અમદાવાદ મર્ડર કેસ : અમદાવાદમાં પત્ની અને બાળકોની હત્યા કરનાર પતિ મંગળસૂત્રથી કઈ રીતે પકડાયો?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

બંધ ઘરમાંથી પોલીસને એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસને એક મહિલા, તે મહિલાનાં દાદી અને તેમનાં બે બાળકોના મૃતદેહ મળ્યા હતા. આ મહિલાનો પતિ ફરાર હતો, પોલીસને તેમની પર શંકા ગઈ. આ અમદાવાદના વિરાટનગરની ઘટના છે.

પોલીસે મૃતદેહ મળ્યાના 48 કલાકમાં હત્યા કરવાના ગુનામાં એક શખ્સની ધરપકડ કરી છે, અને તે વ્યક્તિ મૃતક મહિલાનો પતિ અને મૃતક બાળકોનો પિતા છે.

પોલીસ અધિકારી કહે છે કે "હત્યાના ચાર દિવસ થઈ ગયા હતા, ઘરને સાફ કરીને પત્ની, બાળકો અને પત્નીનાં દાદીના મૃતદેહો ગોઠવેલા હતા."

"અમને જેની પર શંકા હતી એના સુધી પહોંચવાની કોઈ કડી નહોતી."

એ પછી પોલીસને એક કડી મળી, એ કડી એટલે મૃતક મહિલાનું મંગળસૂત્ર.

ઘરના મોભી પર શંકાની સોય

બંધ ઘરમાંથી ગંધ આવતી હોવાથી પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘરમાં જઈ તપાસ કરી તો મૃતદેહો મળી આવ્યા, એ વખતે હત્યાને અંદાજે ચાર દિવસ થઈ ગયા હતા.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમે તપાસ શરૂ કરી ત્યારે કોઈ કડી નહોતી મળી, આખાય ઘરમાં એક જ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ હતી.

ઘરની સ્થિતિને જોતાં પોલીસને આ કેસ લૂંટનો હોવાનું જણાતું ન હતું. આ દરમિયાન પોલીસને ખબર પડી કે પરિવારના મોભી વિનોદ ગાયકવાડનો કોઈ પત્તો નથી.

માંડલિક કહે છે કે અમને તેની પર શંકા ગઈ, તપાસમાં ખબર પડી કે વિનોદ ગાયકવાડ ડ્રાઇવર તરીકે કામ કરતો હતો અને ખાસ કમાતો નહતો, એટલે સંતાવવા માટે એને પૈસાની જરૂર પડે.

મંગળસૂત્રની મદદથી આગળ વધેલી પોલીસ તપાસ

પોલીસના ધ્યાને આવ્યું કે મૃતક મહિલા પાસેથી મંગળસૂત્ર મળ્યું ન હતું અને એ દિશામાં પોલીસે તપાસ આદરી હતી.

પોલીસની ટીમને ખબર પડી કે એક વ્યક્તિ મંગળસૂત્ર વેચવા ગઈ હતી, ઍક્ટિવાના નંબર અને ફોટોથી મંગળસૂત્ર વેચવા આવેલા શખ્સની ઓળખ થઈ અને તે મૃતક મહિલાનો પતિ વિનોદ જ હતો.

ડીસીપી માંડલિક કહે છે કે, "અમે ટેકનિકલ સર્વેલન્સ ટીમને કામે લગાડી તો ખબર પડી કે વિનોદનો ફોન બંધ હતો."

પોલીસે મહારાષ્ટ્રના સાંગલીમાં સ્થિત વિનોદના વતન હરિપુરમાં તપાસ કરી તો જાણ થઈ કે તેણે મૃતક મહિલા સોનલના મોબાઇલ પરથી ફોન કર્યો હતો.

પોલીસે તે નંબરને ટ્રેક કરવાનો શરૂ કર્યો તો તે વારંવાર ચાલુ અને બંધ થતો હતો.

પોલીસ કહે છે કે એના આધારે અમને ખબર પડી કે વિનોદ પહેલાં સુરત ગયો, સુરતથી અમદાવાદ આવ્યો અને ત્યાર બાદ મધ્ય પ્રદેશ ગયો હતો.

જે બાદ પોલીસે ચાર ટીમ બનાવી અને એને ઘેરવાનું શરૂ કર્યું.

આડા સંબંધની શંકા?

ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી. પી. ચુડાસમાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "વિનોદના 17 વર્ષના દીકરા ગણેશે એને કહ્યું હતું કે એનાં માતા એટલે કે વિનોદનાં પત્ની જેની ત્યાં સિલાઈકામ કરવા જતાં હતાં, ત્યાં તેમના કોઈ સાથે આડા સંબંધો હતા."

"એટલે એ મકાન બદલીને 15 દિવસથી ઓઢવના વિરાટનગરમાં ભાડાના ઘરમાં રહેવા આવ્યો હતો. એણે તપાસ કરી તો એને ખબર પડી કે તેનાં પત્નીને બે વર્ષથી લગ્નેતર સંબંધ હતો અને બાળકોને પણ આ અંગે જાણ થઈ ગઈ હતી."

પોલીસના કહેવા પ્રમાણે 'વિનોદે શનિવારે સાંજે દીકરાને શ્રીખંડ લેવા અને દીકરીને ગુટકા લેવા મોકલી દીધાં હતાં.'

'એ પછી પત્ની સોનલને બેડરૂમમાં લઈ ગયો અને સરપ્રાઇઝ આપવાના બહાને આંખે પાટા બાંધીને વિનોદે પત્નીના ગળા પર છરો ફેરવી દીધો.'

ચુડાસમા કહે છે કે "એટલી વારમાં દીકરી પ્રગતિ આવી ગઈ તો એનું ખૂન કરી નાખ્યું અને પછી દીકરા ગણેશનું પણ ખૂન કરી નાખ્યું હતું અને પત્ની સોનલનાં દાદી સુભદ્રાબહેનનું પણ ખૂન કરી નાખ્યું."

તેઓ આગળ કહે છે કે "એ બાદ ઘરમાં લોહીના ડાઘ સાફ કરી ચારેય લાશોને બાથરૂમ અને અલગ-અલગ રૂમમાં મૂકી દીધી હતી."

"આ સમયે તેના સાસુ આવ્યાં, એને સાસુ પર હુમલો કર્યો પણ દયા આવી એટલે છોડી દીધી અને પોતાના ઍક્ટિવા પર એમને ઘરે મૂકી આવ્યો."

"એ પછી તે હાઈવે પર ગયો અને ઍક્ટિવા પાર્ક કરીને સુરત ગયો હતો. ત્યારબાદ અમદાવાદ આવ્યો હતો અને પત્નીને જેની સાથે આડા સંબંધ હતા, એને મારવા ગયો પણ હિંમત ન થઈ એટલે ફરી મધ્ય પ્રદેશ ગયો હતો."

પોલીસના હાથમાં કઈ રીતે આવ્યો?

ચુડાસમા કહે છે કે ટીમ સતત એનાં પત્નીના અને એના ફોનનું સર્વેલન્સ કરતી હતી, અમને ફોન ઇન્દૌરથી ગુજરાત તરફ મૂવ થતો દેખાયો.

"જેના આધારે અમે મધ્ય પ્રદેશ અને ગુજરાતની સરહદ પાસે બધાં વાહનો ચેક કરતાં વહેલી સવારે દાહોદ પાસેથી એની ધરપકડ કરી છે."

પોલીસના જણાવ્યા પ્રમાણે પૂછપરછ દરમિયાન એણે કબૂલ કર્યું છે કે એનાં પત્નીને આડા સંબંધો હતા એટલે ખૂન કર્યું હતું.

પોલીસે તેનું ઍક્ટિવા અને જેનાથી ખૂન કર્યું હતું એ ચાકુને કબ્જે કર્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો