મોરબી : હળવદના કારખાનામાં દીવાલ પડતાં 12નાં મૃત્યુ, મોદી-શાહે દુ:ખ વ્યક્ત કર્યુ, CMની ઘટનાસ્થળે મુલાકાત

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલી જીઆઈડીસીમાં આજે બપોરે એક ભયાવહ દુર્ઘટના સર્જાઈ છે.

મોરબી જિલ્લાના હળવદમાં દીવાલ ધસી પડવાની એક દૂર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે. બુધવારના બપોરની આસપાસ બનેલી આ ઘટનામાં મૃત્યુ પામનારા તમામ શ્રમીકો છે.

હળવદ જીઆઈડીસીમાં આવેલી સાગર સૉલ્ટ નામની કંપનીમાં આ દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી પ્રમાણે આ કંપનીમાં દરરોજની જેમ મીઠાની કોથળીઓ ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે દુર્ઘટના ઘટી હતી.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. શ્રમ રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન પણ મુખ્યમંત્રી સાથે દુર્ઘટનાસ્થળે મુલાકાતે ગયા હતા.

શ્રમિકો મીઠાની કોથળીઓ ભરી રહ્યા હતા ત્યારે અચાનક જ દીવાલ ધસી પડી હતી. જેની નીચે અહીં કામ કરતા 20 જેટલા શ્રમીકો દટાઈ ગયા હતા. જેમાં કેટલાંક પુરુષો અને મહિલાઓ પણ હતાં.

દીવાલ પડતાની સાથે જ શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબીની મદદથી શ્રમિકોને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

જોકે, લોકોને બહાર કાઢી લેવામાં આવે તે પહેલાં જ 12 જેટલાં લોકોનાં મોત થયાં છે. શ્રમિકોના મીઠાની થેલીઓ અને દીવાલ નીચે દબાઈ જવાથી મોત થયાં છે.

કેવી રીતે પડી હતી દીવાલ?

બીબીસી ગુજરાતીના સહયોગી સ્થાનિક પત્રકાર રાજેશ આંબલિયાએ આપેલી માહિતી અનુસાર હળવદમાં આવેલ સાગર સૉલ્ટ નામની ફેકટરીની અંદર મોટાં-મોટાં શેડ આવેલાં છે અને તેની વચ્ચે દીવાલો બનેલી હતી.

દીવાલની એક બાજુ મીઠાથી ભરેલી મોટી-મોટી બોરીઓ રાખવામાં આવી હતી જે દીવાલના ટેકે મૂકેલી હતી.

દીવાલની બીજી બાજુ સ્થાનિક મજૂરો ત્યાં મીઠાની કોથળી ભરવાનું કમ કરતા હતા. દીવાલની બીજી બાજુ બોલીઓના વજનના કારણે બોરીઓનો વજન દીવાલ પર આવતા દીવાલ તૂટી પડી હતી.

દીવાલની બીજી બાજુ કામ કરતા 15થી વધારે લોકો આ દીવાલ તૂટતા તેની નીચે દબાઈ ગયા હતા.

રાહત અને બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી 12 લોકોના મૃતદેહો મળી આવ્યા હતા જ્યારે બે ઈજાગ્રસ્તોને બચાવી લેવામાં આવ્યા હતા.

આ ઘટના જ્યારે બની ત્યારે બપોરના લંચનો સમય થતા મોટાભાગના લોકો ત્યાંથી જતા રહ્યા હતા એટલે તેઓ બચી ગયા હતા.

સ્થાનિક પત્રકાર રાજેશ આંબલિયાને મળેલી માહિતી અનુસાર આ દીવાલ 73 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી હતી. સાગર સૉલ્ડ નામની ફેકટરી 2009થી હળવદના જીઆઈડીસીમાં શરૂ કરવામાં આવી હતી અને તે અલગ-અલગ બ્રાન્ડના મીઠાનું પૅકિંગ કરતા હતા.

પીએમે શોક વ્યક્ત કર્યો, સીએમનીઘટનાસ્થળે મુલાકાત

આ ઘટનાની ગંભીરતા જોતાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

તેમણે ટ્વિટર પર લખ્યું, "મોરબીમાં દિવાલ ધરાશાયી થવાથી સર્જાયેલી દુર્ઘટના હૃદયને હચમચાવી દે તેવી છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલદી સાજા થાય તેવી કામના. સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે."

તો મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો વડા પ્રધાનરાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. વડા પ્રધાન કાર્યાલય તરફથી ટ્વીટ કરીને આ જાહેરાત કરાઈ છે. તો મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીકાર્યાલય તરફથી કરવામાં આવી છે.

ભારતના ગૃહમંત્રી અમીત શાહે પણ હળવદની દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે "12 લોકોનાં મૃત્યુ ખૂબ જ દુખદ છે. મેં મુખ્ય મંત્રીજી સાથે વાત કરી છે. વહીવટી તંત્ર રાહત પહોંચાડવામાં વ્યસ્ત છે. ઘાયલોને તાત્કાલિક હૉસ્પિટલમાં પહોંચાડી તેમની સારવારમાં કરવામાં આવી રહી છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. "

ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે પણ દુર્ઘટનામાં માર્યા ગયેલા શ્રમિકના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલયની ટ્વીટ મુજબ, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

આ ઘટના અંગે ભાજપના પૂર્વ મંત્રી અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ જયંતી કાવડિયાએ શોક વ્યક્ત કર્યો છે.

તેમણે ફેસબુક પર લખ્યું, "હળવદ GIDCમાં દુર્ઘટના સમાચાર જાણી મારા તમામ કાર્યક્રમ અધૂરા મૂકી હું હળવદ તથા સિવિલ હૉસ્પિટલની મુલાકાતે જઈ રહ્યો છું."

"મે સમગ્ર ઘટનાની જાણ મુખ્ય મંત્રીના કાર્યાલયને કરી છે. સ્થાનિક વહીવટી તંત્રને તાત્કાલિક ઘટનાસ્થળે તમામ મદદ કરવા મુખ્ય મંત્રી કાર્યલાય તરફથી આદેશો આપ્યા છે."

ગુજરાતના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ આ મામલે સરકાર મૃતકોનોના પરિવાર સાથે ઊભી હોવાનું આશ્વાસન આપ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો