જામનગર : 'સમાધાન થયું તોય દીકરાને મારી નાખ્યો', એ પ્રેમલગ્ન જેણે સાસુ-જમાઈનો ભોગ લીધો

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અમારા છોકરાએ પ્રેમલગ્ન કર્યાં પછી માથાકૂટ થઈ હતી. બે વખત વહુને પાછા લઈ ગયા, બે વખત સમાધાન થયું કે બન્ને પરિવારો એકબીજાને ત્યાં નહીં જાય, પછી આ છોકરાને કેમ મારી નાંખ્યો?"

આ શબ્દો છે સોમરાજ સોરીયાના કૌટુંબિક કાકા જયુભાઈ ચારણના...

જામનગરના હાપા વિસ્તારમાં રહેતા અને કુરિયર બૉય તરીકે કામ કરતા સોમરાજ સોરિયાને તેના જ વિસ્તારમાં રહેતાં રૂપલબા ઝાલા સાથે પ્રેમ થઈ ગયો હતો.

યુવતીના પરિવારજનોનો ઇનકાર હોવા છતાં આશરે દસ મહિના પહેલાં બન્નેએ પ્રેમલગ્ન કરી દીધાં હતાં. જેનો તાજેતરમાં કરુણ અંજામ આવ્યો છે.

જયુભાઈ કહે છે, "અમે ચારણ અને છોકરી દરબાર છે પણ બન્નેને ગમતું હતું એટલે લગ્ન કર્યાં."

તેઓ આગળ જણાવે છે, "બન્નેનાં લગ્નને હજુ દસ મહિના જ થયા હતા. આ દરમિયાન ઘરઘરના લોકો ઝગડતાં બે વાર વહુને પાછા લઈ ગયા હતા. બે વખત સમાધાન થયા બાદ તે પાછી આવી હતી."

સમાધાન વિશે વાત કરતાં તેઓ કહે છે,"સમાધાનમાં એ લોકોએ છોકરી સાથે આજીવન સંબંધ ન રાખવાનું નક્કી કર્યું અને બન્ને પરિવારોએ પણ એકબીજાના ઘરે ન જવાનું નક્કી કર્યું હતું."

તો પછી એવું તો શું થયું કે તેમાં બે લોકોની હત્યા થઈ અને બન્ને પરિવારો બરબાદ થઈ ગયા?

બન્ને હત્યાના કિસ્સામાં પોલીસે રૂપલબાના પિતા અને ભાઈ તેમજ સોમરાજના ભાઈની ધરપકડ કરી લીધી છે.

'એ બન્ને તેની પાછળ દોડ્યા અને અચાનક ચીસ સંભળાઈ'

સોમરાજના સંબંધી અને પાડોશમાં જ રહેતા લુણાભાઈ ચારણ કહે છે, "પ્રેમલગ્નના ઝઘડાના લીધે આ બનાવ બન્યો છે. છોકરીના પિતા અને ભાઈએ સોમરાજને મોટરસાયકલના શોરૂમમાં મારી નાખ્યો છે. આ બનાવ કઈ રીતે બન્યો તેની કોઈને ખબર નથી."

જ્યારે આ ઘટનાનો એકમાત્ર સાક્ષી સોમરાજનો એક મિત્ર છે. આરોપીઓની ઓળખ પરેડ બાકી હોવાથી અને તેને મળી રહેલી ધમકીઓના કારણે તેણે નામ ન આપવાની શરતે બીબીસી સાથે વાત કરી હતી.

તે કહે છે, "તે દિવસે બપોરે અમે બન્ને બાઇક પર જઈ રહ્યા હતા. અચાનક રસ્તામાં રૂપલબાના પિતા સતુભા અને ભાઈ યશવંતસિંહે અમને રસ્તામાં રોક્યા અને બોલાચાલી કરવા લાગ્યા."

રડમસ અવાજમાં તે આગળ કહે છે, "સોમરાજને ખ્યાલ આવી ગયો હતો કે કંઇક અજુગતુ થવાનું છે. જેથી તે દોડીને બાઇકના શોરુમમાં ભાગ્યો. એ બન્ને જણાં પણ તેની પાછળ પાછળ દોડ્યા અને ગણતરીની સેકંડોમાં મને એક ચીસ સંભળાઈ."

"ચીસ સાંભળીને હું દોડ્યો અને ત્યાં જઈને જોયું તો એ લોકોએ સોમરાજને રહેંસી નાખ્યો હતો. જેથી મેં પહેલાં તેના ભાઈ લખધીર સોરિયાને ફોન કર્યો અને બાદમાં ઍમ્બ્યુલન્સ બોલાવી."

"લખધીરભાઈ આવ્યા ત્યારે સોમરાજના મૃતદેહને લોહીથી લથબથ હાલતમાં જોઈને ગુસ્સામા હતા. અમે લોકો તેને લઈને હૉસ્પિટલ આવ્યા. ત્યાર બાદ શું થયું તેની મને ખબર નથી."

'અચાનક બચાવો બચાવોની બૂમ સંભળાઈ અને ફોન કપાઈ ગયો'

સતુભાના પરિવારમાં તેમના પત્ની સહિત ચાર પુત્રી અને એક પુત્ર હતા. તેમના પરિવારનો સંપર્ક કરતાં પોલીસ ફરિયાદ નોંધાવનારાં પુત્રી આનંદબા વાત કરી શકે તેવી હાલતમાં નહોતા.

તેમના સંબંધી પી. કે. સિંહે જણાવ્યું કે સૌથી નાની પુત્રી રૂપલબાએ સોમરાજ સાથે પ્રેમલગ્ન કરતાં પરિવારમાં કોઈએ તેની સાથે સંબંધ ન રાખવાનું નક્કી કર્યું હતું.

તેઓ કહે છે, "રૂપલબાના આ પ્રેમલગ્નથી સૌથી વધુ દુખ માતા આશાબાને થયું હતું. જેથી આનંદબા રોજ સવારે તેમને ફોન કરતાં હતાં. રાબેતા મુજબ તેમણે રવિવારે સવારે પણ ફોન કર્યો હતો પરંતુ ઘરમાં મોટર રિપેરિંગનું કામ ચાલતું હોવાથી વાત થઈ ન હતી."

પી. કે. સિંહ આગળ જણાવે છે, "ત્યાર બાદ આનંદબાએ સાડા અગિયાર વાગ્યાની આસપાસ ફોન કર્યો તો ચાલુ વાતે અચાનક બચાવો બચાવોની બૂમો સંભળાઈ અને ફોન કપાઈ ગયો. ફરીથી ફોન કરતાં કોઈકે ફોન ઊપાડીને કહ્યું, હાપા ચાંદનીચોકની ગલીમાં તેમની પર કોઈ છરીથી હુમલો કરીને નાસી ગયું છે અને તેઓ રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડ્યાં છે."

"આટલું સાંભળતા જ ફોન મૂકીને તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ત્યાંથી માતાને હૉસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતાં. હૉસ્પિટલમાં જ તેમને ખબર પડી હતી કે લખધીર સોરિયાએ તેમના માતાની હત્યા કરી છે."

'ગણતરીના કલાકોમાં ઝડપાયા આરોપી'

જામનગર હાપા પોલીસમથકના સબ ઇન્સ્પેક્ટર જે. કે. પરમાર કહે છે, "સોમરાજ અને રૂપલબા નજીકમાં જ રહેતાં હતાં અને બન્નેએ દસ મહિના પહેલાં જ લગ્ન કર્યાં હતાં. યુવતીના પિતા સતુભા અને તેમના દીકરા યશવંતસિંહને આ લગ્ન મંજૂર ન હતાં."

"બે વખત સમાધાન બાદ પણ અચાનક એ દિવસે તેમણે સોમરાજની હત્યા કરી. જ્યાર બાદ સોમરાજના ભાઈ લખધીર ઉશ્કેરાઈને તેમના ઘરે જતા હતા અને રસ્તામાં તેમનાં પત્ની આશાબા મળી આવતાં રસ્તામાં જ તેમની હત્યા કરી દીધી હતી."

જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું જણાવે છે કે આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક સમગ્ર જામનગરમાં નાકાબંધી કરીને યશવંતસિંહ, સતુભા અને લખધીરને ઝડપી પાડવામાં આવ્યા હતા.

તેઓ આગળ કહે છે, "આ મામલે બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમના પર આરોપ લગાવવામાં આવ્યા છે, તે તમામની ધરપકડ કરી દેવાઈ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે."

'જ્ઞાતિ: સામાજિક પ્રતિષ્ઠા અને વર્ચસ્વનો મુદ્દો'

'ઓનર કિલિંગ'ની ઘટનાઓ પાછળનાં વિવિધ પાસાં સમજવા માટે જાણીતા સમાજશાસ્ત્રી રાજેન્દ્ર જાનીનો સંપર્ક કર્યો.

તેઓ કહે છે, "સૌરાષ્ટ્રમાં જ્ઞાતિનું એક આગવું મહત્ત્વ હોય છે અને લોકો પર સામાજિક જીવનમાં જ્ઞાતિનું મહત્ત્વ વધુ હોય છે."

તેઓ આગળ કહે છે, "સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે દરબાર જ્ઞાતિ ખુદને સૌથી ઊંચી માનતી હોય છે અને આવા સંજોગોમાં તેમની જ્ઞાતિની દીકરીઓ અન્ય જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરે તો એ તેમના માટે સામાજિક પ્રતિષ્ઠાનો મુદ્દો બની જાય છે."

"આવા સંજોગોમાં જ્ઞાતિનું વર્ચસ્વ અને પિતાનો મોભો અગત્યનો થઈ જાય છે. જેના કારણે ઓનર કિલિંગ જેવી ઘટનાઓ બને છે."

જ્ઞાતિના વર્ચસ્વની વાતને સમર્થન આપતા રિટાયર્ડ એસીપી દિપક વ્યાસ જણાવે છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ત્યાર બાદ થોડા પ્રમાણમાં ઉત્તર ગુજરાતમાં જ્ઞાતિનું વર્ચસ્વ વધારે હોવાથી ઓનર કિલિંગની ઘટનાઓ વધારે સંખ્યામાં સામે આવે છે.

જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓનર કિલિંગનું પ્રમાણ ઓછું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી ઓનર કિલિંગની ઘટનાઓ

  • જુલાઈ 2010માં સૌરાષ્ટ્રથી સુરત સ્થાયી થયેલા પરિવારની પૂજા રાઠોડ નામની છોકરીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતા તેના ભાઈએ પૂજાની હત્યા કરી.
  • સપ્ટેમ્બર 2018માં સાણંદના હિતેશ ચાવડાએ પ્રેમલગ્ન કરીને ગયેલી તેની સગર્ભા બહેન અને બનેવીની હત્યા કરી હતી.
  • જુલાઈ 2019માં ઉચ્ચ જ્ઞાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કરનારા દલિત યુવક સાથે સમાધાન કરવાના બહાને યુવતીના પરિવારે યુવકની હત્યા કરી હતી.
  • એપ્રિલ 2020માં જસદણમાં પ્રેમલગ્ન કરનારી બહેનને ઝેર પીવાની ફરજ પાડનારા બે ભાઈઓની ધરપકડ કરાઈ હતી.
  • મે 2020માં પ્રેમલગ્ન કરીને ભાગી ગયેલું યુગલ જૂનાગઢ પરત આવ્યું ત્યારે તેમની હત્યા કરી દેવાઈ હતી.
  • ઓગસ્ટ 2020માં રાજકોટમાં મુસ્લિમ સાથે પ્રેમલગ્ન કરવાની જીદ કરનારી હિંદુ યુવતીની તેણીના પિતાએ હત્યા કરી નાંખી.
  • એપ્રિલ 2022માં ઉપલેટામાં પ્રેમલગ્ન કરનારાં યુવક-યુવતીની જાહેરમાં સસરા અને સાળાએ હત્યા કરી.
  • મે 2020માં રાજકોટમાં મુસ્લિમ યુવતીના પ્રેમમાં પડેલા હિંદુ યુવકની હત્યા કરાઈ.