pubg રમવાની ના પાડતા પુત્રે માતાને ગોળી મારી, મૃતદેહને બે દિવસ સુધી ઘરમાં રાખ્યો

ઉત્તર પ્રદેશના લખનૌમાં ઑનલાઈન ગેમ PUBGના વ્યસનનો ભોગ બનેલા 16 વર્ષીય કિશોરે ગેમ રમવાનું બંધ કરવાનું કહેતાં તેની માતાની ગોળી મારીને હત્યા કરી દીધી.

ઘટના લખનૌના પીજીઆઈ પોલીસ સ્ટેશન હેઠળના યમુનાપુર કૉલોનીની છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, એડિશનલ ડીસીપી કાસિમ આબિદીએ જણાવ્યું કે, "લખનૌના પીજીઆઈ પોલીસ સ્ટેશન હેઠળની યમુનાપુર કૉલોનીમાં એક મહિલા તેના બે બાળકો સાથે રહેતી હતી. મહિલાના પતિ જુનિયર કમિશન્ડ ઑફિસર છે અને હાલમાં પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવી રહ્યા છે."

પોલીસના જણાવ્યા અનુસાર, "16 વર્ષના કિશોરને ઑનલાઇન ગેમ PUBGની લત લાગી ગઈ હતી. તેણે કહ્યું કે તેની માતા તેને આ ગેમ રમવાની ના પાડતી હતી. તેથી, તેણે તેના પિતાની લાયસન્સવાળી પિસ્તોલથી તેની માતાની ગોળી મારીને હત્યા કરી હતી. કિશોરે શનિવારે રાત્રે ત્રણ વાગ્યે આ ઘટનાને અંજામ આપ્યો હતો."

પોલીસના જણાવ્યા અનુસાર, હત્યામાં વપરાયેલી પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તેમણે મંગળવારે મળી આવેલો મહિલાનો વિકૃત મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. કિશોરની ધરપકડ કરવામાં આવી છે.

બે દિવસ સુધી મૃતદેહ રૂમમાં રાખ્યો

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પોલીસે જણાવ્યું કે કિશોરે માતાની હત્યા કરી હતી અને તેમના મૃતદેહને ઘરના એક રૂમમાં બંધ રાખ્યો હતો. ગોળી મારતી વખતે કિશોરની નવ વર્ષની બહેન પણ ત્યાં હાજર હતી.

પરંતુ કિશોરે તેની બહેનને કહ્યું હતું કે તે કોઈને કંઈ કહેશે તો પરિણામ ખરાબ આવશે. મૃતદેહમાંથી નીકળતી દુર્ગંધ ફેલાય નહીં તે માટે કિશોરે રૂમ ફ્રેશનરનો ઉપયોગ કર્યો હતો.

કાસિમ આબિદીએ કહ્યું, "મંગળવારે જ્યારે મૃતદેહમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે કિશોરે પિતાને ઘટનાની જાણ કરી. પિતાએ આ અંગે પાડોશીઓને જણાવ્યું. ત્યાર બાદ પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી."

ડીસીપીના કહેવા પ્રમાણે, કિશોરે હત્યા અંગે ખોટી વાર્તાઓ ઘડવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે આ હત્યા ઘરમાં આવતા ઈલેક્ટ્રિશિયને કરી છે. પરંતુ ઇલેક્ટ્રિશિયનની તપાસ કરતાં આ વાત ખોટી નીકળી. આખરે કિશોર પડી ભાંગ્યો અને તેણે સાચી હકીકત કહી સંભળાવી.

પબજી પ્રતિબંધથી વાલીઓએ રાહત અનુભવી હતી

બે વર્ષ પહેલાં ભારત સરકારે ચીન દ્વારા બનાવવામાં આવેલી 118 મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમાં ગેમિંગ એપ PUBG પણ સામેલ હતી.

આ એક ઑનલાઇન ગેમ છે, જેનું પૂરું નામ પ્લૅયર અનનુન બેલ ગ્રાઉન્ડ્સ છે. આ ગેમ માટે ઇન્ટરનેટ કનેક્શન જરૂરી છે. ફોન પર ગેમ રમવા માટે એન્ડ્રૉઇડ ફોન જરૂરી છે.

ભારતમાં આ ગેમ પર પ્રતિબંધ લગાવ્યા બાદ આ ગેમની લતનો શિકાર બનેલાં બાળકોના વાલીઓએ ભારે રાહત અનુભવી હતી. દેશભરમાંથી PUBGની આદતનો શિકાર બનેલા લોકો સાથે સંબંધિત અકસ્માતોના અહેવાલો આવતા હતા.

માતા-પિતાની સમસ્યા એ હતી કે 2019માં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'પરીક્ષા અંગે ચર્ચા' કરી રહ્યા હતા, ત્યારે એક વાલીએ તેમને પૂછ્યું, "મારો દીકરો 9મા ધોરણમાં અભ્યાસ કરે છે, પહેલાં તે અભ્યાસમાં ખૂબ જ સારો હતો, છેલ્લા કેટલાક સમયથી તેનો ઝુકાવ ઑનલાઇન ગેમ્સમાં વધ્યો છે, જેના કારણે તેના અભ્યાસ પર અસર થઈ રહી છે. મારે શું કરવું જોઈએ?"

પ્રશ્ન પૂરો થતાં જ વડા પ્રધાન મોદીએ કહ્યું, "પબજી વાલા હૈ ક્યા?" જોકે, દોઢ વર્ષ બાદ ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

પ્રતિબંધ હોવા છતાં બાળકો કેવી રીતે રમે છે?

ભારતમાં પબજી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ તેના હેઠળ માત્ર મોબાઇલ વર્ઝન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેનું ડેસ્કટોપ વર્ઝન ઉપલબ્ધ હતું.

જોકે, મોબાઇલ પર PUBG વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે VPNનો ઉપયોગ કરીને રમી શકાય છે. આની મદદથી લોકેશન જિયો બ્લોકિંગને બાયપાસ કરી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો