Triple Talaq : કૉંગ્રેસના વિરોધ વચ્ચે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ થયું

સરકાર દ્વારા આજે લોકસભામાં ટ્રિપલ તલાક બિલને રજૂ કરવામાં આવ્યું છે. કૉંગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે ટ્રિપલ તલાક બિલનો વિરોધ કર્યો છે.

લોકસભામાં આજે ભારે હંગામા વચ્ચે કેન્દ્રીય કાયદામંત્રી રવિ શંકર પ્રસાદે ટ્રિપલ તલાક બિલ રજૂ કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદે લોકસભામાં બિલ રજૂ કરતા જણાવ્યું કે "મુસ્લિમ મહિલાઓના અધિકારોનું રક્ષણ થવું જોઈએ. આ બિલ મહિલાઓને ન્યાય અને મહિલાઓને અધિકાર આપે છે."

તેમણે વધુમાં જણાવ્યું, "લોકોએ આપણને કાયદો બનાવવા માટે ચૂંટ્યા છે. કાયદા બનાવવા એ આપણું કામ છે. કાયદો ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાઓને ન્યાય આપશે."

કૉંગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે ટ્રિપલ તલાક બિલ, 2019નો વિરોધ કર્યો છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં એનડીએએ મેળવેલી મહત્ત્વની જીત બાદ આજે સંસદમાં પહેલું બિલ રજૂ કર્યું હતું.

આ ટ્રિપલ તલાક બિલ હતું. સરકાર દ્વારા આ બિલ ગત ડિસેમ્બર મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું, આ બિલ લોકસભામાંથી પસાર થઈ ગયું હતું પરંતુ રાજ્યસભામાં સરકાર પાસે યોગ્ય સંખ્યા ન હોવાના કારણે બિલ પસાર થઈ શક્યું ન હતું.

શું છે તત્કાળ ટ્રિપલ તલાક?

તત્કાળ ટ્રિપલ તલાક અથવા તો 'તલાક-ઉલ-બિદ્દત' છૂટાછેડાની ઇસ્લામી પ્રથા છે. તેમાં પતિ તેની પત્નીને એકસાથે ત્રણ વખત 'તલાક' બોલીને તેમનાં લગ્નજીવનનો અંત આણી શકે છે.

'તલાક' શબ્દ ઉચ્ચારીને કે ટેક્સ્ટ મેસેજ કે ઈ-મેલ મારફત એમ કોઈ પણ રીતે સંદેશો મોકલીને મુસ્લિમ પતિ તેનાં પત્નીને છૂટાછેડા આપી શકે છે.

સંખ્યાબંધ મુસ્લિમ મહિલાઓએ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરી હતી.

તેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે આ વર્ષના ઑગસ્ટમાં ટ્રિપલ તલાકની પ્રથાને ગેરબંધારણીય ગણાવી હતી.

શું છે ટ્રિપલ તલાક બિલ?

આ પ્રથાથી તલાક આપનારને 'ટ્રિપલ તલાક બિલ'માં ત્રણ વર્ષની જેલની સજા ઉપરાંત તેને નોંધપાત્ર ગુનો ગણવાની જોગવાઈ કરવામાં આવી છે.

તેમાં ટ્રિપલ તલાક પ્રથાને નાબૂદ કરવાનું લક્ષ્ય છે. કેન્દ્ર સરકાર સુપ્રીમના ચુકાદા બાદ ટ્રિપલ તલાક મુદ્દેનું બિલ રાજ્યસભામાં પસાર નહીં થતાં વટહુકમ બહાર પાડ્યો હતો.

રાજ્યસભામાં એનડીએ (નૅશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ) પાસે બહુમત નહીં હોવાથી તે પસાર નહોતો થઈ શક્યો. જ્યારે લોકસભામાં તે પસાર થઈ ગયો હતો.

વિપક્ષોએ વિરોધ કરતાં તેમાં કેટલાક સુધારા સાથે તેને ફરીથી ગૃહમાં રજૂ કરી હવે તેના પર ચર્ચા કરવામાં આવી રહી છે.

નવું બિલ છેલ્લા વટહુકમની જગ્યા લેશે. અત્રે એ પણ નોંધવું કે વટહુકમની સમયાવધિ છ મહિનાની હોય છે.

મુસ્લિમો ટ્રિપલ તલાક પ્રથાને અનુસરે છે?

ભારતભરના સુન્ની મુસ્લિમોમાં ટ્રિપલ તલાકની વિવાદાસ્પદ પ્રથાને અનુસરવામાં આવે છે.

અલબત, સુન્ની ઈસ્લામના ત્રણ પંથ આ પ્રથાને હવે પ્રમાણભૂત ગણતા નથી.

સુન્ની ઈસ્લામનો ચોથો દેવબંદ એકમાત્ર એવો પંથ છે, જે ટ્રિપલ તલાકની પ્રથા સાથે સહમત્ છે.

ભારતમાં કેટલા મુસ્લિમો ટ્રિપલ તલાકનો ઉપયોગ કરે છે, તેના સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી.

આ સંબંધે એક ઑનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો. તેના તારણ અનુસાર, સર્વેક્ષણ હેઠળ આવરી લેવામાં આવેલા મુસ્લિમો પૈકીના એક ટકાથી પણ ઓછા મુસ્લિમોએ ટ્રિપલ તલાકનો ઉપયોગ કર્યો હતો.

કઈ રીતે ટ્રિપલ તલાક?

મુસ્લિમ પતિ છૂટાછેડાની શરૂઆત કરે તેને 'તલાક-ઉલ-અહસાન' કહેવામાં આવે છે.

આ પ્રક્રિયા ત્રણ મહિના સુધી ચાલવી જોઈએ, જેથી સંબંધમાં સુધારાનો અને પતિ-પત્ની વચ્ચેના મતભેદના નિવારણનો પૂરતો સમય મળી રહે.

મુસ્લિમ મહિલા તલાક માગે તો તેને 'ખુલા' કહેવામાં આવે છે.

મુસ્લિમ મહિલા તલાક ઇચ્છતી હોય, પણ તેના પતિ એ માટે સહમત ન હોય તો મુસ્લિમ મહિલા કાજી કે શરિયા કોર્ટમાં જઈ શકે છે.

આ અદાલતી પ્રક્રિયા મારફતે આપવામાં આવેલા તલાકને 'ફક્શ-એ-નિકાહ' કહેવામાં આવે છે.

મુસ્લિમ મહિલા તેના 'મેરેજ કોન્ટ્રાક્ટ' એટલે કે 'નિકાહનામા'માં તલાકની શરતો અને પ્રક્રિયા સ્પષ્ટ રીતે જણાવી શકે છે.

તેને 'તફવીધ-એ-તલાક' અથવા તો પત્નીને તલાકના અધિકારની સોંપણી કહેવામાં આવે છે.

વિશ્વમાં ટ્રિપલ તલાક

વિશ્વના અનેક દેશોમાં સ્થાનિક ન્યાયવ્યવસ્થા અને ટ્રિપલ તલાક વચ્ચે સંઘર્ષ થયા છે.

ભારત સિવાય વિશ્વના 22 અન્ય દેશોમાં ટ્રિપલ તલાક ઉપર પ્રતિબંધ છે, જેમાં સંયુક્ત આરબ અમિરાત, મલેશિયા, ઇજિપ્ત અને શ્રીલંકા જેવા દેશો પણ સમાવિષ્ટ છે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવાં ઇસ્લામિક રાષ્ટ્રોમાં પણ ટ્રિપલ તલાક ઉપર પ્રતિબંધ છે.

અલગ-અલગ નિયમ અને ચલણને કારણે 'મૌખિક તલાક'ની આ પ્રથા વિશ્વભરમાં કેટલી વ્યાપક છે, તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે.

સાઉદી અરેબિયામાં આ અંગે અલગ-અલગ અર્થઘટન પ્રવર્તે છે છતાં ત્યાં ટ્રિપલ તલાક પ્રચલિત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો