'જે પુત્રને દુનિયામાં લાવવા જીવનું જોખમ લીધું, એને અડવામાં ડરતી હતી'

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારા જીવનનો એ દિવસ હું ક્યારેય નહીં ભૂલી શકું કે મને નવમા મહિને કોરોનાનો ચેપ લાગ્યો હતો. પોરબંદર, રાજકોટના કોઈ ડૉક્ટર મારી પ્રસૂતિ કરાવવા તૈયાર નહોતા."

"હું પીડાથી કણસતી હતી, મારી જીદ હતી કે અમારા પ્રેમની નિશાની એવા આ બાળકને હું દુનિયામાં લાવીશ. કારમાં અમે અમદાવાદ આવ્યાં. મેં મારા દીકરાને માંડ પાંચ સેકન્ડ જોયો અને હું બેભાન થઈ ગઈ, હું વૅન્ટિલેટર પર રહી અને દિવસો પછી ભાનમાં આવી પણ દીકરાને અડવાની હિંમત નહોતી."

પ્રસૂતિના નવમા મહિને અચાનક કોરોનાનો શિકાર બનેલાં કોમલ રાણિંગા પોતાના જીવનના 24મા વર્ષે મૃત્યુના મોઢામાંથી પાછાં આવ્યાં છે.

કોમલે બે વર્ષ પહેલાં આઈટી એક્સપર્ટ ઋત્વિક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. કોમલ અને ઋત્વિકે બાળકના સારા ઉછેરની વ્યવસ્થા થયા પછી બાળક પ્લાન કર્યું હતું.

પોરબંદરમાં આઈટી એક્સપર્ટ તરીકે કામ કરતા ઋત્વિક રાણિંગાએ કહ્યું કે "અમે એ સમયે પોરબંદરના જાણીતા ગાયનેકની ટ્રીટમેન્ટ શરૂ કરી અને ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ બરાબર હતો. સ્વસ્થ બાળક માટે ખાસ ડાયટથી લઈ તેનાં કપડાં, રમકડાં વગેરે આવવાં લાગ્યાં."

"અચાનક ગુજરાતમાં કોરોના ત્રાટક્યો. જોકે પોરબંદરમાં કોરોનાના કોઈ ખાસ કેસ આવ્યા નહોતા. છતાં અમે કાળજી રાખતા હતાં. કોમલને નવમા મહિને તાવ આવવા લાગ્યો. એની તપાસ કરાવી તો તે કોરોના પૉઝિટિવ હતી. કોઈ ડૉક્ટર તેમની સારવાર કરવા તૈયાર નહોતા, રાજકોટમાં પણ કોઈ તૈયાર નહતું."

અમદાવાદમાં સારવાર,જોખમી ઑપરેશન

કોમલે બીબીસી ગુજરાતીને કહ્યું, "એ વખતે અમને અમારા ડૉકટરોએ કહ્યું કે માતાને કોરોનાની દવા આપવાથી બાળકનું મૃત્યુ થઈ શકે છે. આ પરિસ્થિતિમાં અમારી જવાબદારી નહીં રહે."

"મેં જીદ કરી કે મારો જીવ જાય તો પણ બાળકને જન્મ આપીશ. મારી જીદ સામે મારા પતિ ઝૂકી ગયા. અમે પોરબંદરથી અમદાવાદ આવ્યાં. રસ્તામાં ક્યારેક ખાડામાં કાર પછડાતી તો મારી ચીસ નીકળી જતી. રાત્રે બે વાગ્યે અમે અમદાવાદમાં આવ્યા."

ઋત્વિક કહે છે કે "સરકારી હૉસ્પિટલમાં જગ્યા નહોતી. અમદાવાદની એક ખાનગી કોવિડ હૉસ્પિટલ શુશ્રૂષામાં દાખલ કર્યાં."

કોમલની પ્રસૂતિ કરાવનાર ગાયનેકૉલૉજિસ્ટ ડૉક્ટર તુષાર શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "જ્યારે અમે કોમલને દવાખાનામાં દાખલ કરી ત્યારે કોરોનાને કારણે એનું ડીડાયમાર ખૂબ જ વધારે હતું. અમે એમને કોરોનાનો ડોઝ આપ્યો ત્યારે અમારી નજર બાળક પર હતી."

"વારંવાર સોનોગ્રાફી કરીની કોમલની હાલત પર નજર રાખવામાં આવી. કોમલને તાવ ઊતર્યો અને સહેજ સ્થિતિ સારી થઈ એટલે મેં ઑપરેશનનો નિર્ણય કર્યો. વાત સહજ નહોતી, કારણ કે ગંભીર પરિણામ આવવાની સંભાવના હતી."

"જો સિઝેરિયન કરીને ઑપરેશન ન કર્યું હોત તો કદાચ બાળક બચાવી ના શકાય. મારા નિર્ણયથી બીજા ડૉક્ટર હેરાન પરેશાન હતા. છેવટે મેં ઑપરેશનનો નિર્ણય કર્યો."

"ચાર કલાકના ઑપરેશન પછી બાળક હેમખેમ જન્મ્યું. તેમને લોહીના છ બાટલા ચઢાવવા પડ્યા, કારણ કે ગણતરી કરતાં વધુ લોહી વહી ગયું હતું. કોરોનાના સમયમાં લોહી મળવું પણ મુશ્કેલ હતું."

ઑપરેશન પછી લોહીનું વહેવું

ડૉક્ટર શાહ મુજબ ઑપરેશન પછી મોટી પરીક્ષા શરૂ થઈ.

તેઓ કહે છે કે કોરોનાની દવાની સાઇડ ઇફેક્ટ ગણો કે અન્ય કોઈ કારણ, આવું પહેલી વખત જોયું કે ડિલિવરી પછી ફરી લોહી વહેવા લાગ્યું. કોમલ બેભાન હતાં અને તેમનું બીપી અચાનક ઘટવા માંડ્યું અને હિમોગ્લોબીન 14 ટકાથી ઘટીને બે ટકા રહી ગયું હતું.

કોમલની હાલત ગંભીર થઈ ગઈ હતી અને તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

કોરોના સંક્રમણના સમયમાં લોહી મળવું પણ મુશ્કેલ હતું એટલે હૉસ્પિટલના સ્ટાફે જ બ્લડ ડોનેશન કર્યું હતું.

ઋત્વિક એ કપરા દિવસોને યાદ કરતા કહે છે કે "એ 11 દિવસ બહુ ખરાબ હતા, કંઈ ખાવા-પીવાના હોશ નહોતા, કોમલને વૅન્ટિલેટર પર જોવાની હિંમત નહોતી, તેમને જોવા માટે ડૉક્ટર મને પીપીઈ કિટ પહેરાવીને લઈ ગયા."

"જ્યારે મેં કોમલનો હાથ પકડ્યો ત્યારે સાત દિવસ પછી કોમલની યુરિન બૅગમાં યુરિન પાસ થયું. નર્સ પણ જોઈને ખુશ થઈ ગયા કે આ ચમત્કાર થયો છે."

"નર્સે મને કહ્યું કે હવે કોમલ બચી જશે."

ડૉક્ટરે સમજાવ્યું કે "કોમલનું શરીર કુદરતી ક્રિયા કરવા લાગ્યું છે."

ડૉક્ટર તુષાર શાહ કહે છે કે "ધીમેધીમે પાંચમા દિવસે કોમલ નૉર્મલ થવાં લાગ્યાં. દવા અસર કરવા લાગી. માતા અને પુત્ર બંને બચી ગયાં."

પુત્રને અડવાનો ડર

કોમલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે "હું બેભાન હતી ત્યારે મેં પાંચ સેકન્ડ માટે મારા પુત્રને જોયો હશે. 11 દિવસે જ્યારે મારા પતિ તેને મારી પાસે લાવ્યા ત્યારે મારાથી રાડ નીકળી ગઈ. મને ડર હતો કે તેને મારાથી કોરોનાનો ચેપ ન લાગી જાય."

કોમલે જણાવે છે કે કોરોનાનો રિપોર્ટ નૅગેટિવ આવ્યા પછી પણ તેમનો ડર જતો નહોતો.

"એક દિવસ હું સૂતી હતી ત્યારે મારા પતિએ મારા પુત્રને મારી ઉપર મૂકીને મને જગાડી. હું તેને લઈ જવા કહેવા લાગી પણ તેઓ ન માન્યા અને એ રીતે તેને મેં મારા પુત્રને પહેલી વખત હાથમાં લીધો."

કોમલ અને ઋત્વિકે પુત્રનું નામ 'ખુશ' પાડ્યું છે.

શરૂઆતના એક મહિના સુધી કોમલ પુત્રને સ્તનપાન નહોતાં કરાવી શકતાં.

એક મહિના પછી ડૉક્ટરે તેમને સ્તનપાન કરાવવાની મંજૂરી આપી હતી. હવે ખુશ પાંચ મહિનાનો થઈ ગયો છે.

કોમલ અને ઋત્વિક કોરોના સંક્રમણને કારણે થયેલી મુશ્કેલીને ભૂલીને પરિવારમાં આવેલી ખુશીને માણી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો