકડાઉનમાં મને ખ્યાલ આવ્યો કે હું આખરે કોણ છું."

મિત્રો અને પરિવારજનોને સમય લાગશે

દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, કરીના કપૂર, અનુષ્કા શર્મા, શ્રદ્ધા કપૂર અને સની લિયોની સહિત બોલીવૂડની બીજી અભિનેત્રીઓના ફૅશન ડિઝાઇનિંગ માટે ફૅશન ડિઝાઇનર સ્વપ્નિલ શિંદે જાણીતા છે.

તેમણે થોડા દિવસો પહેલાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર એક ભાવનાત્મક પોસ્ટમાં દુનિયાને પોતાની નવી ઓળખ અને નામ વિશે જણાવ્યું હતું.

બીબીસી હિન્દી સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું, "હવે હું ટ્રાન્સવુમન છું, પરતું સાચું કહું તો મને હજુ વિશ્વાસ નથી કે હવે હું સાયશા શિંદે બની ગઈ છું. લોકોને મારા આ નામની આદત નથી. મને પણ સમય લાગશે. પરિવારના સભ્યો અને મિત્રો મને સ્વપ્નિલ કહીને બોલાવે છે."

"એટલે જ્યારે કોઈ મને સાયશા કહીને બોલાવે છે તો મારું ધ્યાન તે તરફ જતું નથી. હું ભૂલી જાઉં છું કે હું સાયશા છું. લોકોને આ નવી ઓળખને સ્વીકારવામાં સમય લાગશે. સાચું કહું તો હમણાં હું બહુ ખુશ છું."

પહેલાં લાગતું હું ગે છું’

39 વર્ષનાં સાયશા શિંદે જણાવે છે, "છ વર્ષ પહેલાં ખબર પડી કે મને જેન્ડર આઇડેન્ટિટી ડિસ્ફોરિયા છે. એ પહેલાં તો મારા મનમાં ઘણા સવાલ છે. હું સંતાઈ-સંતાઈને બંધ રૂમમાં જે કરી શકતી હતી, એ વાતો હું બહાર નહોતી કરી શકતી."

"બાળપણમાં મને આ વાતની ખબર ન પડી. મને એ પણ ખબર નહોતી કે આને શું કહેવાય. પરિવાર સાથે આ અંગે અમે વાત પણ નહોતા કરી શકતા. હું થોડી સમજણી થઈ ત્યારે મારી ઓળખાણ અમુક સમલૈંગિક પુરુષો સાથે થઈ. મને લાગ્યું કે હું ગે છું પરંતુ બાદમાં સમજ પડી કે હું ગે નથી અને ત્યારે મેં મનમાં મક્કમ નિર્ધાર કરી લીધો કે, હું દુનિયાની સામે આ વાત લાવીશ, એ પણ ગભરાયા વગર."

પોતાના બાળપણને યાદ કરતાં તેઓ કહે છે, "મારું બાળપણ અત્યંદ દુ:ખદ અને ખરાબ રહ્યું, ખાસ કરીને મારી સ્કૂલ લાઇફ, લોકો મને ખીજવતા, એ પણ અલગ લેવલનું. મારા માટે પાંચ વર્ષથી 17 વર્ષ સુધીનો સમય અત્યંત ખરાબ રહ્યો."

ઉતાવળ ખતરનાક હોઈ શકે છે

શું પોતાના શરીર સાથે આ પ્રકારનું પરિવર્તન સરળ છે?

શિંદે જણાવે છે કે આવું કરવામાં ઘણી મહેનત લાગે છે.

તેઓ કહે છે, "મારી ઊંચાઈ 6.2 ફૂટ છે, પહેલાં હું દાઢી રાખતી હતી, મસ્ક્યુલર હતી. આજે જે ચહેરો બન્યો છે અને આગળ જે બનશે, તેની પાછળ ઘણી મહેનત છે. તમારે ધૈર્ય રાખવું પડે છે."

"આપના શરીરમાં જનારી દવા, દરેક નાનીથી નાની વસ્તુ પણ અનુભવી ડૉક્ટરોની દેખરેખમાં લેવી જોઈએ. જો કોઈ વ્યક્તિ પોતાની જાતમાં પરિવર્તન લાવવા ઇચ્છે છે, તે યોગ્ય રીતે લાવવું જોઈએ, કોઈ પણ બાબતે ઉતાવળ ન કરો. તે ખતરનાક હોઈ શકે છે."

હવે હું મારા બનાવેલાં ડિઝાઇનર કપડાં પહેરું છું

એક નવા નામ અને એક નવા ચહેરા સાથે દુનિયાની સામે આવ્યા બાદ ફૅશન અને મનોરંજન જગતમાંથી કેવી પ્રતિક્રિયા મળી રહી છે?

આ અંગે સાયશા કહે છે, "મને ઘણો પ્રેમ અને સહયોગ મળ્યો છે. મને લાગે છે કે મારા કામમાં વધુ સુધારો આવશે, કારણ કે મારા વિચારો બદલાઈ રહ્યાં છે."

"પહેલાં મારાં કપડાં મહિલા અને સ્વપ્નિલ માટે હતાં પરંતુ હવે આ કપડાં મહિલાઓ અને સાયશા માટે બનશે. હવે હું જાતે મારાં કપડાં પહેરીને બહાર નીકળું છું ત્યારે મને સમજાવા લાગ્યું છે કે મહિલાઓએ કેવાં આરામદાયક કપડાં પહેરવાં જોઈએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો