ખેડા : ગેમ રમવા મોબાઇલ ન આપ્યો તો 16 વર્ષના તરુણે નાના ભાઈની જ હત્યા કરી દીધી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'મારા ભાઈએ મને મોબાઇલ ગેમમાં હરાવ્યો અને બીજી ગેમ હું જીતું નહીં એટલે મને ફોન ન આપ્યો. મને ગુસ્સો આવ્યો અને મેં એને પથ્થર માર્યો. એ બેહોશ થઇ ગયો તો મને થયું કે એ મરી ગયો છે એટલે મેં એના હાથ-પગ બાંધીને કૂવામાં ફેંકી દીધો અને હું રાજસ્થાન ભાગી ગયો ... ' આ શબ્દો છે12 વર્ષનાં પિતરાઈ ભાઈની હત્યા કરનાર ટીનેજર સર્વેશ વાલાહીનાં.

મોબાઇલ ગેમને કારણે સગીર ભાઈ દ્વારા સગીર ભાઈની હત્યાનો આ બનાવ તાજેતરમાં ગુજરાતમાં ખેડા પાસે બન્યો છે.

16 વર્ષીય સર્વેશ અને 12 વર્ષીય વ્રજેશ બે પિતરાઈ ભાઈઓની આ વાત છે. બેઉ રાજસ્થાનના બાંસવાડામાં રહેતાં હતાં અને ત્યાં ભણતાં હતાં.

સર્વેશના પિતા રામજી વાલાહી અને વ્રજેશના પિતા જીતમલ વાલાહી ગુજરાતમાં અમદાવાદ નજીક ખેડા પાસે આવેલા ગોબલજ ગામમાં ફૂટપાથના પથ્થર બનાવવાની ફેકટરીમાં કામ કરતા હતા અને એક જ રૂમમાં સાથે રહેતા હતા.

બેઉ બાળકોને સ્કૂલમાં વૅકેશન પડયું એટલે ફરવા માટે તેમણે બેઉને રાજસ્થાનથી ગુજરાત બોલાવી લીધાં.

વૅકેશનમાં ગુજરાત આવેલા સર્વેશ અને વ્રજેશ બેઉને સરસ બનતું હતું અને બેઉ સગા ભાઈઓની જેમ સાથે રહેતાં હતાં.

પરિવાર સાથે સંપર્ક માટે મોબાઇલ ફોન

વ્રજેશના પિતા જીતમલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ગામમાં ખેતીની આવક ખાસ ન હતી એટલે મારા મોટા ભાઈ પહેલાં ગુજરાત આવ્યા અહીં મજૂરી શરૂ કરી અને હું રાજસ્થાનમાં પરિવારનું ધ્યાન રાખતો હતો. મારો દીકરો મોટો થયો એટલે સર્વેશ અને વ્રજેશને મૂકી હું પણ ભાઈ સાથે મજૂરી કરવા ગુજરાત આવી ગયો."

"મારા મોટા ભાઈ જે ફેક્ટરીમાં કામ કરતા હતા ત્યાં જ તેમણે મને કામ અપાવ્યું અને અમે બંને ભાઈઓ એક રૂમ રાખીને રહેતા હતા. ગામમાં રહેતા દીકરા અને પરિવારનાં લોકો સાથે સંપર્ક થાય અને વીડિયો કોલ થાય એટલે એક ફોન છોકરાંઓને અપાવ્યો હતો. એ બંને છોકરાંઓ ઑનલાઇન ભણતાં પણ હતાં અને ફોનમાં ગેમ રમતાં હતાં."

શું ઘટના બની?

જીતમલ કહે છે કે "22મી મેના દિવસે બંને છોકરાઓ નાસ્તો કરવાનું કહીને કહી બહાર ગયા હતા અને મોડી રાત સુધી પરત ન આવ્યા."

"અમે તપાસ કરી તો 24મી એ ખબર પડી કે સર્વેશ એની મેળે રાજસ્થાનના બાંસવાડા જતો રહ્યો હતો. અમે એને વ્રજેશ વિષે પૂછ્યું તો પહેલાં સીધો જવાબ ન આપ્યો અને પછી કહ્યું કે એને મારીને કૂવામાં નાખી દીધો છે. અમે તરત પોલીસને જાણ કરી અને ખેડા ગોબલજ આવવા નીકળ્યાં."

ખેડાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. પ્રજાપતિએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમને જીતમલનો ફોન આવ્યો હતો કે એના દીકરાને માર્યો છે. એ લોકો બાંસવાડાથી પરત આવ્યા એટલે બાળક અમને ઘટનાસ્થળ યાને કે ગોબલજની સીમમાં લઇ ગયો. ત્યાં અમે જોયું કે 12 વર્ષનાં બાળકની લાશ કૂવામાં તરતી હતી અને એનાં હાથ અને પગ તારથી બાંધેલા હતાં."

"અમે આ બાળકની એક કાઉન્સિલરની મદદથી પૂછપરછ ત્યારે વિગતો ખબર પડી."

તેઓ કહે છે કે, "અમને ખબર પડી કે એ બંને ભાઈઓ મોબાઇલમાં રોજ ફ્રી ફાયર નામની વીડીયો ગેમ રમતાં હતાં. 22મેના દિવસે બંને પાણીપૂરીનો નાસ્તો કરી આ ગેમ રમવા માટે કૂવા પાસે બેઠાં હતાં. મોટો ભાઈ ગેમ હારી ગયો અને નાનો ભાઈ જીતી ગયો. એટલે મોટાં ભાઈએ ફરી ગેમ રમવા માટે ફોન માગ્યો અને 12 વર્ષનાં નાના ભાઈએ ફોન ન આપ્યો એટલે ગુસ્સે થઇ એનાં માથામાં પથ્થર માર્યો."

પી.એસ.આઈ. પ્રજાપતિ કહે છે કે, "આ સોળ વર્ષનાં છોકરાએ પોતાનાં નાના ભાઈને માર્યાં પછી એને એમ લાગ્યું કે એ મરી ગયો છે, એટલે એનાં હાથ અને પગ તારથી બાંધીને એને કૂવામાં ફેંકી દીધો અને ઘરે જવાને બદલે પોતાના ગામ બાંસવાડા જતો રહ્યો હતો."

"આ બન્ને છોકરાં પરત નહીં આવતા બંનેના પિતાએ બધે તપાસ કર્યા પછી પોતાના ગામમાં તપાસ કરી તો ખબર પડી કે મોટો છોકરો ગામમાં હતો અને નાના ભાઈનો કોઈ પતો ન હતો. એમના પરિવારનાં લોકોએ એની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે એણે નાના ભાઈ મારીને કૂવામાં નાખી દીધો છે."

"અમે મૃતદેહનું પીએમ કરાવી હત્યા કરનાર સગીરને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરી બાળસંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો છે."

બાળકો આવી સ્થિતિએ કેવી રીતે પહોંચે છે?

આ ઘટના અંગે મનોચિકિત્સક ડૉક્ટર જ્યોતિક ભચેચે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ટીનએજ બાળકોમાં મોબાઈલમાં વિડીયો ગેમ રમવાનું વળગણ જોખમી રીતે વધી રહ્યું છે. આવી વીડિયો ગેમ તરુણોનાં માનસ પર ખૂબ અસર કરે છે. આ બાળકો એકવાર ગેમ રમવાનું શરુ કરે એટલે જ્યાં સુધી જીતે નહીં ત્યાં સુધી રમે છે. એમાં કેટલીક ગેમ એવી હોય છે કે જે એમનાં અજાગૃત મનમાં હિંસાની વૃત્તિ બળવત્તર બનાવે છે. આવી વીડીયો ગેમમાં સામેનૈ માણસને મારીને જીતવાનું હોય છે, વળી ગ્રુપમાં રમાતી આ ગેમમાં પૉઇન્ટ વધુ મેળવવાની ઘેલછા હોય છે. કેટલીક ગેમમાં વર્ચ્યુઅલ મની પણ હોય છે એટલે બાળકોને વીડીયો ગેમનું વ્યસન થઈ જાય છે."

"જેમને આવું વળગણ થઈ જાય એવાં બાળકોમાં વડીલોની વાત ન માનવી, નાની વાતમાં ગુસ્સો કરવો જેવી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ સર્જાય છે. આવા સમયે બાળકમાં ઇમ્પલ્સીવ એગ્રેશન આવે છે. એને દરેક જગ્યાએ સફળતા જોઈએ છે અને જેવી નિષ્ફળતા મળે કે વધુ ઝનૂનથી ગેમ રમે છે. આ ચક્ર ચાલ્યાં કરે છે અને એ સમયે મગજમાં ડોપામાઇનનું લેવલ ઓછું થાય છે એના કારણે એ અકળાયેલો રહે છે અને ઈમ્પલ્સ ડિકંટ્રોલ નામની માનસિક બીમારી થાય છે જેમાં એ પોતાની જાતને રોકી શકતો નથી કોઈ પણ રીતે ગેમ રમવા મળે એવો પ્રયાસ કરે છે. આવા લોકોને ઝડપથી ઑપોઝિશનલ ડીફાઇંડ ઈશ્યુ તરફ વળે છે."

"ડૉક્ટર ભચેચ કહે છે કે , આવાં બાળકો પહેલાં જૂઠ્ઠું બોલે, પછી એમની ફરજોમાંથી છટકવાંની કોશિશ કરે, નાની નાની વાતમાં ગુસ્સો કરે એ ઇમ્પલ્સિવ એગ્રેશનના શરૂઆતી લક્ષણો છે. જો એને શરૂઆતમાં રોકી લેવામાં આવે અને બાળકને બીજી તરફ વાળવામાં આવે તો એને હિંસક બનતો બચાવી શકાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો