You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PUBG : બૅટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ભારતમાં લૉન્ચ, PUBGની જેમ પ્રતિબંધ લાગી શકે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ક્રાફ્ટન દ્વારા તૈયાર કરવામાં આવેલી ગેમ Battlegrounds Mobile India હવે ભારતમાં લૉન્ચ થઈ ગઈ છે, ઉલ્લેખનીય છે કે આ ગેમ પહેલાં PUBGના નામે ઓળખાતી હતી અને 2020માં તેની પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
ભારતમાં હજુ બૅટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા લૉન્ચ થઈ છે, ત્યાં તેના પર પ્રતિબંધ મૂકવાની માગ ઊઠી રહી છે.
આ ચર્ચા પાછળનું કારણ બૅટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા બનાવનાર કંપની ક્રાફ્ટનનું એક નિવેદન છે, જેમાં તેમણે સ્વીકાર્યું છે કે ગેમની અમુક માહિતી થર્ડ પાર્ટીને પણ આપવામાં આવી છે.
ક્રાફટને જણાવ્યું છે કે નવીન પ્રકારના ગેમ ફીચર્સ માટે થર્ડ પાર્ટી સૉલ્યુશન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને આ માટે ગેમનો ડેટા થર્ડ પાર્ટીને આપવામાં આવે છે. પ્રાઇવસી પૉલિસીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઍપ કેટલોક યુઝર ડેટા થર્ડ પાર્ટીને ટ્રાન્સફર કરશે.
ક્રાફ્ટને જણાવ્યું છે કે પ્રાઇવસી પૉલિસીનો ભંગ કરીને કોઈ પણ માહિતી આપવામાં આવી નથી, કંપનીએ જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં તેનો ઉકેલ લઈ આવશે.
બૅટલગ્રાઉન્ડ ગેમ પર પ્રતિબંધ મૂકવાની માગ
યુઝર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ગેમ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી રહ્યા છે.
નવી દિલ્હીના સાંસદ મીનાક્ષી લેખીએ ટ્વીટ કરીને જણાવ્યું કે આ બાબતે તપાસ કરવા માટે તેઓ ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન મંત્રાલયને વિનંતી કરશે.
જોકે હાલમાં માત્ર ઍન્ડ્રોઇડ ફોન માટે ગેમ લૉન્ચ કરવામાં આવી રહી છે, iOS વર્ઝન ટૂંક સમયમાં લૉન્ચ કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ગેમ દક્ષિણ કોરિયાની કંપની ક્રાફ્ટનેટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. મે મહિનામાં કંપનીએ જાહેરાત કરી હતી કે જૂનમાં આ ગેમ ભારતમાં લૉન્ચ કરવામાં આવશે.
2020માં ભારતમાં PUBGપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પ્રતિબંધ બાદ ગેમ ફરીથી લૉન્ચ થાય તે માટે રસીકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
BGMI પર PUBG જેમ પ્રતિબંધ લાગી શકે?
બૅટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ભારતમાં સત્તાવાર રીતે લૉન્ચ થાય એ પહેલાં જ કેટલાક લોકોએ ગેમ પર પ્રતિબંધની માગણી કરી હતી.
JNUના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ગૌરવ ત્યાગીએ ભારતના ગૃહ મંત્રાલય અને ઇલેકટ્રોનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન મંત્રાલયમાં આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) હેઠળ અરજી કરીને પ્રશ્ન કર્યો હતો કે બૅટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાને લૉન્ચ થતી અટકાવી શકાય કે કેમ.
ધ મિન્ટ અનુસાર મંત્રાલયે જણાવ્યું કે તેઓ ગેમને ભારતમાં લૉન્ચ થતી અટકાવી શકે નહીં પણ એકવાર લૉન્ચ થઈ જાય એબાદ ઇન્ફર્મેશન ટેકનૉલૉજી ઍક્ટ 2000ની કલમ 69 હેઠળ તેના પર પ્રતિબંધ મૂકી શકાય છે.
આરટીઆઈનો જવાબ આપતાં મંત્રાલયે જણાવ્યું કે PUBG અથવા કોઈ કંપની અથવા મોબાઈલ ઍપને ભારતમાં પ્રવેશ માટેની મંજૂરી આપવામાં ઇલેક્ટ્રોનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન મંત્રાલયની ભૂમિકા નથી.
ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ગૃહમંત્રાલય કોઈ પણ ઍપ્લિકેશન શરૂ કરવા માટે મંજૂરી આપતી નથી. ભારતનાં સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી અને સંરક્ષણનાં હિતોને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રોનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન મંત્રાલયની ઍપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી શકે છે.
PUBG કરતાં કેટલી અલગ બૅટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા?
બૅટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાની સાઇઝ 721 એમબી છે અને તે PUBGને ઘણી મળતી આવે છે. ગેમનો યુઝર ઇન્ટરએસ જેને UI કહેવામાં આવે છે તે PUBG જેવો છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગેમમાં વપરાતાં નકશાઓ, શસ્ત્રો અને ઘણી બધી બાબતો PUBGની જેમ જ રાખવામાં આવ્યાં છે.
PUBGની જેમ જ નવી ગેમમાં ક્લાસિક મૅચ, અરેના મોડ, ટીમ ડેથ મૅચ અને બીજા ગેમ મોડ્સ છે. વાહન ચલાવવાની રીત, શસ્ત્રોની કામ કરવાની રીત અને બિલ્ડિંગોની ડિઝાઇન પણ સરખી છે.
જોકે અમુક બાબતો નવી ઉમેરવામાં આવી છે.
સૌથી મોટી વાત છે કે યુઝર PUBG ઍકાઉન્ટમાંથી પોતાની માહિતી બૅટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયામાં ટ્રાન્સફર કરી શકે છે, પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે તમારું PUBG ઍકાઉન્ટ ફેસબુક અથવા ટ્વિટર સાથે લિંક કરવામાં આવ્યું હોય.
ક્રાફ્ટને જાહેરાત કરી છે કે ડેટા પ્રાઇવસી માટે ગેમમાં નવા નિયમો અને શરતો મૂકવામાં આવ્યાં છે.
હવે ગેમની બધી માહિતી સુરક્ષિત ક્લાઉડ સર્વરમાં મૂકવામાં આવશે, આ સર્વર ભારત અને સિંગાપોરમાં હશે.
જો ગેમ રમનાર વ્યક્તિ 18 વર્ષથી નાની વયની હશે, તો તે ગેમનો અમુક ભાગ જ રમી શકશે. ગેમમાં અલ્ટ્રા એચડી ગ્રાફિક્સ પણ આપવામાં આવ્યા છે.
ભારતમાં PUBG ગેમ બૅન કેમ થઈ?
ચીન સાથે ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદ ભારત સરકારે PUBG સહિત 260 ચીની ઍપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તે વખતે સરકારે કહ્યું હતું કે સુરક્ષાના કારણોસર આમ કરવામાં આવી રહ્યું છે.
જોકે, એ અગાઉ PUBG ગેમ પર પ્રતિબંધ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે મૂક્યો હતો. પ્રાથમિક શાળાનાં બાળકો પર ખોટી અસર ન પડે તે માટે પ્રાથમિક શિક્ષણ સમિતિએ નિર્ણય લીધો હતો.
જે બાદ વિવિધ જિલ્લાના કલેક્ટર અને પોલીસ વિભાગના વડાઓએ જાહેરનામું બહાર પાડીને PUBG ગેમ જાહેરમાં રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ પરિપત્ર બાદ પોલીસે જાહેરમાં ગેમ રમતા અનેક લોકો પર અટકાયત અને ધરપકડ જેવી કાર્યવાહી પણ કરી હતી.
જાહેરનામાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તેને આગળ વધારવામાં આવ્યું ન હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો