You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં 10 કરોડથી વધુ લોકોને ડાયાબિટીસ, દર્દીઓ કેમ વધી રહ્યા છે?
લૅન્સેટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, ભારતમાં 10. 1 કરોડ લોકો એટલે કે દેશની 11.4 ટકા વસતી ડાયાબિટીસથી પીડાઈ રહી છે.
તો ભારતના આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલા આ સર્વે અનુસાર, ભારતમાં 13.6 કરોડ લોકો (દેશની 15.3 ટકા વસતી) પ્રી-ડાયાબિટીસ સાથે જીવી રહી છે.
ટાઇપ-2 ડાયાબિટીસ આ બીમારીનું સૌથી સામાન્ય રૂપ છે.
ડાયાબિટીસમાં લોકોનાં શરીરમાં બ્લડશુગરની માત્રા વધી જાય છે, કારણ કે શરીર પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન હાર્મોનનું નિર્માણ કરી શકતું નથી. આ હાર્મોન યોગ્ય રીતે કાર્ય ન કરી શકવાને કારણે પણ ડાયાબિટીસ થાય છે.
ધ લૅન્સેટ ડાયાબિટીસ ઍન્ડ એન્ડોક્રિનોલૉજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, ભારતના તમામ રાજ્યને વ્યાપકરૂપે આવરી લેનારું પ્રથમ સંશોધન માનવામાં આવે છે, જેમાં દેશ પર અસંક્રામક રોગના બોજનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
સંશોધકોનું માનવું છે કે ભારતની વસતીમાં ડાયાબિટીસનો વ્યાપ અગાઉ લગાવવામાં આવેલા અંદાજ કરતાં ઘણો વધારે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અનુમાન લગાવ્યું હતું કે, ભારતમાં 7.7 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાશે અને લગભગ 2.5 કરોડ લોકો પ્રી-ડાયાબિટીસના હશે અને નજીકના ભવિષ્યમાં ડાયાબિટીસ થવાના જોખમને પ્રી-ડાયાબિટીસ કહેવામાં આવે છે.
પ્રી-ડાયાબિટીસ ધરાવતાં લોકોનું શું?
આ અભ્યાસનાં પ્રમુખ લેખિકા અને ડૉ. મોહનના ડાયાબિટીસ સ્પેશિયાલિટી સેન્ટરના મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. આર.એમ. અંજનાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યા અનુસાર, "આ સ્થિતિ ટાઈમ બૉમ્બ જેવી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે, "જો તમને પ્રી-ડાયાબિટીસ હોય, તો તે ડાયાબિટીસમાં ખૂબ જ ઝડપથી રૂપાંતરિત થાય છે. પ્રી-ડાયાબિટીસ ધરાવતાં 60 ટકાથી વધુ લોકોને આગામી પાંચ વર્ષમાં ડાયાબિટીસ થઈ શકે છે.”
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના સહયોગથી મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા એક દાયકો લાંબા ચાલેલા આ અભ્યાસમાં ભારતનાં દરેક રાજ્યમાંથી 20 વર્ષથી વધુ ઉંમરના 113,000 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
આ શોધ માટે 2008માં એકત્રિત કરવામાં આવેલા ડેટાને નેશનલ ફેમિલી હેલ્થ સર્વેની જનસંખ્યાનો ઉપયોગ કરતા 2021માં એકસ્ટ્રાપોલેટ કરવામાં આવ્યો હતો.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે સરકાર દ્વારા સ્વાસ્થ્ય અને સામાજિક સંકેતનું સૌથી વ્યાપક ઘરેલું સર્વેક્ષણ છે.
આ શોધ મુજબ ડાયાબિટીસનો વધુ વ્યાપ ગોવા (26.4 ટકા), પુડુચેરી (26.3 ટકા) અને કેરળ (25.5 ટકા)માં જોવા મળ્યો હતો.
આ અભ્યાસમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને અરુણાચલ પ્રદેશમાં ડાયાબિટીસ ઝડપથી વધવાનું જોખમ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આ પ્રાંતોમાં તેનો વ્યાપ ઓછો હતો.
શહેરોમાં કે ગ્રામીણ વિસ્તારમાં વધુ?
આ અભ્યાસ અનુસાર ડાયાબિટીસ ગ્રામીણ ક્ષેત્રોની સરખામણીએ શહેરી ક્ષેત્રોમાં વધુ પ્રચલિત છે.
બૉમ્બે હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ડાયાબિટોલૉજિસ્ટ રાહુલ બક્ષીએ બીબીસીને જણાવ્યું હતું કે, બદલાતી જીવનશૈલી, સારું જીવનસ્તર, શહેર તરફ સ્થળાંતર, અનિયમિત કામના કલાકો, તણાવ, પ્રદૂષણ, ખાવાની આદતમાં ફેરફાર, ફાસ્ટફૂડના ઉપયોગ વગેરે જેવાં કારણસર ભારતમાં ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે.
ડૉ. બક્ષી કહે છે કે, "ડાયાબિટીસ હવે માત્ર શહેરોમાં રહેતાં લોકો કે ઉચ્ચ વર્ગની બીમારી નથી."
"મારી પાસે નાનાં શહેરો અને કસ્બામાંથી મોટી માત્રામાં દરદી આવે છે. આ ક્ષેત્રોમાં પ્રી-ડાયાબિટીસનો વ્યાપ પણ વધારે છે અને આમાંથી મોટા ભાગના લોકોમાં લાંબા સમય સુધી બીમારીની ઓળખ થઈ શકી નથી."
ડૉ. બક્ષીએ કહ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોટી માત્રામાં યુવા દરદી પણ તેમની પાસે આવી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, "મેં કેટલાક કિસ્સાઓમાં જોયું છે જેમાં મારા દરદીનાં બાળકોએ ઘરે જ તેમનું બ્લડશુગર તપાસ્યું હતું અને તે ખૂબ ઊંચું આવ્યું હતું."
ટાઈપ-1, ટાઈપ-2 ડાયાબિટીસ એટલે શું?
વર્તમાન આંકડા અનુસાર, વિશ્વભરમાં દર 11 લોકોમાંથી એકને ડાયાબિટીસની બીમારી થાય છે. જેમાં હૃદયરોગ, હાર્ટ ઍટેક, અંધત્વ અને કિડની ફેલ થવાનું જોખમ વધારે છે.
ડાયાબિટીસને સામાન્ય રીતે ટાઇપ-1 અને ટાઇપ-2માં વિભાજિત કરવામાં આવે છે.
ટાઇપ-1 ડાયાબિટીસ એ રોગપ્રતિકારક શક્તિની એક બીમારી છે. તે શરીરમાં બીટા-કોશિકાઓ જેવી ઇન્સ્યુલિન ફેક્ટરીઓ પર હુમલો કરે છે, બ્લડશુગર લેવલને નિયંત્રિત કરવા માટે પૂરતું હોર્મોન ન હોવાના કારણે તે થાય છે.
ટાઇપ-2 ડાયાબિટીસ મોટા ભાગે નબળી જીવનશૈલીનો રોગ માનવામાં આવે છે, કારણ કે શરીરની ચરબી ઇન્સ્યુલિનની કાર્ય કરવાની રીતને પ્રભાવિત કરે છે.
ડાયાબિટીસનાં લક્ષણો શું હોય છે?
- વધુ તરસ લાગવી
- સામાન્ય કરતાં વધુ પેશાબ આવવો, ખાસ કરીને રાતે
- થાક લાગવો
- પ્રયાસ કર્યા વિના વજનમાં ઘટાડો થવો
- મોઢામાં છાલાં પડવાં
- આંખોની રોશની ઝાંખી પડવી
- ઘા રુઝાતા સમય લાગવો