You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટમાં હાથે બાંધેલી દોરીથી પિતાને જીવતા સળગાવનાર દીકરો અને સાવકી મા કેવી રીતે પકડાયાં?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
રાજકોટના ભક્તિનગર વિસ્તારની મારુતિનગરની શેરીમાં સોપો પડી ગયેલો હતો, કેમ કે અહીં દીકરાએ સાવકાં માતા સાથે મળીને પોતાના પિતાને જીવતા સળગાવી દેવાની ઘટના ઘટી છે.
શરૂઆતમાં મા-દીકરાએ પોલીસ આગળ એવી વાર્તા ઘડી કે કોઈ અજાણ્યા લોકોએ આવી મારા પિતાને માર મારીને જીવતા સળગાવી દીધા છે, પરંતુ પોલીસને મળેલી એક કડીએ ખૂની મા-દીકરાનો ખેલ ઊંધો પાડી દીધો.
પોલીસે ઝીણવટભરી તપાસ બાદ માતા અને સગીર દીકરાની ધરપકડ કરી છે.
મૃતક રાકેશ અધ્યારુ રાજકોટમાં પહેલાં ખાખરાનો ગૃહઉદ્યોગ ચલાવતા હતા. ખાખરાના ધંધામાં આર્થિક રીતે નબળી હોય એવી મહિલાઓ કારખાનામાં ખાખરા બનાવવા આવતી હતી.
બે બાળકના પિતા રાકેશ અધ્યારુ એમને ત્યાં ખાખરા બનાવવા આવતાં આશા ચૌહાણ સાથે પ્રેમમાં પડ્યા અને એમણે તેમનાં પહેલાં પત્નીને છોડી દીધાં હતાં.
પછી રાકેશ અધ્યારુ આશા ચૌહાણ સાથે લિવ ઇન-રિલેશનમાં રહેવા લાગ્યા. સમય જતાં ખાખરાના ધંધામાં ખોટ આવતા આખરે ખાખરા બનાવવાનો અને વેચવાનો ધંધો બંધ કર્યો અને એક ઝવેરીને ત્યાં સિક્યૉરિટીની નોકરી કરવા લાગ્યા.
રાકેશના મિત્ર જયેશ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ખાખરાનો ધંધો બંધ થયો એટલે બે બાળકો અને નવી પત્નીનો ગુજારો ચલાવવો એમના માટે અઘરો હતો. 2006થી એ આશા સાથે રહેતા હતા."
"એમનો એક દીકરો મંદબુદ્ધિ છે એટલે એમના બીજા દીકરાને રાકેશે એનાં માતા અને ભાઈને ઉછેરવા માટે સોંપી દીધો હતો. રાકેશને સમય જતા દારૂ પીવાની ટેવ પણ પડી ગઈ હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "ઓછી આવકવાળા રાકેશે ક્યાંકથી પત્રકારનું આઈ કાર્ડ પણ મેળવ્યું હતું, અને એમના સ્વાભાવ પ્રમાણે ગમે તેની સાથે ઝઘડો કરતા હતા. પાણીની જેમ પૈસા વાપરતા હતા, પણ એમનાં પત્ની અને દીકરો એમને જીવતો સળગાવે એ જાણીને અમને પણ આઘાત લાગ્યો છે."
આખરે કેવી રીતે માતા અને દીકરો પકડાઈ ગયાં?
આ કેસની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમને સાંજના સમયે મૅસેજ મળ્યો કે મારુતિ નગરની શેરીમાં આવેલા એક મકાનમાં ત્રણ અજાણ્યા લોકોએ ઘૂસી જઈ એક વ્યક્તિને ઢોર માર મારીને જીવતી સળગાવી દીધી છે."
"પોલીસને રાકેશની સાથે 16 વર્ષથી લિવ-ઇન રિલેશનમાં રહેતાં આશા અને રાકેશના સગા દીકરાએ ફોન કર્યો હતો. અમે અડોશપાડોશમાં તપાસ કરી તો કોઈએ અજાણ્યા લોકોને આવતા-જતા જોયા નહોતા."
"અમે જ્યારે મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે અમારી નજર એક વસ્તુ પર પડી. જેને જીવતા સળગાવ્યા હતા એ રાકેશનું શરીર બળી ગયું હતું, પણ એમના હાથ બાંધ્યા હતા એ દોરી બળી નહોતી. અને એ કારણે અમારી શંકા પાકી થઈ કે રાકેશનું ખૂન કરીને એમને જીવતા સળગાવી દેવાયા હોવા જોઈએ."
તેઓ કહે છે કે રાકેશને મારનાર બહારના લોકો નહીં પણ ઘરના હોવા જોઈએ, અને રાકેશના દીકરાના શરીર પર થયેલા છરીનાં નિશાન ઊંડાં નહોતાં, જાતે કર્યાં હોય એવાં હતાં, જેના કારણે અમારી શંકા વધુ દૃઢ થઈ.
માથામાં લોખંડનો દસ્તો માર્યો
ઇન્સ્પેક્ટર ચાવડા કહે છે કે પહેલાં અમે બંને મા-દીકરાની પૂછપરછ કરી તો બંને એક જ સરખી વાત કરતાં હતાં. રાકેશ સગીર છે અને સ્કૂલમાં ભણે છે, પણ એને એની સાવકી માતા સાથે ખૂબ પ્રેમ હતો.
"અમે જ્યારે એની વધુ ઊલટતપાસ કરી તો એણે કહ્યું કે મારા પિતા મને અને મારાં માતાને ખૂબ મારતા હતા. મારાં માતા ઘરમાં રહીને અમારી સંભાળ લેતા હતા. ઘરે ખાખરા-પાપડ બનાવી પૈસાની મદદ કરતી હતી, પણ મારા પિતા મારઝૂડ કરીને પૈસા લઈ લેતા."
"અને એને કારણે મારાં માતા અને પિતાને અવારનવાર ઝઘડા પણ થતા હતા."
ચાવડા કહે છે, "પછી અમે અલગ રીતે આશાની પૂછપરછ કરી તો ખબર પડી કે રાકેશે અમારા લગ્નનાં 16 વર્ષ પછી પણ બીજી કોઈ મહિલા સાથે સંબંધ બાંધ્યો હતો, એના કારણે એ મા-દીકરાને ત્રાસ આપતા હતા."
પોલીસના તપાસમાં આશાએ કહ્યું કે "અમારી સહનશક્તિ ખૂટી ગઈ અને એને માર મારવાનું શરૂ કર્યું. પછી આવેશમાં આવી મેં એમને માથામાં લોખંડનો દસ્તો માર્યો અને એ બેભાન થઈ ગયા. અમને મા-દીકરાને લાગ્યું કે એ મરી ગયા છે એટલે અમે એમની પર કેરોસીન છાંટીને સળગાવી દીધા. એના હાથ બાંધી દીધા, જેથી પોલીસને લાગે કે કોઈ ઘરમાં આવીને એનું ખૂન કરી ગયું છે."
"અમે લોકોએ જ પોલીસને ફોન કરીને બોલાવ્યા હતા અને કહ્યું કે ઘરમાં ત્રણ બુકાનીધારી લોકો આવ્યા અને રાકેશને બાંધીને માર મારી જીવતા સળગાવી દીધા છે."
રાકેશના ભાઈ શૈલેશ અધ્યારુએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મારા મોટા ભાઈ રાકેશનાં પ્રથમ પત્નીનો એક દીકરો માનસિક બીમાર છે. મારા ભાઈની બીજી પત્ની એને સાથે ઘરમાં રાખવા તૈયાર નહોતી એટલે અમે એને અમારી પાસે રાખતા હતા."
"અમે એની સારવાર અને દવા કરાવીને થાકી ગયા હતા. આથી એને લઈને જખાપીર માનતા પૂરી કરવા જતા હતા ત્યાં અમને સમાચાર મળ્યા."
"અહીં આવ્યા ત્યારે જોયું કે મારા સગા ભત્રીજાએ (જે મારા ભાઈની બીજી પત્ની સાથે રહેતો હતો) એના હાથમાં છરી મારી ઈજા કરેલી હતી, અને મારા ભાઈની બીજી પત્ની આશાએ એને (રાકેશ) કેફી પીણું પીવડાવી મારી નાખ્યાની મને શંકા હતી. એટલે મેં પોલીસને કહ્યું હતું કે મારા ભાઈનું ખૂન એની બીજી પત્ની અને મારા સગા ભત્રીજાએ કર્યું છે."
પોલીસે એમની આ કબૂલાતના આધારે સગીર દીકરા અને રાકેશ સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી આશા ચૌહાણની ધરપકડ કરી છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો