You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મ્યાનમાર શરણાર્થી : પોતાના દેશમાંથી ભાગીને ભારત આવેલી ગર્ભવતી મહિલાઓની આપવીતી
- લેેખક, પૉલીન જોનુનપુઈ
- પદ, બીબીસી માટે
“તેમની ડિલિવરીની તારીખ પસાર થઈ ગઈ છે. પેટમાં બાળકનું હલનચલન પણ ઓછું છે.”
એક ડૉક્ટર, જે ખુદ પણ શરણાર્થી છે, તેમણે નિઆંગ (નામ બદલ્યું છે)ની તપાસ કરતી વખતે મને જણાવ્યું જ્યારે હું 16 જૂનના રોજ મિઝોરમ પહોંચી.
29 વર્ષના નિઆંગ ત્રણ બાળકોનાં માતા છે. તેમને લાગતું હતું કે ડિલિવરી માટે તેમની પાસે હજુ કેટલાક દિવસો બાકી છે.
“મેં માર્ચ મહિનામાં સરહદ પાર કરી અને એપ્રિલમાં અહીં પહોંચી. મને લાગતું કે હું 6 મહિનાથી ગર્ભવતી હતી. હું એક ડૉક્ટર પાસે ગઈ. તેમણે જણાવ્યું કે જૂનના આખરી સપ્તાહમાં ડિલિવરી થશે.”
મહામારીના કારણે તેમની પ્રસવ પૂર્વેની સંભાળ સારી રીતે ન થઈ શકી. તેઓ કહે છે, “તેમણે તપાસ દરમિયાન મારા પેટને સ્પર્શ પણ ન કર્યો. અને પછી બીજા દિવસે હૉસ્પિટલમાંથી રજા આપી દીધી. મને ડર હતો કે હું બાળક ગુમાવી દઈશ.”
અન્ય ગર્ભવતી મહિલાઓ પણ પરેશાન
આ શરણાર્થી કૅમ્પમાં અન્ય ગર્ભવતી મહિલાઓ પણ આવી પરિસ્થિતિનો સામનો કરી રહી છે.
નિઆંગનાં પતિ, ત્રણ બાળકો અને અન્ય આઠ પરિવારો, જેમાં પાંચ ગર્ભવતી મહિલાઓ સામેલ છે.
કૅમ્પને જ તેમનું ઘર માને છે. અહીં એક હૉલ અને કૉમન બાથરૂમ છે. તેને એક એનજીઓ દ્વારા માર્ચમાં મ્યાનમારના શરણાર્થીઓ માટે બનાવાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્ય સીઆઈડીના આંકડા અનુસાર નિઆંગ અને આ પાંચ ગર્ભવતી મહિલાઓ એ 9036 રજિસ્ટર્ડ શરણાર્થી (911થી વધુની નોંધણી નથી થઈ)માંથી છે.
જેમણે મ્યાનમારમાં તખતાપલટા બાદ મિઝોરમમાં શરણ લીધી છે. તેમના જેવા અન્ય ઘણા લોકો છે જેઓ આવા કૅમ્પમાં રહે છે.
પરંતુ સરકાર પાસે ગર્ભવતી મહિલાઓને ટ્રૅક કરવા માટેની કોઈ સિસ્ટમ નથી. સરકારને આ વિશે જાણકારી પણ નથી કે કેટલી મહિલાઓ છે અને તેમાં કેટલાંક બાળકોને જન્મ આપ્યો છે.
સરકાર પાસે આંકડા નથી
એક સરકારી અધિકારીએ નામ ન જણાવવાની શરત પર કહ્યું, “મિઝોરમમાં શરણાર્થી સંકટ વિચિત્ર છે. અહીં શરણાર્થીઓ માટે કોઈ નિશ્ચિત કૅમ્પ નથી. તેઓ એક જગ્યાથી બીજી જગ્યાએ જતા રહે છે. કેટલાક પરિવારો સાથે છે. કેટલાક અમને જાણકારી નથી આપતા. કેટલાક પરત જઈ ચૂક્યા છે. આથી તેમનો રૅકર્ડ રાખવો શક્ય નથી.”
મેં હ્યુમન રાઇટ્સ લૉ નેટવર્કના માનવાધિકાર વકીલ રોઝાલિન એલ. હમરની મદદથી કેટલીક ગર્ભવતી મહિલાઓનો સંપર્ક કર્યો. હું પાંચ ગર્ભવતી મહિલાઓને મળી. આ કૅમ્પ મિઝોરમના શક્તિશાળી વિદ્યાર્થી સંગઠન, મિઝો ઝિરલાઈ પૉલ અને કેટલીક એનજીઓના એક સંગઠન ‘યુનાઇટેડ ફૉર ડેમૉક્રેટિક મ્યાનમાર’ દ્વારા બનાવાયો છે.
યુનાઇટેડ ફૉર ડૅમૉક્રેટિક મ્યાનમારના અધ્યક્ષ લાલરામલાવનાએ જણાવ્યું કે અઇઝોલમાં 1600 શરણાર્થી છે. આ એક કૅમ્પમાં 258 મહિલાઓ છે જેમાં પાંચ ગર્ભવતી મહિલાઓ છે. તેમાંથી ત્રણને ગર્ભાવસ્થાનો ત્રીજો મહિનો ચાલી રહ્યો છે.
લાંબી યાત્રાથી હાલત ખરાબ થઈ
તેમાંથી 31 વર્ષના તિન્માહ (નામ બદલ્યું છે) સામેલ છે. તેમણે જણાવ્યું કે તેમની પ્રસૂતિનો સમય નીકળી ગયો છે. તેમના બાળકની પૉઝિશન પણ ઊંધી છે. સામાન્યપણે માથું પહેલાં હોય છે.
તેઓ પૂછે છે, “શું અમે અહીં સુધી યાત્રા કરી એટલે થયું? અમે એક બાઇક પર આવ્યા હતા. અમારે જંગલોમાંથી આવવું પડ્યું.”
તેમણે વધુમાં કહ્યું કે 5 માર્ચે તેમણે મ્યાનમારથી ભાગવું પડ્યું કેમ કે પતિ વિરુદ્ધ ધરપકડનું વૉરન્ટ નીકળ્યું હતું.
તેઓ પહેલાં સરહદ પર ચાંપી ગામ પહોંચ્યાં અને પછી ત્યાંથી 18 કલાકની યાત્રા કરીને ચાંપાઈમાં પહોંચ્યાં.
તેમણે કહ્યું, “ચાંપાઈમાં અમે અમારા મિત્રને મળ્યા જેમણે અમને અઈઝોલની સુરક્ષિત જગ્યા વિશે જણાવ્યું. ત્યાંથી અમે એક વાહનમાં 13 એપ્રિલે અહીં પહોંચ્યાં.”
મિઝોરમની સરકાર શરણાર્થીઓને જગ્યા આપવાના સમર્થનમાં છે. સરહદની બંને તરફની જનજાતિ પરંપરાગત રીતે એક બીજા સાથે જોડાયેલી છે.
મિઝોરમ-મ્યાનમારની 510 કિલોમિટરની સરહદ પર તારની ફેન્સિંગ નથી. આથી લોકોની અવરજવર મુશ્કેલ નથી.
ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે, “મ્યાનમારથી આવનારા શરણાર્થીઓ અને પ્રવાસીઓની મદદ માટે નિર્દેશ જારી કર્યા હતા. ત્યારથી હજારો લોકો સરહદ પાર કરી ચૂક્યા છે.”
તિન્માહની જેમ જ અન્ય મહિલાઓ પણ તણાવપૂર્ણ યાત્રાથી બાળકો પર થનારી અસરને લીધે ચિંતામાં છે.
કેટલીક અન્ય મહિલાઓને એ વાતની પણ ચિંતા હતી કે પ્રસૂતિ રૂમમાં તેઓ તબીબ સાથે કેવી રીતે વાત કરશે. કેમ કે તેમની ભાષા અલગ છે.
એક મહિલાએ જણાવ્યું,“એક વાત મને રાતે પણ સૂવા નથી દેતી. તે એ છે કે મારા પરિવારમાં બીજી કોઈ મહિલા નથી. મને રડવું આવે છે. મારી પાસે મારાં માતા હોત તો સારું થાત.”
કોરોનાની મહામારીનો પણ ડર
જુઆલી સાત મહિનાથી ગર્ભવતી છે. તેમણે કહ્યું, “હું ત્રીજી વખત ગર્ભવતી છું પરંતુ આટલો તણાવ પહેલાં નથી થયો. બે બાળકોનાં માતા અને ગર્ભવતી હોવું મોટી પરેશાની છે. મને મારી ચાર અને છ વર્ષની દીકરીઓની પણ ચિંતા થાય છે. હું એ વિચારીને પરેશાન થઈ રહી છું કે બાળકના જન્મ પછી મને આરામની જરૂર હશે તો દીકરીઓનું ધ્યાન કોણ રાખશે.”
એક અન્ય ડર પણ છે. એપ્રિલ 2021માં અઈઝોલમાં કોવિડના લીધે ત્રણ ગર્ભવતીનાં મોત થયાં છે. આથી મહિલાઓ આ કૅમ્પ બહાર બાળકને જન્મ આપવાથી પણ ડરી રહી છે.
27 વર્ષનાં કોઈમા (નામ બદલ્યું છે) કહે છે,“અહીં કોવિડ નથી. પરંતુ મને નથી ખબર કે હૉસ્પિટલમાં હું મારી સુરક્ષા કેવી રીતે કરી શકીશ. ખાસ કરીન પ્રસૂતિ સમયે.”
કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમના મત અલગ અલગ છે
19 જૂનના રોજ હું મિઝોરમના મુખ્ય મંત્રી જોરામથાંગાને મળી અને સરકાર આ મહિલાઓ માટે શું કરી રહી છે તે સંબંધિત પ્રશ્ન પૂછ્યા.
તેમણે કહ્યું, “મેં શરણાર્થીઓની મદદ માટે 30 લાખ રૂપિયાની જોગવાઈ કરી છે. હું શરૂઆતમાં મોટી રકમની જોગવાઈ નથી કરતો કેમ કે તેનાથી તે મોટી સંખ્યામાં લોકોને અહીં આવવા માટે પ્રોત્સાહિત કરે છે.”
જોરામથાંગા કેન્દ્ર સરકાર પાસે પણ મદદ માગી રહ્યા છે. તેઓ તેને રાજકીય શરણ આપવાની માગ કરી રહ્યા છે. પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મત અલગ છે.
ભારત 1951 રૅફ્યૂજી કન્વેશન એટલે કે 1967ના પ્રોટોકોલનો ભાગ નથી. પરંતુ ભારતે યુએન કન્વેંશન અગેઇન્સ્ટ ટોર્ચર પર હસ્તાક્ષર કર્યા છે. તેની જોગવાઈ અનુસાર કોઈ વ્યક્તિને બીજા કોઈ એવા દેશમાં ન મોકલી શકાય જ્યાં તેને જોખમ હોય અથવા તેને પીડા આપવામાં આવે.
જોરામથાંગાએ મને જણાવ્યું કે શરણાર્થી મામલે લાંબુ આયોજન નથી પરંતુ નિર્ણયો જરૂર અનુસાર લેવામાં આવશે. સમુદાયના નેતા અને ગામના એનજીઓ શરણાર્થીઓને લાવવાના સમર્થનમાં છે.
મ્યાનમારમાં હિંસા યથાવત છે, આથી મિઝોરમમાં રહેતા સંખ્યાબંધ શરણાર્થીઓના પરત ફરવાની આશા ઓછી છે. કેટલીક માતાઓ જેમણે પોતાના માટે અસ્થાયી ઘર બનાવી લીધા છે, તેઓ કહે છે કે તેમના પરિવારો વિખેરાઈ ગયા છે. પણ તેમ છતાં મ્યાનમારથી દૂર રહેવું જ સુરક્ષિત છે.
કેટલાકના પરત ફરવાની આશા ઓછી છે પણ કેટલાકની આશા જીવંત છે.
કોઈમા કહે છે, “આ કૅમ્પ અમારા ઘર નથી પરંતુ અમે સુરક્ષિત છીએ. ખાવાનું છે, કપડા છે દવા છે. જ્યારે સ્થિતિ સુધરશે તો અમને બાળકો સાથે પરત જઈ શકીશ. મને આશા છે કે એક દિવસ હું ભણાવી શકીશ.”
(ઓળખ છુપાવવા માટે નામ બદલ્યાં છે.પૉલીન જોનુનપુઈ મિઝોરમના એક સ્વતંત્ર પત્રકાર છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો