ગુજરાત કૅડરના એ IPS અધિકારીઓ જે નરેન્દ્ર મોદીની સામે પડ્યા હતા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગરના એક કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટકારાઈ છે.

જોકે સરકાર અને નરેન્દ્ર મોદી સામે એકમાત્ર સંજીવ ભટ્ટે બાંયો ચડાવી હતી એવું નહોતું.

ગુજરાતમાં અન્ય આઈપીએસ અધિકારીઓએ પણ તત્કાલીન સરકાર સામે બાંયો ચડાવી હતી અને તેમને ભોગવવાનો વારો આવ્યો હતો.

સંજીવ ભટ્ટ

ગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે.

1990માં ભારત બંધ વખતે જામનગરમાં હિંસા થઈ હતી. ત્યારે સંજીવ ભટ્ટ અહીં તહેનાત હતા.

એ સમયે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા વખતે પોલીસે 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તેમાંથી પ્રભુદાસ માધવજીની તબિયત બગડતા તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું.

પ્રભુદાસના ભાઈ અમૃત વૈષ્નાણીએ સંજીવ ભટ્ટ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને બીજા 6 પોલીસકર્મીઓ દ્વારા અટકાયતમાં ટૉર્ચર કરવાનો આરોપ મૂક્યો હતો.

આઈઆઈટીથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા. તેઓ ગુજરાતના આઈપીએસ કૅડરમાં જોડાયા હતા.

તેઓ એક સમયે નરેન્દ્ર મોદીની ગુડબુક્સમાં આવતા અધિકારી તરીકે પણ ઓળખાતા હતા.

તેમણે 2002નાં રમખાણો મુદ્દે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા હતા. ત્યારેથી તેઓ ચર્ચામાં આવ્યા હતા.

સતીષ વર્મા

1986ની બેચના આઈપીએસ અધિકારી સતીશ વર્માની એક કડક અધિકારીની છાપ હતી. તેઓ જ્યારે ટ્રાફિક વિભાગમાં હતા ત્યારે ઇશરત ઍન્કાઉન્ટર કેસની તપાસ માટે ગુજરાત હાઈકોર્ટે નીમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તેમનું નામ સૂચવ્યું હતું.

90ના દાયકામાં તેમનું પોરબંદરમાં પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે તેઓએ કુખ્યાત ગૅંગ લીડર સામે બાથ ભીડી હતી.

2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન અને અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા પછી વર્માની ટ્રાન્સફર શિલૉંગમાં નૉર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કૉર્પોરેશન (NEEPCO)ના ચીફ વિજિલન્સ ઑફિસર તરીકે કરવામાં આવી હતી.

શિલૉંગમાં તેમણે તત્કાલીન કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી કિરણ રિજીજુ અને અન્ય લોકો પર નીપકોના 600 મેગાવૉટના કામેંગ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં રૂ. 450 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ લગાવતો રિપોર્ટ તૈયાર કર્યો.

ભારત સરકારે નીપકોમાં તેમનો કાર્યકાળ ટૂંકાવી નાખ્યો હતો. હાલમાં તેઓ કોઈમ્બતૂરમાં સીઆરપીએફના આઈજીપી (CTC-2) તરીકે કાર્યરત છે.

રજનીશ રાય

1992ની બૅચના ગુજરાત કૅડરના આઈપીએસ અધિકારી રજનીશ રાયે સોહરાબુદ્દીન શેખ, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિ બનાવટી ઍન્કાઉન્ટર કેસની તપાસ કરી હતી.

રાય ગુજરાતમાં ડીઆઈજી સીઆઈડી (ક્રાઇમ)ની પોસ્ટ પર હતા ત્યારે 2007માં તેમણે આઈપીએસ ઑફિસર ડી. જી. વણઝારા, રાજકુમાર પાંડિયન અને દિનેશ એમએનની સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેમને કેસમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

કેસ સીબીઆઈને સોંપાયા બાદ ગુજરાત સરકારે તેમના સીઆર (કામગીરીના વાર્ષિક મૂલ્યાંકનનો રિપોર્ટ)ના ગુણમાં ઘટાડો કરી દીધો.

રાયે સૅન્ટ્રલ ઍડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યૂનલ (સીએટી)માં અપીલ કરી. ટ્રિબ્યૂનલે તેમના ગુણ ઘટાડા ઉપર સ્ટે મૂક્યો. રાજ્ય સરકારે પછી 2011માં તેમના રેકર્ડમાં સુધારો કર્યો હતો.

ઑગસ્ટ 2014માં એનડીએ સરકાર સત્તા પર આવતા રજનીશ રાયને ગુજરાતમાંથી ખસેડીને ઝારખંડના યુરેનિયમ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ. (UCIL)માં બદલી કરવામાં આવી હતી.

જૂન 2017માં તેમને આંધ્રપ્રદેશમાં સીઆરપીએફની કાઉન્ટર ઇન્સર્જન્સી ઍન્ડ ઍન્ટિ ટૅરરિઝમ (CIAT) સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

તેઓએ વ્યક્તિગત કારણસર સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી હતી. જોકે તેના એક મહિના પહેલાં ડિસેમ્બર 2018માં કેન્દ્ર સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા.

રાહુલ શર્મા

1992ની બૅચના આઈપીએસ અધિકારી રાહુલ શર્માએ 2002નાં ગુજરાત રમખાણ દરમિયાન મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.

રાહુલ શર્માએ એવો આરોપ લગાવ્યો હતો કે 2002નાં ગોધરા રમખાણ પછી તપાસ કરનારા નાણાવટી કમિશનની સામેનાં તેમનાં નિંદાત્મક નિવેદન બાદ તેમને કિનારે કરવામાં આવ્યા હતા.

તેઓએ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતમાં લગભગ એક દાયકા સુધી સેવા આપી હતી.

તેમને 2004માં સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)માં મોકલવામાં આવ્યા હતા. અને તેઓએ અહીં ત્રણ વર્ષ સુધી સેવા આપી હતી.

નોકરીના અંતિમ સમયમાં તેઓએ રાજકોટમાં ડીઆઈજી (સશસ્ત્ર એકમ)માં સેવા આપી હતી અને ફેબ્રુઆરી 2015માં તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.

રાહુલ શર્માએ 1987માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલોજી કાનપુરમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બૅચલર ઑફ ટૅકનૉલૉજીની ડિગ્રી મેળવી હતી. તેમણે કાયદાની ડિગ્રી પણ લીધી હતી.

આઈપીએસની સેવામાંથી નિવૃત્ત થયા બાદ તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી.

કુલદીપ શર્મા

1976ની બૅચના આઈપીએસ અધિકારી કુલદીપ શર્માએ 37 વર્ષ કરતાં વધુ સમય ગુજરાત પોલીસમાં સેવા આપી હતી.

ગુજરાત સીઆઈડી ક્રાઇમના વડા વખતે તેઓએ સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર કેસની તપાસમાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

સરકારે તેમની સાથે પક્ષપાતભર્યું વલણ દાખવી તેમનું પ્રમોશન અટકાવ્યું હોવાનો આરોપ લગાવી તેઓ કોર્ટમાં પણ ગયા હતા.

આખરે કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે તેમને ડીજીપીનું પ્રમોશન આપ્યું અને તેઓને ઘેટા અને ઊન વિકાસ નિગમમાં મોકલવામાં આવ્યા હતા.

કુલદીપ શર્મા રાજ્ય સરકારની ઇચ્છા વિરુદ્ધ ડેપ્યુટેશન પર દિલ્હી ગયા હતા. તેમને બ્યૂરો ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટના ઍડિશનલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.

કુલદીપ શર્માએ નિવૃત્તિ પછી કેન્દ્રીય ગૃહવિભાગમાં ઍડવાઝર તરીકે પણ સેવા આપી હતી.

નિવૃત્ત થયાના એક વર્ષ બાદ તેઓ વિધિવત્ રીતે કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો