You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાણંદઃ પત્નીનું કુહાડીથી ગળું કાપીને હત્યા કરનાર પતિ એક ફોટો મૂકવાથી કેવી રીતે પકડાયો?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"પત્નીનું કુહાડીથી ગળું કાપીને ખૂની જાણે કે હવામાં ઓગળી ગયો એવો આ અનડિટેક્ટ કેસ અમારી પાસે આવ્યો ત્યારે કોઈ કડી નહોતી. ખૂનીના મિત્રો, હ્યુમન ઇન્ટેલિજન્સથી માંડીને તમામ રિસોર્સ લગાવી દીધા હતા. ટેકનિકલ સર્વેલન્સ કર્યું પણ કઈ મળ્યું નહીં, અચાનક સોશિયલ મીડિયાના માધ્યમથી અમને કડી મળી ગઈ."
છ મહિનાથી પત્નીનું ખૂન કરીને ભાગતા ફરતા આરોપીને કેવી રીતે પોલીસે પકડ્યો તેની વાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈએ કરી હતી.
અમદાવાદ નજીક સાણંદના ગઢવી વાસમાં રહેતા 34 વર્ષીય હિતેશ ગોહિલનાં લગ્ન એની જ જ્ઞાતિનાં હંસા ગોહિલ સાથે થયાં હતાં. હિતેશ નોકરીએ જાય ત્યારે એમના પત્નીને ઘરમાં રહેવાની સૂચના આપતો હતો.
જો એ પ્રમાણે ના કરે તો ઝઘડો કરતો હતો એવું જાણવા મળ્યું હતું.
ગઢવી વાસ પાસેના હોળી ચકલામાં રહેતા હિતેશના મિત્ર જુગલ ઠાકોરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "હિતેશ એની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. ગામમાં બીજા કોઈ સાથે એ વાત કરે તો એ સહન કરી શકતો નહોતો."
"હિતેશનું લગ્નજીવન સારું ચાલતું હતું, પણ આ સમયમાં હિતેશ નાની ચોરીમાં બે વાર જેલમાં ગયો અને એની પત્ની હંસાનો પહેલો પતિ એને મળવા આવતો અને હંસાનો એક બીજો મિત્ર પણ એને મળવા આવતો હતો. આ વાતની હિતેશને ખબર પડી એટલે બંને વચ્ચે ખૂબ ઝઘડો થતો હતો. એક દિવસ પાડોશીઓએ પોલીસને જાણ કરી કે હંસાનું કુહાડીથી ગળું કાપીને હત્યા થઈ છે અને હિતેશ ફરાર છે."
આરોપી પતિ ફોટા પાડવાનો શોખીન
સાણંદ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો હતો. ગુનાનો ભેદ ઉકેલાયો નહોતો એટલે તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી.
આ ગુનાનો ભેદ ઉકેલનાર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે 25 નવેમ્બર 2021ના દિવસે હિતેશ એની પત્ની હંસાનું ખૂન કરીને નાસી ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એનો ઇતિહાસ ફંફોસ્યો તો ખબર પડી કે એ સાણંદમાં ભૂતકાળમાં બે ચોરીના ગુનામાં પકડાયેલો હતો. નાની-મોટી ચોરીમાં એનો સાથ આપનાર એના જૂના દોસ્તો અને હિસ્ટ્રિશીટરની ઊલટતપાસ કરી પણ કોઈ કડી મળી નહીં."
પોલીસ કહે છે કે "એના ગુનાહિત ઇતિહાસમાં એક વાત જોવા મળી કે એ કપડાં અને મોબાઇલ ફોનનો શોખીન હતો. ભૂતકાળમાં ચોરીમાં મળેલા પૈસાથી એણે ફોન ખરીદ્યા હતા, નવાં કપડાં અને મોંઘી કાર સાથેના ફોટા પાડી સોશિયલ મીડિયા પર મૂકતો હતો."
દેસાઈ કહે છે જ્યારથી એની પત્નીનું ખૂન થયું હતું ત્યારથી એનો ફોન બંધ હતો. સોશિયલ મીડિયાનું એકાઉન્ટ પણ બંધ હતું. એના કપડાના શોખને જોતા અમે એ ક્યાંથી કપડાં ખરીદતો હશે એનો અંદાજ લગાવ્યો, કારણ કે એના મોટા ભાગના ફોટામાં બ્રાન્ડેડ કપડાંની ફર્સ્ટ કૉપીવાળા શર્ટ હતાં.
"આવાં કપડાં સસ્તાં મળે. બ્રાન્ડેડ શર્ટ 2100થી 2400નું હોય તો ફર્સ્ટ કૉપીવાળું શર્ટ 400થી 500 રૂપિયામાં મળે. અમદાવાદમાં મોટા ભાગે સાણંદ અને એની આસપાસના લોકો આવાં કપડાં ખરીદતા હોય છે. અમે એ દુકાનોમાં તપાસ કરી તો ત્યાંની એક દુકાનમાંથી એ કપડાં ખરીદતો હતો એના દુકાનદારે કહ્યું કે છ મહિનાથી એ કપડાં ખરીદવા આવ્યો નથી."
સોશિયલ મીડિયા એકાઉન્ટ ચાલુ કર્યું ને પકડાયો
દેસાઈ કહે છે કે "અમે એના બંધ પડેલા સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર નજર રાખતા હતા. એક દિવસ મોટા ગ્રે કૉલરના બ્લ્યુ શર્ટમાં એનો કાર સાથેનો ફોટો દેખાયો. અમે તાત્કાલિક એનું આઈ.પી. એડ્રેસ શોધ્યું તો ખબર પડી કે એ સાણંદ પાસે શેલા વિસ્તારમાં એક ફ્લેટમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો."
પોલીસે બાદમાં આરોપી પતિને પકડી લીધો હતો અને એણે ગુનો પણ કબૂલી લીધો હતો.
દેસાઈ કહે છે કે "એણે કબૂલ કર્યું કે એને શક હતો કે એની પત્નીને એના પહેલા પતિ સાથે પ્રેમસંબંધ હતો. એ જેલમાં ગયા પછી બંને છાનાછપના મળતાં હતાં. ઉપરાંત પણ એને બીજા પુરુષ સાથે સંબંધ હોવાની શંકા હતી એટલે નવેમ્બર મહિનામાં એમને મોટો ઝઘડો થયો હતો અને એણે એની પત્નીનું કુહાડીથી ગળું કાપીને હત્યા કરી."
"પત્નીનું ખૂન કરીને એ મુંબઈ ગયો હતો, ત્યાં એ નોકરી કરીને પછી સુરત આવ્યો અને સુરતમાં નોકરી કરી. ત્યાંથી પછી શેલા ગામ આવ્યો હતો. એને એમ હતું કે હવે એ પોલીસના હાથે નહીં પકડાય એટલે એણે ફરી પોતાનું સોશિયલ મીડિયા ઍક્ટિવ કર્યું અને એ પકડાઈ ગયો."
આવી કરપીણ હત્યા કરવા પાછળનું કારણ જણાવતા જાણીતા મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોક્સીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આવા કિસ્સામાં આર્થિક રીતે થોડા નબળા અને ઊંચાં સપનાં જોનારા લોકો વધુ હોય છે. આવા લોકો ફોન પર ક્રાઇમ સીરિયલ વધુ જોતા હોય છે, જેના કારણે એમના અજ્ઞાત મનમાં શંકા ઘર કરી જાય છે."
"આ કિસ્સામાં યુવતિના બીજાં લગ્ન હતાં અને પતિ ચોરીના કેસમાં પકડાયો અને જૂનો પતિ એને ફરી મળ્યો એટલે એની શંકા વધુ પ્રબળ થઈ ગઈ હતી. આવા લોકો મોર્બિડ જેલસીનો શિકાર બની જાય છે અને એમની શંકા વધુ ને વધુ દૃઢ બને ત્યારે આવું હિંસક સ્વરૂપ લેતા હોય છે, આ એક કારણ હોઈ શકે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો