International Yoga Day : '59 વર્ષે યોગ શરૂ કર્યાં અને 12 વર્ષથી કોઈ તકલીફ નથી'

    • લેેખક, રમા જયંત જોગ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

હું રમા જયંત જોગ છું. વર્ષ 2017માં યોગના પ્રચાર-પ્રસાર માટે દેશભરમાં ભ્રમણ કરી રહી હતી એ સમયે મને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. MRI તપાસમાં બહાર આવ્યું કે મારો ત્રીજો મણકો ખસી ગયો હતો, જ્યારે ચોથો, પાંચમો અને છઠ્ઠો મણકો દબાતા હતા.

તબીબોએ મને ત્રણ મહિના સુધી આરામ કરવા કહ્યું હતું. હું દરરોજ બે-બે કલાક પ્રણાયમ કરતી હતી, હું ભારપૂર્વ કહેવા માગું છું કે મને કોઈ દુખાવો નહોતો થયો.

યોગને કારણે મારી હૃદયની નળીઓની શસ્ત્રક્રિયા ટાળી શકી હતી. યોગ-પ્રાણાયામને કારણે માનસિક શક્તિ મળે છે, જ્યારે યોગાસનથી શારીરિક બીમારીઓ દૂર થાય છે.

59 વર્ષે શરૂઆત

જૂન-2007માં મેં પ્રથમ વખત યોગગુરુ બાબા રામદેવની યોગ શિબિરમાં ભાગ લીધો હતો. એ સમયે મારી ઉંમર 59 વર્ષની હતી. યોગ શરૂ કર્યાં પછી 59 થી 69 વર્ષ સુધી મને ક્યારેય શરદી નથી થઈ કે તાવ નથી આવ્યો.

આ દરમિયાન યોગના પ્રચાર-પ્રસાર દરમિયાન હું દેશભરમાં ફરી અને શિબિરો યોજી.

નિયમિત યોગ કરવાથી મારાં દૈનિક જીવનમાં ઉત્સાહ પ્રવર્તે છે. કોઈ તબક્કે મને થાક નથી લાગતો તથા હું હતાશ નથી થઈ જતી.

58 વર્ષે વ્યક્તિ નિવૃત્ત થાય છે, પરંતુ 59 વર્ષની ઉંમરે મેં ખરું કામ શરૂ કર્યું. આ બધું યોગને કારણે શક્ય બન્યું. આજે હું 71 વર્ષની છું અને મને કોઈ સમસ્યા નથી. દરરોજ હું યોગ કરું છું અને તેના પ્રસાર માટે કામ કરું છું.

'મોતનો ભય નહીં'

યોગને કારણે હું નિર્ભય થઈ ગયું છું અને મને મૃત્યુનો ડર નથી લાગતો. યોગ એક મહાન વિદ્યા છે.

જો તમે આગામી પેઢીનું ભાવિ ઉજ્જવળ કરવા માગતા હો તો વાલીઓએ તેમનાં સંતાનોને બાળપણથી જ યોગ શીખવવા જોઈએ.

હું યુવાનોને કહેવા ચાહીશ કે ઇશ્વરે તમને શરીર આપ્યું છે તો તેનો ઉપયોગ સત્કાર્યો માટે કરો. મારી ધીરજ વધશે.

જો નિયમિત રીતે યોગ કરશો તો તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને જે કોઈ લક્ષ્યાંક રાખશો તેને હાંસલ કરી શકશો.

યોગને કારણે તમારી સ્પર્ધા તમારી જાત સાથે જ શરૂ થાય છે. પોતાની જાત સાથે જ સ્પર્ધા હોવાને કારણે નિરાશા નથી આવતી.

'કોઈ ઉંમર નથી'

મારે એટલું જ કહેવું છે કે યોગ શરૂ કરવા માટે કોઈ ઉંમરબાધ નથી. યોગ ગમે ત્યારે, ગમે ત્યાં થઈ શકે છે.

યોગ શરૂ કર્યાં બાદ શરૂઆતના પાંચ વર્ષ સુધી હું રત્નાગિરિમાં જ રહી. હવે હું ઠેરઠેર ફરું છું અને યોગને ઘરે-ઘરે પહોંચાડવા માટે પ્રયાસ કરું છું. હું લોકોને યોગ સાથે જોડાવા માટે પ્રેરિત કરું છું.

નિયમિત રીતે યોગ કરવા માટે લોકોને પ્રેરણા આપું છું અને તેનાં લાભ સમજાવું છું.

જો તમે એક કલાક યોગ કરશો તો વધુ 18 કલાક સુધૂ કામ કરી શકો છો. જ્ઞાન, સફળતા અને સંપત્તિ, જે ઇચ્છો તે યોગ મારફત મળી શકે છે. તેનાથી શરીર લચીલું બને છે.

યોગથી દેશ મહાન બનશે અને તમે તમારી જાતને પણ મહાન બનાવી શકો છો.

(બીબીસી મરાઠી માટે મુશ્તાક ખાને કરેલી વાતચીતને આધારે. લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો