ભાવનગર : એ પ્રોફેસર જેણે પત્નીને 'ઘરમાં પૂરીને ભૂખે મારી નાખી'

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભાવનગરના તળાજા શહેરની સરકારી કૉલેજમાં સમાજશાસ્ત્ર વિષયના પ્રોફેસર દેવજી મારુ ઉપર નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર, 'પ્રોફેસરે તેમના પત્ની હંસાબહેન મારુને એક રૂમમાં પૂરી રાખ્યાં અને દિવસો સુધી ભૂખ્યાં રાખીને મારી નાખ્યાં છે.'

ફરિયાદ અનુસાર, 'પ્રોફેસરનાં પત્નીને દિવસો સુધી ખોરાક નહીં મળવાને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હતી અને શરીરના અવયવોને ક્ષતિ પહોંચી હતી. આખરે સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું હતું.'

મહિલાના ભાઈએ મકાનમાં ગોંધી રખાયેલાં બહેનને પોલીસની મદદથી છોડાવ્યાં હતાં અને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં પરંતુ તેમનો જીવ ન બચાવી શકાયો.

આ કથિત અમાનવીય કૃત્ય આચરનાર પ્રોફેસર સામે આઈપીસીની કલમ 304 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી પ્રોફેસરને પકડીને જેલ મોકલાયા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.

પોલીસ ફરિયાદ અનુસાર, 'પ્રોફેસરના આ કૃત્ય પાછળ તેમનાં લગ્નબાહ્ય સંબંધને કારણભૂત ગણાવવામાં આવી રહ્યા છે અને પ્રોફેસરે તેમની કૉલેજમાં ભણતી કે તેમની સાથે નોકરી કરતી યુવતીની સાથે મળીને હંસાબહેનને ભૂખ્યાં રાખી મારી નાંખવાની યોજના બનાવી હતી.''

મૃતકના ભાઈ ભરત પરમારની ફરિયાદ અનુસાર, "મારી બહેન હંસાના દેવજી મારુ સાથે લગ્ન થયાં પછી દેવજી નાનજી મારુ દ્વારા અવારનવાર પિયરથી રૂપિયા લઈ આવવા તેમને શારીરિક તથા માનસિક ત્રાસ અપાયો.''

પ્રોફેસર પર આરોપ છે કે, ''તારીખ 29 એપ્રિલ 2022 પહેલાં હંસા મરી જાય અને તેઓ તેમની કૉલેજમાં નોકરી કરતી કે અભ્યાસ કરતી અજાણી યુવતી સાથે લગ્ન કરી શકે તે માટે તેની સાથે મળીને હંસાને ઠળીયા ગામે દેવજીભાઈએ તેમના મકાનમાં પૂરી રાખ્યાં.''

''ભોજન નહીં મળતા હંસાબહેનના શરીરમાં લોહીમાં (હિમોગ્લોબિનના ટકા) તથા પ્રોટીનની ખામી થતાં તેમના શરીરના અવયવોને ક્ષતિ પહોંચી હતી."

ફરિયાદમાં આગળ લખવામાં આવ્યું છે, "હૉસ્પિટલમાં સારવાર ચાલતી હોવા છતાં સારવાર માટે અમદાવાદ લઈ જવાનું કહી ખોટી રીતે રજા લઈ બેભાન અવસ્થામાં ઘરમાં છોડીને દેવજી મારુ જતા રહ્યા હતા. "

આ પોલીસ ફરિયાદ ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પોલીસે આઈપીસીની કલમ 304 અને કલમ 34 હેઠળ ગુનો નોંધીને આરોપી પ્રોફેસરને જેલ મોકલાયા છે અને વધુ તપાસ ચાલી રહી છે.

ભૂખથી તડપાવીને મારવામાં આવ્યાં?

પતિ પોતાની પત્નીને મારી નાંખવા માટે દિવસો સુધી તેમને ખોરાક અને પાણી ન આપે અને એક મકાનમાં પૂરી રાખે, આ પ્રકારની તડપાવી તડપાવીને મોત આપવાની ઘટના અચરજ પમાડે તેવી છે.

હત્યાના આરોપી સમાજશાસ્ત્રના પ્રોફેસર છે તે વધારે અચરજ પમાડે છે.

આટલી શિક્ષિત વ્યક્તિ પોતાનાં પત્ની સાથે આટલી હદની ક્રૂરતા આચરી શકે તે પણ આઘાતજનક છે.

કેસની પ્રાપ્ય વિગતો અનુસાર, દેવજી મારુ અને હંસાબહેનનાં લગ્ન 16 વર્ષ પહેલાં થયાં હતાં. તેઓને એક 14 વર્ષનો દીકરો પણ છે.

લગ્ન બાદ દેવજી ખાનગી કૉલેજમાં માસિક 2500 રૂપિયાના પગારે નોકરી કરતા હતા.

પોલીસ કેસમાં અત્યાર સુધી મળેલી વિગતો અનુસાર 'તેઓ તેમનાં પત્નીના પિતા પાસેથી પૈસા મેળવવા માટે તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. હંસાબહેનના પિયર પક્ષની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં તેમનો સંસાર સુખેથી ચાલે તે માટે તેમની માંગણીઓ સંતોષતા હતા. તેમને આખા વર્ષનું અનાજ પણ ભરી આપતા હતા.'

જોકે, બાદમાં દેવજી મારુ પરીક્ષા પાસ કરીને પાંચ વર્ષ પહેલાં તળાજાની સરકારી કૉલેજમાં નોકરીમાં જોડાયા હતા અને તેઓ મહુવા શહેરમાં ભાડાના મકાનમાં રહેતા હતા.

પોલીસ કેસની વિગતો અનુસાર, 'આ દરમિયાન પણ પ્રોફેસર તેમનાં પત્ની સાથે મારપીટ કરતા હતા. હંસાબહેનને દિવસો સુધી ભોજન નહીં આપીને ત્રાસ આપતા હતા.'

'દેવજી મારુએ પ્લૉટ ખરીદવા માટે પોતાનાં પત્નીના દાગીના વેચી નાખ્યા હતા.'

'દરમિયાન દેવજીના સસરાએ કોડીનારમાં જમીન વેચી હોવાના સમાચાર મળ્યા અને દેવજીએ મકાન બનાવવા માટે પૈસા મેળવવા માટે હંસાબહેન ઉપર દબાણ કરવાનું શરૂ કર્યું હતું.'

હંસાબહેનના પરિવાર અનુસાર, 'હંસાબહેનના પિતાએ ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા જ્યારે ચાર ભાઈઓએ 1.5 લાખ રૂપિયા મળી કુલ 9 લાખ રૂપિયા આપ્યા હતા. દેવજીએ તેમના નાના સાળા રઘુને એક વર્ષ સુધી ઘર બાંધવામાં મજૂર તરીકે કામ કરવા દબાણ કર્યું હતું.'

'ગત 29 એપ્રિલ 2022ના રોજ હંસાબહેનની તબિયત લથડી હોવાનું પડોશીઓને ધ્યાને આવ્યું હતુ. હંસાબહેનને ગંભીર એનિમિયા સાથે મહુવા શહેરની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.'

'જોકે, સારવાર ચાલી રહી હતી તે દરમિયાન પ્રોફેસર પત્નીને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાનું કહીને હંસાબહેનને ઘરે લઈ ગયા હતા.'

પોલીસ ફરિયાદ અનુસાર 'એક રૂમમાં હંસાબહેનને પૂરીને પ્રોફેસર ચાલ્યા ગયા હતા. '

'જોકે, આ દરમિયાન કોડિનારમાં રહેતાં હંસાબહેનના ભાઈઓ તેમના ખબર અંતર પૂછવા માટે મહુવા હૉસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેઓ મળ્યા ન હતા. '

હંસાબહેનના પડોશીઓ પાસેથી જાણવા મળ્યું હતુ કે, 'હંસાબહેનને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાને બદલે એક મકાનના રૂમમાં ગોંધી રાખવામાં આવ્યા છે.'

'હંસાબહેનના ભાઈઓએ તળાજા પોલીસની મદદ લીધી હતી અને હંસાબહેનના ઘરે પહોંચ્યા હતા જ્યાં તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યાં હતાં.'

'ભાઈઓ હંસાબહેનને લઈને તાત્કાલિક જૂનાગઢની ખાનગી હૉસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં.'

12 મે 2022ના રોજ હંસાબહેનનું અવસાન થયું હતું.

પ્રોફેસરનાં લગ્નબાહ્ય સંબંધની શંકા

તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ડી. ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "આરોપી તેમનાં પત્નીને જમવાનું આપતા ન હોવાથી તેમને પ્રોટીનની તેમજ હિમોગ્લોબિનની કમી સર્જાઈ હતી અને તેમની પત્નીનું મૃત્યુ થયું હતું. મૃતકના ભાઈની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે."

તેમણે વધુમાં જણાવ્યું કે "આરોપીના અજાણી યુવતી સાથેના સંબંધો અંગેની તપાસ ચાલી રહી છે. તેમજ પોલીસ પુરાવા એકઠા કરવાની કાર્યવાહી કરી રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો