You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં ગોળીબાર : ટેક્સાસમાં અંધાધૂંધ ફાયરિંગ, મૃતકોમાં મોટાં ભાગનાં બાળકો, ગન પૉલિસી પર ફરી સવાલ
અમેરિકાના ટેક્સાસમાં મંગળવારે એક 18 વર્ષીય યુવકે અંધાધુંધ ફાયરિંગ કરતાં 21 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં 19 બાળકોનો સમાવેશ થાય છે.
આ હુમલો ટેક્સાસની રૉબ મિલિટરી સ્કૂલમાં થયો, જે સેન એન્ટોનિયોથી લગભગ 80 કિલોમિટર દૂર છે.
સંદિગ્ધ હુમલાખોર 18 વર્ષનો યુવક હતો. ટેક્સાસના ગવર્નર અનુસાર આ યુવકનું નામ સલ્વાડોર રામોસ હતું.
તપાસકર્તાઓએ જણાવ્યું છે કે સંદિગ્ધ હુમલાખોર પાસે સેમિ-ઑટોમેટિક રાઇફલ અને હૅન્ડગન હતાં.
સમાચાર સંસ્થા ઍસોસિએટડ પ્રેસે જણાવ્યું છે કે મંગળવારની સવારે જ્યારે ગોળીબાર શરૂ થયો તો યુએસ બૉર્ડર પેટ્રોલના કર્મચારીઓ ઘટનાસ્થળની નજીક જ હાજર હતા.
તેઓ શાળાએ પહોંચ્યા અને તેમણે બૅરિકેડની પાછળ હાજર હુમલાખોરને ઠાર કર્યો.
સ્થાનિક મીડિયા રિપોર્ટમાં અનુમાન લગાવાયું છે કે હુમલાખોર વિસ્તારની જ હાઇસ્કૂલનો વિદ્યાર્થી હતો.
તેણે મિલિટરી ગ્રેડની બે રાઇફલો ખરીદી હતી અને સ્કૂલ આવતાં પહેલાં પોતાની દાદીની હત્યા કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્કૂલમાં જે બાળકો માર્યાં ગયાં છે તેમાં મોટા ભાગનાં બીજા અને ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓ હતા. જેમની ઉંમર 7થી 10 વર્ષ જણાવવામાં આવી રહી છે.
હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને તેના પર શોક વ્યક્ત કરતાં કહ્યું, "એક બાળકને ખોવું એ આપણા હૃદયના એક ટુકડાને ખોવા બરાબર છે. જેનાથી આપણા દિલમાં એક ખાલીપો રહી જાય છે અને સ્થિતિ એવી ક્યારેય નથી રહેતી જેવી પહેલાં હતી."
નવી ગન પૉલિસી લાવવાની માંગ
અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે હુમલા બાદ નવી ગન પૉલિસી લાવવાની માંગ કરી છે. જેથી ભવિષ્યમાં આ પ્રકારના હુમલાઓને રોકી શકાય.
વૉશિંગ્ટનમાં એક કાર્યક્રમ દરમિયાન કમલા હેરિસે કહ્યું, "દરેક વખતે જ્યારે હુમલો થાય છે તો આપણું હૃદય તૂટે છે, પરંતુ ફરી આ થઈ રહ્યું છે. હવે બસ. એક રાષ્ટ્રના રૂપમાં આપણી અંદર સખત પગલાં લેવાનું સાહસ હોવું જોઈએ અને એક નવી ગન પૉલિસી લાવવી જોઈએ જેથી ભવિષ્યમાં આવું ના થાય.
અમેરિકન મીડિયા અનુસાર હમલામાં માર્યા જનારામાં 18 બાળકો અને ત્રણ વયસ્ક લોકો છે. સ્ટેટ સેનેટર રોલેન્ડ ગુતિયેરેઝે કહ્યું કે સ્થાનિક પોલીસે મરનારાઓની સંખ્યા 21 ગણાવી છે.
ગોળીબારની આ ઘટના બાદ જો બાઇડને કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે આ દુઃખને ઍકશનમાં બદલવું પડશે.
બાઇડન ક્વૉડ સંમલેન માટે જાપાનના પ્રવાસે હતા. વ્હાઇટ હાઉસ પહોંચતાં જ તેમણે પત્ની જિલ બાઇડન સાથે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો.
તેમણે કહ્યું, "આ પ્રકારે માસ શૂટિંગની ઘટના વિશ્વમાં બીજે ક્યાં બહુ ઓછી ઘટે છે. કેમ? બીજા દેશોમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યા છે. તેમના ઘરેલુ વિવાદ છે, પણ વારંવાર એવી રીતે ત્યાં ગોળીબાર નથી થતો, જેવી રીતે અમેરિકામાં થાય છે. "
"આપણે આ પ્રકારની મારકાટ વચ્ચે કેમ રહેવા માગીએ છીએ?"
તેમણે એવું પણ ઉમેર્યું, "આપણે આને સતત કેમ થવા દઈએ છીએ? હવે સમય આવી ગયો છે કે આ પીડાને ઍકશનમાં બદલવી પડશે. દરેક માતાપિતા માટે, આ દેશના નાગરિકો માટે. "
"હવે એ લોકોનો પણ સમય આવી ગયો છે કે જે હથિયારો માટે કાયદાના માર્ગમાં અવરોધો સર્જે છે. તમને જણાવવાની જરૂર છે કે આપણે આને નહીં ભૂલીએ. આપણે કંઈક કરી શકીએ છીએ અને આપણે કરવું પડશે."
આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું છે કે દેશ લકવાગ્રસ્ત થઈ ગયો છે.
ઓબામાએ કહ્યું, "દેશભરમાં માતાપિતા પોતાનાં બાળકોને પથારી પર સુવડાવે છે, વાર્તા અને હાલરડાં સંભળાવે છે, પણ તેમના મનમાં એ ચિંતા રહે છે કે જો કાલે તેઓ પોતાના બાળકને શાળાએ, કોઈ દુકાને કે કોઈ જાહેર સ્થળે છોડે તો એની સાથે શું ઘટશે?"
ઓબામા અને તેમનાં પત્ની મિશેલે મૃતક બાળકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું, 'અમે પણ તેમના માટે આક્રોશિત છીએ.'
તેમણે કહ્યું, "બંદૂકોના તરફદારો અને એક રાજકીય પક્ષને કારણે આ પ્રકારની ત્રાસદીથી બચવા માટે કોઈ યોગ્ય પગલું ભરવા ઇચ્છુક નથી. લાંબા સમયથી આપણે પગલાં ભરવાની જરૂર છે. "
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો