You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યોગ શરીરનાં પાંચ તત્ત્વો સાથે કેવી રીતે સંકળાય છે?
- લેેખક, યોગગુરુ ધીરજ વશિષ્ઠ
- પદ, સ્થાપક, વશિષ્ઠ યોગ ફાઉન્ડેશન
ભારતની વિશ્વને ભેટ ગણાતા ‘યોગ’ની અસરકારકતા માત્ર શરીર અને મનના સંતુલન સુધી જ મર્યાદિત નથી. યોગનો સંબંધ મન-શરીર સહિત વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને પાંચ મુખ્ય તત્ત્વો અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ ને આકાશ સાથે જોડવાનો પણ છે.
અહીં વાંચો યોગ દ્વારા શરીરનાં પાંચ તત્ત્વોનું સંતુલન સાધીને વ્યક્તિ કેવી રીતે પોતાનાં તન-મનને સમગ્ર વિશ્વ સાથે એકરૂપ બનાવી શકે છે?
પ્રાચીન સમયથી યોગની માન્યતા રહી છે કે 'યત પિંડે, તત બ્રહ્માંડે' એટલે કે મૂળ તત્ત્વ બ્રહ્માંડમાં છે તે જ આપણા પિંડ (શરીર)માં પણ સ્થિત છે.
યોગ, તંત્ર, આયુર્વેદ, જ્યોતિષ વગેરેમાં દરેકે પાંચ મૂળ તત્ત્વોથી શરીરનું નિર્માણ થયું હોવાનું દર્શાવ્યું છે.
તુલસીદાસે પણ સમજાવ્યું છે, "ક્ષિતિ જલ પાવક સમીરા, પંચ રચિત અતિ અધમ શરીરા."
એટલે કે, "આપણા ભૌતિક શરીરનું નિર્માણ, ધરતી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ જેવા પાંચ તત્ત્વો મળીને થયું છે."
જે પ્રકારે બ્રહ્માંડમાં આ પાંચ તત્ત્વોના અસંતુલનથી પ્રલય, વિનાશનું વાતાવરણ બને છે, એ જ રીતે આપણાં શરીરમાં આ પાંચ તત્ત્વોના અસંતુલનથી ઘણી શારીરિક-માનસિક બીમારીઓ થઈ શકે છે અને આપણું જીવન સંકટમાં આવી શકે છે.
યોગ અભ્યાસમાં વપરાતી ઘણી પદ્ધતિઓનો મુખ્ય હેતુ આ પાંચ તત્ત્વોની શુદ્ધિ કરીને તેમનું સંતુલન સાધવાનું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તંત્રમાં એને જ પંચભૂત-શુદ્ધિના નામથી પણ ઓળખાય છે.
પૃથ્વી
પહેલું તત્ત્વ પૃથ્વી છે અને એ ભૌતિક શરીરનું આધાર તત્ત્વ મનાય છે. પૃથ્વી તત્ત્વ આપણા સમગ્ર શરીરને સ્ટેબિલિટી આપે છે.
આપણાં માંસ, હાડકાં અને આકારને પૃથ્વી તત્ત્વ જ આધાર આપે છે. આપણાં શરીરમાં જે પણ નક્કર ભાગ છે, તે પૃથ્વી તત્ત્વને દર્શાવે છે.
પૃથ્વી તત્ત્વની ઊણપ અને સમસ્યા
માંસપેશીયો, હાડકાંની નબળાઈ સંબંધિત તમામ સમસ્યાઓ જેવી કે પીઠનો દુખાવો, ઓસ્ટિયોપોરોસિસ, આ ઉપરાંત મેદસ્વિતા, પાતળાપણું, નબળાઈ વગેરે...
યોગ ઉપચાર - આસન: મુખ્યત્વે સંતુલન અને ઊભા રહીને થતાં આસનો જેવા કે વૃક્ષાસન, હસ્ત ઉત્તાનાસન, ખુલ્લા પગે જમીન પર ચાલવું, માટી લેપન ચિકિત્સા અને સંતુલિત શુદ્ધ ભોજન.
જળ
આપણા શરીરમાં જે પણ પ્રવાહી સ્વરૂપે હોય છે, તે જળ તત્ત્વને દર્શાવે છે. જેમકે, લોહી, લાળ, અંતઃસ્ત્રાવો વગેરે...
ભોજન, ઓક્સિજન અને અન્ય સ્વરૂપે આપણે જે ઊર્જા ગ્રહણ કરીએ છીએ, જળ તત્ત્વ તેને શરીરના તમામ ભાગોમાં પહોંચાડીને તેમને સ્વસ્થ રાખે છે.
જળ તત્ત્વની ઊણપ અને સમસ્યા
શરદી, દમ (શ્વાસ), સોજો, લોહીનું ન ગંઠાવું કે પાતળું હોવું, મૂત્રસંબંધિત સમસ્યાઓ, જાતીય અને પ્રજનન અંગોને સંબંધિત સમસ્યાઓ.
આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિની ઊણપને કારણે થતી બીમારીઓ, અંતઃસ્ત્રાવો સંબંધિત તમામ પ્રકારની બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, થાઇરોઇડ વગેરે...
યોગ ઉપચાર - યોગાસનથી જળ તત્ત્વનું ભ્રમણ બહેતર થાય છે અને તેની સાથે સંકળાયેલી સમસ્યાઓ કાબૂમાં આવે છે.
કુંજલ યોગ ક્રિયા, જેમાં ગરમ હૂંફાળું જળ પીને તેને મોઢાથી બહાર કાઢવામાં આવે છે. આ ઉપરાંત સંતુલિત માત્રામાં જળનું સેવન, જળમાં પગ રાખવા અથવા જળ સ્નાન કરવું.
અગ્નિ
યોગમાં અગ્નિ તત્ત્વનું વધું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. શરીરમાં શુદ્ધતા માટે અગ્નિ વધુ મહત્ત્વપૂર્ણ કારક માનવામાં આવે છે.
અગ્નિ આપણા ભૌતિક શરીરમાં પાચન અગ્નિ, ભૂખ, ચયાપચય ક્રિયા (મેટાબોલિઝમ) સાથે જોડાયેલું તત્ત્વ છે.
મગજ અને ચેતાતંત્રને પણ અગ્નિનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. અગ્નિ આપણાં વિચારો, ભાવનાઓ અને સંવેદનાઓને આવેગ સ્વરૂપે અભિવ્યક્ત કરવામાં મદદ કરે છે.
અગ્નિ તત્ત્વની ઊણપ અને સમસ્યા
અપચો, તાવ, એસિડિટી, ચયાપચય સંબંધિત સમસ્યાઓ જેવી કે ડાયાબિટીસ વગેરે
યોગ ઉપચાર - યૌગિક અગ્નિસાર ક્રિયા, બંધ અને મુદ્રા, આસન - ખાસ કરીને આગળ ઝૂકીને થતાં આસનો, સૂર્યનમસ્કાર, સૂર્ય પ્રકાશનું સેવન
વાયુ
યોગમાં શરીરથી લઈ મનની શુદ્ધતા માટે વાયુ તત્ત્વને પાંચેય તત્ત્વોમાં વધુ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવ્યો છે. વાયુ તત્ત્વ શરીરમાં શ્વાસ રૂપે હાજર છે.
વાયુ તત્ત્વ મુખ્યત્વે ઓક્સિજન આપણા શરીરના વિષમ પદાર્થો એટલે કે ટૉક્સિન્સ (ઝેરી તત્ત્વો)નો ખાત્મો કરે છે.
ટૉક્સિન્સથી આપણાં મહત્ત્વપૂર્ણ અંગો નબળાં પડવાં લાગે છે અને તેમની કાર્યક્ષમતાને અસર થવા લાગે છે.
વાયુ દરેક રીતે શારીરિક અને માનસિક ગતિ માટે જરૂરી તત્ત્વ પણ છે.
વાયુનો સીધો સંબંધ ગતિ સાથે હોવાથી યોગમાં મનની ગતિને નિયંત્રિત કરવા માટે વાયુ તત્ત્વને ખૂબ જ વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે.
વાયુ તત્ત્વની ઊણપ અને સમસ્યા
શારીરિક હલનચલન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ જેવી કે વા (આર્થ્રાઇટિસ), શારીરિક દુખાવો, પાર્કિન્સન બીમારી, આ ઉપરાંત તણાવ, અવસાદ (ડિપ્રેશન) વગેરે
યોગ ઉપચાર - યૌગિક માઇન્ડફૂલ આસન મૂવમેન્ટ, પ્રાણાયામ, ખુલ્લા સ્વચ્છ વાયુવાળા વિસ્તારો જેવા કે બગીચો, ઉદ્યાનોમાં ફરવું અને પ્રાકૃતિક સ્થળોએ રહેવું.
આકાશ તત્ત્વ
આપણો પૂર્ણ આકાર, આપણાં હોવાની જે અભિવ્યક્તિ અને અનુભૂતિ છે, તે આકાશ તત્ત્વના રૂપે આપણાં અસ્તિત્વ સાથે જોડાયેલું છે.
આકાશ તત્ત્વની ઊણપ અને સમસ્યા
સ્પીચ પ્રૉબ્લેમ, વ્યક્તિત્વ સાથે જોડાયેલી સમસ્યાઓ, ખેંચ આવવી, વાઈ આવવી, મૂર્ખતાપૂર્ણ અથવા અવિવેકી વર્તન, ગાંડપણ વગેરે...
યોગ ઉપચાર - આસન, પ્રાણાયામ અને ખાસ કરીને ધ્યાનની સાધના. ખુલ્લા આકાશવાળા વાતાવરણમાં રહેવું અને ફરવું, પ્રકૃતિની નજીક રહેવું.
યોગ કરતી વખતે શું ધ્યાન રાખશો?
એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આ પાંચ તત્ત્વોમાં કેટલાક એકબીજા માટે પરસ્પર સહાયક છે તો કેટલાક વિરોધી પ્રકૃતિના છે, જેમકે વાયુ અને જળ એકબીજાના વિરોધી તત્ત્વો છે.
જેમ ભોજન કરતા જ તમારા શરીરમાં અગ્નિ તત્ત્વ વધુ જાગૃત થઈ જાય છે, એટલે ભોજન બાદ તરત જ જળ તત્ત્વ વધુ લેવાની મનાઈ છે. એમ કરવાથી ભોજનના પાચનનો સમય લાંબો થઈ જાય છે.
જોકે, પૃથ્વી અને જળ તત્ત્વ એકબીજાનાં સહાયક છે. એવી જ રીતે અગ્નિ અને વાયુ મળીને એકબીજાના સહાયક તરીકે કાર્ય કરે છે. જો તમે આ પાંચ તત્ત્વોને ન પણ સમજી રહ્યા હોવ, તો પણ યોગના અભ્યાસથી તમારા શરીરમાં જાણે-અજાણે આ પાંચ તત્ત્વો વચ્ચે એક અનોખું સંતુલન આવશે.
આથી માત્ર તમારું શારીરિક, માનસિક આરોગ્ય જ બહેતર નહીં થાય, પરંતુ તમારા વ્યક્તિત્વને પણ ચાર ચાંદ લાગી જશે.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો