You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આંગ સાન સુ કી જેલમાં, મ્યાનમારમાં બળવા પછી શું પરિસ્થિતિ છે?
મ્યાનમારનાં ચૂંટાયેલાં નેતા આંગ સાન સુ કીને ગુપ્ત ટ્રાયલની સિરીઝમાં તાજેતરના ચુકાદા બાદ વધુ પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
ફેબ્રુઆરી 2021માં સેનાએ સત્તા કબજે કર્યા પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં વ્યાપક વિરોધ, સશસ્ત્ર પ્રતિકાર અને સામૂહિક હત્યાઓનો સિલસિલો સર્જાયો હતો.
મ્યાનમારમાં શું સ્થિતિ છે?
દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલું મ્યાનમાર અગાઉ બર્મા તરીકે ઓળખાતું હતું. થાઈલૅન્ડ, લાઓસ, બાંગ્લાદેશ, ચીન અને ભારત તેના પાડોશી દેશો છે.
મ્યાનમારની વસ્તી આશરે 5.4 કરોડ છે અને મોટા ભાગના બર્મીઝ બોલે છે, જોકે અન્ય ભાષાઓ પણ બોલાય છે. સૌથી મોટું શહેર રંગૂન છે, પરંતુ રાજધાની નય પાય તોવ છે.
મ્યાનમારને 1948માં બ્રિટનથી આઝાદી મળી હતી. તેના ઉપર 1962થી 2011 સુધી સશસ્ત્ર દળોનું શાસન હતું, ત્યાર બાદ નવી સરકાર નાગરિક શાસન તરફ વળી.
મ્યાનમારનો મુખ્ય ધર્મ બૌદ્ધ ધર્મ છે. દેશમાં રોહિંગ્યા મુસ્લિમો સહિત અનેક વંશીય જૂથો છે.
2017માં સૈન્ય કાર્યવાહી બાદ હજારો રોહિંગ્યા માર્યા ગયા હતા અને 7,00,000થી વધુ બાંગ્લાદેશ ભાગી ગયા હતા.
બળવો ક્યારે થયો હતો?
સામાન્ય ચૂંટણીમાં આંગ સાન સુ કીની નેશનલ લીગ ફોર ડેમૉક્રેસી (NLD) પાર્ટીએ ભારે જીત મેળવી ત્યાર બાદ 1 ફેબ્રુઆરી 2021ના રોજ સૈન્યે નિયંત્રણ મેળવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૈન્ય વડાઓ વિરોધ પક્ષના સમર્થનમાં હતાં અને તેમણે મોટા પાયે ગોટાળો થયો હોવાનો દાવો કરીને ફરીથી મતદાનની માગ કરી હતી.
જોકે ચૂંટણીપંચે આ દાવાઓને સમર્થન આપતા કોઈ પુરાવા નહીં હોવાનું કહીને તેને ફગાવી દીધો હતો.
દેશ કોણ ચલાવી રહ્યું છે?
સૈન્ય વડા મિન આંગ હ્લેઇંગ સત્તા સંભાળી રહ્યા છે.
તેમનો મ્યાનમારમાં ઘણો પ્રભાવ છે અને દેશ લોકશાહી તરફ આગળ વધ્યો હોવા છતાં પણ તેણે તત્માદેવ આર્મીનો પ્રભાવ જાળવી રાખ્યો છે.
વંશીય લઘુમતીઓ પર સૈન્યના હુમલામાં તેમની કથિત ભૂમિકા માટે તેમણે આંતરરાષ્ટ્રીય નિંદા અને પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો છે.
જનરલ હ્લેઇંગે કહ્યું કે સૈન્ય લોકોની પડખે છે અને "સાચી અને શિસ્તબદ્ધ લોકશાહી"નું સર્જન કરવા તત્પર છે.
કટોકટીની પરિસ્થિતિ સમાપ્ત થઈ જાય પછી તેમણે "મુક્ત અને ન્યાયી" ચૂંટણી કરાવવાનું વચન આપ્યું હતું.
કોણ છે આંગ સાન સુ કી અને તેમને શા માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યાં?
આંગ સાન સુ કી 1990ના દાયકામાં લોકશાહી પુનઃસ્થાપિત કરવાના અભિયાન માટે વિશ્વભરમાં જાણીતાં બન્યાં હતાં. તેમને 1991માં શાંતિ માટે નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
2015માં 25 વર્ષમાં પહેલી વાર થયેલી ચૂંટણીમાં તેમના પક્ષ એનએલડીને જીત મળી હતી.
જોકે, રોહિંગ્યા લઘુમતી સાથે મ્યાનમારના વર્તનના પરિણામે તેમની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ઘણી ખરડાઈ હતી. 2019માં તેઓ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ સમક્ષ હાજર થયા હતા અને સૈન્યે નરસંહાર કર્યો હોવાના આરોપોને નકારી કાઢ્યા હતા.
ફેબ્રુઆરી 2021નો બળવો થયો ત્યારથી આંગ સાન સુ કી નજરકેદ છે.
76 વર્ષીય આંગ સાન સુ કીને દેશના સત્તાવાર સિક્રેટ ઍક્ટનું ઉલ્લંઘન કરવા, ગેરકાયદેસર વૉકી-ટૉકી રાખવા અને "ડર કે ભયનું કારણ બની શકે તેવી માહિતી પ્રકાશિત કરવા" બદલ છ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત ઠર્યા બાદ હવે તેમને વધુ પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે.
આંગ સાન સુ કી ઉપર આ ઉપરાંત 10 અન્ય ભ્રષ્ટાચારના આરોપો લાગેલા છે, જેમાં પ્રત્યેકમાં મહત્તમ 15 વર્ષની સજા થઈ શકે છે.
તેમના સમર્થકો કહે છે કે મ્યાનમારમાં અતિ લોકપ્રિય એવા સુ કીને આજીવન જેલની સજા થાય એ માટેનો તખ્તો સૈન્યશાસન દ્વારા ઘડાઈ રહ્યો છે.
નાગરિક અધિકારો અને લોકશાહીનાં સંગઠનોએ ટ્રાયલની નિંદા કરી છે. હ્યુમન રાઇટ્સ વોચે તેમને "જૂઠા આરોપો પર ગુપ્ત કાર્યવાહીનું સર્કસ" ગણાવ્યું છે.
બળવા પછી બીજું શું થયું?
વિપક્ષી કાર્યકરોએ નાગરિક અવજ્ઞા માટે ઝુંબેશ (સીડીએમ)ની રચના કરી છે અને હડતાળ અને વિરોધપ્રદર્શનોનું આયોજન કર્યું છે.
સૈન્યે ગોળીબાર, વોટર કેનન અને રબર બુલેટ્સથી જવાબ આપ્યો છે.
નાગરિક અસહકાર તરીકેની શરૂઆત હવે સમગ્ર મ્યાનમારમાં ગૃહયુદ્ધમાં ફેરવાઈ ગઈ છે.
પોતાને પીપલ્સ ડિફેન્સ ફોર્સ અથવા પીડીએફ તરીકે ઓળખાવતા સ્થાનિક બળવાખોરોએ લશ્કરી કાફલા પર હુમલો કર્યો અને અધિકારીઓની હત્યા કરી છે.
સરકારે પીડીએફ સામે હિંસક કાર્યવાહી કરી છે, જેમાં જુલાઈ 2021માં વિપક્ષના ગઢ ગણાતા સાગિંગ જિલ્લામાં 40 નાગરિકોની હત્યાનો સમાવેશ થાય છે.
લશ્કર દ્વારા માર્યા ગયેલા જેલમાં બંધ અથવા અટકાયતમાં રાખવામાં આવેલા લોકોની સંખ્યા ઉપર નજર રાખતું આસિસ્ટન્સ ઍસોસિયેશન ફૉર પૉલિટિકલ પ્રિઝનર્સ (એએપીપી) કહે છે કે લશ્કરી શાસન સત્તામાં આવ્યું ત્યારથી 1,503 લોકો માર્યા ગયા છે.
માનવ અધિકાર સંગઠનો દ્વારા સમાચાર અહેવાલો અને પ્રકાશનોના આંકડાઓનું સંકલન કરતું યુ.એસ.સ્થિત સંગઠન Acled કહે છે કે લગભગ 12,000 લોકો મૃત્યુ પામ્યાં હોવાનો અંદાજ છે.
આંતરરાષ્ટ્રીય સમુદાયે કેવી પ્રતિક્રિયા આપી છે?
યુનાઇટેડ નેશન્સે મ્યાનમારમાં "હિંસાની તીવ્રતા અને ગરીબીમાં ઝડપી વધારા" સાથે માનવતાવાદી કટોકટી ગંભીર થવાની ચેતવણી આપી છે.
યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને સુરક્ષા દળો પર "આતંકનું શાસન" ચલાવવાનો આરોપ મૂક્યો હતો.
અમેરિકા, યુકે અને યુરોપિયન યુનિયને સૈન્ય અધિકારીઓ પર પ્રતિબંધો લગાવ્યા છે.
ચીને યુએન સિક્યૉરિટી કાઉન્સિલના બળવાને વખોડતા નિવેદનની નિંદા કરી હતી પરંતુ લોકશાહી ધોરણો તરફ પાછા ફરવાની અપીલને સમર્થન આપ્યું હતું.
શા માટે મ્યાનમારને બર્મા તરીકે પણ ઓળખવામાં આવે છે?
શાસક સૈન્યે 1989માં બર્મામાંથી નામ બદલીને મ્યાનમાર કરી નાખ્યું હતું. જોકે બંને શબ્દોનો અર્થ એક જ છે.
યુકે સહિત કેટલાક દેશોએ શરૂઆતમાં શાસનની કાયદેસરતાને નકારવાના માર્ગ તરીકે મ્યાનમાર નામનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો.
પરંતુ "મ્યાનમાર"નો ઉપયોગ વધુ પ્રચલિત બન્યો અને 2016માં આંગ સાન સુ કીએ કહ્યું હતું કે કયું નામ ચલણમાં આવ્યું તેનાથી કોઈ ફરક પડતો નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો